“ખેતી વ્યવસાય” : માનવીય મૂલ્યોના જતન-વર્ધનનું ધરુવાડિયું

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

માનવીએ જીવનયાપન માટે કોઇને કોઇ એક ધંધો સ્વિકારવો પડે છે. આજ દિન સુધી આવા ધંધાઓ પૈતૃક વારસા તરીકે કરાતા રહ્યા અને પાયાની મર્યાદિત જરૂરિયાતોને સંતોષતા રહ્યા. પણ સમાજની જરૂરિયાતો જેમ જેમ વધતી ગઇ અને હર ક્ષેત્રમાં કેંદ્રીય ઔદ્યોગિકરણ થતું ગયું તેમ તેમ નવા વ્યવસાયો ઉમેરાતા ગયા અને કેટલાક સમૂળગા બંધ થઇ ગયા. વધુમાં ગ્રામીણ ભારતમાં વસ્તુ વિનિમય વડે જીવન જરૂરિયાતની ચીજો મેળવાતી રહી હોવાથી સંગ્રહશક્તિની એક મર્યાદા હતી. તેવામાં વચ્ચે નાણાંનું માધ્યમ અનિવાર્ય બની જતાં નાણાં કમાવા તરફનો ઝોક વધી ગયો. નાણાંને કારણે અમાપ સંગ્રહશક્તિનો ઉદય થયો. અને બધા ધંધાઓમાં કેમ વધુ નફો મેળવી નાણાં એકત્ર કરવાં, એ લક્ષ બની ગયું. તથા પ્રામાણિકતા, માનવતા, ધાર્મિકતા એક જુદા જ આધ્યાત્મિક ક્ષેત્રે ધકેલાઇ ગયા. ધંધામાં મિલાવટ કરી બીજાને છેતરવાનાં પાપ કરો તો એને ધોઇ નાખવા સવાર-સાંજ મંદિરે જતા રહો, બધું સરભર થઈ જાય ! પણ એવા મંદિરમાં પછી ભગવાન ઊભો રહે ખરો ?

પરંતુ એક ધંધો ખુદ એવા મંદિર જેવો છે કે જેમાં ભગવાન રહેવાનું પસંદ કરે છે. એના ધંધાર્થીના દિલમાં પૂજારીની ભાવના જાગૃત કરનારાં પરિબળો એના ફરતાં વિંટાળાઇ વળેલાં હોય છે. એ મંદિરમાં કુદરતની કૃપાની ઝાલર નિત્ય ઝણઝણતી હોય છે. તમામ જીવસૃષ્ટિ સાથેનું અવલંબન કે જોડાણ બીજા માટે ઘસાવાની વૃત્તિ જગાડે છે, કંઇક કરી છૂટવાની તમન્ના જગાડે છે. પ્રાણી તો શું, વનસ્પતિ જીવ સાથે એકાત્મની ભાવના પ્રગટાવે છે. મારો ઇશારો સમજી ગયા હશો મિત્રો ! ખેતીના વ્યવસાયમાં આ તાકાત છે.

ભૂલ કરે તો મા ક્યારેક ફટકારી પણ લે છે. રોતું બાળક ક્યાં જાય ? વધુને વધુ માની સોડમાં ભરાતું જાય છે. તો આખરે મા તેની ભીની આંખે છાતીસરસું ચાંપી લે છે. એમ ખેડુત માટે ‘ખેતી’ કેવળ ધંધો નથી. માતાના વાત્સલ્યમાં નિત્યનું થતું રહેતું સ્નાન છે.

ખેતી એક જીવનપ્રણાલી :

ખેતી એ બીજા ધંધાની માફક માત્ર પૈસા કમાવાની દ્ર્ષ્ટિએ કરાઇ રહેતો ધંધો જ નથી. જેમણે માત્ર પૈસા જ કમાવા છે એમને માટે આ દુનિયામાં અનેક ઉદ્યોગો અને વ્યવસાયો ખુલ્લા પડ્યા છે. એમણે ખેતી સામું ન જોવાય. મિત્રો ! જિંદગીમાં પૈસાનું એક મહત્વ જરૂર છે, પણ માત્ર પૈસો એ જ જીવન નથી. પૈસા કરતાં પણ વધુ કિંમતી વસ્તુઓ આ જીવનમાં સમજવા-જાણવાની, માણવા-અનુભવવાની, જીવવા-પામવા જેવી છે. એની જેમને મન થોડીકેય કિંમત હોય એમણે આ માનવીય મૂલ્યોના જતન અને વિકાસની ખેવના કરનાર ખેતીને એક જીવનપ્રણાલી તરીકે સ્વિકારવી. તો એને એમાં જરૂર જીવનની સાર્થકતા મળી રહેવાની.

ખેતી એ પાયાનો ધંધો અને ખેતી કરનાર જગતનો તાત કહેવાય છે.:

જૈન સાધુ રત્નસુંદર વિજયજીના પુસ્તકમાં વાંચ્યું છે કે “સૂર્ય એટલા માટે મહાન નથી કે તે આકાશમાં ખૂબ ઊંચે ઊગી ધગધગતો તાપ આપે છે. પણ સૂર્ય એટલા માટે મહાન છે કે તે સર્વત્ર પ્રકાશ પાથરી સૌને નવી ચેતના બક્ષે છે” એમ ખેડુત એટલા માટે મહાન નથી કે તે શરીરે લોંઠકો અને મહેનતમાં જબરો છે. ખેડુત એટલા માટે મહાન છે કે તે ધરતીની ધૂળમાંથી ધાન્ય પકાવી અન્યોના પેટનો જઠરાગ્નિ શાંત કરવા માટે યજ્ઞ આહુતિ બની રહ્યો છે. અન્ય ઉદ્યોગધંધાઓ પૈસા લાવી આપે છે, ગૌણ સગવડોની ચીજો બનાવી આપે છે. પણ પેટનો ખાડો પૂરી શકતા નથી. એટલે જ તો તાતા બિરલા કે અનિલ અંબાણી જેવા ઉદ્યોગ મહારથીઓને પણ ‘અન્નદાતા’ નું બિરૂદ નથી અપાતું. તેથી જ સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું હતું ને “ આ ધરતી પર છાતી કાઢીને જો કોઇને ચાલવાનો અધિકાર હોય તો એક માત્ર ખેડુતને કે જે ધરતીમાંથી ધાન્ય પકાવી સમાજને જિવાડે છે.

ખેતી કરવાની સાથોસાથ બીજાને ઉપયોગી થતું રહેવાય, અને જેનાથી પોતાની જાતને સંતોષ અને સન્માન પ્રાપ્ત થતાં રહે તે શું ઓછા ગૌરવની વાત ગણાય ?

ખેતી પૂરો પ્રામાણિક વ્યવસાય છે. :

મૂડી નહીં પણ વનસ્પતિ જ આ ધંધામાં ધંધાર્થીનો આરાધ્ય દેવ છે. એનાં બીજને ધરતીમાં પધરાવવું, છોડવો કે ઝાડવું જે ઊગે તેની તન અને મનથી રખેવાળી ને ગોવાળી કરતાં કરતાં જે ઉત્પન્ન મળે તેને જ પ્રભુનો પ્રસાદ માની લેવાનો. કુદરત આપે અને ખેડુત લે-એવી સીધી પ્રણાલી હોઇ, ખોટું કરનારી વચ્ચેની દલાલી ઊભી થતી નથી.

વનસ્પતિના વૈવિધ્યનો પૂરો ફાયદો ઉઠાવી શકાય છે:

જેમ માણસની વર વાપરની અને ખાધા ખોરાકીની પાર વિનાની માગણીઓ ઊભી થઈ રહી છે તેમ વનસ્પતિ જગતમાં એ બધી જરૂરિયાતો પૂરી પાડી શકે તેવી વિશિષ્ટ શક્તિવાળાં છોડવા-ઝાડવાંનીયે તાણ નથી. આપણે જરૂર શાની છે, બોલોને ! અનાજની કે કઠોળની ? શાકભાજીની કે ફળોની ? તેલ નીકળતા બીયાંની કે ઇમારતીબરના લાકડ-કૂકડની ? અરે ! મરી-મસાલા જેવા તેજાના પદાર્થો કે સુગંધી દ્રવ્યોની ? વહેલું-મોડું, એકલું કે ભેગું, જલ્દી કે લાંબેગાળે-શું વાવવાથી વધારે વળતર મળી શકશે, બસ એનો અભ્યાસ કરી લેવાનો ખેડુતે ! બધું જ પેદા થઈ શકે છે. આની આ ધરતી, આના આ હવા-પાણી અને આના આ સૂર્યપ્રકાશ વડે ! જરૂર હોય માત્ર વનસ્પતિનાં બીજની જાત અને પ્રકારની યોગ્ય પસંદગીની ! જોઇએ એવો રંગ અને ગમે તેવો ઘાટ, ભાવતો સ્વાદ અને જોઇએ એટલો જથ્થો પૂરો પાડી દેવાની, કહોને જે જે હેતુ પાર પાડવા હોય તે બધા જ હેતુ પાર પાડી દેવાની આ વ્યવસાયમાં ત્રેવડ સમાયેલી છે.

પશુ-પંખીઓના સહવાસના લાભ અને પ્રેમ સંપાદન થાય છે :

ખેતી એ વનસ્પતિ ઉપરાંત બીજા ઘણા જીવો સાથે સંકળાયેલ વ્યવસાય છે. જમીન માંહ્યલા સુક્ષ્મ જીવોથી શરૂ કરી – જમીન પર ફરનારા, પાકમાં ભમનારા, આકાશે ઊડનારા તથા ખેડુતની સાથે રહી, અનેક રીતે ઉપયોગી થનારા નાના મોટા જીવોનો પાર નથી. દરેકે દરેક તેની શક્તિ મુજબ કોઇક ને કોઇક રીતે ઉપયોગી થઇ રહેવાની વેતરણમાં જ હોય છે. દા.ત. ગાય. ગાયનું પાલન તો ખેતીનું અવિભાજ્ય અંગ ગણાયું છે. ગાયો ખેતીમાંથી મળતી આડપેદાશ રૂપી ઘાસ, પાંદડાં, નીરણનો આહાર કરી મૃત્યુલોકના અમૃત સમાન દૂધ આપે છે. જેની કાંધ પર આ દેશની ખેતીની ધૂંસરીનો ભાર વહન થઈ રહ્યો છે તેવી બળદશક્તિ અને ધરતીની ભૂખ ભાંગી શકે તેવું ગોબર રૂપી સેંદ્રીય ખાતર, અરે ! માનવ સ્વાસ્થ્યની ચિંતા સેવનાર દ્રવ્ય રૂપી ગોમૂત્ર ગાય પાસેથી મળે છે.

અને પ્રેમ ? માણસ માણસ વચ્ચે પ્રેમ હોય તે તો સામાન્ય બાબત થઈ. પણ માણસ અને ગાયો જેવા પશુઓ વચ્ચે, માણસ અને પંખીઓ વચ્ચે, માણસ અને ખિસકોલી-મધમાખીઓ વચ્ચે, કૂતરાં સાથે, અશ્વો સાથે, ઝાડવા અને છોડવા સાથે કેવો ગાઢ સ્નેહ સંબંધ બંધાઈ શકે છે એની પ્રતિતિ ખેતી વ્યવસાય કરાવી શકે છે.

વાડીના દરવાજામાં દાખલ થઇએ અને આપણાં પશુઓ કશોયે અણસાર ન દેખાડે તો તેમાં પશુઓની નહીં, ખેડુતની રખેવાળીની ખામી ગણાય. એમાંય એ ગાય, બળદ કે વાછરું જો ખીલે બાંધેલ ન હોય તો ઉતાવળે પાસે આવી હાથ ચાટવા માંડે, હિંહોરા કરી આપણને કંઇક કહેવા સારું ઓછું ઓછું થઈ જાય, અરે ! કુતરું તો મોઢું સુંઘવા બે પગે ઊભું થવા માંડે, પગમાં આળોટવા માંડે. ઘોડી હોય તો આગલા પગનો ડાબલો ઊંચો નીચો કરી, હણહણવાનું શરૂ કરી આવકાર આપવા માંડે. અરે ! તમે માનશો ? એપીસ ઇંડિકા જેવી મધમાખી માલિકના માથે ખુશીના ખાસ પ્રકારના અવાજો કરી ગણગણવા માંડે ! શું આપી દઈએ છીએ આપણે એને ? પેટપૂરણ ખોરાકથી વધારે કોઇ ખોરાક ખરો ? પણ એનો નિર્વ્યાજ પ્રેમ આપણો થાક ઉતારી દે છે, આપણામાં નવી ચેતના ભરી દે છે. આપણને નજીક આવતા ભાળી, ઝાડ પરની કોયલ ફફડાટ પામી ઊડી ન જાય, પરંતુ આપણા તરફ જોઇ પ્રેમાળ ટહુકો કરે તો આપણે તેની પ્રેમ કસોટીમાં પાસ થયા ગણાઇએ ! પશુ-પંખીઓમાં પ્રેમને પારખવાની અદભુત શક્તિ કુદરતે ભરેલી છે. કેવળ આપણે એને લાયક પક્ષધર બનવાનું છે.

ગાય, બળદ, ઘોડી, કૂતરું, પંખી કે મધમાખી ખેડુતના ધંધાના સાથીદારો છે અને માલિકને પ્રેમ કરે છે. કોઇ ફેક્ટરીમાં સંચો, મશીન, બોઇલર કે કોમ્પ્યુટર માલિકને ભાળી, ઊભું થઈ, ખુશીના અવાજો કરી કે તેનાં હાથ-પગ ચાટી પ્રેમ કરવા લાગે ખરું ?

અરે ! ખિસકોલી ને અળસિયાં, ઊધઈ ને કીડી-મકોડી, પંખી અને પતંગિયાં સૌની કળા અને કારીગરી, વફાદારી, ફરજો અને એની કાર્ય પદ્ધતિ બધાનો પરિચય પામી એના સહવાસમાંથી પોતાના જીવનમાં ધડો લેવાના પદાર્થપાઠ આ વ્યવસાયમાં મેળવી શકાય છે.

ખુલ્લું આકાશ, ધરતીનું સાંનિધ્ય, ઋતુઓ સાથે સંવાદ :

ખેતી એ તો કુદરતના સતત સાંનિધ્યવાળો, કુદરતની વચાળે રહીને જ કરાતો વ્યવસાય છે ભાઇ ! કેટકેટલી જાતની ને ભાતભાતની વનસ્પતિઓ, એના અનેરાં રૂપ-રંગો, પાર વિનાનાં ઝીણાં-મોટાં જીવડાંઓ, ચકલીથી માંડી મોર સુધીના પાંખધારીઓ, અરે ! વરસભરમાં બદલાતી રહેતી ત્રણ ત્રણ ઋતુઓ અને વાતાવરણમાં આવતા અવનવા ફેરફારો ! બધાની વચ્ચે રહેવાનું, જીવવાનું અને બધાં સાથે બંધાઇ રહેવાનું. પોતાના પકાવેલાં અન્ન, દૂધ-ઘી અને ફળ-શાકભાજી આરોગવાનાં. ચોખ્ખાં હવા-પાણી વાપરવાનાં, પરસેવે નીતરી જવાય એટલી મહેનત કરવાની. આ બધું સ્વૈચ્છિક અને ઉલ્લાસભર્યું હોય તો શરીરની તંદુરસ્તી ઉપરાંત મનની પ્રફુલ્લતા અને માનસિક શાંતિ પણ વધારે મળે છે. “જેવું અન્ન તેવો ઓડકાર !” ભલા, આહાર અને વિહાર જ એવા કે મનને સંતોષ મળે છે. પૈસાથી ગાદલાં, ગોદડાં કે પલંગ-પથારી મેળવી શકાય. ઊંઘ તો મનની શાંતિ અને સંતોષ હોય તો જ ગાઢી, થાક ઉતારી નાખે એવી આવી શકે. ખેતી આ અનુભવ કરાવે છે.

પૂરી સ્વતંત્રતાકલેક્ટર કરતાં વધારે સત્તા :

ઉત્તમ ખેતી…..એટલે જ કહી છે કે આમાં પોતાનું ધાર્યું બધું કરી શકાય છે. નોકરીમાં ગમે તેવો મોટો ઓફિસર હોય પણ એણે એનાથી મોટા ઓફિસરની છાંયામાં,એના હુકમ નીચે ફરજ બજાવવાની હોઇ, એના મન પર એક પ્રકારની બૉસની બીક હોય છે. ક્યારેક એની ચાપલૂસીએ કરવી પડતી હોય છે. પોતાના મનમાં ધારેલાં પગલાં ભરી શકાતાં નથી. જ્યારે ખેતી એવો વ્યવસાય છે કે જેમાં બહારની કોઇ સત્તાની આડખીલીઓ નથી હોતી કે કોઇ આયોજનો મંજુર કરાવવાં પડતાં નથી. ખેડુત પોતાના નિર્ણયો લેવા પૂરો સ્વતંત્ર છે. નિર્ણયો પછી આયોજનના હોય કે અમલીકરણના, ખરીદ-વેચાણના હોય કે કોઇ ફંકશનમાં બહારગામ જવાવા હોય – પોતે પોતાની ઇચ્છા મુજબ વર્તી શકે છે. હા, સ્વતંત્રતા સાથે ઝોખમ જોડાયેલું હોય છે. પિંજરાના પોપટને ખાવા મેવા મળે છે અને કિલકારી કરી સ્વતંત્ર ઊડી રહેલાને ચણ ગોતવા અને શિકારીઓથી બચવા સાવધાન રહેવું પડે છે.

કુદરતપરની શ્રદ્ધામાં સાતત્ય જળવાઇ રહે છે:

તમે જૂઓ ! ખેતીમાં બધું કુદરતી અને જીવંત છે. બિયારણ, છોડ, ઝાડ, નિંદણ, બળદ, મજૂર, રોગ-જીવાત બધાં જીવંત ! ઋતુઓ બધીના બદલાવ કુદરતી. વાતાવરણમાં થયા કરતા ફેરફારો બધા કુદરતી. મોલમાં સવા-કવા કેવા રહેશે કે ઉત્પાદન કેટલું મળશે તે બધાનો આધાર કુદરત પર જ. અને કુદરત-પ્રકૃતિનો રચનારો તો ભગવાન જ છે ને 1 ખેડુતે તો બસ ‘ખેતીકાર્યો’ રૂપી ભક્તિ કર્યે જવાની. ફળ દેવાનું ઉપરવાળાને હાથ ! ગીતાના “ કર્મણ્યે વાધિકા રસ્તે મા ફલેષુ કદાચન” નું કેવું સચોટ દર્શન ! પ્રભુકૃપા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ખેડુતના અંતરમાં કાયમી ધરબાયેલી હોઇ, ઈશ્વરને ભજવા માટે કોઇ પ્રકારની સેવા-પૂજા-પ્રાર્થના કે મંદિર-મસ્જિદ, દેરાં-દેવળમાં જઈ, ખાસ સમય લઈ દેખાડો કરવાની આવશ્યકતા જ રહેતી નથી. ખેડુતને તો ખેતર એ જ એનું મંદિર છે અને અંદર ઊભેલા છોડવા, ઝાડવાં, જીવડાં અને જાનવરો જ એને મન પ્રભુના પયગમ્બરો છે. ખેતી કરનારો કદી કુદરતને અવગણી શકે જ નહીં. એની દોરવણી પ્રમાણે ચાલવામાં જ એની જિંદગીનું સાફલ્ય છે.

ખેતી એ ગામડાંનો વ્યવસાય છે:

શહેર અને ગામડું બન્નેની રહેણી કરણી તથા બન્નેનાં સંસ્કૃતિ અને માનસ થોડાં અલગ અલગ છે. ખેતી એ ગામડામાં રહીને થનારો વ્યવસાય છે. ગામડાંમાં જ રહેતા હોઇએ એટલે આખા ગામનાં કુટુંબોને, જણ જણને ઓળખતા હોઇએ છીએ. બધાનાં સુખ-દુ;ખમાં ભળતા હોઇએ છીએ અને વખતો વખતની લાગણીઓ-વ્યવહારો પ્રદર્શિત કરતા હોઇએ છીએ. કહોને એકબીજા માટે ઉપયોગી થવાની, ઘસાઇ છૂટવાની એક અણકહી પરિપાટી જ ગામડાની હવામાં મહેકે છે. શહેરોમાં સંકડાશ, ઘોંઘાટ, પ્રદુષણ અને માપબારી દોડધામ. ભલે કમાણી થોડી વધારે થતી હશે એની ના નથી. પણ જીવન બહુ સાંકડું સ્વકેંદ્રિત થઈ જાય છે. અમેરિકા જઈ લખલૂટ ધન કમાનારા પતિ-પત્ની કે માવતર–બાળકો એકબીજા સાથે કેટલો વખત રહી શકે છે કે એક બીજાને કેટલો પ્રેમ આપી શકે છે એ તો જગજાહેર છે. તેમ સામે ખેતી કરનારો ખેડુત ગામડામાં રહી, પ્રમાણમાં શાંતિપૂર્ણ વાતાવરણ, મર્યાદિત જરૂરિયાતો અને વધુ પડતી દોડધામ વિનાના તથા સાદગીભર્યા જીવન સાથે કાંડાના બળે પ્રામાણિક રોટલો મેળવી કેવું મર્દાનગીભર્યું જીવન જીવી શકે છે એનો અનુભવ અમારી જેમ ઘણા જાગૃત ખેડુતોને થઈ રહ્યો હશે.


– હીરજી ભીંગરાડિયા | પંચવટી બાગ , માલપરા જિ. બોટાદ | મો+91 93275 72297

1 comment for ““ખેતી વ્યવસાય” : માનવીય મૂલ્યોના જતન-વર્ધનનું ધરુવાડિયું

  1. Dipak Dholakia
    January 25, 2018 at 2:10 pm

    હીરજીભાઈ, તમારા લેખો વેબગુર્જરીને એક ખાસ પ્રકારની ઓળખ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *