મંજૂષા : ૮ : “ઈમાં હેંણી હરમ…”

Facebooktwitterredditpinterestlinkedinmail

…વીનેશ અંતાણી

ડૉ. ભગવાનદાસ પટેલે ખેડબ્રહ્માના ભીલોના કંઠે રમતી અનેક લોકરચનાઓનું ઓડિયો કેસેટ્સમાં ધ્વનિમુદ્રણ કરી તેને પુસ્તકો રૂપે માત્ર ગુજરાત સમક્ષ જ નહી, દુનિયા સમક્ષ મૂકી આપવાનું મહત્ત્વનું કામ કર્યું છે. કહોને કે ભીલી લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને તેનો ઊંડો અભ્યાસ ભગવાનદાસભાઈનું જીવનકાર્ય બની રહ્યું છે. ભગવાનદાસભાઈએ ભીલી લોકસાહિત્યના અનેક ગ્રંથો પ્રકાશિત કર્યા છે. એમને એ જીવનમાર્ગે દોરી જનાર પરિબળો વિશે ભગવાનદાસભાઈએ ‘મારી લોકયાત્રા’ નામે પોતાની લોકસાંસ્કૃતિક યાત્રાની સંસ્મરણકથા આલેખતું પુસ્તક પણ આપ્યું છે.

આ પુસ્તકમાં ભગવાનભાઈએ ભીલ લોકોના જીવનની સાહજિકતા અને આજે આધુનિક કહેવાતી સુધરેલા લોકોની જીવનસમજને પણ સંકુચિત કહેવડાવે તેવી વિશાળ જીવનદ્રષ્ટિની કેટલીય રસમય વાતો કરી છે. તેઓ 1980ની સાલના સમયે ભીલોનાં લગ્નગીતોના સંશોધનનું કામ કરતા હતા. તે સમયે તેઓ એમના એક વિદ્યાર્થીની સાથે ખેડવા નામના ગામની નજીક પહોંચ્યા ત્યારે દૂરથી જ સ્ત્રી-પુરુષોનો ગાવાનો અવાજ સંભળાવા લાગ્યો. લાડીને પીઠીએ બેસાડવાની તૈયારી ચાલતી હતી.

ભગવાનદાસભાઈ લખે છે: “ઓસરીમાં યુવાન-યુવતીઓ નૃત્યની મુદ્રામાં ગાતાં હતાં. આંગણામાં કન્યાને પીઠી ચોળવાની વિધિ ચાલતી હતી. મારાં નેત્રો આશ્ચર્યથી વિસ્ફારિત થઈ ગયાં. ચણિયાનો કછોટો વાળીને પાટલા પર બેસેલી કન્યાના ખુલ્લાં અંગો પર માતા હળદરની પીઠી ચોળતી હતી અને કન્યા બાળકને સ્તનપાન કરાવતી હતી.”

ભગવાનદાસભાઈએ કન્યાના ખોળામાં સૂતેલા બાળકને જોઈને સાથે આવેલા વિદ્યાર્થીને પૂછયું: “કન્યાનું આ બીજું લગ્ન છે?” વિદ્યાર્થી મુક્ત મને હસી પડે છે ને કહે છે: “ના સાયેબ! એનું લગ્ન તો ગઈ સાલ થવાનું હતું, પણ વર દાપું (કન્યા શુલ્ક) આપી શક્યો નહીં, પણ દાપા પેટે ખેતી કામ કરવા સાસરીમાં આવતો-જતો રહેવા લાગ્યો. એથી એનું જ છોકરું છે.” એ વિશે કન્યા કે વરપક્ષવાળા કશો વાંધો લેતા નથી. વિદ્યાર્થીએ માહિતી આપી તેમ “અમારામાં તો કુંવારે જ ગોઠિયા-ગોઠણ (પ્રેમી-પ્રેમિકા) કરવાનો રિવાજ છે. ગોઠિયાથી થયેલું છોકરું હોય તોય નવો વર કન્યા અને છોકરાને રાખે, પણ કન્યાના બાપને દાપાના પૈસા થોડા મળે એટલું જ!”

એક પ્રસંગે ભગવાનદાસભાઈ બીજા એક ગામમાં પહોંચ્યા ત્યારે એક સિત્તેર વરસના વૃદ્ધનાં લગ્નની તૈયારી ચાલતી હતી. જુએ છે તો કુટુંબની સ્ત્રીઓ સિત્તેર વર્ષનાં સાસુ-સસરાને વધાવતી હતી. વરનું નામ દેવો હતું. દેવાએ નવાં કપડાં પહેર્યાં હતાં. આખું ઘર આનંદથી થિરકતું, હિલ્લોળા લેતું હતું. ભગવાનદાસભાઈએ ‘વરરાજા’ના પુત્રને સિત્તેરમા વર્ષે તારા બાપને પરણવાનું કારણ પૂછ્યું.

દીકરાએ જવાબ આપ્યો: “ગઈ સાલ મારી મા મરી ગઈ. બાપ એકલો પડી ગયો. એકલાની જિદગી શાને જાય? એટલે નવી મા લઈ આવ્યા. ભગવાનદાસભાઈએ વેધક પ્રશ્ર્ન પૂછ્યો: “ડોસાને ઘેર છોકરાંનાં પણ છોકરાં છે, પછી ડોસાને પરણતાં શરમ ન આવે?” જવાબ મળ્યો: “ઈમાં હેંણી હરમ? અમારામાં તો જુવાન છોરાંછોરી ભાગી જાય. પછી કુટુંબવાળાં પકડી લાવે. કન્યાના બાપને દાપું (કન્યા શુલ્ક) આપે એટલે લગ્ન થયું ગણાય. સિત્તેર વર્ષે ભોટ-ભોટી (ડોસા-ડોસી)ને અભિલાષા જાગે કે અમે નાતના રિવાજ જેમ લગ્ન કેમ કરીએ નહીં. ડોસી પીઠીએ બેસે. પિયરવાળાં પીઠીનાં ગીતો ગાય ને ડોસીને ખાટલે બેસાડી ‘મોરિયું’ (ખાસ પ્રકારનું ભીલી નૃત્ય) નચાવે. પીઠીએ બેઠેલો ડોસો પરણવા જાય. જાનમાં ડોસાનાં છૈયાંનાં ય છૈયાં ગાય ને ઢોલે નાચે. મા-બાપને પરણાવે ને વાજતેગાજતે બધાં ઘેર આવે.” ભગવાનદાસભાઈ નોંધે છે તેમ “સિત્તેરમા વર્ષે પણ મા-બાપ પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં પરણે તો પણ કોઈ પ્રકારનો સામાજિક છોછ નહીં, નિર્ભેળ આનંદ વહેંચાતો હોય. મને આવા ઉદાર લોકના વિશાળ હૃદયનો અનુભવ પહેલી વાર થયો હતો.”

ભગવાનદાસભાઈ પટેલે જેને આપણો કહેવાતો ભદ્ર અને સુધરેલો સુશિક્ષિત સમાજ પછાત કહીને ઉતારી પાડે છે તેવા મલકના લોકો સાથે જીવનતપ આદર્યું છે. આપણે એમને ગમાર માનીએ છીએ અને તક મળે તો એમની પાસે વેઠ કરાવીએ છીએ. ભગવાનભાઈએ એવા લોકોની સભ્યતાને પિછાણી છે, તેઓ એમની લોકસંસ્કૃતિની ભાતીગળ ભોંયમાં સોંસરવા ઊતર્યા છે. એમણે એમના કંઠસ્થ લોકસાહિત્યના ભંડારને ધ્વનિમુદ્રિત કરીને શબ્દદેહ આપ્યો છે. આવું ભગીરથ કાર્ય એમણે જાત ઘસીને, હજારો માઈલોની પદયાત્રા કરીને, ગાંઠનું ગોપીચંદન કરીને કર્યું છે. એમના જ પ્રયત્નો થકી દુનિયા સમક્ષ પ્રકાશિત થયેલું ભીલી લોકસાહિત્ય દેશ અને દુનિયાના અભ્યાસીઓને પ્રાપ્ત થયું છે. પોતાના આવા ભગીરથ કાર્ય વિશે ભગવાનદાસભાઈ એમની સંસ્મરણકથા ‘મારી લોકયાત્રામાં કહે છે: “આ મારી આત્મકથા નથી. ‘લોક’ને ઉકેલવા જતાં થયેલા અનુભવોની આનંદકથા છે. લોક કશું લખતો નથી; અનુભવે છે. આ અનુભવગાથા આગામી પેઢીને કહે છે. બીજી પેઢીને કહેતાં મેં કેટલુંક સાંભળ્યું-જોયું-માણ્યું એ બીજા સમાજને કહું છું. મૌખિક સંસ્કૃતિની ટપાલ અક્ષર સંસ્કૃતિને આપું છું, પણ લોકની ટપાલ ક્યારેય પૂરેપૂરી આપી શકાતી નથી.”

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

1 comment for “મંજૂષા : ૮ : “ઈમાં હેંણી હરમ…”

  1. samir dholakia
    January 23, 2018 at 1:46 pm

    Excellent ! We ‘literate’ treat illiterate with disdain. But they can really show us values of life as can be seen from write up of Vinesh Antani.
    Thanks .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *