વિમાસણ : સ્મૃતિ

Facebooktwitterredditpinterestlinkedinmail

-સમીર ધોળકિયા

દરેક વ્યક્તિને પોતાની અંગત અને કોઈ અન્ય સાથે જોડાયેલ સ્મૃતિઓ હોય છે. કેટલીક સ્મૃતિઓ સારી હોય છે, કેટલીક નથી હોતી. કોઈ આપણા મગજમાં ડેરો જમાવીને બેઠી રહે છે, તો કોઈ આવીને તરત જતી રહે છે. કોઈને યાદ ન રાખવાની ઇચ્છા હોવા છતાં તે મગજમાંથી જતી નથી, તો કોઈને યાદ રાખવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં એ રીસાયેલી રહીને મગજના અંદરના ભાગમાં ક્યાંક છુપાયેલી રહે છે અને પોતાની ઇચ્છા હોય ત્યારે જ પ્રગટ થાય છે !

સ્મૃતિ એક એવો વિષય છે કે જેના વિષે કોઈ ખોંખારો ખાઈ ને અભિપ્રાય આપી નથી શકતું. સામાન્ય અનુભવ એવો છે કે વ્યક્તિની સ્મૃતિ કે યાદશક્તિ ઉંમર વધે તેમ થોડી થોડી ઓછી થાય છે, પણ આ કોઇ એવો નિયમ નથી જે દરેક ને લાગુ પડે. અમુક લોકોની યાદશક્તિ ગમે તે ઉંમરે સતેજ હોય છે અને ઉંમરની કોઇ અસર તેમને વર્તાતી નથી. મોટી ઉંમરે એક અનુભવ તો દરેકને જરૂર થતો હશે કે પાંચ વર્ષ પહેલાં બનેલી વાત યાદ હોય કે ના હોય, પણ ૪૦ કે ૫૦ વર્ષ પહેલા બનેલા બનાવો બિલકુલ સચોટતાથી યાદ રહ્યા હોય! તેથી મને ઘણી વાર સવાલ થાય છે કે આપણું મગજ કેમ અમુક વસ્તુ છોડી દે છે અને કેમ અમુક વસ્તુ પકડી રાખે છે? આપણને બધાને વર્ષો વીત્યા પછી શું યાદ રહે છે અને શું નહિ? આનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. (જો કે તે અંગે ઘણા સિદ્ધાંતો અને અભિપ્રાયો પ્રચલિત છે).

હાલ આપણે મગજમાં સંઘરી રખાતા બનાવો વિષે વાત કરીએ.

નોકરી દરમ્યાન એક વાતચીતમાં એક મોટા અધિકારીએ અમને પૂછેલું કે તમને બધાને તમારી પ્રાથમિક શાળાના શિક્ષક/શિક્ષકો યાદ છે કે કોલેજના અધ્યાપકો. મોટા ભાગના લોકોને પ્રાથમિક શાળાના શિક્ષકો વધુ યાદ હતા અને કોલેજના અધ્યાપકો ઓછા! અધિકારીએ પૂછ્યું, આવું કેમ ? પછી એમણે પોતે જ જવાબ આપ્યો: જે વ્યક્તિ કે શિક્ષક તમારી જિંદગીમાં કોઇ ખાસ ફાળો આપે અથવા તમારામાં કંઈક ખાસ વિચારબીજ રોપે કે કંઇક ચોક્કસ સકારાત્મક પ્રક્રિયાની શરૂઆત કરી આપે તે વ્યક્તિ કે શિક્ષક લાંબા સમય માટે યાદ રહે છે! મને એ જવાબ બિલકુલ યોગ્ય લાગ્યો.

આના ઉપરથી કહી શકાય કે જે વ્યક્તિએ આપણા જીવનમાં કે કોઈ પણ પ્રકારના આપણા વિકાસમાં ફાળો આપ્યો હોય તેને આપણું મગજ બહુ જ નિષ્પક્ષ રીતે સહેલાઈથી યાદ રાખે છે. સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે જે વ્યક્તિએ કે બનાવે આપણને કારી ચોટ પહોચાડી હોય તે પણ બહુ જ લાંબા સમય સુધી આપણા સ્મૃતિપટ પર રહે છે.

ટૂંકમાં જે વ્યક્તિએ કે બનાવે સારી કે નરસી રીતે આપણને ગાઢ અસર કરી હોય તે આપણે જલ્દી ભૂલી શકતા નથી. અને એમાંય શારીરિક આઘાત આપતી બીનાઓ કરતાં માનસિક આઘાત આપતી બીનાઓ વધુ યાદ રહે છે. શા માટે આપણું દિમાગ માન કરતાં અપમાન વધુ લાંબા સમય માટે પકડી રાખે છે? 

એમ માની શકાય કે જે સ્મૃતિઓ આપણી લાગણી સાથે સંકળાયેલ હોય છે તે લાંબા સમય સુધી યાદ રહે છે અને ટકી પણ જાય છે, જયારે તર્કથી જોડાયેલ સ્મૃતિઓને યાદ રાખવા માટે ખાસ કારણની જરૂર પડે છે. ઉપરાંત નાની વયે મગજ પર જે સ્મૃતિઓ -સારી કે નરસી – અંકિત થાય છે તે લાંબા સમય સુધી સુધી તાજી રહે છે. મોટા થયા પછીની જિંદગીના જે-જે બનાવોએ, જે-જે વ્યક્તિઓએ આપણા જીવનમાં નાનામોટા ફેરફાર આણ્યા, અને જીવનને નવા વળાંક આપ્યા તે દરેક વ્યક્તિ આપણને યાદ રહે છે……પણ બાળપણના શિક્ષકો જેટલા નહિ!

પાછલી ઉંમરે જયારે સ્મૃતિ નબળી પડી હોય ત્યારે પણ અમુક સ્મૃતિઓ (ખાસ કરીને જૂની) આશ્ચર્યજનક રીતે બહુજ સ્પષ્ટપણે યાદ રહે છે, તેના કારણો વ્યક્તિ-વ્યક્તિ દીઠ અલગ હોય છે.

મગજની પ્રક્રિયા એટલી જટિલ છે કે શું યાદ રાખવું અને શું ન રાખવું તે વ્યક્તિના પોતાના હાથમાં નથી. તેના કારણે યાદ રાખવા કે ના રાખવા વિષે આપણે બનેલા બનાવોના ક્રમો તથા તેની અસર તપાસીએ તો જ કોઈ ઠોસ નિર્ણય પર આવી શકીએ. મગજનાં સ્મૃતિ અંગેનાં મુખ્ય ત્રણ કામ હોય છે- પહેલાં તો બનેલા બનાવની સ્મૃતિ મગજમાં સ્વીકારવી, પછી તેને જાળવવી-સાચવવી અને છેલ્લે જ્યારે જરૂર હોય ત્યારે તેને ઉપયોગમાં લેવા માટે પાછી લાવવી.

કયા બનાવો કે વ્યક્તિઓ ભૂલી જવાય છે અથવા તો સ્મૃતિમાં રહેતા નથી ?

આ વધારે અઘરો પ્રશ્ન છે, કારણકે દિમાગે ભુલાવી દીધેલ બનાવોની સંખ્યા ખૂબ વધારે હોય છે એટલે તેના માટે કોઈ સર્વસામાન્ય નિયમ કે સિદ્ધાંત શોધવો મુશ્કેલ છે. સહેલામાં સહેલો જવાબ એ હોઈ શકે કે આપણા મગજને જે કંઈ અગત્યનું ન લાગે તેને એ પોતાની ઊંડી કોતરો કે કંદરાઓમાં ધકેલી દે છે. કહેવાય છે કે કોઈ પણ સ્મૃતિનો ક્યારેય નાશ નથી થતો, તે ફક્ત પાછળ ધકેલાઈ જાય છે. આપણને બધાંને અનુભવ છે કે વર્ષો પહેલાં બનેલી કોઈ નાનકડી અને સાવ મામૂલી લાગતી વાત કે વ્યક્તિ કે જે આટલા વર્ષો સુધી ભુલાયેલી હતી, તે ઓચિંતી સ્મૃતિપટ પર ચમકી ઊઠતી હોય છે!

આપણા બધાંનો અનુભવ છે કે પરીક્ષા હોય તે વખતે વાંચેલું ફટાફટ યાદ રહે છે, પણ તે સિવાય નહિ! એનું કારણ તે વખતે મગજને એવો આદેશ મળી ચૂક્યો હોય છે કે વાંચેલું યાદ રાખવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે. મગજ કોઈ વાર આપણું માને, કોઈ વાર ન પણ માને. આપણા માટે અને આપણા જીવન માટે એ બાબતનું મૂલ્ય કેટલું છે તે સમજી વિચારીને મગજ આ નિર્ણય લે છે. એ નિર્ણયનો આપણે માનેલી અગ્રીમતા સાથે કોઇ વાર મેળ ખાય, કોઈ વાર ન પણ ખાય. અગાઉ કહ્યું તે મુજબ, મગજ આપણા અમુક આદેશો માને છે અને અમુક આદેશોની અવગણના કરે છે.

યાદ રાખવા માટે કોઈ ખાસ કસબ કે પુરવાર થયેલી રીત નથી, પણ જાણકાર લોકો એમ કહે છે કે જો મગજની શિસ્ત કેળવીએ તો તે આપણું કહ્યું ઘણા અંશે કરે છે!

હાલના સમયમાં તો યાદશક્તિ વધારવાના કે વધુ સતેજ કે ધારદાર કરવાના નિષ્ણાતો પણ મળી આવે છે પણ તેઓ કેટલે અંશે સફળ થાય છે એ એક મોટો સવાલ છે. આ નિષ્ણાતો સાવ ખોટા છે એવું કહેવું યોગ્ય નથી કારણકે જેમ પહેલવાનો કે ખેલાડીઓ પોતાના શરીરની ક્ષમતા/શક્તિ લાંબા સમય સુધીની કસરત અને ખોરાકથી વધારે છે તેમ દિમાગની ક્ષમતા/શક્તિ વધારવાના ઉપાયો પણ સાવ ખોટા તો ન જ હોઈ શકે. ફક્ત તે માટે કડક શિસ્ત અને આકરી મહેનતની જરૂર હોય છે.

કહેવાય છે કે ઉંમર વધવા સાથે મગજમાં લોહી ઓછું પહોંચવાથી તેની ક્ષમતા ઘટે છે. પણ ઘણા કિસ્સાઓમાં આનાથી ઉલટું પણ જોવા મળે છે. એવું જોવામાં આવ્યું છે કે આપણે જો મગજને કાર્યરત રાખીએ તો તે લાંબા સમય સુધી કાર્યક્ષમતાથી કામ કરી શકે છે. તેથી યાદ રહે તે પ્રક્રિયામાં મગજનું સતત કાર્યરત રહેવું જરૂરી છે. બની શકે તો ગમતું કામ કરતા રહીને મગજને કામ કરતું રાખીએ તો યાદ રહેવાની શક્યતા વધી જાય છે. હમણાં જ એક ૯૦ વર્ષના ‘યુવાન’ ને સાંભળ્યા ત્યારે આશ્ચર્ય થયું કે આટલી ઝડપથી તેમને નવી તથા જૂની વાતો આંકડા સાથે અને કોઈ દેખીતા પ્રયત્ન વગર કઈ રીતે યાદ રહેતી હશે …

એટલે એમ કહી શકાય કે ગમતું કાર્ય કરતાં રહેવાથી અને દિમાગની ધાર (તેના સતત ઉપયોગથી) તેજ રાખવાથી વધતી ઉંમરે પણ દિમાગને યુવાન અને કાર્યક્ષમ રાખી શકાય છે.

કહેવાય છે કે આપણે આપણા મગજની ખૂબ ઓછી શક્તિ વાપરી શકીએ છીએ અને દરેક વ્યક્તિનું દિમાગ એક અલગ અને અપૂર્વ ચીજ છે. એનામાં જુદી જુદી સ્મૃતિઓના એટલા બધા વળ હોય છે કે એક જ તર્ક કે સિદ્ધાંત વડે મગજની કામ કરવાની રીત સંપૂર્ણપણે સમજાવવી અઘરી છે. આપણે બધાં આ ભેદો સમજવાના પ્રયત્નોની સાથે સાથે, મગજને સદા આનંદિત અને કાર્યરત રાખીએ તો સ્મૃતિ અંગેના ઘણા પ્રશ્નોનું નિવારણ થઈ જાય.

સ્મૃતિના આટાપાટા કોઈ વાર અગમ્ય લાગે છે તો કોઈ વાર સરળ. પણ એક વસ્તુ નક્કી છે કે આ ખૂબ જ રસપ્રદ અને વિચારોત્તેજક પ્રક્રિયા છે.

યાદશક્તિ કે દિમાગના વિષયમાં હું કોઈ નિષ્ણાત નથી, ફક્ત સામાન્ય સમજથી આ જટિલ પ્રક્રિયાનું વિશ્લેષણ કરવાનો એક પ્રયત્ન કર્યો છે, કારણકે ગમતું કાર્ય કરતા રહેવાથી અને દિમાગની ધાર (તેના સતત ઉપયોગથી) તેજ રાખવાથી જ દિમાગને યુવાન રાખી શકાય છે !!!


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે

6 comments for “વિમાસણ : સ્મૃતિ

 1. Bhagwan thavrani
  January 22, 2018 at 7:41 pm

  સ્મરણના કેફનું એવું તો અમને લાગ્યું ઘેલું
  થતું, વીતી રહેલી ક્ષણ આ વીતી જાય તો સારું !

  • samir dholakia
   January 24, 2018 at 2:28 pm

   આભાર !

 2. Kishor Thakr
  January 22, 2018 at 7:52 pm

  ખૂબ સરસ લેખ છે. આમ તો કાવ્ય પંક્તિ છે કે માણ્યુ એનું સ્મરણ કરવું એ જ છે એક લહાવો, જે આપની વાતને અનુમોદિત કરે છે. જરા જુદી રીતે કહીએ કે માણ્યુ હોય તે આપોઆપ સ્મરણમાં રહી જાય છે.એજ રીતે દુખદ અનુભવ જેને ગણિતની ભાષામાં માઇનસ માણવું કહીએ તે પણ હંમેશા યાદ રહી જાય છે. આભાર સમીરભાઈ.

  • samir dholakia
   January 24, 2018 at 2:31 pm

   આપણી ભલી લાગણી તથા શબ્દો બદલ ખુબ ખુબ આભાર.

 3. January 23, 2018 at 3:24 pm

  મેં લખેલી ડાયરી વાંચી ફરી,
  યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
  (હરિશ્ચંદ્ર જોશી)
  याद आया था बिछड़ना तेरा,
  फिर नही याद के क्या याद आया !
  ये मुहब्बत भी है क्या रोग फ़राज़,
  जिसको भूले वो सदा याद आया !

  • samir dholakia
   January 24, 2018 at 2:32 pm

   ખુબ ખુબ આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *