કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૪

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

કિશન અને નમન અવાક્‍ રહી ગયા ! હવે બાને કઈ રીતે સમજાવે ? આ ઘડીએ ડોસીમા ખતરનાક લાગ્યા તેમને.

કિશને બાને ફોસલવવાનો પ્રયત્ન કર્યો, ‘ બા, અમે ગે નહોતાં કહેતાં, એ તો હું નમનને ગાવાનું કહેતો હતો.’

‘ જુઠ્ઠું નહી બોલ, તમે લોકો મારાથી કંઈ છૂપાવો છો, હેં ને ?’

નમનને થયું હવે બા સાથે થોડું સ્ટ્રિક થઈને જ કામ કરવું પડશે, ‘ બા, તમને જોઈએ છે ને કે અમે પ્રીતને સમજાવીએ ?’

‘ હા, તેનું શું ?’

‘ અમે ઈંગ્લિશમાં વાત કરીએ કે ગુજરાતીમાં, ગે કહીએ કે ગા, મુખ્ય વાત પ્રીતને સમજાવવાની છે ને ?’

‘ હા, તે તો છે જ ને !’

‘ તો પછી બસ, અમે અમારી રીતે અમારી ભાષામાં તેને સમજાવવાનો પ્રયત્ન કરીશું, તેમાં તમારે વચ્ચે કાંઈ બોલવાનું નહીં કે પૂછવાનું નહીં, કબૂલ છે શરત ?’

કિશન અને સ્નેહાને મલકતાં જોઈને ધનુબાને ખ્યાલ આવી ગયો કે ચૂપ રહેવામાં જ સાર છે. ત્યાં તો સરલાબહેને સૌને જમવા બોલાવ્યાં એટલે ધનુબા મનમાં બબડતાં બબડતાં સૌ સાથે ડાયનીંગ રૂમમાં ગયા.

નમને જમવા બેઠાં તે પહેલાં પ્રીતને ફોન કર્યો, ‘ હાય પ્રીત, હાઉ આર યુ ?’

‘ડોન્ટ આસ્ક, મારા ઘરનાં લોકો મારું મગજ ખાય ગયા છે.’

‘ યસ, વી નો. ફોઈ હેસ ટોલ્ડ એવરીથીંગ ટુ માય મમ. એની વે, વોટ આર યુ ડુઈંગ ટુનાઈટ ?’

‘ લુક યાર, યુ ઓલ નો એવરીથિંગ અબાઉટ મી, પછી મળીને શું કરીશું ‘

‘ નાઉ વી હેવ ટુ થીંક હાઉ ટુ હેન્ડલ ધ સેચ્યુએશન- બોથ સાઈડ્સ-યોર્સ અને અવર્સ. બીકોઝ વી આર બિઈંગ ગીવન ધ રીસપોન્સિબિલિટી ટુ ટોક ટુ યુ, મેન ! બોલ ક્યાં મળવું છે ?’

‘ વેર એવર યુ સે ‘

માઉથપીસ પર હાથ રાખી કિશન અને નંદા તરફ જોઈને ઈશારાથી ક્યાં મળવું છે તે પૂછ્યું.

‘ જ્યાં ઠીક લાગે ત્યાં વી ડોન્ટ માઈન્ડ ‘ કિશને, નંદા તરફ જોતાં જવાબ આપ્યો .

નમને જ નિર્ણય લઈને સૂચન કર્યું, ‘ એમ કર, પ્રીત, તું અમને પેલા આપણી જૂની સ્કૂલની સામે પબ છે ને ત્યાં મળ.

પ્રીતે ‘ઓ.કે, સી યુ સુન ‘ કહી ફોન મૂક્યો.

આજે ટર્મનો આખરી દિવસ હતો એટલે સૌ પોત પોતાના ફ્રેંડ્સને મળવા જવાના હતાં, તેમાં આ નવું કમિટમેન્ટ આવતાં કઈ રીતે બધું ગોઠવવું તે માટે જમતાં જમતાં, નંદા, નમન અને કિશને સાંજનું પ્લાનિંગ ધીમે અવાજે ઈંગ્લિશમાં કરી લીધું.

જો કે કિશનને આજે સ્નેહાને મળવા સિવાય કોઈ બીજી વાતમાં કે કોઈ બીજા ફ્રેંડ્સને મળવામાં રસ નહોતો. આમે ય સ્નેહા તરફ્નો પ્રતિભાવ કેવો હશે તે વિચારે ઉદ્વિગ્ન હતો જ, પરંતુ નંદા પર એને વિશ્વાસ અને ખાતરી છે કે એ કોઈને કોઈ રસ્તો શોધી કાઢશે જ.

નમને ફોન મૂકી, જમતાં જમતાં, કિશનને પૂછ્યું, ‘ આઈ એમ ગોઈંગ ટુ સી માય ફ્રેંડ્સ ઈન ધ સેઈમ પબ, એન્ડ ધેરફોર આઈ’એવ સજેસ્ટેડ પ્રીત ધેર, ઈઝ ધેટ ઓકે વિધ યુ બ્રો ?’

‘ કિશને બેપરવાહીથી કહ્યું, ‘ વોટ એવર, નમન, આઈ ડોન્ટ માઈન્ડ, એની વેર’

‘ વોટ્સ ધ મેટર બ્રધર’

‘ નથીંગ ‘

‘ ડોન્ટ લાઈ, યુ ડોન્ટ લુક ‘ઓ.કે’, કમ ઓન, ટેલ મી.’

કિશને નંદા સિવાય કોઈને જ તેના મનની વાત કરી નહોતી, પરંતુ આજે આ નવી પરિસ્થિતિ ઊભી થતાં એને એમ થયું કે વહેલાં-મોડાં મારે નમનને વાત કરવી તો પડશે જ. માત્ર સ્નેહાનો પ્રતિભાવ કેવો આવશે તે ખબર નહોતી એટલે સંકોચ થતો હતો, છતાંય ટૂંકમાં ધીમે સ્વરે વાત કરી. નમન ખૂબ સરસ મલક્યો.

નંદા અને સ્નેહાએ જમી લીધું હતું. સરલાબહેનનો આજે કામનો છેલ્લો દિવસ હતો અને સાથે સહકાર્યકરો માટે કેઇક લઈ જવાની હતી એટલે એમને લીફ્ટ જોઈશે એ વિચારે સ્નેહાએ સામેથી જ એ જવાબદારી ઉઠાવી લીધી. સ્નેહા કંપની માટે સાથે આવશે એમ નક્કી કરી લીધું જ્યારે સ્નેહા તૈયાર થવા ગઈ ત્યારે બન્ને ભાઈઓ સાથે ખાનગીમાં ક્યાં, કઈ રીતે અને કેટલા સમયે મળવું તે પણ નક્કી કરી લીધું. સ્નેહા અને કિશનને ક્યાં જવું જોઈ તે પણ સૂચવ્યું.

કિશને સ્નેહા માળ ઉપર ગઈ હતી એ તરફ ઈશારો કરી પૂછ્યું ‘ એને ખબર છે ને?’

‘ ના, પણ મમને મૂકીને પાછા વળતાં હું એને સમજાવી લઈશ, ટ્રસ્ટ મી બ્રધર ‘

ધનુબાની ઈન્ક્વાયરી શરુ થાય તે પહેલા સૌ રવાના થઈ ગયા.

ધનુબા એમની રોજની સીરિયલ જોવા બેઠાં.

સીરિયલમાં એકદમ ઈન્ટ્રેસ્ટીંગ સીન જામ્યો હતો. જેઠાણીઓ ભેગી મળી દેરાણીને કેમ હેરાન કરવી તેનાં પેંતરા રચતી હતી અને ત્યાં જ ધનુબાના ઘરનો ડોરબેલ વાગ્યો.

‘ અટાણે વળી કોણ આવ્યું…’બબડતાં બબડતાં ધનુબાએ આગલી બારીનો પડદો હટાવી બહાર જોયું. એમની જ સ્ટ્રીટમાં રહેતાં ડાહીબા હતાં.

મોઢું કટાણું કરી બારણું ખોલતાંની સાથે જ પૂછ્યું, ‘ અટાણે શીદ આવવાનું થયું ?’

‘ લે હવે ઘરમાં તો આવવા દે, પછી દરોગાની જેમ ઊલટ-તપાસ કરજે.’ બોલી ધનુબાને ખસેડી ડાહીબા રૂમમાં આવી ગયાં.

ચંપલ ઉતારી સીટિંગરૂમમાં જઈ સોફા પર જમાવ્યું.

ધનુબાના મોં પર હવે સીરિયલ જોવાશે નહીંની અકળામણ અને ડાહીબા પાસેથી હંમેશની જેમ સ્ટ્રીટમાં રહેતાં બીજા ઈન્ડિયનોના ઘરની રસપ્રદ વાતો સાંભળવા મળશેની મિક્સ લાગણી ઊપસી આવી.

ડાહીબાના મનનો ઊભરો ઠાલવવા માટે ઘણી બધી વ્યક્તિઓમાંથી ધનુબહેન પણ એક હતાં. એટલે ઔપચારિક સવાલ-જવાબની રાહ જોયા વગર તેમણે પોતાની કહાણીથી શરુઆત કરી, ‘ તને ખબર પડી કે નહીં, આ બે અઠવાડિયા પહેલાં હું તો મરતાં મરતાં બચી!’

‘લે, આ ઘોડા જેવું તો શરીર છે , તને શું થયું વળી ?’

‘બેન, આ શરીર તો ખાલી જોવાનું છે, બાકી સાચ્ચે જ ધનુ હું તો મરતાં મરતાં બચી. તું વાત જ જવા દે ને.’

‘ તો નહીં કહેતી….’

ધનુ પૂછશે નહીં તો એમની માંદગી વિષે કહેશે કેવી રીતે-નો ડાહીબાને ધ્રાસકો પડ્યો, ‘ લે, તે તારાથી શું છૂપાવાનું, કે’છે કે મને ડાયાબિટિસ છે.’

‘ લે, તેં તો સાચ્ચે જ કોથળામાંથી બિલાડું કાઢ્યું, કેટલાય લોકોને ડાયાબિટિસ થાય છે, તે બધાં કાંઈ મરી થોડાં જાય છે, વાત કરે છે!’

‘ ના ધનુ, એ તો હું એક દિવસ બેભાન થઈ ગઈ અને મને હોસ્પિટાલ લઈ ગયા ત્યારે ખબર પડી કે મને તો ડાયાબિટિસ છે, નહીં તો હું તો મરી જ જાત !’

ધનુબાએ ચા માટે પૂછ્યું પણ ‘ રાતના ઊંઘ ન આવે’ એમ ડાહીબહેને કહ્યું એટલે ધનુબા પાણી લેવા ઊઠ્યા.

પાછા આવી જોયું તો ડાહીબહેન ઊઠીને ધનુબાની મુકરર જગ્યાએ બેસી ગયા હતાં. ત્યાં સામાન્ય રીતે ધનુબા સિવાય કોઈ ન બેસે, અને ડાહીબા બેસી જાય તે થોડું કાંઈ ચાલે ?

‘ કેમ જગ્યા બદલી ? અહીં બેઠી હતી ત્યાં બેસે તો હીટરની ગરમી બરાબર આવેને!’

ડાહીબાએ હીટરની ઉપર ટિંગાડેલા માતાજીના ફોટા સામે આંખ આડે હાથ ધરી બોલ્યા, ‘ આ છે ને એટલે.’

ધનુબા કાંઈ સમજ્યા નહીં, પૂછ્યું, ‘ તે માતાજીની છબી તને ક્યાં નડી?’

‘ અમારા ગુરુએ કીધું છે અમારાથી અમારા ભગવાન સિવાય કોઈનો ફોટો પણ ન જોવાય.’

‘ લે, કર વાત, માતાજી તો આપણા જેવી સ્ત્રી છે તેને નહીં જોવાનું કોણ કહે છે ?’

‘ કહ્યું તો ખરું, અમારા ગુરુ પાસે કંઠી બંધાવી ત્યારે વચન આપ્યું હતું કે તેમના સિવાય કોઈ ભગવાનને માનીશ નહીં.’

‘ તે, અલી, એ થોડા કાંઈ ભગવાન છે ? આ રામ, કનૈયો, ગણપતિદાદા બધાં ભગવાન કહેવાય. માણસને કાંઈ ભગવાન થોડું ગણાય ?’

‘ બધુંય કહેવાય. જો જે દિ’થી અમે બધ્ધાએ કંઠી બંધાવી છે તે દિ’થી મારા ઘરમાં શાતિ થઈ.’

‘ એટલે હવે તને તારા વહુ-દીકરા સાથે ઝઘડો નથી થતો ?’

‘ એ તો કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહેવાની- એ લોકો થોડાં સુધરે કાંઈ ?’

ધનુબાએ ધારદાર સ્વરે પૂછી જ લીધું, ‘ તે, તું સુધરી કે નહીં ?’

‘ લે, મને થયું બે ઘડી તારી પાસે આવીને મન હલકું કરું, તો આ તો તું ય ટોણાં મારવા બેઠી.. ઘરની દાઝી વનમાં ગઈ તો ત્યાં ય લાગી લાય.’

‘ વાત જ એવી પાયા વગરની કરે પછી શું કરું?’

ડાહીબા જે વાતનો તાગ લેવા આવ્યાં હતાં તે વાત કાઢ્યા વગર જાય તેમ નહોતાં, એટલે લાગલી જ વાત ઊપાડી, ‘ ચાલ એ બધું રહેવા દે, અને મને એ કે’કે તેં આ બાજુવાળી લખમીની વહુને કેમ ઘરમાં ઘાલી છે?’

પોતાને હોંશિયાર માનતા ધનુબા આજે ડાહીબાને સમજવામાં ગોથું ખાઈ ગયા, ‘ ઓ, હવે ખબર પડી, મારા ઘરેથી બધાંને જતાં જોયા એટલે પંચાત કરવા આવી છે એમ કહે ને !’

ડાહીબા અપમાન સંજોગો અનુસાર ગ્રહણ કરે, એટલે આવા મોટા અપમાનને ગળી જઈને બોલ્યાં, ‘ મને તો તારું બળે એટલે ચેતવવા આવી હતી. તારે નહી સાંભળવું હોય તો લે હું તો આ ચાલી.’

બોલ્યા પછી પણ ઊઠવાની કોઈ નિશાની ધનુબાને દેખાઈ નહીં. અને એમને પણ હજુ ગામની બીજી બધી ખબર જાણવાની બાકી હતી . વાતને વટે ન ચઢાવતાં કહ્યું, ‘ ચાલ, એમ ખોટું ન લાગાડ. વાત એમ છે કે આ લક્ષ્મીબહેનની વહુ અમારી સરલાના પિયરના પડોશીની દીકરી નીકળી. પછી અમારાથી થોડી જ એને કાઢી મુકાય ?’

‘ હેં, સરલાના ઓળખીતાની દીકરી નીકળી એમને ? જોકે તારી વાતેય સાચી ! ઓળખીતું નીકળે એટલે બે આંખની શરમ રાખવી જ પડેને?’

પછી (મોં પર અપાર રહસ્ય આવી ) પૂછ્યું, ‘ આ લખમીની પેલી વાત ખબર પડી કે નહીં તને ?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *