





સુરેશ જાની
‘સર્વોચ્ચ ન્યાયાલયના ચાર વરિષ્ઠ ન્યાયધિશોએ મુખ્ય ન્યાયધીશ સામે બળાપો વ્યકત કરવા પત્રકાર પરિષદ કરી’ એ સમાચાર જાણીને મન ખળભળી ઊઠ્યું અને ‘શા માટે?’ નો આક્રોશ અભિવ્યક્ત થઈ ગયો.
· એમ કેમ કે, કોઇ પણ સારી ચીજ સદા સારી રહી શકતી નથી?
· એમ કેમ કે, જમાનાઓથી સારપ ઠેર ઠેર વેરાયેલી રહેવાં છતાં અસત્યનો ઘોડો જ સદા આગળ રહેતો હોય છે?
· શા માટે ‘सत्यमेव जयते’ નાં સૂત્રો વારંવાર ગાવાં પડે છે? શા માટે અનેક લોકોત્તર મહાત્માઓ, સંતો, યુગપરિવર્તકો અને પેગંબરો પેદા થયા છતાં અધર્મ ફૂલ્યો અને ફાલતો જ રહે છે?
· અસત્ય કપટ,સ્વાર્થની નો મહિમા ગાતી કોઈ મદરેસા કે પાઠશાળા ન હોવા છતાં એના પાઠ લોકો શા માટે બહુ જલદી આત્મસાત કરી લેતા હોય છે?
· એમ કેમ કે, સત્ય, નીતિ, શીલ શીખવાડવા પડે છે; અને છતાં તરત વિસરાઈ જાય છે.
· જીવન માટે શીલ જરૂરી છે જ. પણ પ્રેક્ટિકલ બનવા આપણે સૌ કયા શિક્ષણથી પ્રેરાઈએ છીએ?
· એમ કેમ કે, જો ઈશ્વર છે; તો પ્રતિ ઈશ્વર પણ છે જ?
· શું માનવતામાં પશુતા એટલી ધરબાઈને પડેલી છે કે, એનું આમૂલ પરિવર્તન કદી શક્ય જ નથી?
यदा यदा हि धर्मस्य ग्लाजिर्भवति भारत
अभ्युत्थानाय धर्मस्य तदात्मानं सृजाम्यहं ।
એમ કહીને શ્રી કૄષ્ણ કબુલ નથી કરતા કે, ધર્મની ગ્લાનિ તો થયા જ કરવાની?
શા માટે?
શા માટે?
શા માટે?
કોઈ પણ શીલ અને સદાચારના ચાહક, સમજદાર માણસને આવો આક્રોશ થાય જ – એવો માહોલ છે.
અને પછી આ વિચાર ઉદભવ્યો –
· ગુરુત્વાકર્ષણ છે; માટે દરેક ચીજ નીચે જ પડવાની.
· જડમાં કોઈક અજાણી તાકાત ભલે ને જીવન પ્રગટાવે. પણ તેનું મૃત્યુ નિશ્ચિત છે જ.
· એક સરસ મજાના પૂંઠા વાળું અને મનભાવન સુગંધથી તરબતર, નવું નક્કોર પુસ્તક ખરીદ્યું હતું. વાંચીને કબાટમાં મૂકી દીધું હતું. ગઈકાલે વીસેક વરસે મન થતાં, એને બહાર કાઢ્યું. અને આ શું? પાનાં પીળાં પડી ગયાં હતાં; જર્જરિત થઈ ગયાં હતાં, ન ગમે તેવી વાસ એમાંથી આવતી હતી.
આ જ તો પ્રકૃતિનો સામાન્ય નિયમ છે. બધું સતત અવનત થતું રહે છે. આખુંય અવકાશ અંધકારમય, શૂન્ય. અને ઠંડુગાર છે. ક્યાંક જ આગ ઝરતા તારાઓ છે. અને એ પણ અબજો વર્ષો પછી ‘બ્લેક હોલ’ બની જવાના છે!
‘શા માટે?’નો આ ન ગમતો ઉત્તર છે. એ જ વાસ્તવિકતા છે. આથી જ શીલ, સદાચાર, સુવિચાર, પ્રેમ, કરૂણા, સુંદરતા, માધુર્ય, વિકાસ, ઉન્નતિ. ઉત્ક્રાન્તિ ગમતાં હોય તો પણ; સૄષ્ટિનો ક્રમ જ છે – એ અવનત થવાનું, થવાનું અને થવાનું જ. એનો ગમ ન કરીએ. એ તો એમ જ હોય.
· નીચે પડેલી ચીજને ઉપર ચઢાવવા તાકાતની જરૂર પડે છે.
· વહી જતા પાણીને પમ્પ વડે ઊંચે ચઢાવવું પડે છે.
· જડમાં જીવન પ્રગટે છે; ત્યારે જ પ્રવૃત્તિ શક્ય બને છે.
· ગમે તેટલી દુષ્ટતા, કુરૂપતા, લોભ, મોહ, મદ, અહંકાર, લોલુપતા ન હોય; જીવન હમ્મેશ શુદ્ધ આનંદને માટે તલસે છે.
· ગમે તેટલો અંધકાર ન હોય; તારાઓ ઝગમગવાના જ.
· રાત ભલેને હોય; સૂર્ય પ્રકાશવાનો જ; જીવન પ્રગટાવવાનો જ.
જીવીએ છીએ, ત્યાં સુધી દિવો પ્રગટેલો રાખીએ. ઈશ્વરમાં માનીએ કે ન માનીએ; આત્મા/ પરમાત્માના વિવાદોમાં ફસાયા વિના આજની ઘડીને રળિયામણી બનાવતા રહીએ. આજુબાજુ ગમે તેટલી ગંદકી ન હોય…
· વૈષ્ણવજન બનીએ.
· સાચા ખ્રિસ્તી બનીએ
· પાક મુસ્લિમ બનીએ
· તપસ્વી જૈન બનીએ
· સૌ માટે મંગળકામના ચાહતા બુદ્ધ બનીએ
· માનવતાવાદી વિવેકપંથી બનીએ.
આવા વિચારો વ્યક્ત કર્યા પછી, બે વર્ષ બાદ મુંબાઈગરા મિત્ર શ્રી. મહેન્દ્ર ઠાકરે જીવનનો વાસ્તવિક ચિતાર આપતું આ ચિત્ર મોકલ્યું-
અને સંસ્કૃતમાં એક સરસ શ્લોક યાદ આવી ગયો હતો .
सर्व जातिशू चाण्डालाः
सर्व जातिशू ब्राहमणाः
ब्राह्मणेष्वपि चाण्डालाः
चाण्डालेष्वपि ब्राहमणाः ।
બધી જાતિઓમાં ચંડાળો ( દુર્જન) હોય છે.
બધી જાતિઓમાં બ્રાહ્મણો ( સજ્જનો) હોય છે.
બ્રાહ્મણોમાં પણ ચંડાળ હોય છે.
ચંડાળોમાં પણ બ્રાહ્મણ હોય છે.
અને તે દિવસે રસ્તા પરથી કાર ચલાવતાં આ અવલોકન …
સરસ મજાનો રસ્તો છે. બન્ને બાજુ અને રસ્તાની વચ્ચે પણ આંખને ઠારી દે તેવી હરિયાળી છવાયેલી છે. રસ્તાની એક બાજુએ શહેરનો જાણીતો પાર્ક છે. સહેજ આગળ જતાં એ રસ્તો શહેરના એક ઠીક ઠીક મોટા તળાવ નજીકથી પસાર થાય છે. મન નાચી ઊઠે તેવો માહોલ છે – કવિ હૃદયમાં કવિતા સ્ફૂરી ઊઠે તેવો.
પણ.. થોડાક જ ફૂટ નીચે શું છે? આખાયે શહેરની ગંદકીને શહેર બહાર ઠાલવતી બાર ફૂટ વ્યાસવાળી ગટરમાં લાખો લોકોએ સૂગથી ત્યજી દીધેલી, ગટર ગંગા વહી રહી છે. એમાં લાખો કીડા અને વંદા મહાલી રહ્યા છે. એ બધું નજરે પડે તો? ત્યાં નજર તો પહોંચે તેમ નથી છતાં એ છે તો ખરી જ.
…
સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી યોજાઈ છે. ફેશન પરેડની અંદર હરિફાઈ કરતાં હોય તેમ, સભ્ય સમાજના સદગ્રહસ્થો અને સન્નારીઓ, ચકાચૌંધ માહોલમાં મહાલી રહ્યા છે. બાજુના ટેબલ પર મોંઘીદાટ, જાતજાત અને ભાતભાતની, ખુશબૂદાર વાનગીઓની સોડમથી મોંમાં પાણી છૂટી જાય છે.
પણ એ દરેક સભ્ય જણ, પોતાની સાથે ગંદી, ઊબકા આવે તેવી વિષ્ટાથી ભરેલી કોથળી સંતાડીને ફરી રહ્યું છે – તેની ઉપર કદી આપણી નજર પડવાની નથી.
આછાં વસ્ત્રો પહેરેલી, રૂપરૂપના અંબાર જેવી નૃત્યાંગના સ્ટેજ ઉપર અંગો ઉછાળતી નાચી રહી છે. એના પ્રત્યેક નખરાં થકી પુરૂષોની કામૂકતા તો ઉત્તેજિત થાય છે જ; પણ દર્શક સ્ત્રીઓ પણ તેનાં રૂપને ઈર્ષ્યાના ભાવથી નિહાળી રહી છે.
પણ.. એના એ મનોહર, સૌંદર્યથી છલકાતી, ચામડીની એક જ મિલીમિટર નીચે લોહીથી લથબથ માંસ, ભય ઉપજાવે તેવા હાડપિંજરની ઉપર લટકી રહ્યું છે – તેની ઉપર આપણી નજર નથી જ પડવાની.
એક દેશનેતા મંચ પરથી લાખોની માનવમેદનીને સૂફિયાણી દેશદાઝ અને સેવાના ભેખની આલબેલ પુકારી રહ્યો છે. એની જોમભેર વાણીના પ્રવાહમાં, હકડેઠઠ માનવમેદની વાક્યે વાક્યને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.
પણ એ માંધાતાનું મન તો કલાક પછી, આંતરરાષ્ટ્રીય કમ્પનીના પ્રતિનિધિ પાસેથી કેટલા કરોડની લાંચ મળવાની છે; એના ખયાલોમાં નાચી રહ્યું છે – એની ખબર થોડી જ આમ જનને પડવાની છે? પણ એ મહાપ્રતાપી નેતાના સ્વીસ બેન્કના ખાતામાં એની દસ તો શું , સો પેઢી પણ ભોગવતાં ન ખૂટે તેટલો ભંડાર ભરેલો છે
ગગનચુંબી, વૈભવી ઈમારતો અને મહાલયોથી થોડેક જ દૂર દરેક ક્ષણે, સતત, માનવતા ગંદી ગલીઓમાં, ભૂખી, પ્યાસી દરિદ્રતાના બધાં દૂષણોમાં મજબૂરીથી કણસી રહી છે – તે આપણી નજરે કદી પડે છે?
નકારાત્મક દૃષ્ટિ? પાણીથી અડધો ભરેલો પ્યાલો – ખાલી પણ કહી શકાય; અને ભરેલો પણ કહી શકાય. ચમકતા રૂપની પાછળ ગંદી, ગોબરી કુરૂપતા પણ નિહાળી શકાય. જેવી જેની નજર. પણ સત્ય તો કઠોર છે – રૂપ અને કુરૂપ બન્ને છે, છે ને છે જ. રૂપ, કુરૂપ બન્ને હોવા છતાં – એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તૈયારી આપણે કેળવી શકીએ? જગતના સર્જન કાળથી જ બન્નેનો આવિર્ભાવ થતો રહ્યો છે.
રૂપના પરમાણુ અને કુરૂપના પરમાણુમાં કોઈ તાત્વિક ભેદ નથી; એટલે કે, એમાં આ સારું અને આ ખરાબ – એવું કશું હોતું નથી. હું, તમે, આપણે સૌ .દરેક વસ્તુને આપણી મનોવૃત્તિ મુજબ સારા/ નરસામાં; ગમતા/ અણગમતામાં વિભાજિત કરવા માટે ટેવાયેલા છીએ.
પણ વાસ્તવિકતા તો એ છે કે, દરેક ચીજને અનેક પાસાં હોય જ છે. પ્રેમ અને ધિક્કાર એક જ ગુણના બે પ્રતિબિંબો છે. આપણે સાવ અજાણી વ્યક્તિને ધિક્કારતા નથી હોતા. આપણા અંગત દુશ્મનો એક કાળે આપણા મિત્રો જ હતા. પણ, આપણે સતત ન્યાય આપતા ન્યાયાધીશો હોઈએ છીએ!
જેમ જેમ આપણે જાગૃત થતા જઈએ, તેમ તેમ જીવનનાં આવાં અનેક રૂપ આપણને દેખાવા લાગે, અને સમતા ગાઢ બનતી જાય. જ્યારે આપણે પુરા જાગૃત બની જઈએ, ત્યારે પૂર્ણ પ્રકાશનો અનુભવ થાય કે…
સતત, સદા, દરેકે દરેકે દરેક ચીજ પરિવર્તન પામતી હોય છે. ગણી ન શકાય તેટલા અણુઓ અને પરમાણુઓ સતત એક મેક સાથે સંયોજાતા રહે છે – વિખૂટા પડતા રહે છે. આકારો સર્જાય છે, અને વિલય પામે છે. અરે! એ દરેક પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન તિવ્ર ગતિથી કેન્દ્રની આજુબાજુ ઘૂમ્યા કરતા હોય છે.
આમાં શું સાચું, અને શું ખોટું? સારું અને ખરાબ – એવી વ્યાખ્યાઓ તો આપણે ઊભી કરી છે. એ ત્રાજવાં તો આપણા મને બનાવ્યાં છે. આપણે એને ત્યજવા શક્તિમાન નથી.
કે પછી એવા શક્તિમાન આપણે બની શકીએ તેમ છીએ?
બહુ જ વિશ્લેષણયુક્ત અને સચોટ લેખ. અભિનંદન
તમારું અવલોકન અને પછી ઉઠતા સવાલો “શા માટે” તે ઘણા વ્યાજબી છે. તેટલુ જ વ્યાજબી પેલા ચાર ન્યાયાધીશે બોલાવેલી પત્રકાર પરિષદ નું કારણ હોઈ શેકે.