





– બીરેન કોઠારી
ઉજવણીઓનું સુખ એ હોય છે કે તેને લઈને હંમેશાં ધમાલમસ્તીનો માહોલ જળવાયેલો રહે છે, અને મૂળભૂત સમસ્યાઓ કદી ધ્યાને પડતી નથી. તેને લઈને તેના ઊકેલ માટે ધોરણસરના પ્રયત્નો થતા નથી. શાળામાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એ પ્રવેશોત્સવ અને શાળાઓનું મૂલ્યાંકન થાય એ ગુણોત્સવ તરીકે ઓળખાતા હોય ત્યારે શિક્ષણની ગુણવત્તાને લગતો ‘ગુણવત્તોત્સવ’ કોઈ શું કામ ઊજવે?
આવા માહોલમાં બે અલગ અલગ સમાચાર જાણવા જેવા છે.
ગત વર્ષે 6 ઑક્ટોબરના રોજ સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે શાળા શિક્ષણ બોર્ડના તમામ વડાઓને પત્ર લખીને અનુરોધ કર્યો હતો કે વિદ્યાર્થીઓને ઢગલામોઢે માર્ક આપવાની પ્રથાને તેઓ પૂર્ણપણે ટાળે. પરીક્ષાઓના પરિણામના ફુગાવાને લઈને દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારીત ગુણ અવાસ્તવિક રીતે વધી ગયા હતા. કેન્દ્રીય બોર્ડના આ અનુરોધનો પ્રત્યુત્તર ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, આસામ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગણા તેમજ ગોવા જેવાં રાજ્યો દ્વારા પાઠવવામાં આવ્યો હતો. મોટા ભાગનાં રાજ્યોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેઓ વધુ પડતા ગુણ નહીં મૂકે અથવા તો ‘મોડરેશન’ની નીતિ પર પુનર્વિચાર કરશે. કેન્દ્રીય માનવ સંસાધન વિભાગનો, ‘મોડરેશન’ની નીતિને અટકાવવાનો આ બીજો પ્રયાસ છે. ‘મોડરેશન’ની નીતિ અનુસાર વિદ્યાર્થીને 15 ટકા સુધીના વધારાના ગુણ આપી શકાય છે. ‘અસાધારણપણે અઘરા’ વિષયમાં વિદ્યાર્થી અટકી ન પડે અથવા પ્રશ્નપત્ર કાઢવામાં કશા ફેરફાર થયેલા હોય એ સંજોગોમાં વિદ્યાર્થીને આવા વધારાના ગુણ આપવાની જોગવાઈ છે, જેથી પાસ થવામાં થોડા ગુણ ખૂટતા હોય તો તેને વાંધો ન આવે અને વર્ષ ન બગડે. અલબત્ત, આ જોગવાઈ સૈદ્ધાંતિક જ રહી ગઈ છે. શંકા એવી છે કે પોતાના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અન્ય શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકવા માટે સ્પર્ધાત્મક દેખાવ કરી શકે એ માટે બઢાવીચઢાવીને ગુણ આપે છે અને આ જોગવાઈનો દુરુપયોગ કરે છે.
ગયે વર્ષે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સી.બી.એસ.ઈ.)ના બારમા ધોરણમાં ગુણો નહીં વધારવાના નિર્ણયને પલટાવવામાં આવ્યો હતો. આ નિર્ણય છેલ્લી ઘડીએ લેવાયેલો છે એમ હાઈકોર્ટે જણાવ્યું હતું. આનો અર્થ એ થયો કે આ વર્ષે પણ ગુણ વધારીને મૂકવામાં આવેલા છે.
અનિલ સ્વરૂપે તાજેતરમાં કરેલા અનુરોધ અનુસાર કૃપાગુણની નીતિ ત્યારે જ અમલી કરી શકાશે જ્યારે તે અંગેની નીતિની ઘોષણા કરવામાં આવે અને તમામ બૉર્ડમાં શિક્ષણેતર પ્રવૃત્તિઓનું મહત્વ એકસમાન હોય.
આમ, એક તરફ બારમું પાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો પુરવઠો વધુ પડતો થઈ રહ્યો છે.
આ સંજોગોમાં બીજા એક શૈક્ષણિક સમાચાર પણ જાણવા જેવા છે. આપણા દેશનાં કુલ છ રાજ્યો- હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ તેમજ તેલંગણા દ્વારા ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફૉર ટેકનિકલ એજ્યુકેશન (એ.આઈ.સી.ટી.ઈ.)ને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષથી તેઓ આ રાજ્યોમાં નવી ઈજનેરી કૉલેજો શરૂ ન કરે. એટલું જ નહીં, પ્રવર્તમાન ઈજનેરી કૉલેજોમાં બેઠકોની ક્ષમતા વધારવા પર પણ પ્રતિબંધ મૂકવાની તેમણે માગણી કરી છે.
એક અંદાજ મુજબ ભારતના ટેકનિકલ શિક્ષણમાં 70 ટકા હિસ્સો એન્જિનિયરિંગના અભ્યાસક્રમના વિદ્યાર્થીઓનો છે. એમ.બી.એ, ફાર્મસી, કમ્પ્યૂટર એપ્લીકેશન, આર્કિટેક્ચર, ટાઉન પ્લાનિંગ, હોટેલ મેનેજમેન્ટ તેમજ કળા જેવી વિદ્યાશાખાઓમાં બાકીના વિદ્યાર્થીઓ હોય છે. આ સંજોગોમાં પણ દેશભરની કુલ 3,291 ઈજનેરી કૉલેજોમાંની બી.ઈ./બી.ટેક.ના અભ્યાસક્રમની સાડા પંદર લાખ બેઠકોમાંથી વર્ષ 2016-17માં 51 ટકા બેઠકો ખાલી રહી હતી. આ આંકડા એ.આઈ.સી.ટી.ઈ.ના છે.
એ.આઈ.સી.ટી.ઈ.ના ચેરમેન અનિલ સહસ્રબુદ્ધેના જણાવ્યા મુજબ કાઉન્સિલ દ્વારા છમાંથી હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશને બાદ કરતાં બાકીનાં ચાર રાજ્યોની માગણીને ધ્યાનમાં લેવામાં આવી છે અને ભવિષ્યમાં તેમનો અભિપ્રાય ધ્યાનમાં રાખીને નવી કૉલેજો માટે મંજૂરી આપવામાં આવશે. હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશે નવી કૉલેજોને મંજૂરી આપવાની સ્પષ્ટપણે ના પાડી છે.
મધ્ય પ્રદેશમાં વર્ષ 2016-17 દરમિયાન 58 ટકા ઈજનેરી બેઠકો ખાલી રહી હતી, જ્યારે હિમાચલ પ્રદેશમાં 74 ટકા બેઠકો ખાલી રહી હતી. અગ્રણી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા આ હકીકતના કારણની તપાસ ચાલી રહી હતી. તેના કારણમાં કથિત ભ્રષ્ટાચાર, માળખાકીય સવલતોની અછત, ઉદ્યોગો સાથેના આકલનનો અભાવ વગેરે કારણો ધ્યાનમાં આવ્યાં હતાં. તેને કારણે આ સંસ્થાઓમાં તૈયાર થયેલા ઈજનેરો માટે રોજગારીની મોટી સમસ્યા હતી. બીજી રીતે કહીએ તો અહીંથી કેવળ બી.ઈ. કે બી.ટેક.ની ડિગ્રી જ મળતી હતી, તેને અનુરૂપ કૌશલ્ય અને લાયકાત નહીં.
વર્ષ 2017માં ગુજરાતમાં ત્રીસેક હજાર બેઠકો ખાલી રહેવાનો અંદાજ હતો.
હવે આ બન્ને સમાચારોને એકબીજા સાથે સાંકળીને જોવા જેવા છે. એક તરફ શાળાઓ ઢગલાબંધ ગુણ આપવાના રવાડે ચડી છે, કેમ કે, આંકડાકીય રીતે શાળાનું પરિણામ સારું દેખાય અને વિદ્યાર્થીઓ જે તે ધોરણમાં સ્થગિત થવાને બદલે આગળ વધે. બીજી તરફ ઈજનેરી કૉલેજોમાં બેઠકોનો ફુગાવો એટલી હદે થઈ ગયો છે કે ત્યાં બેઠકો ભરાતી નથી. પુરવઠો ભરપૂર છે, છતાં બેઠકોની સંખ્યા એ હદે વધુ છે કે તે ખાલી રહે છે. જે વિદ્યાર્થીઓ અહીં પ્રવેશ મેળવે છે અને ઈજનેરની ડીગ્રી મેળવે છે તેમને માટે રોજગારીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી એ ઉઘાડું સત્ય છે. આથી ઈજનેર બનેલા વિદ્યાર્થીઓ હવે વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને ત્યાં ભણવા જઈ રહ્યા છે. શિક્ષિત યુવાધન રોજગારીના અભાવે વિદેશમાં જવા માંડે એ ઘટના ‘બ્રેન ડ્રેન’ તરીકે ઓળખાય છે. આ સમસ્યા ઘણી જૂની છે. મૂળ વાત એ છે કે આપણને કદી આપણી શિક્ષણપ્રણાલિમાં કરવા જરૂરી ફેરફારોના વિચાર આવતા નથી. જે પણ વિચાર આવ્યા છે અને તેનો અમલ કરવામાં આવ્યો છે એ શિક્ષણ થકી આવક રળવાના, નહીં કે તેની ગુણવત્તા સુધારવાના. પરીક્ષામાં કેવળ ઉત્તમ ગુણ આવે એ આપણને પૂરતા લાગે છે અને એમાં જ આપણે ઈતિશ્રી માની લેતા હોઈએ છીએ. ખરેખરું કૌશલ્ય કેળવાયું છે કે કેમ તેની પડી નથી.
ઈજનેરી વિદ્યાશાખાની બેઠકો વધે કે ન વધે, માનો કે બધેબધી ભરાઈ પણ જાય, છતાં ત્યાર પછી બહાર પડનારા ઈજનેરોની રોજગારીનું શું? તેમને રોજગારી અપાવી શકે એવા કૌશલ્યનું શું? આવા અનેક સવાલો છે. જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે એ થાગડથીગડ છે. ધરમૂળથી આખી પ્રણાલિમાં ફેરફાર થાય તો જ કોઈ નક્કર પરિણામ આવે. એ ક્યારે થશે, કોના દ્વારા અને કેવી રીતે થશે એ ખબર નથી. ત્યાં સુધી શાળાઓમાં વધુ ને વધુ ગુણ મેળવવાની અને સંતાનને કોઈ પણ ભોગે ઈજનેર બનાવી દેવાની દોડમાં દોડતા રહેવાનો ક્રમ ચાલતો રહેવા દેવો કે નહીં, એ આપણે નક્કી કરવાનું છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૪-૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)