વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૪) :: પશુ યા પક્ષી તરીકે ગાંધી

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

આશરે એક વર્ષ ચાલેલી આ વિશિષ્ટ શ્રેણીમાં ગાંધીજી પર દોરાયેલાં વિવિધ કાર્ટૂનોનો વિષયવાર અભ્યાસ કર્યો. અનેક કાર્ટૂનિસ્ટો માટે ગાંધીજી પ્રેરણા બની રહ્યા છે અને ભવિષ્યમાં પણ બની રહેશે. અહીં દર્શાવવામાં આવેલાં કાર્ટૂનો પસંદ કરેલાં થોડા કાર્ટૂનોમાંના હતાં, જે કેવળ દિશાનિર્દેશ કરતાં હતાં. રસ ધરાવનાર આ દિશામાં આગળ વધી શકે છે.

આ શ્રેણીમાં આશરે સોથી સવાસો કાર્ટૂનો રજૂ કરવામાં આવ્યાં, જેમાં 1906 થી છેક 2017 સુધીનો સમયગાળો આવરી લેવામાં આવ્યો હતો. આ શ્રેણીની આ અંતિમ કડી છે, જેમાં પશુ યા પક્ષીરૂપે ગાંધીજીને દર્શાવવામાં આવ્યાં હોય એવાં કેટલાંક કાર્ટૂનોની વાત કરવામાં આવી છે.

**** **** ****

કાર્ટૂનિસ્ટોની એક ખાસિયત જે તે વ્યક્તિને ચોક્કસ પશુ કે પક્ષી તરીકે દર્શાવવાની હોય છે. તેમાં કાર્ટૂનનો વિષય કયો છે તે અગત્યનું છે. પણ એથી વધુ અગત્યનું છે જે તે પાત્રના ચહેરાની લાક્ષણિકતાઓ કેવી છે. એટલે કે તેના ચહેરાનો કયો ભાગ વિશિષ્ટ છે એ મુજબ પણ જે તે પાત્રને કયા સ્વરૂપે દેખાડવું એ નક્કી કરાતું હોય છે.

ગાંધીજીના ચહેરામાં એવી અનેક લાક્ષણિકતાઓ જોઈ શકાય છે, જે કાર્ટૂનિસ્ટોને આકર્ષે. તેમનું નાક, કાન, સપાટ માથું વગેરેને કેરીકેચરમાં વધુ પડતા લાંબા બતાવવા છતાં ગાંધીજીનો ચહેરો આસાનીથી ઓળખી શકાય છે.

અહીં કેટલાક એવાં કાર્ટૂનો જોઈએ કે જેમાં ગાંધીજીના ચહેરાને વિવિધ પશુ યા પક્ષીના સ્વરૂપે દર્શાવાયો હોય.

**** **** ****

મીકી માઉસ કાર્ટૂનોની દુનિયાનું અતિ લોકપ્રિય અને ખ્યાતનામ પાત્ર છે. ગાંધી‍જીના કાન જોઈને સરોજિની નાયડુએ તેમને ‘મિકી માઉસ’ સાથે સરખાવ્યા હતા. ગાંધીજીની સિત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે ઑલ ઈન્ડીયા રેડિયો પરથી કરવામાં આવેલા એક પ્રસારણમાં સરોજિનીએ કહેલું, ‘આ નાનકડા જીવને મેં એક વાર મિકી માઉસ કહી દીધું હતું.’ સરોજિનીની આ વાતને કાર્ટૂનિસ્ટ વિક્રમ વર્માએ કાર્ટૂન સ્વરૂપે ચીતરી. આ કાર્ટૂન લાહોરના ‘સિવિલ એન્‍ડ મિલીટરી ગેઝેટ’માં પ્રકાશિત થયું હતું. નીચે દર્શાવેલું કાર્ટૂન હકીકતમાં આખા મૂળ કાર્ટૂનનો એક ભાગ છે. આખું કાર્ટૂન નીચે દર્શાવ્યું છે.

મૂળ કાર્ટૂનમાં ડિઝનીનાં અન્ય પાત્રો ડોનાલ્ડ ડક અને પ્લુટો પણ બતાવેલાં છે. તેમજ સરોજિનીએ કહેલું મૂળ વાક્ય પણ ટાંકવામાં આવ્યું છે. (This tiny creature…….of a man.) ખરેખર અહીં એક વિધાનને ચિત્રીત કરી બતાવાયું છે, કાર્ટૂનનો કોઈ વિશેષ ઉદ્દેશ્ય નથી. પણ ગાંધીજીને મિકી માઉસના રૂપમાં દર્શાવાયા હોવાથી તેનું મૂલ્ય વધી જાય છે. ગાંધીજી અને મિકીના ચહેરા પરના ભાવ પણ જોવાલાયક છે.

****

આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ કોણ છે એ ખ્યાલ નથી આવતો, પણ તેનો સમયગાળો દાંડી કૂચનો એટલે કે 1930 ની આસપાસનો છે. અહીં અંગ્રેજ સરકારને સિંહ તરીકે દર્શાવાઈ છે, પણ ગાંધીજીને સરકારરૂપી સિંહને ભરડો લેતા અજગર સ્વરૂપે બતાવાયા છે. મીઠાના કાયદાના ભંગ પછી રોષે ભરાયેલી અંગ્રેજ સરકાર સત્યાગ્રહીઓ સાથે કડક હાથે કામ લેવા માંડી હતી, એ દર્શાવવા માટે સિંહ હવે પોતાના નહોર બતાવી રહ્યો છે એમ સૂચવવામાં આવ્યું છે.

****

હાથીની સતેજ સ્મૃતિ વિષે ઘણી વાયકાઓ છે. કાર્ટૂનિસ્ટ શંકરે અહીં ગાંધીજીને હાથીના સ્વરૂપે દર્શાવ્યા છે. ‘હાથી કદી ભૂલતો નથી’ એમ દર્શાવતા આ કાર્ટૂનની પૃષ્ઠભૂમિ જાણવા જેવી છે. ભારતના રાજ્ય સચિવ માર્કીઝ ઑફ ઝેટલેન્‍ડ દ્વારા કોંગ્રેસના નેતાઓને અપીલ કરવામાં આવી કે લઘુમતિઓની સમસ્યાઓને ભારતીયોએ પોતે જ ઊકેલવી. આના પ્રતિભાવરૂપે ગાંધીજીએ ‘શું આ યુદ્ધ છે?’ શિર્ષકથી એક લેખ લખ્યો. તેમણે જણાવ્યું કે ભારતમાં બ્રિટીશ સામ્રાજ્યના નિર્માતાઓએ સમજીવિચારીને ચાર સ્તંભ ઉભા કર્યા છે- યુરોપિયન હિત, સૈન્ય, રાજાઓ અને સાંપ્રદાયિક ભેદભાવ. આમાં રાષ્ટ્રવાદીઓ અને સામ્રાજ્યવાદીઓ વચ્ચે કોઈ સમાન ભૂમિકા નથી. આથી લોર્ડ ઝેટલેન્‍ડ બ્રિટીશ સરકારનો જ દૃષ્ટિકોણ રજૂ કરી રહ્યા હોય તો તે ભારત સામે યુદ્ધના એલાન જેવું છે.

આ કાર્ટૂનમાં ગાંધીજીને હાથી તરીકે દર્શાવ્યા છે. હાથીને આકર્ષવા માટે તેને પ્રિય ખોરાક ભારતને ગણરાજ્યનો દરજ્જો આપવાના વચનરૂપી શેરડી મૂકવામાં આવી છે. યુદ્ધના સમર્થનમાં પરામર્શક સમિતિરૂપી જાજમ બિછાવીને લોર્ડ લિનલિથગો બેઠેલા છે. હાથી શેરડીથી આકર્ષાયા વિના પસાર થઈ જાય છે. એ જોઈને ઝાડ પર ચડી ગયેલા લોર્ડ ઝેટલેન્‍ડ કહી રહ્યા છે, ‘તમારું વર્તન જોઈને મને આશ્ચર્ય થાય છે.’

હાથી તરીકે દર્શાવેલા ગાંધીજીના ચહેરા પર વિરોધની આક્રમકતાના નહીં, પણ સવિનય ઈન્‍કારના સૌમ્ય ભાવ બતાવીને શંકરે તેમનું વ્યક્તિત્વ યોગ્ય રીતે ઉપસાવી આપ્યું છે.

****

ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉનું બનાવેલું આ કાર્ટૂન છે. પક્ષીરૂપે ગાંધીજીને ચીતર્યા હોય એવાં કાર્ટૂન ઓછાં જોવા મળે છે.

ગાંધી-ઈરવીન કરાર પછી 1931માં લોર્ડ ઈરવિનનો કાર્યકાળ સમાપ્ત થતો હતો. તેઓ ઈચ્છતા હતા કે જતાં પહેલાં કંઈક નક્કર કામ કરીને જાય, જેથી કરાર અમલી બનાવી શકાય. અહીં ગાંધીજીને એકલાઅટૂલા બતક સ્વરૂપે બતાવાયા છે. ઈરવિન ગીત દ્વારા તેમને લલચાવવાની કોશિશ કરી રહ્યા છે, જેથી તેઓ સવિનય કાનૂનભંગનો માર્ગ ત્યજીને ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે તૈયાર થઈ જાય. કાર્ટૂનમાં બતાવાયું છે એમ ઈરવિન કહેવા માગે છે કે તમારો માર્ગ ગાઢ જંગલમાંથી જાય છે, જ્યાં બિહામણો વાઘ, સાપ-અજગરનો ભય છે.

ઉપરના કાર્ટૂનમાંથી બતકરૂપે ચીતરાયેલા ગાંધીજીનું કેરીકેચર અલગ કરીને અહીં મૂકવામાં આવ્યું છે, જેથી તે સ્પષ્ટપણે જોઈ શકાય. અહીં ગાંધીજીના ચશ્મા ઉપરાંત માથે ટોપી પણ પહેરેલી બતાવાઈ છે, જે સામાન્યત: કાર્ટૂનોમાં ઓછી જોવા મળે છે.

****

આ કાર્ટૂનમાં શનિએ પણ ગાંધીજીને હાથી તરીકે ચીતર્યા છે. રજવાડાંઓની પ્રજાને વધુ નાગરિક હકો આપવાની ગાંધીજીએ માગણી કરી હતી. ત્રાવણકોરના દિવાન સર સી.પી. રામાસ્વામી ઐયરે ગાંધીજીની આ ચેષ્ટાને ‘બાહ્ય પરિબળોના હસ્તક્ષેપ’ તરીકે ગણાવી. 20 માર્ચ, 1941ના રોજ ગાંધીજીએ ‘Read the signs’ (ભાવિ સંકેત સમજો.) શિર્ષકથી એક લેખમાં લખ્યું, ‘કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપેક્ષાનો અને રાજ્યોમાં રાષ્ટ્રીય પ્રભાવ રોકવાનો પ્રયત્ન કરવો એટલે એક બાળક દ્વારા પોતાના જમણા હાથ વડે ધસમસતા પૂરને રોકવાનો પ્રયત્ન કરવો.’

આ કાર્ટૂનમાં સર સી.પી. ગાંધીપ્રભાવ રૂપી હાથીને અટકાવવા માટે બરાબર પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાથીના વિશાળ બળ આગળ તેમનો ગજ વાગે એવો નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

‘સી.પી.’નો ચહેરો ગુજરાતીઓ માટે પ્રમાણમાં અજાણ્યો છે, તેથી તેમની તસવીર અહીં મૂકી છે, જેથી તેને કેરીકેચર સાથે સરખાવી શકાય.

JPEG Pro

****

અબુ અબ્રાહમે બનાવેલું ગાંધીજીનું આ કાર્ટૂન સદાબહાર છે. હાથી અને છ અંધજનોની વાર્તામાં દરેક વ્યક્તિ હાથીના શરીરના જે ભાગને અડકે એના જેવો હાથી હોવાની તે ધારણા કરે છે. અબુએ અહીં અંધજનો તરીકે નેતાઓને દર્શાવ્યા છે. પણ આ કાર્ટૂનનો અર્થવિસ્તાર કરીએ તો તેમાં નેતાઓ જ નહીં, છેક તમે અને હું સુધી તે વિસ્તરી શકે.

હાથી તરીકે ગાંધીજીનો ચહેરો એટલો આબેહૂબ લાગે છે, ખાસ કરીને તેમના નાક અને કાનને કારણે તેઓ હાથી તરીકે એકદમ પૂર્ણ લાગે છે. એ પણ જોઈ શકાય છે કે ગાંધીજીના ચહેરાની આ વિલક્ષણતાઓ અન્ય કાર્ટૂનિસ્ટોને પણ આકર્ષે છે અને કદાચ પશુપક્ષીઓમાં ગાંધીજીને હાથી તરીકે સૌથી વધુ વખત બતાવાયા હોય એમ લાગે છે.

****

‘વ્યંગ્યચિત્રોમાં ગાંધી’ શ્રેણીમાં સક્રિય રસ લેનાર સૌ મિત્રોનો આભાર. અલબત્ત, આ શ્રેણી નિમિત્તે અનેકવિધ વ્યંગ્યચિત્રોમાંથી પસાર થવાનું બન્યું, જેને લઈને એક અનોખી શ્રેણીનો વિચાર સ્ફુરેલો છે. તેની ઘોષણા ટૂંક સમયમાં અહીં કરવામાં આવશે.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી (૧૪) :: પશુ યા પક્ષી તરીકે ગાંધી

  1. Piyush Pandya
    January 16, 2018 at 12:25 pm

    ખુબ જ રોચક એવી આ શ્રેણી વડે તમે તમારા ઉદ્દેશમાં પાર ઉતર્યા છો. મારી જેવા ઘણાઓને કાર્ટૂનકળાને માણવાના આયામો સમજાયા. ગાંધીજીનાં વ્યંગચિત્રોથી શરૂ થયેલી શ્રેણી અન્ય કોઈ વિષયને આવરી લઈને ચાલુ રહે એવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *