Science સમાચાર (૨૯)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

સૌથી મોટો નવો પ્રાઇમ નંબર!

હવે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રાઇમ નંબર મળ્યો છે. પ્રાઇમ નંબર એટલે એવી સંખ્યા કે જેને માત્ર એક અથવા એ જ રકમથી ભાગવાથી એ નિઃશેષ રહે. તે સિવાય એમાં શેષ વધ્યા કરે. દાખલા તરીકે, ૨, ૩, ૫, ૭, ૧૧, ૧૩, ૧૭, ૧૯ એ બધા પ્રાઇમ નંબરો છે. એને M77232917 નામ અપાયું છે. આ સંખ્યાને અહીંથી ડાઉનલોડ કરી શકાશે. એ ૨૩ MBની ટેક્સ્ટ ફાઇલ છે. કુલ પાનાં ૮૦૧૮ થાય છે! અને આપણા સામાન્ય વપરાશના કમ્પ્યુટરમાં MS WORD વારેઘડી બંધ થઈ જાય એવડું મોટું આ કામ છે. અહીં ૮૦૧૭મા પાનાનો નીચલો ભાગ અને ૮૦૧૮મા પાનામાં જ્યાં અંત થાય છે તે ભાગ નમૂના તરીકે મૂક્યો છે.


ઉપર જૂઓ છો તે એક સંખ્યાના છેલ્લા આંકડા છે. આ સંખ્યામાં કુલ અંક ૨૩,૨૪૯,૪૨૫ છે. આ પહેલાં મળેલા સૌથી મોટા પ્રાઇમ કરતાં આમાં દસ લાખ વધારે અંક છે. આજથી (૧૫ જાન્યુઆરીથી) દરરોજ એક હજાર અંક લખશો તો ૨૫ સપ્ટેમ્બર ૨૦૮૧ના તમે આખી સંખ્યા લખવાનું પૂરું થશે. જેમને આ સંખ્યા વિશે બીજી પણ રસપ્રદ વાતો જાણવી હોય તેઓ અહીં સંદર્ભમાં આપેલી લિંક પર ક્લિક કરી શકે છે.

સંદર્ભઃ લાઇવ સાયન્સ_સૌથી મોટો પ્રાઇમ નંબર

() સુપરનોવાની સૌથી પહેલી નોંધ ભારતમાં મળે છે?

કાશ્મીરના બુર્ઝહામા પ્રદેશમાં એક પાંચ હજાર વર્ષ જૂનું ગુફાચિત્ર જોવા મળ્યું છે. સંશોધકો માને છે કે એ ચિત્રમાં સુપરનોવાની ઘટના દેખાડી છે.


ટાટા ઇંસ્ટીટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ (TIFR)ના ખગોળવિજ્ઞાનીઓ હૃષિકેશ જોગળેકર, મયંક વહિયા અને અનિકેત સૂળેએ આ ગુફાચિત્રનું અવલોકન કરીને કહ્યું છે કે આ ચિત્રાંકનમાં બે પિંડ દેખાય છે. એમને સૂર્ય અને ચંદ્ર કહી શકાય. પરંતુ એમને બે તેજસ્વી તારા પણ કહી શકાય. આના પરથી અમે એ શક્યતા તપાસી કે આ કોઈ મહેમાન તારો હોઈ શકે અથવા સુપરનોવા હોઈ શકે છે. અમે સુપરનોવા વિશેની માહિતીનો અભ્યાસ કર્યો કે એવો કોઈ સુપરનોવા છે જે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ અને ૧૦,૦૦૦ વર્ષ પહેલાંનો હોય અને જે ૪૬૦૦ વર્ષ પહેલાં બુર્ઝહામામાંથી જોઈ શકાયો હોય. આ અધ્યયન દરમિયાન અમને જાણવા મળ્યું કે HB9 સુપરનોવા હોઈ શકે છે કારણ કે એ ૪૬૦૦ વર્ષ પહેલાં જોવા મળ્યો હતો અને એચરમ બિંદુએ પહોંચ્યો ત્યારે એનો પ્રકાશ ચંદ્રના પ્રકાશ જેટલો જ હોવો જોઈએ. આમ સુપરનોવાની સૌ પહેલી નોંધ ભારતમાં મળી હોવાનું અનુમાન કરી શકાય છે.

આ લેખ Indian Journal of History of Scienceના ડિસેમ્બરના અંકમાં છપાયો છે. મયંક વહિયા દિલ્હીસ્થિત ઇંદિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ (IGNCA)માં કાર્યરત છે. આ ગુફાચિત્ર આ સંસ્થામાં સચવાયેલું છે. વહિયા કહે છે કે પહેલી નજરે એ શિકારનું દૃશ્ય લાગે છે પરંતુ એ આકાશનો નક્શો છે. પાંચ હજાર વર્ષ પહેલાંના શિલ્પીએ મ્રુગશીર્ષ નક્ષત્રનું (દેશી નામ – હરણી) જેમાં વ્યાધ (શિકારી)નો તારો છે તેનું અંકન કર્યું છે.

સુપરનોવા એટલે તારાનો અંતઃસ્ફોટ અથવા વિસ્ફોટ. સુપરનોવા બહુ થોડા વખત માટે દેખાય છે. તારાના કેન્દ્રમાં ફેરફાર થાય ત્યારે સુપરનોવા બને છે. એ બે રીતે બને છે. બે જોડિયા તારા હોય તેમાંથી શ્વેત વામન તારો એના સાથીમાંથી સામગ્રી ખેંચતો હોય અને છેવટે એટલો બધ પદાર્થ ખેંચી લે કે એમાં વિસ્ફોટ થાય. અથવા બે નહીં પણ એક જ તારો હોય અને એની આવરદા પૂરી થવા આવી હોય ત્યારે એનું અણુ ઈંધણ ઓછું થઈ જાય છે અને એના દળમાંથી જ અમુક ભાગ ધસીને કેન્દ્રમાં ખાબકે છે. અંતે કેન્દ્ર જ તૂટી પડતાં જબ્બર અંતઃસ્ફોટ થાય છે. આપણો સૂર્ય પણ એકલો તારો છે પણ એનામાં એટલું દળ નથી કે આવરદાના અંતમાં એ ધસી પડે. આથી આપણો સૂર્ય કદી સુપરનોવા નહીં બને.

સંદર્ભઃ મૂળ લેખ_pdf અને રિપોર્ટ_756171

() મંગળના સમાચાર

આ વખતે મંગળના બે સમાચાર મળ્યા છે. એક તો મંગળ પર બરફ હોવાની ખબર પડી છે અને બીજું ત્યાં સપાટી પર એક જાતના આંકા છે અને ગોળીઓ છે.

મંગળની મોજણી માટે નાસાએ Mars Reconnaissance Orbiter (MRO) મોકલ્યું છે. એના શક્તિશાળી કેમેરા HiRISEનો ઉપયોગ કરતાં મંગળની સપાટીને લાગેલા ઘસારાને કારણે ઢાળ બની ગયા છે ત્યાં સપાટીની નીચે બરફના થર જોવા મળ્યા છે. અમુક જગ્યાએ તો જમીનની નીચે માત્ર એક મીટરે અને ક્યાંક ૧૦૦ મીટરે બરફ છે. આવાં આઠ સ્થળો મળ્યાં છે. આ લેખ Science મૅગેઝિનમાં છપાયો છે, વૈજ્ઞાનિકો ૧૦૦ મીટર ઊંડે આવેલા બરફને પાણીમાં ફેરવવાની શક્યતા પર હવે વિચાર કરતા થઈ ગયા છે.


સંદર્ભઃ મંગળ પર બરફ

આ મહિનાની ચોથી તારીખે વૈજ્ઞાનિકોએ ટ્વિટર પર સમાચાર આપ્યા કે મંગળની સપાટી પર આંકા દેખાય છે. આ આંકા ઈંચના ચોથા ભાગ જેવડા છે. આ ફોટામાં આંકા દેખાય છે. ટ્વિટ જોતાં જ લોકો જામી પડ્યા. કોઈએ લખ્યું કે એ ટ્રકનાં પૈડાંનાં નિશાન છે; તો કોઈને એમાં ડાયનાસોરના અવશેષ દેખાયા. આપણે માનીને ચાલીએ છીએ કે ત્યાં પહેલાં કંઈ હતું. વૈજ્ઞાનિકોને હજી એ સમજાયું નથી કે આવા આંકા શા કારણે છે. એનો અભ્યાસ ચાલે છે. પણ એક પ્રાથમિક અનુમાન એવું છે કે સ્ફટિકો હશે, જે પછી ઓગળી ગયા અને એના પદાર્થ એ જ રૂપમાં સપાટી પર જામી ગયા. જે હોય તે મંગળ પર ટ્રક ફરી હોય એમ વૈજ્ઞાનિકો નથી માનતા!

બીજું એમણે જોયું કે પથ્થરની ગોળીઓ પણ છે. એનો આકાર પણ પાંચ મિલીમીટર જેવડો છે. નાસાના ટ્વીટમાં કહ્યું છે કે મંગળને ભલે શૌર્યનો કે યુદ્ધનો દેવતા માનતા હોઈએ પણ આ બંદૂકની ગોળીઓ નથી જ નથી!

એ કૅલ્શિયમ સલ્ફેટ અને સોડિયમ+ મૅગ્નેશિયમની ગોળીઓ છે.

સંદર્ભઃ મંગળ પર આંકા અને ગોળીઓ

() ભારતમાં બનેલી ટાઇફૉઇડ વિરોધી રસીને વૈશ્વિક માન્યતા

ભારત બાયોટેક કંપનીએ બનાવેલી ટાઇફૉઇડની રસી Typbar TCV ને ગયા અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) પ્રાથમિક સ્વરૂપે માન્યતા આપી છે. આ રસીની કસોટી થઈ ગઈ છે અને એ બરાબર જણાઈ છે. આજે પણ આ રસી ભારત અને નેપાલમાં છ મહિનાથી મોટાં બાળકોને અપાય જ છે, પરંતુ હવે એનો ઉપયોગ આફ્રિકામાં પણ કરી શકાશે. હાલમાં જે ટાઇફૉઇડ વિરોધી રસીઓ ઉપલબ્ધ છે તે બે વર્ષથી નાની ઉંમરનાં બાળકોને રક્ષણ આપવામાં નિષ્ફળ રહી છે.

દુનિયામાં સવા કરોડથી બે કરોડ બાળકો ટાઇફૉઇડનો ભોગ બને છે અને દર ૧૦૦માંથી એક બાળકનું મૃત્યુ થાય છે. આનું કારણ એ કે એમને બચાવી શકાય તેવી રસી જ નહોતી. હવે ભારતીય બનાવટની આ રસી બાળકો માટે આશીર્વાદ સમાન નીવડશે.

સંદર્ભઃ લૅન્સેટ_ ટાઇફૉઇડની રસી

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *