કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૩

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

ધનુબા પણ ચિંતાતુર ચહેરે સરલાબહેનની બાજુમાં આવી બેસી ગયા અને ઇશારાથી પૂછ્યું, ‘ શું થયું ?’

હાથના ઇશારાથી સાત્વન આપી સરલાબહેને પૂછ્યું, ‘ બહેન જરા સ્પષ્ટતાથી કહો તો ખબર પડે, શું કહ્યું એણે ?’

‘ લગ્ન કરવાની ઘસીને ના પાડે છે અને અમને સૌને કહી દીધું કે અમે જો એને લગ્ન માટે ફોર્સ કરીશું તો એ ઘર છોડીને જતો રહેશે. અમને તો કાંઈ સમજ પડતી નથી.’

‘ પણ તમે ઓચિંતુ કેમ એને લગ્નનું દબાણ કરો છો, બહેન ?’

‘ જો સરલા તને પેટછૂટી વાત કરું. હમણાં આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઈન્ડિયાથી ઘણા લોકો આવ્યાં છે, તેમાં આવેલી એક છોકરી મને અને નીલેશને પ્રીત માટે ગમી ગઈ છે. એ છોકરીનાં મમ્મી-પપ્પા પણ તેની સાથે આવ્યા છે. એ લોકોને પૂછ્યું તો એ લોકોને પણ વાંધો નથી. પણ અમારો આ કુંવર જ ના પાડે છે. ખબર નહીં એના મનમાં શું છે ! મને થયું કિશુ અને નમન યુનિ.માં જાય તે પહેલાં એની સાથે વાત કરે અને સમજાવવાનો પ્રયત્ન કરે.’

‘ તમને યાદ છે તે દિવસે એ લોકોએ જ નહોતું કહ્યું કે ‘ પ્રીતને લગ્ન કરવા ફોર્સ નહી કરતાં, ફોઈ !’

‘ હા, પણ એને આગળ ભણવું નથી તો પછી લગ્ન કરીને હવે ઠેકાણે પડે. હવે કાંઈ નાનો થોડો છે ? આ વર્ષે છવ્વીસનો થવાનો.’

‘ તમે ચિંતા નહી કરો બહેન, હું છોકરાંઓ આવે ને એટલે એમને વાત કરું છું, એવું હોય તો સાંજે એમને એમની ટેનિસ ક્લબમાં કે પછી જ્યાં અનુકૂળ આવે ત્યાં જાય અને દિલ ખોલીને વાત કરી લે. ‘

‘ અમે, અને નાથ હરિના વડિલે એ પણ પૂછ્યું કે તેને કોઈની સાથે ‘ લવ’ હોય તો પણ કહી દે, પેલી છોકરીને ખોટી આશામાં લટકાવી ન રાખીએ ને ?’

લતાબહેનને આશ્વાસન આપી, શાંત કરી સરલાબહેને ફોન મૂક્યો તો ખરો પણ એમને ખ્યાલ આવી ગયો કે કાંઈ ગંભીર વાત લાગે છે, નહીં તો પ્રીત આટલી હદે ન જાય.’

કેક લઈને પાછા આવતાં કિશનને યુનિ.માટે શોપિંગ કરવા નીકળેલી નંદા રસ્તે મળી ગઈ. સ્નેહાની લાગણી જાણ્યા પછી કિશન ખૂબ ચુપચાપ રહે છે . તે વાત નંદાએ નોંધી હતી પરંતુ હવે એ વાત ઉખેળવાનું એને યોગ્ય ન લાગ્યું એટલે એ વાત ત્યાંજ દફનાવી દેવી જોઈએ એમ માની મૌન જ રહી હતી.

પરંતુ આજે રસ્તામાં મળેલી નંદાને કિશને એક વિનંતી કરી, ‘ મારે એકવાર સ્નેહા સાથે વાત કરવી છે.’

નંદા એના મોટાભાઈની નંદવાયેલી લાગણીને સમજતી હતી છતાં એને લાગ્યું કે કિશન સ્નેહાને મળીને વધારે દુઃખી જ થશે. પરંતુ એવી નિષ્ઠુરતા આચરવાનો સ્વભાવ સરલાબહેનના કોઈ પણ સંતાનમાં નથી. તો ય બને ત્યાં સુધી એ વાતને ટાળવા પ્રયત્ન કરતી હોય તેમ કહ્યું, ‘ કિશુ, હજુ તો એ એનાં પેલાં નર્ક જેવા અનુભવમાંથી બહાર નથી આવી….. એટલે…… થોડી રાહ ન જોઈ શકે તું ?’

‘ નંદુ, મારે એકવાર એને સમજાવવી છે કે હવે એ તે ઈન્ડિયા પાછી જશે તો કોઈ જલ્દી લગ્ન કરવા તૈયાર થશે ખરું? ખાસ કરીને આપણા સમાજની મેન્ટાલિટી આપણને ખબર તો છે, કદાચ એ સંદર્ભમાં હું એને સમજાવી શકું .’

‘ એટલે તું એની ઉપર દયા બતાવવા લગ્ન કરવા માંગે છે? ‘ અવાજમાં થોડી તીક્ષ્ણતા સાથે નંદાએ પૂછ્યું.

‘ જો નંદુ, તું એના વતી દલીલો ન કર. એની લાગણી હમણાં ઘવાયેલી છે એટલે સ્વાભાવિક છે એની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય. પરંતુ થોડી કળ વળે પછી સંવેદના જ્યારે સળવળશે ત્યારે મને કે એને એવો અફસોસ ન રહેવો જોઈએ કે ખુલ્લા દિલે વાતો ન કરી. ‘ પછી થોડું થોભીને અંતરના ઊંડાણમાંથી અવાજ આવતો હોય તેમ બોલ્યો, ‘ અને એક વાર, માત્ર એકવાર મને એ એના મોંએથી ના પાડશે તો હું પછી કદી ય…..હું એક ખરાબ સ્વપ્ના આવ્યું હતું….એમ માની લઈશ. બસ !’

નંદાને એના મોટાભાઈ તરફ અનુકંપા સાથે એવું તો વહાલ આવ્યું કે જો ઘરે હોત તો જરૂર એક ‘ જાદુની ઝપ્પી ‘ આપી દીધી હોત, પરંતુ એ એટ્લું જ બોલી, ‘ આઈ એમ સો પ્રાઊડ ઓફ યુ માય બ્રધર ! ઓ.કે, પ્રોમિસ આજે સાંજે આપણે ઘરેથી ત્રણે જણ કશેક બહાર જઈશું, પછી તમને અનુકૂળ આવે ત્યાં તમને બન્નેને એકલા મુકી હું લેઝને ત્યાં જતી રહીશ, આમેય તે હું આજે એને મળવા જવાની જ હતી – આ બધું સ્નેહા હા પાડશે તેના ઉપર જ આધાર રાખે છે , હં,કે કિશુ.!’

‘ નો..નોટ..ઓ.કે નંદુ..યુ હેવ ટુ કન્વિન્સ હર. મને તારામાં વિશ્વાસ છે. ચાલ, મમ ફોન કરે તે પહેલા ઘરે પહોંચુ.’ કહી નંદાને માથે ટપલી મારી તેની કાર તરફ ચાલવા માંડ્યું. નંદાની આંખમાં એના ભાઈ માટે છલકાતા પ્રેમ સાથે શોપીંગ કરવામાં મશગૂલ થઈ ગઈ.

ઘરે આવી જોયું તો ધનુબા ચિંતાતુર મોંઢે બેઠાં હતાં. મનને પૂછતાં પ્રીતની વાત ખબર પડી.

ટી.વી. જોતાં કિશનની અને નંદાની આંખો મળી, હવે શું કરશું નો પ્રશ્ન આંખોમાંથી બહાર ન નીકળી આવે તેની સાવચેતી રાખી બન્ને જણે આંખો ફેરવી લીધી.

જે વાતને એ લોકો ટાળતાં હતાં તે સાવ સામે આવીને ઊભી રહી છે. હવે આ વડીલોને કઈ રીતે સમજાવવા કે – પ્રીતને પરાણે પરણાવશે તો એકલા પ્રીતની જ નહીં આવનારી છોકરીની જિંદગીય બગડશે !

‘ નમન આવે પછી નક્કી કરીશું ‘ કહી તત્કાળ પૂરતી વાત ટાળી તો ખરી .

એક બાજુ કિશનને યુનિ.માં જતાં પહેલા સ્નેહાને મળવાની તાલાવેલી છે અને બીજી તરફ પ્રીતની સ્થિતિ પણ કફોડી છે, હવે શું કરવું જોઈએ એ સૌ પોત પોતાની રીતે વિચારવા લાગ્યા.

કેથીને મળવા ગયેલી સ્નેહા આવી અને એને પણ ઘરનું વાતાવરણ ભારે લાગ્યું.

શૉપ પરથી નમન આવ્યો, અને એને પણ એ ભાર વરતાયો. ધનુબાએ સરલાબહેનને નમન આવ્યો એટલે એને પેલી વાત કરવા ઇશારો કર્યો.

સરલાબહેને જોયું કે દીકરો થાકીને આવ્યો હતો એટલે ધીરજ આપતાં ધનુબાને કહ્યું, ‘બા, એને થોડો રીલેક્ષ થવા દો પછી કિશન એને વાત કરશે.’

કહી કિશન તરફ જોયું, પરંતુ ટી.વી. જોવાનો અભિનય કરતાં કિશનનાં મનની આંખો તો સ્નેહાને શોધતી હતી એટલે મમે શું કહ્યું તે કાને જ પડ્યું નહોતું. સરલાબહેનને થયું કે એ ટી.વી.જોવામાં મશગૂલ છે, એટલે ફરીને વાતને દોહરાવી.

કિશન કાંઈ બોલે તે પહેલા નમન ફ્રેશ થઈને આવી ગયો અને કિશનની બાજુના સોફામાં બેઠક જમાવી. કિશને પ્રીતની વાત નમનને ઈંગ્લિશમાં કહી એટલે ધનુબાનો મિજાજ ગયો, ‘ કેમ છોકરાઓ અંગ્રેજીમાં બોલો છો ? ઘરમાં ગુજરાતીમાં જ બોલવાનો નિયમ ભૂલી ગયા ?’

કિશન આમેય અકળાયેલો હતો જ તેમાં ધનુબા તેની અડફટમાં આવી ગયા, ‘ બા, તમે આટલા વર્ષોથી યુ.કે.માં રહો છો, તો ઈંગ્લેશ કેમ ન શીખ્યા ?’

ધનુબાની પેઢીનાં મોટાં ભાગનાં લોકો જે દલીલ આગળ ધરી દેતાં હોય છે એ જ દલીલ ધનુબાએ કરી, ‘ લે, કર વાત, અંગ્રેજી ભણવા જતે તો આ તારા ડેડ, અંકલ અને ફોઈનું ભરણપોષણ કોણ કરતે ? સમય જ કોની પાસે હતો એવી બધી ‘લપ’ કરવાનો ?’

‘ બા, એ લપ ન કહેવાય, એ નેસેસિટિ કહેવાય, ‘ નમન પણ ભળ્યો.

ધનુબાને ‘ નેસેસિટિ’ શબ્દનો અર્થ ન સમજાયો, ‘ અલ્યા નેસેસે.. એટલે શું ? પાછો અંગ્રેજીમાં બોલ્યોને ?’

સ્નેહા નમન અને કિશન માટે ચા બનાવી રૂમમાં આવી. કિચનમાંથી એ બધું જ સાંભળતી હતી એટલે ચા આપી, બોલી, ‘ બા, નેસેસિટિ એટલે જરૂરિયાત’’

‘ થેંક્સ, સ્નેહા.’ કહી નમને ધનુબાને સમજાવવા પ્રયત્ન કર્યો, ‘ જુઓ બા, આ સ્નેહા ઈન્ડિયાથી આવી ત્યારે એને પણ ક્યાં ઈંગ્લિશ આવડતું હતું ? પણ હવે શીખે છે ને?’

‘ એની વાત અલગ છે, (કડવું બોલવા માટે ઉપાડેલી જીભને ધનુબા હવે રોકતાં શીખવા માંડ્યાં છે ) એ વાત મૂક બાજુ પર, અને મને એ કહે કે તમે બન્ને અંગ્રેજીમાં વાત કરતાં હતાં તેમાં વચ્ચે વચ્ચે ‘ગે’… ‘ગે’ શું કહેતા હતાં?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *