– સરયૂ પરીખ
(છંદ રમલ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
આહટોથી આંગણું છલછલ છલકતું ગાય છે,
આજના આનંદમાં તનમન હસીને ન્હાય છે.
નહીં નહીં જે જાણતો કે જિંદગીમાં આખરે,
શુદ્ધ કર્મી માનવીઓ પ્રેમથી પુજાય છે.
શત્રુઓના ખેલ સામે ખેલદિલ થઈ ઝૂમતો,
સ્નેહ કેરા સ્પર્શ સાથે મિત્રતા પરખાય છે.
રાખીને જે આપતો ને આપીને જે રાખતો,
દાન ને સ્વીકાર બેથી ધન્ય જીવન થાય છે.
દ્વાર પર તોરણ સજાવી રંકને સત્કારતો,
તેની સાથે કૃષ્ણ હોંશે રાસ રમવા જાય છે.
* * *
સંપર્ક સૂત્રોઃ
ઈ મેઈલ – saryuparikh@yahoo.com
* * *
(ઑસ્ટીન – અમેરિકામાં રહેતાં સર્યૂબેનની રચનાઓ અગાઉ વેબગુર્જરી પર પ્રસિધ્ધ થયેલ છે. ‘નીતરતી સાંજ’ અને ‘આંસુમાં સ્મિત’ તેમનાં પુસ્તકો છે. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)







એક સુંદર ભાવના સાથે નું સરસ ગીત તમે રચ્યું,વાંચવાની મજા પડી ગઈ. આને ક્ર્ષ્ણગીત કહેશું?
નીતિનભાઈ, આભાર. ભલે, આનંદનું કૃષ્ણગીત કહીએ.
સરયૂ પરીખ.