





ચંદ્રશેખર પંડ્યા
પૃથ્વી ઉપર આવેલી પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય સજીવોની ભિન્ન ભિન્ન જાતિઓ, પ્રજાતિઓ અને તેમની વિવિધતામાં રહેલી પરિવર્તનશીલતાને જૈવિક વિવિધતા કહેવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુ.એન.ઈ.પી.) દ્વારા આપવામાં આવેલ એક વ્યાખ્યા પ્રમાણે જૈવિક વિવિધતા એ જાતિ, પ્રજાતિ અને પર્યાવરણ એમ ત્રણ સ્તરે ભિન્નતા જાણવા માટેનો વિશિષ્ટ પ્રકારનો ત્રી સ્તરીય માપદંડ છે. ગરમ આબોહવા અને ખોરાકની ઉંચી ઉપલબ્ધીને કારણે જમીન પર જોવામાં આવતી જૈવિક વિવિધતાનું પ્રમાણ વિષુવવૃત પાસે વધારે જોવામાં આવે છે. પૃથ્વી ઉપર જૈવિક વિવિધતા દરેક સ્થળે સરખા પ્રમાણમાં પથરાયેલી જોવામાં નથી આવતી. ઉષ્ણ કટિબંધના વિસ્તારોમાં તેનું પ્રમાણ વિપુલ માત્રામાં હોય છે. પૃથ્વીની કુલ સપાટીના ૧૦ ટકાથી પણ ઓછા વિસ્તારમાં ઉષ્ણ કટિબંધના જંગલ રૂપી પર્યાવરણ પ્રણાલી આવેલી હોવા છતાં વિશ્વમાં જોવા મળતી કુલ પ્રજાતિઓ પૈકી ૯૦ ટકા પ્રજાતિઓ અહિયાં જોવામાં આવે છે. દરિયાઈ જૈવિક વિવિધતા (Marine biodiversity) પશ્ચિમ પ્રશાંત મહાસાગરના કાંઠાળ વિસ્તારમાં મહત્તમ જોવા મળે છે કારણ કે ત્યાં દરિયાઈ સપાટી પરનું ઉષ્ણતામાન પણ મહત્તમ હોય છે.
પર્યાવરણમાં થતા ઝડપી ફેરફારો મહા-વિનાશ નોતરે છે જેના કારણે મોટાભાગના પ્રાણીઓ, વનસ્પતિ અને બીજા સજીવો વિલુપ્ત થઇ જાય છે. એક અંદાજ મુજબ, પૃથ્વી પર વસતી પાંચ અબજ કરતા પણ વધારે પ્રજાતિઓ નામશેષ/વિલુપ્ત થઇ ગઈ છે. સન ૨૦૧૬માં વૈજ્ઞાનિકોએ બાંધેલા અંદાજ મુજબ અત્યારે પૃથ્વી ઉપર ૧ હજાર અબજ પ્રજાતિઓ મોજુદ હોઈ શકે જેના એક ટકાના પણ હજારમાં ભાગની સંખ્યામાં પ્રજાતિઓનું વર્ણન ઉપલબ્ધ છે. પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં પાંચ મોટા મહાવિનાશ અને કેટલાક ગૌણ પ્રકારના વિનાશ સર્જાયા છે જેને કારણે જૈવિક વિવિધતામાં અચાનક ઘટાડો જોવામાં આવ્યો છે અને માનવીના અસ્તિત્વની શરૂઆતના પરિણામ સ્વરૂપ તેમાં સતત ઘટાડો થતો જ જાય છે. આ ઘટાડો માનવ સર્જિત છે જે પ્રાણીઓ અને વનસ્પતિઓના નિવાસસ્થાન પર અતિક્રમણથી કરવાથી થઇ રહ્યો છે. આનાથી ઉલટું, જૈવિક વિવિધતાની સકારાત્મક અસર માનવીના જીવન પર, અમુક નગણ્ય કિસ્સાઓ સિવાય, પડતી રહી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સન ૨૦૧૧-૨૦૨૦ ના દાયકાને ‘જૈવિક વિવિધતા દશક’ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે.
ભારતીય સંદર્ભ:
જૈવિક વિવિધતાની દ્રષ્ટીએ ભારત એક અતિ વિશાળ દેશ છે. સમગ્ર વિશ્વના ભૂ – ભૌગોલિક વિસ્તારનો માત્ર ૨.૪ % જ વિસ્તાર ધરાવતો હોવા છતાં વનસ્પતિની ૪૫૦૦૦ અને પ્રાણીઓની ૯૧૦૦૦ કરતા પણ વધારે જાતિઓને આશ્રયસ્થાન પૂરું પડે છે જે નોંધાયેલ કુલ જાતિઓના ૭ થી ૮ % થવા જાય છે. ભારત ઘણાં ઓછાં રાષ્ટ્રો પૈકીનું એક રાષ્ટ્ર છે જેણે પર્યાવરણ સંરક્ષણના આયોજન માટે ભૌગોલિક વિસ્તારોનું વ્યવસ્થિત વર્ગીકરણ વિકસાવ્યું છે તેમ જ જૈવિક વિવિધતાથી સમૃદ્ધ વિસ્તારોના નકશા બનાવ્યા છે. વૈશ્વિક સ્તરે આવેલાં આવા ૩૪ સમૃદ્ધ વિસ્તારો પૈકી ૪ ભારતમાં આવેલાં છે જેમાં હિમાલયનો વિસ્તાર, પશ્ચિમ ઘાટ, ઉત્તર-પૂર્વીય વિસ્તાર અને નિકોબાર ટાપુઓના વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઘાટના વિશ્વ-વ્યાપી મહત્વ અને ઉચ્ચસ્તરીય સ્થાનિક વિશિષ્ટતાને કારણે કેરળ, કર્નાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર રાજ્યમાં પથરાયેલાં ૩૯ સ્થળોને, સન ૨૦૧૨ની યુનેસ્કોની વિશ્વ-વિરાસત સ્થળોની (World heritage sites) યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતે પોતાની પાસે આવેલાં વિશાળ અને સમૃદ્ધ જૈવિક વારસો ધરાવતા સ્થળોની ચીવટથી યાદી બનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. મીઠા પાણી અને દરિયાઈ પરિસ્થિતિનો અભ્યાસ અને જુદી જુદી ફૂગનો અભ્યાસ કરવામાં આવ્યો છે. ૮૪૪ દરિયાઈ શેવાળ અને ૩૯ પ્રકારની ચેર વનસ્પતિ કાંઠાળ વિસ્તારો પણ સમૃદ્ધિ ધરાવે છે. ભારતમાં, ફક્ત એક ખાસ વિસ્તારમાં જ મળી આવતી જાતિઓ (Endemic) નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે. ૪૭ કુળની (Family) ૧૪૧ જાતિઓમાં (Genus) વહેંચાયેલી લગભગ ૪૦૪૫ સપુષ્પી પ્રજાતિઓ (Species) માત્ર ભારતમાં જ થાય છે. આ ઉપરાંત મેરુદંડી પ્રાણીઓની વાત કરવામાં આવે તો પક્ષીઓની ૬૯ પ્રજાતિઓ સાથે વિશ્વમાં દસમું, સરીસૃપ પ્રકારની ૧૫૬ પ્રજાતિઓ સાથે વિશ્વમાં પાંચમું અને ઉભયજીવી પ્રકારની ૧૧૦ પ્રજાતિઓ સાથે વિશ્વમાં સાતમું સ્થાન ધરાવે છે. કૃષિ-પાકના ઉદભવ કેન્દ્રના રૂપમાં ભારતમાં ૧૫ કૃષિ-આબોહવા વિસ્તાર (Agro-climatic zones) આવેલાં છે. ચોખાના ઉદભવ માટેનું પ્રાથમિક કેન્દ્ર માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ૮૧૧ જાતના સંવર્ધિત પાક અને તેમની ૯૦૨ પ્રકારની જંગલી જાતોનું દસ્તાવેજીકરણ થઇ ચુક્યું છે. ભારતમાં સંવર્ધિત ઢોરોના વિશાળ અને સમૃદ્ધ સંગ્રહ સ્થળો આવેલાં છે જેમાં દેશી જાતોના ૩૪, ભેંસના ૧૨, બકરીના ૨૧, ઘેટાંના ૩૯ અને મરઘાના ૧૫ સ્થળોનો સમાવેશ થાય છે. ભારતમાં પરંપરાગત ખેત પદ્ધતિઓ અને પ્રણાલીઓ ધરાવતા સ્થળો વિવિધ જગ્યાએ પથરાયેલા છે અને કરોડો લોકો માટે ખોરાકની સલામતી પુરી પાડે છે. ભારતમાં પશુધન પણ કૃષિ ક્ષેત્રની ઉપશાખા છે જે અર્થતંત્રમાં અગત્યની ભૂમિકા ભજવે છે.
માહિતી અને ચિત્ર સૌજન્ય: ઈન્ટરનેટ.
શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:
ઈ-મેઇલ : chp4491@gmail.com
મોબાઈલ નંબર: +૯૧૯૮૨૫૦ ૩૦૬૯૮