ફિર દેખો યારોં :: સર્જન માટેનું સન્માન: ના એટલે ના એટલે ના

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

હજી થોડા સમય અગાઉ અસહિષ્ણુતાના મામલે અનેક સર્જકોએ પોતાને મળેલા સરકારી સન્માનને પરત કર્યું હતું કે સ્વીકારવાનો ઈન્‍કાર કર્યો હતો. એ સમયે સામાજિક નેટવર્કિંગ માધ્યમોમાં તેઓ અવારનવાર મજાકનો ભોગ પણ બન્યા હતા. કેટલાક માટે તો એમ પણ કહેવાયું હતું કે તેમણે સન્માન પરત કર્યું ત્યારે તો સૌને ખ્યાલ આવ્યો કે તેમને સન્માન મળેલું હતું. ઠીક છે. મજાક પૂરતી આ વાતો ચાલી જાય. પણ તેની પાછળ રહેલી વાસ્તવિકતા જોવાનો પ્રયત્ન કરવા જેવો છે.

લેખનકળાનો સ્વીકાર આપણે ત્યાં હજી એક કૌશલ્ય લેખે કે વ્યવસાય લેખે જોઈએ એવો થયો નથી. તે હજી સર્જનની કક્ષાનો, તેને કારણે ઉચ્ચ બુદ્ધિમતા ધરાવતા ક્ષેત્રનો દરજ્જો પામે છે. અને તેને લઈને લેખન પર નભનારાઓ માટે ‘વ્યાવસાયિક’ શબ્દ ગાળથી સહેજ જ ઊતરતો ગણવામાં આવે છે. સાહિત્ય હવે મોટે ભાગે અખબારી કટારોમાં તેમજ હવેના યુગમાં સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોમાં સર્જાય તેને ગણવામાં આવે છે. ગુજરાતીમાં અમસ્તુંય શાસનવિરોધી લખાણોની પરંપરા પાંખી રહી છે. તેને બદલે સર્જકોના મોટા સમૂહમાં શરણશીલતાનો ગુણધર્મ વિકસેલો જણાય છે. પણ દરેક પ્રદેશની, તેના રાજકારણની અને તેના સર્જકોની આગવી તાસીર હોય છે.

ઈન્‍કિલાબના નામે જાણીતા ખ્યાતનામ તમિળ લેખક અને કવિ શાહુલ હમીદને તાજેતરમાં સાહિત્ય અકાદમી દ્વારા મરણોત્તર પુરસ્કાર ઘોષિત કરાયો. પણ તેમનાં પરિવારજનોએ આ પુરસ્કારનો અસ્વિકાર કર્યો. 2016ના ડિસેમ્બરમાં જન્નતનશીન થનાર ઈન્કિલાબનાં પરિવારજનોએ તેનું કારણ આપતાં જણાવ્યું કે ઈન્‍કિલાબ સરકાર કે બુદ્ધિજીવીઓ તરફથી કોઈ પણ પ્રકારનું સન્માન મેળવવામાં માનતા નહોતા. સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ ભાષાઓમાંના કુલ 24 વિજેતાઓના નામ ઘોષિત કરવામાં આવ્યા હતા, જેમાંના એક ઈન્‍કિલાબ હતા.

કવિની પુત્રી અમીના ભારવિન ચેન્નાઈમાં મેડીકલ પ્રેકટિશ્નર છે. તેમણે જણાવ્યું, ‘સરકારના જનવિરોધી નિર્ણયો સામે તેમનું મજબૂત રાજનૈતિક વલણ કાયમ રહેતું. તેઓ પોતે જીવિત હોત તો પણ આનો સ્વીકાર ન કરત.’ ઈન્‍કિલાબનું અવસાન 75 વર્ષની વયે થયું એ અગાઉ તેમના દસેક કાવ્યસંગ્રહો સામ્યવાદી આંદોલનથી પ્રેરિત હતા. પોતાના આરંભિક જીવનના સંઘર્ષ તેમજ કઠણાઈઓને લઈને તેઓ સામ્યવાદી આંદોલન અને તેના સાહિત્ય પ્રત્યે આકર્ષાયા હતા. 1960ના દસકામાં થયેલાં હિન્‍દીવિરોધી આંદોલન થકી તેમનો નાતો રાજકીય ગતિવિધીઓ સાથે બંધાયો હતો. 1980ના દાયકાની મધ્યમાં ચેન્નાઈ (ત્યારે મદ્રાસ)માં શિક્ષકો દ્વારા મોટે પાયે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનું પણ તેમણે નેતૃત્વ કર્યું હતું.

અમીનાએ એમ પણ કહ્યું હતું કે તેઓ હંમેશાં વંચિતો, શોષિતો અને પછાતોનો અવાજ બની રહ્યા હતા. તેમને પોતાને પણ એ જ રીતે સૌ સ્મરે એમ તેઓ ઈચ્છત. તેમણે લખ્યું હતું કે પોતે કદી સન્માન પ્રાપ્ત કરવાના હેતુથી કશું લખ્યું નથી. સરકાર તરફથી તો પોતાને પૂછપરછ અને ધરપકડની ભેટ જ મળતી રહી છે.

1968માં તમિલનાડુના કીલ્વેનમણિ ગામે જમીનદારો દ્વારા 44 દલિતોની હત્યા કરવામાં આવી ત્યારે ઈન્‍કિલાબે કલમ દ્વારા પોતાનો ક્રોધ વહાવ્યો હતો.

1980માં પેરમ્બલૂર જિલ્લાના એક ગામમાં સાર્વજનિક કૂવેથી પાણી પીવાના મુદ્દે ચાર દલિત બાળકોની હત્યા કરવામાં આવી હતી. પોલિસે આરોપીઓને છોડી દીધા. તેને બદલે મૃતકોના પરિવારજનોની તેમની અંતિમ વિધિ કરવા બદલ ધરપકડ કરી. હચમચાવી મૂકે એવી આ બીના પ્રત્યે સમાજના ઉચ્ચ ગણાતા વર્ગોનું મૌન જોઈને ઈન્કિલાબે ‘મનુસંગ દા’ (અમે પણ માનવો છીએ.) નામનું એક ગીત લખેલું. જોતજોતાંમાં આ ગીત તમિલનાડુમાં દલિતપરિવર્તન માટેનું જાણે કે રાષ્ટ્રગીત બની ગયું.

પોતાનાં આવાં ગીતો વિષે ઈન્‍કિલાબે એક વાર જણાવેલું, ‘મેં જે લખ્યું એ કેવળ અનુવાદ છે. પ્રત્યેક યુવાઓની આંખમાં હું જે ચમક જોઈ રહ્યો છું, સંઘર્ષરત લોકોના કરચલીયુક્ત કપાળ જોઈ રહ્યો છું- તેને જ મેં કાવ્ય તરીકે અનુવાદિત કર્યાં છે. કાવ્યો ઉપરાંત તેમણે નવલિકાઓ અને નાટકો પણ લખ્યાં હતાં. પોતાના જેવાને સન્માન આપવાનો અર્થ ‘પોતે મૃત વ્યક્તિની જેમ જીવવું પસંદ કરે તો જ’ સરે, એમ તેઓ દૃઢપણે માનતા હતા. આથી જ તેમના મિજાજને જાળવી રાખવા માટે સરકાર તરફનું સન્માન સ્વિકારવું એટલે તેમનાં લખાણોને અને તેઓ જે રીતે જીવન જીવ્યા તેને છેહ દેવા જેવું ગણાય એમ તેમની પુત્રીને લાગે છે. તેણે એમ પણ જણાવ્યું, ‘સત્તાધીશોની ટીકા કરનારા અને તેમને સવાલ પૂછનારાઓને આજે ક્રૂરતાથી ચૂપ કરી દેવામાં આવી રહ્યા છે. ગૌરી લંકેશ અને નરેન્‍દ્ર દાભોળકર જેવાઓની હત્યા અને બીજી તરફ ઈન્‍કિલાબ જેવાને સન્માન આપવું એ ખરેખર વક્રતાભર્યું છે. તેઓ પોતે જીવિત હોત તો તેઓ પણ આ સન્માનનો ઈન્‍કાર જ કરત.’

ઈ‍‍ન્કિલાબનાં પરિવારજનોના વલણ બાબતે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે.ચંદ્રુએ કહ્યું, ‘આ પુરસ્કાર ભલે સરકાર એનાયત કરે છે, પણ તેના માટેની પસંદગી કેટલાક ઉચ્ચ કક્ષાના સાહિત્યકારો દ્વારા કરવામાં આવે છે. ઈન્‍કિલાબ ભલે રાજ્યવ્યવસ્થાના આલોચક હોય, પણ આ સન્માનનો સ્વિકાર કરવામાં કશું ખોટું નહોતું. હું વિદ્યાર્થી હતો ત્યારે તેમના કાવ્યસંગ્રહની નકલો પ્રકાશિત કરીને તેનું વિતરણ કરવામાં મેં પણ ભાગ લીધો હતો અને અમે હજારેક નકલો એ રીતે વેચી હતી.’

સન્માન અને તેના ઈન્‍કાર બાબતે કવિના પરિવારજનોનો પક્ષ ખરેખર પ્રશંસનીય અને ઉદાહરણીય છે. આવા કવિઓ-સર્જકો ગુજરાતમાં કેમ નથી એવા સવાલનો કશો અર્થ નથી. કેમ કે, આ વલણ વ્યક્તિગત રીતે કેળવાતું હોય છે, નહીં કે પ્રદેશગત રીતે. જો સર્જકો પોતાના સ્વાર્થ માટે રાજ્યસત્તા કે ધર્મસત્તાને શરણે જાય તો એ વલણ શરમજનક છે. પણ કેવળ રાજ્યસત્તા કે ધર્મસત્તાના માંધાતાઓની નજરમાં રહેવાના ક્ષુલ્લક હેતુથી તેમને શરણે જઈને બેસે એ વલણ કેવળ શરમજનક જ નહીં, ચિંતાજનક પણ છે. એ રીતે શાસકોની કેવળ ઠાલી સ્તુતિ કરનારા સર્જકોને ખરેખરા સર્જક ગણીને સન્માન આપનાર સમાજનું વલણ પણ ગંભીર રીતે ચિંતાજનક ગણાવી શકાય. દર્દીઓની વસાહતમાં ગયેલો સ્વસ્થ વ્યક્તિ પણ બીમાર લાગે એવા માહોલમાં ઈન્‍કિલાબનાં પરિવારજનોએ આ સન્માનનો અસ્વિકાર કરીને તેમનું સાચું તર્પણ કર્યું છે, એમ અવશ્ય કહી શકાય. દરેક સર્જકને તેનાં પરિવારજનો સાચી રીતે સમજે, પ્રમાણે તો કદાચ એ ભાવના સમાજમાં પણ પ્રસરે એ આશા રાખવી વ્યર્થ નથી.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૧૨-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *