





નિરંજન મહેતા
યુગો પછી રાધા અને કૃષ્ણનો અચાનક ભેટો થાય છે. રાધાને જોઇને કૃષ્ણ એક ક્ષણ માટે અચકાય છે અને તે કાંઈ બોલે તે પહેલા રાધા કહે છે, ‘કેમ છો દ્વારકાધીશ?’
દ્વારકાધીશનું સંબોધન સાંભળી કૃષ્ણ ચમકે છે અને કહે છે, ‘રાધે, હું તો તારા માટે હંમેશા કાનો હતો. તારા મુખે તે સિવાય કોઈ બીજું સંબોધન નથી સાંભળ્યું. તો આજે દ્વારકાધીશનું સંબોધન કેમ? આવ બેસ, ઘણા સમય પછી મળ્યા છીએ તો થોડી અન્યોન્યની વાત કરી લઈએ. સાચું કહું રાધે, જયારે જ્યારે તારી યાદ આવતી ત્યારે ત્યારે મારી આંખમાંથી આંસુ નીકળી પડતાં.’
રાધાએ જવાબ આપ્યો, ‘મારી સાથે તો આવું ક્યારેય નથી થયું.’
કૃષ્ણને નવાઈ લાગી કે આમ કેમ? વૃંદાવનમાં જે મારી પાછળ ઘેલી હતી તે આ જ રાધા કે અન્ય? કેવો બદલાવ!
રાધા કૃષ્ણની મનોવ્યથા સમજી ગઈ અને બોલી, ‘ન તો મને તમારી યાદ આવતી, ન મારી આંખમાં આંસુ. કારણ હું તમને ક્યા ભૂલી છું કે મારે તમને યાદ કરવાં પડે? વળી આ નયનોમાં તમારો કાયમનો વાસ છે, એટલે જો હું આંસુ સારું તો તમે મારા નયનોમાંથી વહી જાવ તો?’ એટલે તમારી યાદમાં આંસુ સારવાનું પણ છોડી દીધું છે. પણ તમે પ્રેમસંબંધને વિસરાવી જે પ્રગતિ કરી છે તેને કારણે તમે બીજું ઘણું ગુમાવ્યું છે તે જણાવું? કડવા સત્યો અને સવાલો તમે સાંભળી શકશો?
‘ક્યારેય વિચાર્યું છે કે તમે જેને પ્રગતિ માનો છે તેને કારણે તમે કેટલા પાછળ રહી ગયા છો? યમુનાના મીઠા જળ છોડી તમે સાગરના ખારા પાણીમાં પહોંચી ગયા છો. એક આંગળી પરના સુદર્શન ચક્ર પર ભરોસો કર્યો અને દસ આંગળી પર રમતી વાંસળીને ભૂલી ગયા. તમે જયારે સ્નેહના બંધને બંધાયા હતાં ત્યારે આ જ આંગળીથી ગોવર્ધન પર્વતને ઊંચકી લોકોના પ્રાણની રક્ષા કરી હતી. એ સ્નેહસંબંધથી દૂર થઇ ગયા પછી તે જ એક આંગળી પર સુદર્શન ચક્ર ધારણ કરી તમે વિનાશનો રાહ અપનાવ્યો.
‘કાનામાં અને દ્વારકાધીશમાં શું ફરક છે તે જણાવું? કાનો હોત તો તમે સુદામાને ઘરે જતે નહીં કે સુદામા દ્વારકાધીશને ઘરે આવતે. યુદ્ધ અને પ્રેમમાં આ જ ફરક છે. યુદ્ધમાં જીતો તો છો પણ અન્યનો નાશ કરીને જ્યારે પ્રેમમાં ખુવાર થવાં છતાં જીત તો તેની જ છે. પ્રેમમાં ડૂબેલો દુ:ખી તો હોય છે પણ તે ધ્યાન રાખે છે કે તેનાથી અન્ય દુ:ખી નથી થતું.
‘તમે તો કેટલીએ કળાઓના સ્વામી છો, દૂરદ્રષ્ટા છો, ગીતા જેવા ગ્રંથના દાતા છો છતાં કેવો નિર્ણય લીધો? આખી સેના કૌરવોને આપી અને તમારી જાતને પાંડવો સાથે જોડી. સેના તો રાજાની પ્રજા હોય છે. રાજા તેનો પાલક એટલે કે રક્ષક ગણાય. તમારા જેવા જ્ઞાની આ જાણવા છતાં એ રથ ચલાવી રહ્યાં હતાં જેના પર અર્જુન સવાર થઇ તમારી સેના એટલે કે તમારી પ્રજાને હણી રહ્યાં હતાં. પણ આ જોઈ તમારામાં કરૂણા ન પ્રગતિ કારણ તમે પ્રેમથી વંચિત હતાં, લાગણીશુન્ય થઇ ગયા હતાં.
‘આજે પણ ધરતી પર તમે જશો તો તમારી દ્વારકાધીશની છબી શોધતાં રહી જશો, જ્યારે ઠેર ઠેર મંદિરોમાં અને ઘરોમાં કાનો મારી સાથે ઊભેલો દેખાશો. હું માનું છું કે આજે પણ લોકો ગીતાજ્ઞાનની વાતો કરે છે, તેની મહતાની વાતો કરે છે. પણ તેઓ યુદ્ધપ્રેમી દ્વારકાધીશને નહીં પણ પ્રેમી કાના ઉપર ભરોસો કરે છે. ભલે ગીતામાં મારો ક્યાંય ઉલ્લેખ નથી પણ ગીતા સમારોહ સમાપન પછી લોકો ‘રાધે રાધે’નું રટણ કરે છે.’
નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com
very nice. Radhe Krishana.
આભાર અને રાધેકૃષ્ણ
સરસ કલ્પના! મારી એક કવિતા યાદ આવી જે ૫/૬ પાના પર છે – http://rutmandal.info/wp-content/uploads/2017/08/premanjali.pdf