યૂં કિ સોચનેવાલી બાત : પ્રમાણિકપણે પ્રમાણિક થવા વિષે કેટલાક વિચારો

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

આપણી આસપાસ પ્રમાણિક લોકો ઓછાં જ જોવા મળે છે એ વાત લગભગ બધાં સ્વીકારે છે. તેમાં વળી, મુત્સદીગીરીનો ગુણ પાછો વધારે વખણાય એટલે પ્રમાણિક લોકોએ પણ પોતાનો પ્રામાણિક અભિપ્રાય આપતાં થોડી વાર વિચાર કરવો પડે. આ પ્રકારનાં પ્રવર્તમાન વાતાવરણને કારણે કોઈ પણ સમાજમાં પ્રમણિક લોકોનું મૂલ બહુ હોય છે. તેમનાં સૂચનો કે સલાહો મેળવવા માટે પડાપડી પણ થતી જોવા મળે. ઘણી નમ્રતાપૂર્વક મારે કહેવું છે કે મારા સમુદાયોમાં હું પણ એક એવી જ વ્યક્તિ ગણાઉં છું. આને ખરા દિલનો એકરાર કહો કે સમય સાથે સ્પષ્ટ થયેલી અનુભૂતિ કહો, પણ પ્રમાણિક વ્યક્તિ થવાને પરિણામે હું વધારે જવાબદાર વ્યક્તિ જરૂર બનેલ છું.

મારા સાચાચોખાપણાંને કારણે કૉલેજમાં જેટલી મારી ચાહના હતી એટલો જ મારા માટે અણગમો પણ હતો. મારા કેટલાક ખૂબ જ કરીબી દોસ્તો પાસેથી મળેલા ગુસ્સા ભર્યા પત્રો મને આજ પણ યાદ છે. આ પત્રોમાં, વર્ષ બે વર્ષમાં પહેલાં સુધ્ધાં, ચોક્કસ પ્રસંગે મેં શું શું કહ્યું હતું તેનાં પટકથા જેવાં વર્ણનો લખ્યાં રહેતાં.ગુસ્સા ભર્યા પત્રોની સૌથી ખરાબ વાત એ છે કે તમે કેટલાં ‘ખરાબ’ છો કે તમે ‘તિરસ્કારપાત્ર’ કેમ છો તેનાં તે લખાણમાં મૂકાયેલા પુરાવા સહિત ટાંકવામાં આવ્યા હોય.. તેમની મુશ્કેલ ઘડીમાં કે જ્યારે તેઓ એકલાં પડી ગયાં હતાં ત્યારે તેમનો કેવો સાથ આપ્યો હતો કે તેમનાં મિત્રવર્તુળના વિકાસમાં મારી ભૂમિકા શું રહી છે એ વાત ગુસ્સાના પત્રોનાં માધ્યમ દ્વારા તેમનો પોતાનો ગુસ્સો ઠાલવતી વખતે પરદા પાછળ ધકેલાઈ જાય છે. એ દૃષ્ટિએ તો જે વાતે એ લોકો ગુસ્સો વ્યક્ત કરે છે તે વર્તણૂક તેમની તરફ બૂમરેંગ કરતી ગણાય..

વીતતાં વર્ષોની સાથે મેં ક્યારે અને શું કોને અને કેટલું કહેવું તેમ જ ક્યારે કોનું શું અને કેટલું સાંભળવું તેવી બન્ને લક્ષ્મણ રેખા દોરી લેવાનું શીખી લીધું છે. આમ કરતાં કરતાં મને ‘આયોજિત ચુપકીદી’નું મહત્ત્વ પણ પૂરેપૂરૂં સમજાઈ ગયું છે. આ માટે સૌથી સારો માર્ગ તો એ છે કે જેવું કોઈ તમારાં જીવનની અંદર, જરૂરથી વધારે પડતું, ઊંડે શોધખોળ કરવાનું શરૂ કરે ત્યારે જ તેને સ્પષ્ટ સલુકાઈથી રોકી લેવું. તમારાં જીવનની ઘણી બાબતો એવી હોઈ શકે છે જે બીજાંએ જાણવાની કે એ વિષે પડપૂછ કરવાની કોઈ જ જરૂર નથી.આપણા જીવનના કયા ખૂણા કોનાથી અળગા રાખવા એ આપણી વ્યક્તિગત મુનસફીનો અધિકાર છે. જો કે આ બાબતે હું વાદી પણ છું અને પ્રતિવાદી પણ છું. મારા મનમાં જે પહેલો વિચાર આવે એ કહી દેવા જેટલી હું કસૂરવાર છું. આપણા મનમાં ઊઠેલ પ્રતિભાવ સામી વ્યક્તિને જણાવી દેવાની ‘પારદર્શિતા’ આપણા મનનો બોજ હળવો કરવા માટે સારી વાત હશે, પણ લોકો સાથેના સંબંધોને લાંબા ગાળા સુધી જાળવવાની બાબતે બહુ ઈચ્છનીય રીત નથી.

હું સ્વીકારૂં છું કે પ્રમાણિક લોકો થોડી વધારે છૂટ લઈ લેતાં હોય છે. બધાંને આવું બધું સાંભળવું ગમે તેવું જરૂરી નથી. મને પણ નથી ગમતું. એટલે જ, ક્યારેક કડવી વાતને થોડી મીઠાશની કાંકરીમાં ભેળવીને દેવાથી બને પક્ષને ખાસ નુકશાન નથી થવાનું. સાચાચોખો અભિપ્રાય કહેવાથી પેદા થનાર સંભવિત સંઘર્ષને, કહી નાખતાં પહેલાં બે ઘડી વિચાર કરવો, વાત કહેવાની શૈલી, શબ્દોની પસંદગી, શબ્દો પર મૂકાતો ભાર, આપણા હાવભાવ જેવી ઘણી રીતથી આવા સંઘર્ષ ટાળી શકાય છે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.

1 comment for “યૂં કિ સોચનેવાલી બાત : પ્રમાણિકપણે પ્રમાણિક થવા વિષે કેટલાક વિચારો

  1. Pravina
    January 11, 2018 at 8:48 am

    સમજાયો નહીં

Leave a Reply to Pravina Cancel reply

Your email address will not be published. Required fields are marked *