જળમાં વમળ : ૩૯ : અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું!

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શા કિકાણી

ધરતી પર જોયો નહીં તો આભ પર દ્રષ્ટિ કરી,

અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું!

                                                                                      ….. બેફામ

માણસ જન્મે ત્યારથી પોતાના ઘડનારને શોધતો હોય છે. તે વિચારે છે કે મને જેણે બનાવ્યો અને આ જગત જેણે બનાવ્યું એ સર્જનહાર ક્યાં હશે? કંઈ પણ સ્વાર્થ વગર પોતાના બાળકને પ્રેમ કરતી પોતાની માતામાં તેને ભગવાનની મૂરત દેખાય છે. પોતાના કુટુંબ માટે બલિદાન અર્પતા પિતામાં તેને પરમેશ્વરનો વાસ જણાય છે. ભાઈ-બહેન અને કુટુંબીઓના પ્રેમમાં તેને ઈશ્વરનો અહેસાસ થાય છે. તેની નાની અમથી દુનિયામાં તેને ઘણાં દૈવી તત્ત્વોનો અનુભવ થાય છે. પણ જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તેમ દુનિયાને જાણતો થાય છે, દુન્યવી વ્યવહારોને પિછાણતો થાય છે. આસપાસના લોકોના મતલબી સંબંધોનો તેને પરિચય થાય છે. ક્યારેક અવિશ્વાસ તો ક્યારેક બેવફાઈનો સામનો પણ તેણે કરવો પડે છે.

જિંદગીભર જે વડીલોને ભગવાન માનીને પૂજ્યા હોય તે વડીલો જ ક્યારેક પાણીપગા પુરવાર થાય છે. મિલકતના ઝગડામાં કુટુંબમાં જ મારોકાપો થાય છે અને વડીલો વામણા પુરવાર થાય છે. જે માશુકા માટે દુનિયા ત્યજી હોય તે જ માશુકા બેવફાઈ કરે તો પગ તળેની જમીન ફાટી પડે છે. ક્યારેક કારમી ગરીબી માનવીને ગભરાવી મૂકે છે. મંદિરમાં તહેવારો પર થતાં દીવાઓમાં અને રોશનીમાં ડબ્બાઓ ભરીને તેલ-ઘી વપરાય છે અને ગરીબની ઝૂંપડીમાં ટીપું તેલ હોતું નથી. શંકરને શિરે દૂધની ધારા થાય છે અને શ્રીનાથજીના મંદિરે અન્નકૂટ ઉભરાય છે પણ ગરીબોનાં બાળકો ભૂખ્યાં ટળવળે છે! કપરી પરિસ્થિતિઓનો સામનો કરતાં કરતાં માણસ પોતાની જાતમાં વિશ્વાસ ગુમાવી બેસે છે. તેને ઈશ્વરના અસ્તિત્વમાં શંકા થાય છે. ભગવાન છે તો દેખાતો કેમ નથી? ઈશ્વર મારા પ્રશ્નોનો જવાબ કેમ આપતો નથી?

ભાંગી પડેલો માણસ ભગવાનને શોધવા નીકળી પડે છે. માનવી ઈશ્વરને શોધીને તેને પ્રણામ કરવા માંગે છે, નમન કરવા માંગે છે. તે ઈશ્વરને ક્યાં ક્યાં શોધે છે? મંદિરમાં, મસ્જીદમાં, ગિરજાઘરમાં …. શાળા અને મહાશાળાઓમાં, હોસ્પિટલો અને દવાખાનાઓમાં, ઝૂંપડાઓમાં અને મહેલોમાં, સરકારી દફતરોમાં અને ખાનગી ગોદામોમાં! ધરતી પર તેને ઈશ્વર ક્યાંય મળતો નથી. થાકીને તે આકાશ તરફ મીટ માંડે છે.ઈશ્વર ત્યાં મળે એવી આશા સાથે તે ઊંચે મસ્તકે નમન કરે છે! નમન અને તે પણ ઊંચે મસ્તકે! વાહ, શું કલ્પના છે! જિંદગીનું નામ જ છે સતત મળતો વિરોધાભાસ! નત મસ્તકે નમન નહીં પણ ઊંચે મસ્તકે નમન!

આમ તો અસ્થા હોય તો ધરતી પર ભગવાન મેળવવો બહુ અઘરો નથી. કવિ શ્રી મુકુલ ચોકસી પણ એમ જ કહે છે કે રામ બનવું અઘરું નથી પણ શરત એટલી જ કે પ્રેમથી બોર ખવડાવનાર શબરી મળી જાય!

રામ બનવાનું બહુ અઘરું નથી ‘ઉન્માદ’ પણ,

શરત એ છે કે નિખાલસ એક જણ શબરી બને!

                                                                            …..મુકુલ ચોકસી


સંપર્ક:  દર્શા કિકાણી:  ઈ –મેલ –  darsha.rajesh@gmail.com

6 comments for “જળમાં વમળ : ૩૯ : અંતે ઊંચે મસ્તકે મારે નમન કરવું પડ્યું!

 1. January 9, 2018 at 9:10 pm

  “More we grow in love and virtues and holiness, more we love virtue and holiness outside ” – Swami Vivekanand .
  ઈશ્વર એ શું નથી?ઈશ્વર ની કોઈ વ્યાખ્યા હોય તો તે શી છે? ઈશ્વર એ કદી અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્ર નું હાર્દ છે.સ્વ અને ઈશ્વર વચ્ચે નો તફાવત એ સમુદ્ર અને મોજાં ઓ જેવો છે.સમુદ્ર વગર મોંજા શક્ય છે? .ઈશ્વર એ પ્રેમ છે.તે અવકાશ છે., સી એન પ્રાર્થના મંદિર ની ભોગીલાલ ગાંધી રચિત ” તું તારા દિલનો દીવો થા ને!ઓ રે! ઓ રે! ઓ ભાયા! રચના સૂચક છે.

  • darsha.kikani
   January 11, 2018 at 10:13 am

   સાચી વાત છે, તુષારભાઈ. ઈશ્વર એ અલગવાદી વસ્તુ નથી પરંતુ આપણા અસ્તિત્વ માત્ર નું હાર્દ છે. સી.એન.નાં ગીતો અને ભજનો આપણું જીવનભરનું ભાથું છે! એને માણતાં રહીએ!

 2. dilip patel
  January 10, 2018 at 1:07 am

  My 1 and 1/2 cent!
  As the understandings of the surrounding increased, planning for ‘tomorrow’ so to speak increased and mankind’s attention span also increased. This understandings, naturally increased stress/worry in mankind, because of the “uncertainties” that came into planning of the future. As the human brain developed, future planning (for food and well being in general) evolved as well. The imaginary ‘force’ provided solace and comfort to the mankind in planning for the future. વરસાદ, નદી, ધરતી, વાયુ વગેરે વગેરે તત્વો/forces ની આજે જેવી સમજ છે તેવી ન હોવાના કારણે તેના ભય ને ટાળવા/ઓછો કરવા તે તત્વો ની પૂજા શરુ થઇ. So fear of unknown was given a divine form. All over the world lot of people spend lot of their time, efforts and money in pursuit of diving activities in turn to find mental peace/solace, whether the mental peace is real or psychosomatic is a question! “Placebo” is also a good word to contemplate on.

  • darsha.kikani
   January 11, 2018 at 10:21 am

   Thanks, Dilipbhai! The doubt still remains debatable : God is created by man or man is created by God ! Out of love or fear or fascination, man creates an image of God in his mind and that image may be different for different people or different societies….. Your idea of ‘Placebo effect’ is one form of that doubt!

 3. Ketan Patel
  January 11, 2018 at 2:38 pm

  માણસે પોતાના સ્વાર્થ ખાતર ભગવાનને આભાસિ બનાવી દીધો છે.
  બાકી વાસ્તવ મા ઈશ્વર દરેક ના ર્હદય મા જ વસે છે.

  • darsha.kikani
   January 15, 2018 at 11:31 am

   વાહ, કેતનભાઈ! બહુ સરસ વાત કહી તમે ! સ્વાર્થ માટે માણસ ભગવાનને શું શું કરે છે! આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *