લ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (અંતિમ ભાગ-૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

દેવિકારાણી થોડાં રંગીન મિજાજનાં હતાં. સાચી યા ખોટી એમના વિશે અનેક અફવાઓ ઊડતી હતી. 1929માં હિમાંશુ રાયને વિદેશની ધરતી પર પરણેલાં દેવિકારાણી આમ તો ટાગોરનાં નિકટનાં કુટુંબીજનોમાનાં એક હતા. સંસ્કારી હતાં. પણ માણસભૂખ્યાં રહી ગયાં હતાં. એક્ટર અશોકકુમારને ઘોડેસવારી શીખવવા ડેવિડ નામનો એક કોચ આવતો હતો. એ કોચ સાથે દેવિકારાણીના સંબંધોની ચર્ચા જરા ચગી હતી. પણ બહુ વખત એ ચાલ્યું નહિ. પણ પછી બીજો એક કિસ્સો તો જગજાહેર જ થઈ ગયો. 1935માં બનેલા બોમ્બે ટોકિઝના પ્રથમ ચલચિત્ર ‘જવાની કી હવા’માં એક લખનવી મુસ્લિમ ખૂબસૂરત યુવાન નઝમલ હુસેન હીરો હતો. તેની પર દેવિકારાણી આસક્ત થઈ ગયાં અને ‘જીવનનૈયા’ બનતું હતું તે વખતે એની જોડે ક્યાંક ગાયબ થઇ જવાથી (યા નાસી જવાથી ?) હિમાંશુ રાય ભારે આકુળવ્યાકુળ થઈ ગયા. ગજવામાં રિવોલ્વર રાખીને ફરવા માંડ્યા અને મગજનો પારો ઊંચો રહેવા માંડ્યો. જો કે ઝાઝી તપાસ કરવી પડી નહિ. થોડા જ દિવસોમાં દેવિકારાણી શાંતિથી પાછાં આવી ગયાં. નઝમલ હુસેન તો મોં બતાવવા લાયક રહ્યો જ નહોતો. તેણે કોલકતા ન્યુ થિયેટર્સનો આશરો લઈ લીધો.(પાછળથી 1940માં રજૂ થયેલા ન્યુ થિયેટર્સના ‘નર્તકી’માં માત્ર નઝમના નામથી તેણે કામ કર્યું હતું. જેમાં પંકજ મલિક્નો રોલ હતો.) દેવિકારાણી પાછાં આવ્યાં એટલે હિમાંશુ રાયે ઝાઝી લપ્પનછપ્પન કર્યા વગર એમને પાછાં સ્વીકારી લીધાં. એટલું જ નહિ પણ એમનો જન્મદિવસ પણ સારી રીતે ઊજવ્યો અને એ પ્રસંગે મુમતાઝઅલી (મહેમૂદના પિતા)ના નૃત્યનો જલસો પણ ગોઠવ્યો. પણ આ દરમિયાન આચાર્ય માટે એક સારો સંજોગ બની ગયો અને તે એ કે આ બધી જળોજથા દરમિયાન હિમાંશુ રાયે પોતાના વહાલા એવા આ એન .આર. આચાર્યને કહ્યું કે તમે આટલા વખતથી જાણો છો અને કોઈ પણ કામગીરી કરવામાં નાનમ અનુભવતા નથી. એટલે પ્રોડક્શન મેનેજરની કામગીરી જ સંભાળી લો.

image

(હિમાંશુ રાય-દેવિકા રાણી)

આવી જ રીતે દેવિકારાણીનો એ રોમાન્સ અશોકકુમારને પણ ફળ્યો હતો. ‘જીવનનૈયા’માં મૂળ હીરો નઝમલ હુસેન હતા. પણ આ પરાક્રમને કારણે એ તો હવે પાછા આવે એમ જ નહોતા. આ સંજોગોમાં બીજો હીરો શોધવો રહ્યો. અંતે લેબોરેટરીમાં ટેકનિશિયન તરીકે કામ કરતા કુમુદકુમાર ગાંગુલી પર નજર કરી. એ વળી હિમાંશુ રાયના સાથીદાર શશધર મુખર્જીનો સાળો પણ થતો હતો. રૂપાળો નવયુવાન હતો. એનું જ નામકરણ અશોકકુમાર કરીને એને હીરો તરીકે બોટી લીધો. વાત પતી ગઈ. અશોકકુમાર નવો હીરો, એન.આર. આચાર્ય નવા પ્રોડકશન મેનેજર. આમ ‘જીવન નૈયા’ આગળ ધપી. પછી બરાબર બેસી ગયું. હિમાંશુ રાય જોડે ત્રણ ચાર ફિલ્મો પ્રોડકશન મેનેજર તરીકે બનાવી. ‘જન્મભૂમિ’, ‘નિર્મલા’ અને બીજી એક- બે.

પ્રોડકશન મેનેજર તરીકે પણ આચાર્યે પોતાની કાઠિયાવાડી વેપારી બુદ્ધિને કામે લગાડી. જર્મન ટેકનિશિયનો રજાઓમાં વતન ગયા હોય કે પછી સ્ટુડિયો બીજી કોઈ રીતે ખાલી હોય ત્યારે બીજા પ્રોડ્યુસરોને એ ભાડે આપવાનું એમણે હિમાંશુને સૂચવ્યું. જો કે હિમાંશુ સહમત ના થયા. પણ એમણે આચાર્યનું બીજું એક સૂચન માન્ય રાખ્યું. તે એ કે નવરાશના સમયમાં વાર્તા તો લખી શકાય ને ? જરૂર વાર્તા લખીએ. વાર્તા લખાઈ ફિલ્મ ’અછૂત કન્યા’ માટે. થોડા જ વખતમાં જર્મન ટેકનિશિયનો પાછા આવી ગયા કે તરત જ એ ફિલ્મનું મુહૂર્ત કર્યું. મુહૂર્ત વખતે પૂજાવિધિ કરીને નાળિયેર વધેરવા વગેરેનું સૂચન પણ આ ભૂદેવ આચાર્યનું જ (જે આજ લગી ફિલ્મી દુનિયામાં ચાલુ છે. પછી તે હિન્દુ નિર્માતા હોય, મુસ્લિમ હોય કે પારસી). એ વેળાએ આચાર્યે એક બીજી સૂઝબૂઝનો પરિચય આપ્યો. ફિલ્મના ડાયરેક્ટર ફ્રાંઝ ઓસ્ટિન હતા અને ફિલ્મ આર્કિટેક્ટ હતા કાર્લ વોન્સ પ્રેગ. એક મેળાનો સીન ઝડપવાનો હતો ત્યારે કાર્લે કહ્યું કે આટલો સામાન જોઈશે અને તો જ મેળાનું દૃશ્ય ઝડપી શકાશે. લિસ્ટ બહુ લાંબું અને ખર્ચના ખાડા જેવું હતું અને સૌથી મોટી વાત તો એ કે ભારે લાંબી મુદત માંગી લે તેવું હતું. મુહૂર્તને પાછું ઠેલવાની ચણભણ ચલતી હતી ત્યાં આચાર્ય કહે કે કાલે મેળો ખડો કરી દઉં – તમે સૌ મુહૂર્તની તૈયારી કરી દો. સૌ અવિશ્વાસથી તેની સામે જોઈ રહ્યા. પણ આચાર્ય તાબડતોબ ગોળપીઠા ગયા અને ત્યાં જઈને એક ચાલુ મેળા (કાર્નિવલ)માં જઈને એ લોકોને સમજાવીને એમનાં ચકડોળ, દુકાનો અને તંબુ એક ટ્રકમાં નાંખી લઈ આવ્યા.પાંચ વાગ્યે આવી ગયા એટલે બીજો ફેરો જુહુનો કર્યો ત્યાં એરપોર્ટ બંધાતું હતું કે એના મજૂરો સાંજે છૂટા થાય એમને સૌને આઠ આઠ આના આપવાના ઠરાવી, બોમ્બે ટોકિઝના પોશાકોમાંથી પોશાકો આપીને મેળાના મણીગરો તરીકે ખડા કરી દીધા. સ્ટુડિયોના દરવાજા બંધ કરી દીધા અને ફ્રાંઝ ઓસ્ટિનને કહ્યું, ’સાહેબ, હવે કરો શૂટિંગ શરૂ.’

જે કામ માટે પંદર દિવસની મુદત પાડવાની પેરવી થતી હતી તે આમ પાંચ કલાકમાં પતી ગયું. મેળાનાં એકદમ વાસ્તવિક દૃશ્યો ઝડપાઈ ગયાં (અને આજે પણ લોકો એ દ્રશ્યને યાદ કરે છે.) હિમાંશુ રાય તો એમની આ પ્રત્યુત્પન્નમતિ પર એવા વારી ગયા કે પગાર બમણો કરી આપ્યો.

વહાલા એન.આર. આચાર્ય હિમાંશુ રાયના હવે લાડલા બની ગયા. પછી તો પાત્રવરણીથી માંડીને પ્રકાશ નિયોજન સુધીના બધા વિષયો પર એ આચાર્યનો મશવરો લેવા માંડ્યા.

image

જો કે દેવિકારાણી –અશોકકુમારવાળી ’અછૂત કન્યા’ એમાં રહેલા અસ્પૃશ્યતા નિવારણના વિષયને કારણે ભારે સફળતા પામી. પણ દેવિકારાણીવાળી એ પછીની બધી ફિલ્મો પિટાવા માંડી. એટલે પછી બોમ્બે ટોકિઝે એક ફિલ્મ ‘ભાભી’ બનાવી, જેમાં પ્રથમ વાર જ દેવિકારાણીને બદલે બીજી હીરોઈન હતી. તેનું નામ રેણુકા. એટલે એનો હીરો પણ બદલવો પડ્યો. એ હતા જયરાજ.

પાત્રવરણીમાં આચાર્યની આવી આણ પ્રવર્તે છે એ જોઈને વડોદરાનો એક કાર્ટૂનિસ્ટ રોલ મેળવવાને વાસ્તે એમની પાછળ પડી ગયો હતો. આચાર્ય રોજ મલાડથી પાર્લા ટ્રેનમાં જાય. લાગ સાધીને આ કાર્ટૂનિસ્ટ પણ એ જ ડબ્બામાં ચડે અને આચાર્યનો લોલોપોપો કરે. એનું મોં જોતાં જ હસવું આવે એવું હતું. દયા ખાઈને એકવાર હિમાંશુ રાયને કહીને આચાર્યે એને રોલ અપાવી દીધો. પહેલે દિવસે જ એ જરા મોટેથી બોલતો હતો એટલે ડાયરેક્ટર ફ્રાંઝ ઓસ્ટિને એને સૂચના આપી, ’ડોન્ટ સ્પીક લાઉડ !’ તે બીજી જ પળે એને સંવાદનું ‘પ્રોમ્પ્ટિંગ’ સમજીને એ કાર્ટૂનિસ્ટ પડઘાની જેમ બોલી ગયો : ‘ડોન્ટ સ્પીક લાઉડ.’ સૌ ચિડાવાને બદલે ખડખડાટ હસી પડ્યા. આવી નાસમજી, ભોટપણું એ એની મર્યાદા હતી. ઉપરાંત બોલતાં બોલતાં ડાયલોગ ભૂલી જવો અને યાદ ના આવે તો ભળતું જ બોલી નાખવું એ એની બીજી મર્યાદા હતી.પણ પાછળથી ફિલ્મોમાં આ જ ચીજ એની લાક્ષણિકતા બની અને કોમેડિયન તરીકે એને ઠીક ઠીક નામના પણ મેળવી. એનું નામ વિષ્ણુપ્રસાદ દેસાઈ પણ એ વી.એચ. દેસાઈ તરીકે પ્રખ્યાત થયા. પાછળથી ઘણાં વર્ષે ફિલ્મ ‘અંદાઝ’માં એમણે યાદગાર હાસ્યભૂમિકા ભજવેલી.

image

(વી.એચ. દેસાઈ)

પણ આચાર્યના તકદીરનું તાળું ખરેખર ખૂલ્યું ક્યારે ?

પોલીસે પેલા જર્મન લોકોની ધરપકડ કરી, પોલીસ લોકઅપમાં બે દિવસ ગોંધી રાખીને પછી જર્મની ભણી એમની પાછી હકાલપટ્ટી કરી. ફ્રાંઝ ઓસ્ટિન અને હિમાંશુ રાય છૂટા પડતી વખતે ભેટીને રડી પડ્યા, એમાં ના નહિ, પણ કોઈ એક સ્તંભના તૂટી પડવાથી આખી ઈમારતને જમીનદોસ્ત થવા દેવાય નહિ. છેવટે તેમણે ગમે તેવો ટેકો શોધી લેવો જ પડે. બોમ્બે ટોકિઝ એ એક એવી આલિશાન ઈમારત હતી, જેને માટે ખમતીધર ટેકો શોધવો જ પડે. હિમાંશુ રાય સ્વસ્થ થયા કે તરત જ એન.આર. આચાર્ય પાસે ગયા અને એમના ખભે હાથ મૂકીને કહ્યું : ’આચાર્ય, હિટલર તો ગયા. હવે તમે ગોરિંગ તરીકે યુદ્ધ લડો.’

ભયંકર હતાશા પેદા કરી નાખે એવી પરિસ્થિતિમાં પણ હિમાંશુ રાય આ રીતે મજાક કરી શકતા હતા એ જોઈને આચાર્યને નવાઈ લાગી. અલબત્ત હિમાંશુનો મતલબ સાફ હતો. હિટલર જર્મનીનો હતો. સર્વસત્તાધીશ હતો. પણ એનો જમણો હાથ એનો સેનાપતિ ગોરિંગ હતો, જે પણ હિટલરની જ બરોબરી લોખંડી તાકાતવાળો હતો. મતલબ કે હિમાંશુ આ આચાર્યને જર્મન ડાયરેક્ટર ફ્રાંઝ ઓસ્ટિનનું સ્થાન લઈ શકે તેવા માનતા હતા. એટલે જ એમણે કહ્યું કે ‘હવે તમે યુદ્ધ લડો.’

image

(એન.આર.આચાર્ય)

એ યુદ્ધ કયું હતું ? ‘કંગન’ ફિલ્મ બનાવવાનું. ‘કંગન’માં પણ અશોકકુમાર અને લીલા ચીટણીસની જોડી હતી. ડાયરેક્ટર હતા ફ્રાંઝ ઑસ્ટિન કે જેમને અધૂરી ફિલ્મ મૂકાવીને જર્મની તગેડી મૂકવામાં આવ્યા હતા. આમ ‘કંગન’ને પૂરી કરવી એ એક યુદ્ધ સમાન હતું, કારણ કે અશોકકુમાર અને લીલા ચીટણીસ એક બીજી બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘આઝાદ’માં પણ કામ કરતાં હતાં.એક બેનર, એક જ ડાયરેક્ટર, એક જ જોડી છતાં અલગ અલગ કથા અને શૂટિંગ સમાંતરે. આ પડકારને ઝીલવો બહુ દુષ્કર હતો.

image

પણ એન.આર. આચાર્યે એ ઝીલી લીધો. એટલી હદ સુધી કે ક્યારેક અશોકકુમારને રાતવરત પોતાને ઘેર પાર્લા રાત્રે બોલાવે, જમાડે-કારવે અને સીન સમજાવે. ક્યારેક લીલા ચીટણીસને નાનીમોટી રીતભાત શીખવે અને આમ બંને ચિત્રો પૂરાં થયાં. પહેલાં ‘કંગન’ પછી ‘આઝાદ’. 1940માં, જોકે ‘આઝાદ’ સાવ ફ્લોપ ગયું અને ‘કંગન?’

‘કંગન’ અદભુત સફળતાને વર્યું. એ 1939માં રજૂ થયું.

આ પછી ‘બંધન’ જેવું યાદગાર ચિત્ર. એના ડાયરેક્ટર પણ આ એન.આર. આચાર્ય જ. 1941માં ‘નયા સંસાર’. એના પણ ડાયરેક્ટર એ જ.

ક્લેપર બોય તરીકે કામ કરનાર ગુજરાતી યુવક બોમ્બે ટોકિઝમાં આ રીતે હિટ ફિલ્મોના ડાયરેક્ટર બની જશે એની કોને ખબર હતી ?

**** **** ****

1939ની સાલની જવલંત સફળતાની એ બધી વાતો. પચાસ વરસ પછી 1989માં માટુંગામાં આવેલા નિવાસસ્થાન (7, વાલિયા ભુવન, એડનવાલા રોડ, કિંગ સર્કલ પાસે, માટુંગા, મુંબઈ – 4000019)માં બેઠા બેઠા એ મને ત્રૂટક ત્રૂટક રીતે કહેતા હતા. સાવ ભુલાઈ જવા આવેલી એ ગૌરવશાળી ગુજરાતી હસ્તીની ભાળ કવિ પ્રદીપજીએ મને આપી હતી, કારણ કે 1939માં ‘કંગન’નાં ગીતો લખવા માટે પ્રદીપજીને એ જ શોધી આવ્યા હતા અને એમનાં લગ્ન પણ એમણે જ કરાવી આપ્યા હતાં. એ રીતે કવિ પ્રદીપની ભેટ એમણે ફિલ્મ જગતને આપી હતી. મહેશ કૌલ પણ એમની જ શોધ.પણ હવે એમની વય થઈ હતી. વાતો સળંગ ક્રમમાં યાદ નહોતી આવતી. ચહેરા પર વૃદ્ધત્વની પૂરી-ભરપૂર રેખાઓ વચ્ચે પણ એમની પ્રતિભાનું તેજ ઝળકતું હતું. ટાગોર, શેક્સપિયર વગેરેનાં એમણે પોતે અને બીજા કલાકારો પાસે બનાવેલાં પોટ્રેઈટ એમની પાછળની દીવાલ પર લગાડેલાં હતાં.

પણ ઘર એક માત્ર એમના પત્ની લીલાબહેન કે જે હજુ આ વયે પણ સ્ફૂર્તિલા છે, એમની એક માત્રની હાજરી સિવાય સૂનું સૂનું કેમ ? જવાબ મળ્યો : ‘એક પુત્ર અમેરિકામાં સારા હોદ્દે છે. એક પુત્રી અહીં મુંબઈમાં જ પરણીને ઘરેબારે છે.’ સ્વજનોના ક્યારેય રણકતા ફોન અને સ્મૃતિઓ સિવાય કોઈ બીજી વસ્તી નથી હવે આ સૂના મકાનમાં.

ખેર મારા મનમાં તો એમની પન્નાલાલ પટેલની વાર્તા ‘મળેલા જીવ’ પરથી એમણે બનાવેલી ફિલ્મ ’ઉલઝન’ના ડાયરેક્ટર તરીકેની ઓળખ. એ ફિલ્મ આચાર્ય આર્ટ પ્રોડક્શનની હતી એટલી જ આછી આછી યાદ. એ ખબર નહોતી કે આ એ જ આચાર્ય કે જેમણે ‘કંગન’, ‘બંધન’ જેવાં યુગપરિચાયક ચિત્રો સર્જેલાં.

image

પણ પૂછવાથી એમની આ બ્યાસી વરસની વયે બધું સહેલાઈથી યાદ આવતું નહોતું. મારી સાથે પોણોસો વરસની ઉંમરે પણ શ્રમ લઈને લોકલ ટ્રેનમાં સાથે સફર કરીને આવેલા કવિ પ્રદીપજી વારંવાર એમને બધું યાદ કરાવતા હતા, એટલે તરત જ સ્મૃતિઓ એમની સળવળી ઊઠતી હતી.

image

(દાદાસાહેબ ફાળકે સન્માન મેળવનાર પ્રદીપજી સાથે રજનીકુમાર પંડ્યા)

મેં પૂછ્યું : ‘આટલી સફળ ફિલ્મો બનાવવા પર હાથ બેસી જતાં બોમ્બે ટોકિઝ કેમ છોડ્યું ?’

‘એની પાછળની વાર્તા લાંબી છે.’ એમણે કહ્યું, ‘એ લખવા બેસીએ તો પુસ્તક થાય. બાકી એ તો જગજાહેર વાત છે કે દેવિકારાણી પાછા ફર્યા પછી હિમાંશુ રાય જરા અસ્વસ્થ તો બની ગયા હતા. એમાં 1940માં ફિલ્મ ‘નારાયણી’ એમણે હાથ પર લીધી હતી.એ પોતે જ ડાયરેક્ટ કરવાના હતા. કારણ કે એ નામનું નાટક જોઈને એ બહુ જ પ્રભાવિત થઈ ગયેલા. એ એક ગાંડા જેવા પુરુષની વાત છે, જેને એની પત્ની ધીરે ધીરે સુધારે છે. પાછળથી એ વાર્તા પરથી શાંતારામે શાંતા આપ્ટેને લઈને ‘સ્વયંસિદ્ધા’ બનાવેલું. પણ ‘નારાયણી’ એ પહેલાં બનતું હતું. એ વાર્તા પર વિચાર કરતાં કરતાં એ ખુદ એટલા બધા એના મય થઈ ગયા કે ખુદ અર્ધપાગલ જેવા, મેનિયાક થઈ ગયા. વાતે વાતે બધા પર ખિજાઈ જાય. ખુદ દેવિકારાણીને એક થપ્પડ મારી દીધી હતી. એક ટેકનિશિયન સાવક વાચ્છાને તો એટલા જોરથી તમાચો માર્યો હતો કે એ જીવનભરને માટે એક કાનથી બહેરા થઈ ગયા. એ પછી હિમાંશુ રાયની માનસિક અસ્વસ્થતા એટલી બધી વધી ગઈ કે એમને હેંગિંગ ગાર્ડન પાસે આવેલા એલિઝાબેથ નર્સિંગ હોમમાં ખસેડવા પડ્યા. ત્યાં જોઈએ એવી સારવાર ન મળી એમ લાગ્યું એટલે ગ્રાંટ રોડ પર આવેલા બચ્ચાઝ નર્સિંગ હોમમાં ખસેડાયા. અને ત્યાં 1940ના મેની 14મી તારીખે એ ગુજરી ગયા. માત્ર અડતાલીસ વરસના હિમાંશુ રાયને સંતાન તો નહોતું,પણ માત્ર વૃદ્ધ પિતા,ત્રણ બહેનો અને પત્ની દેવિકારાણી હતાં. એમનું અવસાન થયું અને બોમ્બે ટોકિઝના સોનેરી ઈતિહાસનું એક પાનું, એક પ્રકરણ પૂરું થઈ ગયું.’

‘તો પછી….’, મેં કહ્યું, ‘તમારી ‘બંધન’ની સફળતા પણ જોવા એ જીવતા ન રહ્યા. ખરું ?’

‘હા’ આચાર્ય બોલ્યા :‘કંગન’ ની સફળતા અને ‘આઝાદ’ની નિષ્ફળતા એમણે જોયેલી. ‘બંધન’ની સફળતા પણ એમણે જોઈ હોત તો સારું હતું. પણ…’

એમના નિઃશ્વાસ પછીની પણ ઘણી ઘણી ઘટનાઓ એમણે કહી, જે અહીં લખવી અપ્રસ્તુત છે. પતિના અવસાન પછી દેવિકારાણી કેવી રીતે શોકભવનમાં ચાલ્યાં ગયાં, ફરી ફિલ્મ નિર્માણનું કામ ધીરે ધીરે કેવી રીતે શરૂ થયું, રાયબહાદુર ચુનીલાલ (સંગીતકાર મદમોહનના પિતા અને અત્યારના એચ. એમ.વી.ના મેનેજર સંજય કોહલીના દાદા) અને એસ મુખર્જી વગેરે બંગાળીઓ વચ્ચે કેવા તડા પડ્યા, બે અલગ અલગ ચોકાઓ એક સ્ટુડિયોમાં કેવી રીતે રચાઈ ગયા અને એ અલગ અલગ ચોકાઓની અલગ અલગ ફિલ્મો કેવી રીતે બની તેની પણ અજબગજબની કથાઓ હતી.

image

‘નયા સંસાર’ જેવી સફળ ફિલ્મ પણ મેં 1941ના બોમ્બે ટોકિઝ માટે બનાવી.’ એમણે કહ્યું :‘પણ હિમાંશુ રાયના ગયા પછી મને લાગ્યું કે મારું કદરદાન કોઈ રહ્યું નથી. મારી આટલી સફળતા પછી પણ મારો પગાર વધારવામાં ન આવ્યો કે ન મળ્યું કોઈ બોનસ. આ તરફ બોમ્બે ટોકિઝમાં બે તડાં થવાને કારણે બંગાળી ડાયરેક્ટરોનું જોર એક તરફ અને બીજી તરફ રાયબહાદુર ચુનીલાલનું વર્ચસ્વ વધતું જતું હતું. મને અકળામણ થતી હતી. મારી શક્તિઓને હું વેડફી દેવા માંગતો નહોતો. એટલે અંતે…’ એ ગળું ખોંખારીને બોલ્યા :‘અંતે 1941-42મા મેં મારી સ્વતંત્ર સંસ્થા ‘આચાર્ય આર્ટ પ્રોડક્શન’ શરૂ કરી જ દીધી. મને એમાં મારા મિત્ર શેઠ સુગનચંદ ભતાડિયા અને ‘ભારત પિક્ચર્સ’વાળાનો ઘણો ટેકો મળ્યો. એટલે મેં એક સાથે બે ફિલ્મોની એનાઉન્સમેન્ટ કરી દીધી. એક ‘કુંવારા બાપ’ અને બીજું ’ઉલઝન’. આ એ જ ‘ઉલઝન’ કે જેને વિશે તમે મને વારંવાર પૂછવા માંગો છો.’

image

હા, એમની વાત સાચી હતી. ‘મળેલા જીવ’ પરથી બહુ સુંદર રીતે બનેલી ફિલ્મ ‘ઉલઝન’ની પ્રિન્ટ અને નેગેટિવ બંને શેઠ સુગનચંદના ગોડાઉનમાં આગ લાગવાથી ફિલ્મ રજૂ થયાના થોડા વખત પછી બળી ગઈ હતી. ત્યારથી મારી એ વિશેની ઉત્સુકતા ઘણી બધી વધી ગઈ હતી.

image

(‘ઊલઝન’માં સરદાર અખ્તર)

જો કે, એન.આર. આચાર્યે મને વાત કરી, ‘કુંવારા બાપ’માં એમણે એમના બોમ્બે ટોકિઝ કાળના મિત્ર અને બોમ્બે ટોકિઝના જ ‘પુનર્મિલન’ અને ‘જીવનપ્રભાત’ના જ હીરો વાર્તાકાર કિશોર સાહુને માત્ર હીરો તરીકે જ નહિ, ડાયરેક્ટર તરીકે પણ ચાન્સ આપ્યો. કારણ કે ગુજરાતી નવલકથાકાર પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ પરથી બનતી ‘ઉલઝન’ પર એ વિશેષ ધ્યાન દેવા માંગતા હતા. અલબત્ત ગુજરાતી સાહિત્યના રસિક તરીકે એમની અસલી ઈચ્છા ઝવેરચંદ મેઘાણીની ‘અપરાધી’ નવલકથા પરથી ફિલ્મ બનાવવાની હતી. પણ મેઘાણીએ જાતે જ ‘મળેલા જીવ’નું નામ સૂચવ્યું હતું. પન્નાલાલની એ નવલકથા મેઘાણીએ જાતે જ આચાર્યને વાંચવા આપી હતી અને એ વાંચીને મેઘાણીની જેમ એ પણ ઝૂમી ઊઠ્યા હતા, અને મેઘાણીનું સૂચન માન્ય રાખ્યું હતું. ફિલ્મને પૂરો ન્યાય આપી શકાય તે માટે વારંવાર પન્નાલાલ પટેલને મુંબઈ આમંત્રતા અને શૂટિંગ દરમિયાન અને તે પછીની કોન્ફરન્સમાં સાથે રાખતા.

image

(‘ઊલઝન’નું એક દૃશ્ય)

ફિલ્મ પણ એટલી સુંદર બની હતી કે પન્નાલાલ વારંવાર ભાવવિભોર થઈને બોલી ઊઠતા : ‘કૂવાની દેડકીને તમે દરિયો દેખાડ્યો.’ મેઘાણીએ પણ આ ફિલ્મની ટ્રાયલ જોઈ હતી અને એ પણ એનો કલાદેહ જોઈને રાજી થયા હતા. એમાં હિરો તરીકે કૃષ્ણકાંત ચતુર્વેદી અને હીરોઈન તરીકે સરદાર અખ્તર હતાં. (જે પાછળથી મહેબૂબને પરણ્યાં હતાં.) બીજા હીરો તરીકે મઝહરખાન અને બીજાં હીરોઈન તરીકે અંજલિદેવી હતાં.આવી સુંદર રીતે બનેલી ફિલ્મ 1942માં રજૂ થવાની સાથે જ ટિકિટબારી પર પિટાઈ ગઈ હતી એ પણ વિચિત્રતા જ !

image

આ પછી આચાર્યે બીજાં બે-ત્રણ બેનર્સ નીચે ફિલ્મો બનાવી. ‘આગે કદમ’ 1943માં ટાગોરની એક વાર્તા પરથી વિચાર લઈને બનાવ્યું. ‘પરિસ્તાન’ અને પછી 1949માં રાજકપૂરને લઈને બનાવ્યું ‘પરિવર્તન’.અલબત્ત એમાં મુખ્ય રોલમાં મોતીલાલ હતા અને રાજકપૂર સાવ નાના રોલમાં. એ ફિલ્મમાં ‘ચિત્રલેખા’ના સ્થાપક વજુ કોટકે પણ એક સારંગીવાળાની ભૂમિકા ભજવેલી. એ જ વજુ કોટકે ‘કુંવારા બાપ’ પરથી એક ધારાવાહી નવલકથા લખી હતી ‘આંસુના તોરણ’. 1950માં એન.આર. આચાર્યે એના ઉપરથી જ ફિલ્મ બનાવી ‘લગ્નમંડપ’. આ પહેલાં એક ઝબકારો કરી દીધો હતો. હિન્દીમાં પ્રદીપકુમાર અને ઉષા કિરણ તથા રેહાનાને લઈને ફિલ્મ ‘ઢોલામારૂ’ બનાવી લીધી.

image

પણ આ ધંધો એમને ધંધા તરીકે માફક ના આવ્યો. રૂપિયા સલવાઈ ગયા હતા અને આ લાઈન પ્રત્યે એક જાતની નફરત પણ પેદા થઈ ગઈ. એટલે પછી 1950 પછી થોડી પ્રવૃત્તિ સિવાય આ લાઈનમાંથી તો સાવ નિવૃત્તિ જ…’

‘મારા ભાગે આવેલું કામ મેં બરોબર સમજાવેલું અને એથી આજે હું સુખી છું, દુઃખી નથી.મારા હાથે જ ફિલ્મોને કવિ પ્રદીપ, વી.એચ. દેસાઈ અને માસ્ટર ધૂળીયા કે મહેશ કૌલ જેવાની ભેટ મળી. કિશોર સાહુને મેં જ પ્રથમ ડાયરેક્શનનો ચાન્સ આપ્યો. પન્નાલાલ અને મેઘાણીના જીવને રાજી કર્યા અને અશોકકુમાર, લીલા ચીટણીસ જેવાની કારકિર્દીને વળાંક આપ્યો, આથી વિશેષ એક જીવનમાં બીજું શું જોઈએ ?”

‘બધું મળો, પણ લોકોની સ્મૃતિમાંથી તમને સ્મૃતિવટો ના મળો, દાદા.’ એમ કહેવા જતો હતો, ત્યાં પ્રદીપજીએ મને રોકી લીધો અને કહ્યું :‘સ્મૃતિવટો નથી મળ્યો. જુઓ ને, અમારી પછીની પેઢીના લોકોને પણ એમનું નામ યાદ જ છે ને, કેમ કે તમે અને તમારો આ લેખ વાંચનારા બીજા અનેક…’

‘અનેક…હા’ મેં કહ્યું :‘સો જણને પણ આ નામ મનમાં આદરથી યાદ આવશે, તો આ કલમમજૂરી સાર્થક…’

એ કલમમજૂરી સાર્થક થઈ, પણ આ પૃથ્વી પર તેમની જીવનદોરી પૂરી થઈ. 1993ના ડિસેમ્બરની 23મીએ એમનું અવસાન થયું. એ પછી 9-3-1994ના રોજ દેવિકારાણીનું અવસાન થયાનું સાંભળ્યું અને વાંચ્યુ. ને એ સાથે જૂની સ્મૃતિઓ ફરી સળવળી ઊઠી. તસવીરો માટે આચાર્યનાં પુત્રી પૂર્ણિમાબહેનને લખ્યું. એ ફોટોગ્રાફ્સ મોકલતાં પૂર્ણિમાબહેન લખે છે : ‘સાચવજો, પાછા મોકલજો. મારા વહાલસોયા પિતાની આ અણમોલ યાદ છે.’

વાત સાચી છે, માણસ ચાલ્યો જાય છે, પણ એનો ફોટો રહે છે. પણ બહેન, એમની કલા તો અમર રહે છે.


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

4 comments for “લ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (અંતિમ ભાગ-૨)

 1. Piyush Pandya
  January 8, 2018 at 12:16 pm

  એકાદ બે વાર આ નામ સાંભળેલું. એમનું હિન્દી સિનેમાના પાયામાં આટલું મોટું પ્રદાન છે એ તો આ હપ્તા વાંચી ને ખબર પડી. પ્રકાશની દુનિયાના ભુલાઈ ગયેલા કસબીને ફરીથી પ્રકાશમાં લાવવા માટે તમને સલામ.

 2. Gajanan Raval
  January 9, 2018 at 9:32 am

  I remember my couple of days spent with Devika Rani who showered motherly love…! Till today I believe myself
  fortunate to be with her…Thank YOU Rajnibhai for such a marvellous pen picture…

 3. Ishwarbhai Parekh
  January 9, 2018 at 9:53 pm

  એન .આર .આચાર્ય નું નામ તો બહુ યાદ નથી પણ તેમનું બંધન મારી યાદ માં છે લગભગ ૧૦-૧૨ વર્ષ ની ઉંમરે ટુરિંગ ટોકીઝ ધર્મજ -રામજી મંદિર ને ઉપર ના ભાગે ૮ એમ.એમ માં જોયા નું યાદ છે ,એક સીન હાજી ભુલ્યો નથી અશોકકુમાર એક ટાંગામાં ગામ છોડેછે પાછળ નટી રડતી આંસુ સારે ગામલોકે બંને ના સંબંધો વિષે અફવા ફેલાવેલી …આબધુ આછું પાતળું યાદ છે પણ લીલા ચીટનીશ નો અભિનય તેમના ઘડપણ માં પણ ભુલાયો નથી .આભાર

 4. ...વિક્રમ
  February 3, 2018 at 6:00 pm

  કેવું સુંદર આલેખન જાણે તમે સામે બેસી ને વાત કરો છો એવો ભાસ થાય…..આભાર એક જોહરી નો પરિચય બદલ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *