





ડૉ.દર્શના ધોળકિયા
કૉલેજકાળના અભ્યાસ દરમિયાન ‘કુંવરબાઈનું મામેરું’ ને ‘નળાખ્યાન’ ભણતાં પ્રેમાનંદ પર ઓળઘોળ થઈ જવાયેલું એની ચરિત્રની ઓળખ આપવાની અભિવ્યક્તિ ક્ષમતા, નિરીક્ષણકલા ને સંવેદનની સૂક્ષ્મતા પર નરસિંહના ‘ચોક માંહે તુલસીનાં વંન’ ને નળના ‘દીઠે અડસઠ જાત્ર’ એ પરિચયની અર્ધ પંક્તિએ તો મને અંદરબહાર ઝળાંહળાં કરી દીધેલી ! પછી તો ‘શિયાળાની સવારનો તડકો’ જેવી અનવદ્ય કૃતિઓમાંથી પસાર થવાનું આવ્યું ચરિત્રાલેખન વિશેની સમજ ધીમે- ધીમે કેળવાતી રહી ને એ જ ગાળામાં આવે સંતૃપ્તિ ને સભરતા શ્રી રઘુવીર ચૌધરીની ‘સહરાની ભવ્યતા’ પાસે ઉપનિષદ રચતી વેળા સાંપડી. તાજેતરમાં એના પુનર્વાચનની વેળાએ એક જુદો ને નવો અર્થપ્રકાશ મને સંપડાવ્યો – આ કૃતિમાં પ્રકાશિત થયેલાં કેટલાંક ચરિત્રોના નિકટના પરિચયે કરીને અને અનુભવે સંપડાવેલી જીવનને જોવાની બદલાતી જતી દ્રષ્ટિને લઈને.
કૃતિના પ્રાસ્તાવિકમાં રઘુવીરે ઉચિત રીતે નોંધ્યું છે તેમ, આ માત્ર રેખાચિત્રો જ નથી, અભ્યાસલેખો પણ છે. એ સંદર્ભમાં આ ચરિત્રો માત્ર આસ્વાદ્ય જ નહીં, ઉપાસ્ય પણ બન્યાં છે. અહીં આલેખાયેલાં ચરિત્રો માત્ર સાહિત્યકારોનાં જ નથી; એ સૌ સાહિત્યના, જીવનના, પ્રજાના ઉપાસકો પણ છે ને એ પણ એટલી માત્રામાં કે તેમને પુણ્યશ્ર્લોક વ્યક્તિત્વો કહેવામાં અત્યુક્તિ થતી નથી. આ સૌએ પોતપોતાના ક્ષેત્રની ઉપાસના કરતાં-કરતાં અનાયાસ શીખવ્યું છે – જીવન જીવવાનું, વિદ્યાની ઉપાસના કરવાનું, મનુષ્યત્વનું સંવર્ધન કરવાનું.
પ્રસુતુત કૃતિમાં કેવા-કેવા લોકો ઝિલાય છે ! પંડિત સુખલાલજી, ઉમાશંકર, કિશનસિંહ, યશવંતભાઈ, મડિયા, જયંતિ દલાલ, બચુભાઈ રાવત, સુન્દરમ્, સ્નેહરશ્મિ – એક જુઓ ને એક ભૂલો તેવા આ મહાનુભાવો સ્વાભાવિક રીતે જ આ કૃતિ લખાયાના સમયે મોટેરા છે. પોતપોતાના ક્ષેત્રમાં નીવડી ચૂકેલા છે. આ સંદર્ભમાં રઘુવીરે એ સૌનો જુદા જ અર્થમાં પ્રભાવ ઝીલ્યો છે. એ પ્રભાવ આ સૌના પદનો, કીર્તિનો નથી. એ છે આ સૌએ લોકહૃદયમાં જમાવેલાં સ્થાનનો, એમનાં વ્યક્તિત્વને એ સૌએ આપેલા ઘાટનો, પોતપોતાના સમય પર મેળવેલા વિજયનો, એમના અસ્તિત્વે ફેલાવેલી સુગંધનો. ઝડપથી કોઈની ઓઝડમાં ન આવનારા રઘુવીરના હૃદયમાં આ સૌ પ્રતિબિંબિત થયા છે એમની ઉપસ્થિતિ માત્રથી પ્રતીત થતી નજકતથી, એમનાં આંતરિક વીર્યથી.
એક એક ચરિત્રને પોતાની કલમની પીછીથી આલેખતા રઘુવીરને પોતે જે નિહાળ્યું છે તે કહેવાની બિલકુલ ઉતાવળ નથી. સંગીતકારની ધીરજથી લેખક અહીં એક એક સપ્તક સર કરતા જાય છે. ક્યાંક તો અધૂરેથી વાત મંડાય છે – જાણે વિચાર કરતાં કરતાં કશુંક હાથમાં આવી ગયું હોય. ‘ઉમાશંકર’નો આરંભ આ અર્થમાં જોવા જેવો છે : ‘પ્રેમ પક્ષપાત બની ન જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે. સ્નેહની તીવ્ર લાગણી અનુભવનાર સંબંધ પરત્વે તટસ્થ રહે ! ઉમાશંકર રહે છે. અને છતાં જેને નથી મળાયું એની સાથે પણ ઓળખ અનુભવે છે. (પૃ.૯)
ઉમાશંકર વિશે સહૃદયને જે આદર જાગે છે તે રઘુવીરનાં આ નિરીક્ષણથી : ‘એ દોરવાતા નથી, પોતાના અભિપ્રાયથી ચાલે છે. સમાન્ય રીતે અભિપ્રાયનો અમુક અંશ અપ્રગટ રાખે છે, જેથી ભૂલ સુધારવા વારો આવે નહિ. જેમ અભિભૂત ન થાય તેમ કોઈને વિશે આશા પણ છોડી ન દે. ગમે તેવાના સુધરવા વિશે એ આશાવાદી છે અને માને છે કે માણસ પોતાની ગરજે સુધરે છે.’ (પૃ.૧૦)
ઢળ્યા કે જળ્યા વિના રઘુવીરે આલેખેલાં આ વ્યક્તિત્વો વિશે ક્યાંક જ અને ક્યારેક હ તેઓ અંજલિબદ્ધ બની બેઠા છે એવાં સ્થાનોમાં એક બાજુથી તીર્થનું પાવિત્ર્ય છે તો બીજી વાજુથી એ તીર્થયાત્રાએ નીકળેલા યાત્રીનું વૈષ્ણવત્વ પણ એટલું જ બળૂકું પ્રમાણિત થાય છે. આવાં સ્થાનો ઓછાં ને ઓછાં હોવા છતાં સહૃદયને તરબતર કરી દે છે : ‘કિશનસિંહ યોગી નહોતા, ભક્ત હતા પણ એમને જોતાં જ હાથ અંજલિ બનીને પ્રણમી રહેતા એમને બાથમાં સમાવી શકનાર એમના મિત્રો ધન્ય છે, કેમ કે એ એક એવા માણસને ભેટતા રહ્યા હતા જેણે પૃથ્વીલોક સાથેનો હર્યોભર્યો પ્રેમસંબંધ છોડ્યા વિના વિકાસ સાધ્યો હતો, કાયકલ્પની એક કલ્પના સાથે ભવિષ્યમાં પગ મૂક્યો હતો.’ (પૃ.૩૧)
એવું જ બીજું દ્રષ્ટાન્ત :
‘મડિયા જેવા મુરબ્બી મિત્રો મળવાના હોય તો અજ્ઞેય અને નિષ્ઠુર નિયતિ પાસે મુક્તિના વિકલ્પે જીવન જ માગવાનું ગમે. જોકે જીવનના અંત પછી બીજા કોઈ આરંભની લેશમાત્ર આકાંક્ષા નથી. પણ મડિયા સાથે ચાલવા માટે ફરીથી ઊભા થવાની ઇચ્છા થાય ખરી; (પૃ.૩૩)
તો પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખર અદ્રશ્ય થઈ ગયું અને એના અંતસ્તલમાંથી વહેતું ઝરણું જુદીજુદી આંખોમાં ઠરી પાછું વહી ગયું.’ (પૃ.૧૯૬)
એ જ રીતે નગીનદાસ પારેખને અપાયેલો આ અર્ઘ્ય :
‘જ્યાં એમણે અભિપ્રાય આપવાનો હોય એનો પણ બાધ નથી. આગ્રહ છે સંપૂર્ણ સત્યનો. એની શક્તિના પ્રતાપે, આજે પણ એ ટટ્ટાર બેસીને જવાન લેખકોથી પણ વધુ કલાક કામ કરે છે. કરોડરજ્જુ સાથે પણ સમાધાન ન કરનાર આ લેખકને, એમન સમયમાં હોવાના અહોભાગ્ય અને એમનું વાત્સલ્ય પામ્યાના અભિમાન સાથે, ચોથી પચીસીનાં બાકી વંદન અગાઉથી.’ (પૃ.૭૦)
અહીં આલેખાયેલાં ચરિત્રોમાં જે તે વ્યક્તિઓની પ્રશંસા કે નિંદા નથી. છે એ વ્યક્તિઓની વિલક્ષણતાનો આલેખ. નીચેના દ્રષ્ટાંતો એની પ્રતીતિ કરાવે છે :
‘જયંતિભાઈ સરલ ઉદાર હૃદયના સજ્જન હતા. સરલ એટલે બાળક જેવા સરલ અને તોય સંકુલતા સહિતના સરલ. સરલ થવું એ સરલ નથી. આથી જ જયંતિભાઈમાં સાહસ હતું પણ તે નિ:સ્વાર્થ સાહસ. નિર્દોષ સાહસ. અભયનું સાહસ. જે ભયો-આક્રમકતા, ક્રૂરતા, દ્વેષ, વેર, હિંસા આદિ – સર્જે છે એની પ્રત્યે પણ એમનામાં અભય હતું, અભયનું સાહસ હતું. એથી એ એક વીર્યવંત વીરપુરુષનું જીવન જીવી ગયા. પ્રતીતિનું જીવન જીવી ગયા. જીવવું તો પોતાની શરતે જીવવું, નિર્ભય જીવવું, કોઈનીયે શરમ રાખ્યા વિના જીવવું. નિ:સંકોચ, નિશ્ચલ, નિર્ભય જીવવું. મરદાનગીથી જીવવું. મુક્ત જીવવું, મૃત્યુમાં જીવવું, મરજીવવું.’ (પૃ.૪૯)
દલાલની આ વ્યક્તિગત વિલક્ષણતાઓ એની સિદ્ધિ ઠરે છે એ વાત જુદી. દલાલ પ્રત્યેના લેખકના આદર મિશ્રિત પ્રેમને લઈને અહીં જાણે એક શ્વાસે, વણથંભી શૈલીમાં લેખક ઉદગારી ઊઠ્યા છે દલાલની વ્યક્તિમત્તાની ખાસિયતો.
તો આ છે ભાયાણી સાહેબની ખાસિયત :
જનારને આદર આપવો, જે છે એનો અનાદર ન થાય એ જોવું અને આંગણે લીલા કરતા શિશુલોકને વચ્ચે વચ્ચે પ્રેમથી જોઈ લઈને પોથીપંડિતો સાથે કામ પાડવું એ એમનો સ્વભાવ છે,’ (પૃ.૧૩૨)
અનેક સ્થાને ગદ્યનો લય ચરિત્રની ખૂબીઓની અભિવ્યક્તિ સાથે સંયોજાઈને શૈલીની મૌલિકતા સિદ્ધ કરે છે : ‘નગીનભાઈ સમજ્યા વિના એક શબ્દ પણ પાડે નહીં તેમ રાવળસાહેબ વાંચ્યા વિના બોલે નહીં. અતિશયોક્તિ કરે નહીં, અલંકારો વાપરે નહીં. કૃતિ વિશે કદાપિ વ્યંગ કરે નહીં. ક્યારેક તો એક જ વાક્યમાં આખી વાત કહી દે. મેનું એક વાક્ય એક ફકરાનું પણ હોય. તેથી એ ફકરામાં એકવાક્યતાનો ગુણ હોય તો હોય જ. એમાં વિશેષણો જ નહિ, ક્રિયાવિશેષનો પણ હોય તેથી ફકરો વજનદાર હોય. એમાં રહેલા રાવળસાહેબના સહૃદયધર્મને કોઈ વિધર્મી એક ફૂંકે ઉડાડી દે એ વાતમાં માલ નહિ.’ (પૃ.૧૬૭)
ભાષાનું પોત ને અલંકારો જે તે વ્યક્તિત્વો સાથે કેવાં તો વણાઈને આવે છે !
‘એમના વિનાના અમદાવાદના એ વિસ્તારોમાં પગ મૂકવો એટલે વાતશૂન્ય અવકાશમાં શ્વાસ લેવા પ્રયત્ન કરવો.’ (પૃ.૫૬) આમ કહીને થયેલા દલાલના વ્યક્તિત્વનો અનન્ય મહિમા સહૃદયના ચિત્તમાં કસક પેદા કરે છે.
વાતચીતની શૈલીમા, કલમના એક લસરકે દલાલને કોનું ઉપમેય બનાવી દીધા એ તો જુઓ ! ‘એ અમદાવાદના જાણકાર હતા, ચાહક હતા, એથેન્સમાં જેમ સોક્રેટિસ હતા.’ (પૃ.૪૧)
તો ક્યાંક આલેખાતાં ચરિત્રની લગોલગ લેખકની લાક્ષણિકતા પણ છતી થઈ જાય છે :
‘એક દિવસ હું શહેરમાંથી આવું, બસમાં નિરંજન ચડ્યા. મેં ઊભા થઈને મારી બેઠક એમના માટે ખાલી કરી. એમણે ના પાડી હું એમને આગ્રહ કરું ને એ મને સમજાવે. કોઈ પાછું ન પડ્યું. હું પણ ઊભો જ રહ્યો. મારી જગાએ કોઈક બીજું બેસી ગયું. નિરંજન અને અમદાવાદનો એક સાથે પરિચય થયો.’ (પૃ.૭૧)
અહીં રઘુવીરની માર્મિક શૈલી એના નર્મને લઈને અણિયાળી ન બનવા છતાં ચોટદાર સિદ્ધ થાય છે. અહીં વ્યક્તિત્વોના આલેખમાં નર્મ-મર્મ જરૂર છે પણ વ્યંગ ભાગ્યે જ આલેખાયો છે. ને જ્યાં આલેખાયો છે ત્યાં પણ આખરે તો નર્મમાં રૂપાંતરિત થઈ શક્યો છે. સુરેશ જોષીનાં ચરિત્રમાં આવા ઘણાં સ્થાનો જડે. એકાદું ચાખતાં સાંપ્રત કાલસંદર્ભમાં એને માણીયે શકાય : ‘ટીકા એમનો સ્થાયી ભાવ હતો અને જ્યાં એ નાયક હોય ત્યાં વિરોધ નામનો રસ સર્જાતો’…..’ એ જ્યાં હોય ત્યાં નાયકથી સહેજ પણ ઊતરતા સ્થાને હોય નહીં. રહી શકે નહીં. ગમે તે ક્ષણે બધાં સૂત્રો એમનાં હાથમાં આવી જાય. એ કોઈ પણ લેખક પર કટાક્ષ કરી શકે અને એ પણ જનોઈવાઢ ! આ કામ લીલયા થવું હોય કે અહિંસક લાગે.’ (પૃ.૨૦૭-૨૦૮)
આ સૌ ચરિત્રો સાથે લેખકનો કેવો તો અંગત નાતો છે એનો પરિચય અવારનવાર સાંપડે છે. રસિકલાલ પરીખની અવસાન વેળાએ લેખકની વેદના અધિકારના ભાવમાં આ રીતે પરિણમે છે :
‘પહેલી નવેમ્બર ૧૯૮૨ની સવારે એમણે વિદાય લીધી. જ્યોતિષની દ્રષ્ટિએ દિવસ ચોખ્ખો હતો. શરદપૂનમ હતી. એમની પૌત્રી ઈશિતા ગરબો કરવાની હતી. ચંદ્ર સોળે કળાએ ખીલવાનો હતો. આટલો ભાગ જરા બાકી રહી ગયો. એમની રસિકતા એવી હતી કે એ માટે પણ એમણે ફરી અવતરવું જોઈએ, મુક્તિનો હક જતો કરીને પણ.’ (પૃ.૧૫૩)
ડૉ. પ્રબોધ પંડિત, હરિવલ્લભ ભાયાણી, નિરંજન ભગત, રાજેન્દ્ર શાહ, રાવજી વગેરે ચરિત્રો વિરલ અભ્યાસલેખોઇ તરીકે જોવા જેવા છે. બચુભાઈ રાવત વિશેનો લેખ વિશિષ્ટ શૈલીમાં લખાયો છે. સમગ્ર કૃતિમાં જયંતિ દલાલ ને મડિયા વિષયક શ્રેષ્ઠતમ કહેવાનું મન થાય એવા છે. અહીં. એકેય નારીચરિત્ર મુકાયું નથી જેની ખોટ ‘તિલક કરે રઘુવીર’માં અલબત્ત પુરાઈ છે.
મડિયા વિશેના ચરિત્રલેખમાં ઉમાશંકરનું અવતરણ ટાંકતા રઘુવીર નોંધે છે તેમ, ‘લેખક ઉમાશંકર હોય તોપણ વિષય તરીકે મડિયા જોઈએ.’ – આ વિધાન આ સંગ્રહના તમામ ચરિત્રોના સંદર્ભમાં રઘુવીરને લાગુ પાડી શકાય તેવું છે. આ ચરિત્રોને આ રીતે રઘુવીર જ જોઈ-આલેખી શકે. વડેરા વિદ્વાન સમકાલીનોને એમના જ સમયમાં રહીને, એમની પ્રતિભાથી બિલકુલ અંજાયા-ઓઝપાયા વિના એમના પ્રકાશને પોતાની દ્રષ્ટિમાં ઝીલીને એમને સૌ માટે આ રીતે વેરવાનું – વહેંચવાનું વિરલ કર્મ આચરીને લેખકે આખરે તો પોતાની ક્ષમતા જ સિદ્ધ કરી છે.
‘સહરા માત્ર ભૂગોળમાં જ નહીં, દરેક માનવીને હૈયે છે’ તેમજ ‘માણસોનાં હૈયારણોમાં સહરાની ભવ્યતા જોવા મળતી નથી.’ એવા ઉમાશંકરના વિધાનન સંદર્ભમાં પૂરક અભિપ્રાય તરીકે લેખક નોંધે છે તેમ, એ ભવ્યતા એમને દલાલમાં દેખાયેલી. લેખકને વર્તાયું છે તેમ ‘મને એમ છે કે સર્જકનું સંવેદન જગતાન ઉધાર પાસાને વધુ ત્વરાથી ઝીલે છે. પલાયનવાદીઓ, સીનિકો, નખશિખ નાસ્તિકોને શોધવા જનારે પહેલાં કલાકારોની દુનિયામાં ડોકિયું કરવું. સમૃદ્ધિ નકારાત્મક પણ હોઈ શકે, ફકિરોમાં હોય તેવી. જેનો ખાલીપો વિશાળ હશે તેણે આખા આકાશને ધાર્યું હશે. જ્યાં વિશ્વ સમગ્રની છાયા-છબિ ઝિલાય એ સહરાને હું ભવ્ય કહું છું.’ (પ્રસ્તાવના)
અહીં ‘સહરાની ભવ્યતા’ સર્જકની અંજલિમાં પૂરીપૂરી ઝિલાઈ છે. અહીં આલેખાયેલાં ચરિત્રનું બિંબ લેખકના હૃદયસરમાં જે રીતે પ્રતિબિંબાયું છે તે આ કૃતિને વિરલ ચરિત્ર કૃતિ સિદ્ધ કરે છે.
(બુદ્ધિપ્રકાશ, નવેમ્બર- ૨૦૧૭માંથી સાભાર)
*****
ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com