





નયના પટેલ
ધનુબાની સાથે કામ કરતા રમાબહેને તેમને વર્ષો પહેલા એક વખત કહ્યું હતું કે તેમને એક દીકરો જ છે. વહુ આમ તો ડાહી છે પરંતુ જ્યારથી બન્ને જણ એક ધાર્મિક ગ્રુપમાં જવા માંડ્યા છે ત્યારથી ઘરે ઘરે સૌને પોતાના કરવા જાય છે પણ ઘરના લોકો, સગાંવહાલાં તથા સમાજથી અલગ થવા લાગ્યા છે.
ધનુબાએ સરલાબહેનને એમની આગવી રીતે ચેતવ્યા, પરંતુ સરલાબહેન જાણે છે કે ધનુબાને હમેશા બધાની નેગેટીવ સાઈડ જ જોવાની ટેવ છે એટલે ખાસ ધ્યાન આપ્યું નહીં.
ખરેખર તો ’ અધ્યયન કેન્દ્ર ‘ નાં પેલા બહેનો માંડ માંડ ધનુબાની આગવર્ષામાંથી બચીને ભાગ્યાં પરંતુ સરલાબહેનનાં મગજમાં રસ જાગૃત કરતાં ગયાં.
કિશન, નમન અને નંદાની યુનિવર્સિટી શરૂ થવાની તૈયારી છે એટલે હવે એ લોકો તેમનાં શોપિંગ કરવામાં અને ફ્રેંન્ડ્સને મળવામાં મશગૂલ છે.
સ્નેહાને અંગ્રેજીના ક્લાસીસનો અને ઘરામાં સૌની સાથે અંગ્રેજીમાં વાત કરવા મળતી પ્રેક્ટિસ્નો ફાયદો ધીમે ધીમે દેખાવા માંડ્યો છે અને તેથી જ હવે સોશ્યલ સર્વિસીઝનાં, કોર્ટનાં વિગેરે કામો પોતે જ કરી લે છે. જ્યારે ક્યારેક મુંઝાય ત્યારે નંદાની મદદ લઈને કામ કરી લે છે.
‘નાથ હરિ ‘ના લિડરે ૫૦,૦૦૦ પાઉંડ આપવાની વાત માત્ર મૌખિક રીત જ કરી હતી, કશું જ લેખિત નહોતું, એટલે મનુભાઈને તો લગતું જ હતું કે પરિમલભાઈનું મોઢું બંધ રાખવા માટે જ મૌખિક ખાતરી આપી હતી પરંતુ એમના આશ્ચર્ય વચ્ચે ‘નાથ હરિ‘ તરફથી ૧૫ હજાર પાઉંડ સ્નેહાના ખાતામાં જમાં થયાં !
પરંતુ બાકીના ૩૫ હજાર મળશે કે નહી તેનો વિશ્વાસ તેમને નથી.
આ પૈસા આવવાથી સ્નેહા ખૂબ ખુશ છે, હવે સરલાફોઈને તેમની આર્થિક જવાબદારીમાંથી મુક્ત કર્યાનો આનંદ એના મોઢા પર સ્પષ્ટ દેખાય છે. અને આમે ય હવે પહેલા કરતાં રિલેક્ષ લાગે છે.
નંદા અને સ્નેહા એક જ રૂમમાં સૂઈ જાય છે, એટલે એક દિવસ તક જોઈને નંદાએ સ્નેહાને પેલો પ્રશ્ન પૂછી જ લીધો જે સ્નેહા અને કિશનનાં મનને પણ અસ્વસ્થ કરે છે.
‘ એક પ્રશ્ન પૂછું સ્નેહા, એનો સાચો જવાબ આપીશ ?’
‘ ચોક્કસ નંદા, તારાથી મારે શું છૂપાવાનું હોય ?’
‘ કેટલાય દિવસથી મને એવું લાગ્યા કરે છે કે તું અને કિશન તમારી લાગણીઓને કચડો છો – એમ આઈ રાઈટ ?’
સ્નેહા થોડીવાર સ્તબ્ધ થઈ ગઈ, પોતાના અંતરની લાગણી તો સ્પષ્ટ છે . પરંતુ કિશન એ લાગણી અભિવ્યક્ત ન થઈ જાય તેની તકેદારી રાખવામાં ઘરમાં ઓછું રહે છે , તેનું દુઃખ છે પણ તે શું કરે તે એને સમજાતું નથી. એક સેકડંમાં તો એના મનમાં અનેક વિચારો આવી ગયા.
સ્નેહા એક ઊંડો શ્વાસ લઈને બોલી, ‘ નંદા, તું આ દેશમાં જ જન્મી અને મોટી થઈ છે એટલે કદાચ તને હું સમજાવી શકીશ કે નહીં તે ખબર નથી , પણ એક સ્ત્રી તરીકે સમજવાનો પ્રયત્ન કરીશ એમ માનું છું.’
પછી થોડું અટકીને બોલી, ‘ હા, તે દિવસે કિશનથી જે સૌની દેખતાં બોલાઈ ગયું તેનાથી મારી અંદરની એક અસ્પષ્ટ લાગણી ઉપરથી એક આવરણ ખસી ગયું – ઓફ કોર્સ, સ્ત્રી તરીકે એક સધિયારો મળ્યો કે આટલું બધું જાણ્યા પછી પણ , હું કોઈને ગમું છું……… પણ નંદા, એ સિવાય મારા મનમાં કોઈ સંવેદના જ ઉદ્ભવતી નથી !’
‘ પોસીબલ છે કે ભાવિનનાં અત્યાચારથી તારું અંતર ‘ નમ’ થઈ ગયું હોય તો સ્વાભાવિક છે કે તું કોઈ પણ આવી લાગણીનો પ્રતિસાદ ન આપી શકે !’
શક્યતાને સ્વીકરતાં સ્નેહાએ કહ્યું, ‘ એ પણ કારણ હોઈ શકે..’
આ ક્ષણે કોઈ ત્રીજી જ વ્યક્તિ વિષે ચર્ચા કરતી હોત તેમ સ્નેહાએ અનુભવ્યું , ‘ નંદા, મારાં લગ્ન પહેલાં મને મારી સાથે ભણતો ઓમી ગમતો હતો. યુ સી, અમે ક્યારે ય એનો એકરાર પણ કર્યો નહોતો, પણ મારી સિક્થસેન્સ કહેતી હતી કે એ મને ચાહે છે. જે વાતાવરણમાં હું ઉછરી છું એમાં મને એક છોકરી તરીકે શરુઆત કરતાં સંકોચ થતો હતો . વળી એ પારસી અને અમે હિંદુ ! ભારતમાં હજુ ય સમાજ એટલો બોલ્ડ નથી થયો . અને એટલે કોઈ પગલું વિચારું કે પરિસ્થિતિ સ્પષ્ટ થાય તે પહેલા તો ભાવિન આવ્યો ! એને મળી પછી આખી રાત વિચાર્યા કર્યું . હું ઓમી સાથેની શક્યતા વિચારતી રહી પણ સવાર સુધીમાં કાંઈ નક્કી કરી શકી નહીં. ભાવિનને પાછી યુ.કે. જવાને ઉતાવળ હતી .મન ખૂબ જ કન્ફ્યુઝનમાં હતું. એટલે આખરે મેં મમ્મી, પપ્પા અને મારા નસીબ પર બધું છોડી દીધું. મારા એ હાલક-ડોલક મનની એ ક્ષણ – લાગણીઓનું ઘમસાણ મંડાયું’તું મનમાં, તને કઈ રીતે સમજાવું નંદા, એ કૂણી કૂણી સંવેદનાઓનું ઘોડાપૂર….
નંદા જાણે એ ક્ષણે સ્નેહા બની ગઈ, ‘ સ્નેહા, કુંવારી લાગણી અને એક નપાવટ પુરુષથી અભડાયેલી લાગણી વચ્ચે અંતર તો હોય જ ને ! ટેઈક યોર ટાઈમ, સ્નેહા.
પરંતુ સ્નેહાએ એ વાત સાંભળી જ ન હોય અને એની પેલી ચૂંથાયેલી લાગણીનું ડીસેક્શન કરતી હોય તેમ ધીમે ધીમે બોલી, ‘હં, સત્ય એ છે નંદા, કે આ સંઘર્ષે મને ખૂબ મજબૂત બનાવી પરંતુ મારી અંદરથી કંઈક ઝૂંટવાઈ ગયું હોય એમ લાગ્યા કરે છે. આ ક્ષણે મારી અંદર જે સ્થિતિ છે તે કઈ રીતે વર્ણવું તે નથી સમજાતું ! એક તરફ તમારા સૌની હૂંફ અને આત્મીયતા , કિશનનું મારા તરફ વધતું જતું ખેંચાણ…. અને બીજી તરફ મારું સાવ જ અ-નિર્ણાયત્મક અને વેરાન મન ! જીવનમાં એક વખત યોગ્ય નિર્ણય ન લઈ શક્યાની સજા હજુ ય હું ભોગવું છું. અને કિશનની લાગણીને જાકારા દીધાનો અફસોસ મને કદાચ આખી જીંદગી સાલશે….. પણ…..સાચું કહું નંદા, ઓમી તરફ પ્રગટેલી લાગણે સમ હાઉ મને કિશન તરફ નથી થતી !’
થોડીવાર અંધારાની આરપાર જોતી હોય તેમ ચૂપચાપ સિલિંગને જોઈ રહી પછી એક ઊંડા નિશ્વાસ સાથે અંતરનો તરફડાટ નીકળ્યો, ‘શું કરું નંદા ? સાચો નિર્ણય લેવામાં તું મને એક બહેન તરીકે મદદ કરને , પ્લીઝ !’
નંદાને પણ સ્નેહાની પરિસ્થિતિમાંથી બહાર નીકળતાં થોડીવાર લાગી, ‘ સ્નેહા, આવા નિર્ણય ફક્ત બુદ્ધિથી ન લેવાય તેમ જ એકલી લાગણીથી પણ ન લેવાય….અને સાચું કહું સ્નેહુ…બીજાની મદદથી તો ન જ લેવાય- સમજે છે ને તું મને ?’
એક મોટો નિશ્વાસ નાંખી અંતરનાં ઊંડાણમાંથી અવાજ આવતો હોય તેમ બોલી, ‘ હં, સમજું છું, એક કામ કરીશ, નંદા ? ‘ . નંદાના જવાબની રાહ જોયા વગર જ એણી આગળ ચાલવ્યું , ‘ કિશનને મારી મૂંઝવણ સમજાવી શકીશ ? કોઈ બીજી યોગ્ય વ્યક્તિ માટે એ પ્રેમ અને લાગણી સાચવી રાખવાનું તું એને કહીશ ? મને આ ક્ષણે લાગે છે કે હું ‘ નિમકહરામ ‘ છું, તમે લોકોએ આપેલા નિસ્વાર્થ પ્રેમને લાયક બિલકૂલ જ નથી…પણ કિશનના પ્રેમને છળવાનું પાપ પણ આચરી શકું તેમ નથી. ‘
બાજુના ખાટલામાં સૂતેલી સ્નેહાનો હાથ નંદાએ થપથપાવ્યો, તેમાં સ્નેહાને આત્મીયતા અને હૂંફ બંને મળી ગયાં. બંને શાંતિથી પડખું ફરી સૂઈ ગયાં.
થોડાં દિવસમાં તો નંદા, કિશન અને નમન પોતપોતાની યુનિ.માં જતાં રહેશે, એ વિચારે સરલાબહેન થોડાં ખિન્ન થઈ ગયાં. નોકરી છોડવાનો આખરી નિર્ણય , એ લોકો જાય તે પહેલા લઈ લેવો એમ મનમાં ધારી એમણે મનુભાઈને વાત કરી .
‘ હું તો ક્યારનો કહું જ છું ને કે જોબ છોડી દે !’ મનુભાઈએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું.
શૉપમાં મદદ કરવા સિવાય આખો દિવસ શું કરવું એ સરલાબહેનની મૂંઝવણ છે !
પરંતુ વહુ હવે આખો દિવસ ઘરે હશે તો ‘સેવા‘ કરી શક્શે એ વિચારે ખુશ થતાં ધનુબા કાંઈ બોલવા જતાં હતાં પણ બીજી જ ક્ષણે ‘ નિયમિત આવતો પગાર બંધ થઈ જશેને ‘ વિચારે ખિન્ન પણ થયા. ‘ફોડશે મારે શું?‘ વિચારી ચૂપ રહ્યાં.
સરલાબહેને જોબ ઉપર રાજીનામાની નોટીસ આપ્યાને પણ છ દિવસ થઈ ગયાં. મમનો નિર્ણય જાણી ત્રણે ય છોકરાંઓ પણ ખૂશ થઈ ગયાં.
રાત્રે હવે ફોઈનો સથવારો હશેના વિચારે સ્નેહા પણ ખુશ થઈ ગઈ.
સરલાબહેને છેલ્લે દિવસે જોબ ઉપર સ્ટાફને વહેંચવા માટે કેઈક્સ લેવા કિશનને મોકલ્યો.
ત્યાં તો ફોન આવ્યો, ‘ હલો, લતાબહેન કેમ છો? બહુ દિવસે ફોન કર્યો બેન, તબિયત તો સારી છે ને ?’
‘ જેશ્રી કૃષ્ન સરલા, તબિયત તો સારી છે. આ હમણા અમારા નાથ હરી પરિવારનો મોટો ઉત્સવ હતોને, તેમાં થોડી બિઝિ હતી એટલે ફોન નથી થયો.’
‘ કેવો ગયો, કાર્યક્રમ બેન ?’
‘ સારો ગયો….પણ….’
‘ કેમ અટકી ગયા, બેન ?’
‘ સરલા મારો પ્રીત…’
‘ શું થયું પ્રીતને, બેન ?’
‘ જો ને, આ વખતે નીલેશી અપામારા સંપ્રદાયના વડિલને , પ્રીતને લગ્ન માટે સમજાવવાનું કહ્યું , ખબર નહીં શું થયું સરલા,, પ્રીત તો હવે સાવ જ છેલ્લી પાટલે બેસી ગયો…’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com