





– મગન મકવાણા ‘મંગલપંથી
(૧) સરતચૂક
મંથન આજે ખુશ હતો. વહેલી સવારથી જ તે છાપાની રાહ જોઈ રહ્યો હતો. કોલેજના છેલ્લા વર્ષનું પરિણામ જાહેર થવાનું હતું. તેને પૂરેપૂરો વિશ્વાસ હતો કે તે અચૂક સારા માર્કસે પાસ થશે.
ફેરિયાએ છાપું ઓસરીમાં ફેંક્યું ને તેણે ઝટપટ પરિણામના નંબર પર નજર ફેરવવા માંડી…ફરીવાર નંબર બરાબર ચકાસ્યા… તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું! પાસ થનાર વિદ્યાર્થીઓની યાદીમાં તેનો નંબર નહોતો!
– ત્યાં જ મંથનના પિતા રમણીકલાલ આવી ચડ્યા. તેમણે પણ નંબર પર નજર ફેરવી લીધી. મંથનનો નંબર ન દેખાતાં જ તે તાડૂક્યા : ‘મને તો પહેલેથી જ ખબર હતી કે આ હીરો કશું ધોળવાનો નથી.’ પછી રસોડા તરફ હાથ લંબાવતા ઉમેર્યું : ‘હું તો ના જ પાડતો હતો કે હવે નથી ભણવું, ધંધામાં ધ્યાન આપો …. પણ …તારી … આ ..મા… ન… માની. લ્યો … હવે ઉતારો આરતી તમારા આ કુળદીપકની!’
પિતાના વાક્યનો એક – એક શબ્દ મંથનના દિલમાં તીરની માફક ઊતરતો જતો હતો. એનું કુમળું હૃદય વીંધાઈ ચૂક્યું હતું.
એ જ રાત્રે તેણે ‘કાંકરિયા’માં પડતું મૂક્યું.
બીજા દિવસના છાપામાં સમાચાર હતા : ‘એક આશાસ્પદ યુવાનની આત્મહત્યા! આ સમાચારની બાજુમાં જ ‘સરતચૂક’ શીર્ષક હેઠળ લખાણ હતું : ‘ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાંના કેટલાક નંબર સરતચૂકથી છાપવાના રહી ગયા હતા, જે આજે છાપવામાં આવ્યા છે.’ – નીચે બાકી રહેલા નંબર છાપવામાં આવ્યા હતા, એમાં મંથનનો નંબર પણ હતો!
નોંધ – મિત્રો, આ લઘુકથા લખી ત્યારે નેટ પર કે મેસેજ દ્વારા પરિણામ નહોતું જાણી શકાતું, છાપામાં પાસ થનારના નંબર આવતા.
* * *
(૨) શેઢો
ખેતરમાં વાવણીનું કામ ચાલતું હતું. રવજી વાવણિયામાં બી ઓર્યે જતો હતો. પત્ની મેના મદદમાં સાથે જ હતી.
મેનાના મનમાં જબરી ગડમથલ ચાલી રહી હતી. રવજી સાથે ફેરા ફર્યે તેને દસ વરસ થઈ ગયાં હતાં. છતાં …….અનાયાસે તેનો હાથ એના સપાટ પેટ પર ફરતો રહ્યો ……’ વાવણીની મોસમ છે તો ……’
રવજીના ખેતરની અડોઅડ ગોરધનનું ખેતર હતું. વચ્ચેનો ફક્ત એક શેઢો જ વટવાનો હતો….એણે સામે નજર કરી. ગોરધન લીમડીના છાંયે બેસી, લાંબા કસે ચલમ ફૂંકી રહ્યો હતો. ગોરધનના મોંમાંથી વછૂટતી ધૂમ્રસેરો મેનાને લલચાવી રહી.
મેનાએ નક્કી કરી લીધું કે ,’ આજે સાંજે ઘેર પાછા વળતી વખતે પોતે ઢોર માટે ચારો લેવાના બહાને રોકાશે ….’
‘મેના ….!’ અચાનક રવજીના સાદથી તેની વિચારમાળા તૂટી.
‘તમે કાંઈ કીધું?’
‘હા..જો ને..આ બળદ અબોલ પ્રાણી છે, તોય કેવા હમજદાર સે! શેઢો આવે કે તરત જ એની જાતે જ વળી જાય સે, ડચકારોય કરવો પડતો નથી.’
‘હા..હા…હમજુ તો કે’વાય ….’ મેના ઉતાવળે બોલી ગઈ.
– સાંજે તે રવજીની સાથે જ ઘેર પાછી ફરી.
* * *
(૩) રખેવાળી
માધવ ગામના છેવાડે આવેલા ઘર પાસે આવી પહોંચ્યો. તેણે ઘટાદાર લીમડાના છાંયે બાઈક સ્ટેન્ડ કર્યું. લીમડાના છાંયે ખાટલામાં બેઠા બેઠા નાથાબાપા ચલમ ફૂંકી રહ્યા હતા. એમણે માધવને આવકાર્યો, ‘ઓહો ….ઘણા દિવસે આવ્યો ને ભાઈ! ..મજામાં તો છે ને?’
‘હા ..દાદા…. અને જ્યારે પણ આવું છું ત્યારે તમને આ લીમડાના છાંયે, ચલમ ફૂંકતા જોઉં છું ‘ કહેતાં તેણે ખાટલા પર બેઠક જમાવી.
‘શું કરું ભાઈ …આ વાડીનું ધ્યાન તો રાખવું પડે ને? છેવાડાનું ઘર ને વહુ-દીકરો કામે જાય એટલે મારાથી અહીંથી ક્યાંય ખસાય નહિ.’
નાથાબાપાએ ચિંધેલ દિશામાં માધવે જોયું તો એને હસવું આવી ગયું. ઘરની બાજુના નાનકડા વાડામાં બે-ત્રણ છોડ રીંગણીના, ચાર-પાંચ છોડ ભીંડાના અને બે’ક છોડ ટામેટીના હતા. તેનાથી કહ્યા વિના ન રહેવાયું, ‘અરે ..દાદા, આમાં સાચવવા જેવું શું છે? આમાંથી લઈ જનાર લઈલઈને કેટલું લઈ જશે?’
‘તને નહિ સમજાય બેટા …..માંડમાંડ લીલી વાડી થઈ છે. કશું લઈ ન જાય તો પણ કોઈ નધણિયાતું ઢોર કે હરાયો આખલો આવી ચડે તો, આ નબળી વાડે છીંડું તરત પાડે. એને તો રમત સૂઝે પણ મારી તો આખી વાડી ભેળાઈ જાય.’
માધવ કૈંક બોલવા જતો હતો ત્યાં જ ઘરમાંથી સોળેક વર્ષની મુગ્ધા પાણીનો કળશ્યો ભરીને આવી, ‘દાદા .. પાણી!’
– ને માધવ ઘડીકમાં વાડી સામે ને ઘડીકમાં એ મુગ્ધા સામે જોતો રહ્યો.
* * *
(૪) સ્ત્રી
સાડા દશે તો ઘર ખાલી થઈ ગયું. દીકરો-દીકરી કોલેજ ગયાં ને ‘પતિદેવ’ ઓફીસ. સમય ઓછો હતો ને કામ ઘણું બાકી હતું. સૌપ્રથમ તો એણે પહેરેલાં સોનાનાં તમામ આભૂષણો ઉતારી નાખ્યાં, ‘એ વખતે તો કેટલી ભીડ હોય, ક્યાંક કોઈક એકાદો દાગીનો સેરવી લે તો!’ એણે સોનાના દાગીના એક પોટલીમાં બાંધીને તિજોરીમાં મૂકી દીધા ને બગસરાના સોનાનો ઢોળ ચડાવેલા દાગીના પહેરી લીધા.
ઘરમાં કેટલીય જગ્યાએ પૈસા પડ્યા રહેતા. ફ્રીજ પર, રસોડાના પ્લેટફોર્મ પર, ડ્રોઈંગરૂમના શો-કેસમાં, ગાદલાની નીચે – એણે બધી જગ્યાએથી પૈસા ભેગા કરીને તિજોરીમાં મૂકી દીધા.
ફ્રીજમાં તો હમણાંથી એ વધારાનું કશું લાવીને મૂકતી જ નહોતી. ખાલી જ હતું, છતાં સાફ કર્યું,’ કેટલાય દિવસો સુધી હવે એની ક્યાં જરૂર પડવાની હતી!’
વધારાનાં બધાં કપડાં એણે વાળીને કબાટમાં મૂકી દીધાં. ગોદડાં પણ પ્લાસ્ટીકમાં પેક કરી, દોરીથી બાંધીને મૂક્યાં, ‘ જાત-જાતનાં લોકો ભેગાં થશે ને બધું બગાડી મૂકશે. દીકરી એકલી આ બધું કેવી રીતે સાફ કરશે?’
એ પછી એણે અગાઉથી લખી રાખેલી ચિઠ્ઠીઓ જુદાં જુદાં સ્થળે મૂકી દીધી, જેમાં કઈ વસ્તુ ક્યાં છે, કોણે શું કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે – તમામ બાબતે ઝીણવટપૂર્વક જણાવ્યું હતું, જેથી કોઈને કંઈ તકલીફ ન પડે.
એ પછી એ કોઈ જંતુનાશક દવાની સાત ગોળીઓ ગળીને સૂઈ ગઈ!
* * *
સંપર્કસૂત્રો :
ઈ મેઈલ -Magan Macwana <mangalpanthi@gmail.com>
મોબાઈલ – 99749 28932