





-બીરેન કોઠારી
ચૂંટણીલક્ષી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને મુદ્દાલક્ષી ચૂંટણીને બદલે હજી પણ નાતજાત કે અંગતતાના મુદ્દાઓ કેન્દ્રમાં હોવાનું નજરે પડે છે. આનો અર્થ એમ જ કરવો ને કે નાગરિકો જે ભાષા સમજે છે એ જ ભાષામાં ઉમેદવારો મુદ્દા આગળ ધરી રહ્યા છે? નાગરિકોને સ્પર્શતા કેટકેટલા મુદ્દાઓ છે! પણ ચૂંટણી ટાણે એ બધા બાજુએ હડસેલાઈ જાય છે.
ચૂંટણીપ્રચારના ગરમાગરમ માહોલમાં આવેલા એક સમાચાર જાણવા જેવા છે. એ મુજબ ભારતની સરકારી બૅન્કોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન કુલ 55,356 કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી દીધી છે. આ આંકડા ક્રેડીટ રેટિંગ એજન્સી આઈ.સી.આર.એ. દ્વારા પ્રાપ્ત થયેલા છે. અગાઉના નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન આ આંકડો 35,985 કરોડનો હતો, જેમાં આ વર્ષે 54 ટકા જેટલો, એટલે કે અડધોઅડધ વધારો નોંધાયો છે.
આ આંકડા અગ્રણી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાને કરવામાં આવેલી એક આર.ટી.આઈ. અરજીના જવાબમાં જણાવાયા હતા. નાણાકીય વર્ષ 2007-08 થી 2015-16 એટલે કે નવ વર્ષ દરમિયાન આ બૅન્કોએ માંડવાળ કરેલી કુલ રકમ 2,28,253 કરોડ છે.
અલબત્ત, અગાઉ રીઝર્વ બૅન્ક દ્વારા જણાવાયું હતું કે બૅન્ક દ્વારા કરવામાં આવેલી આવી માંડવાળી તેમની બેલેન્સ શીટને ‘સ્વચ્છ’ કરવા માટેની નિયમીત કવાયત છે. આ રીતની માંડવાળીને ટેકનિકલ ગણાવી શકાય, જેનો આશય બેલેન્સ શીટને ‘સ્વચ્છ’ રાખવાનો અને વેરાનું ભારણ ઘટાડવાનો હોય છે, એમ રીઝર્વ બૅન્કે માહિતી આપી હતી. એમ પણ જણાવાયું હતું કે આ રીતે લોનને મુખ્ય કાર્યાલયના ચોપડેથી માંડવાળ કરવામાં આવે છે, અને છતાં તેની વસૂલાતનો હક જતો ન રહેતાં તે ઉભો જ રહે છે. આ રકમ વસૂલ થાય એટલે તેને બૅન્કના નફાતોટાના ખાતે લઈ લેવામાં આવે છે. ઈન્ડિયન ઓવરસીઝ બૅન્ક’ના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. નરેન્દ્રે જણાવ્યા મુજબ આવી માંડવાળીમાં બૅન્કને કશું નુકસાન નથી. એમ પણ નથી કે બૅન્ક આ સંપત્તિને છોડી દે છે. વસૂલાતની અલગ અલગ પદ્ધતિઓ થકી તેની વસૂલાતના પ્રયત્નો ચાલુ જ રહેશે. ત્યાર પછી આ લોનને બેલેન્સ શીટમાંથી બાકાત કરવામાં આવશે અને એ રીતે બૅન્કની કરપાત્ર આવક ઘટશે.
ભલે આ એક ‘ટેકનિકલ’ બાબત હોય અને વરસોવરસ હાથ ધરાતી હોય, તેમ છતાં તેનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક છે. સરકાર દ્વારા બૅન્કોની બેલેન્સ શીટને ‘સ્વચ્છ’ રાખવાના સઘન પ્રયત્નો થઈ રહ્યા હોય ત્યારે ખાસ.
કેટલાક નિષ્ણાતોના મત મુજબ માંડવાળીની આ પ્રક્રિયા પારદર્શક નથી અને તેના દ્વારા જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. દર ત્રણ મહિને કે વરસે વરસે માંડવાળી ન કરી શકાય એમ તેઓ માને છે. પાંચ કે દસ વર્ષે આ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. તદુપરાંત એ રકમનો આંકડો પણ ઓછો હોવો જોઈએ તેમજ કોઈક કટોકટીવેળાએ જ તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. ‘ટેકનીકલ’ કારણોસર કરવામાં આવતી માંડવાળીની પ્રક્રિયા પારદર્શક હોતી નથી, તે ક્રેડીટ રીસ્ક મેનેજમેન્ટ (દેવું ભરપાઈ ન કરી શકવાના જોખમના વ્યવસ્થાપનની) પ્રણાલિને નષ્ટ કરે છે અને પ્રણાલિમાં ગેરરીતિઓનો માર્ગ મોકળો બને છે. આ અભિપ્રાય રીઝર્વ બૅન્કના એક ભૂતપૂર્વ અધિકારીનો છે. આ અધિકારીએ પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે માંડવાળી ક્યારેક જ કરી શકાય અને એ પણ કોઈ ચોક્કસ નીતિને અનુસરીને થવી જોઈએ, જેમાં નાણાંને વસૂલવા માટેના તમામ પ્રયાસો થયેલા હોવા જોઈએ. નક્કર સંપત્તિની સામે અપાયેલાં નાણાંની વસૂલાત કદી માંડવાળ કરવાનો વારો ન આવે. બીજી વાત એ છે કે માંડવાળી હંમેશાં તપાસને પાત્ર હોવી જોઈએ. આ અધિકારીએ વિજય માલ્યાના દેવા સંદર્ભે જણાવ્યું હતું કે તેમની લોનને માંડવાળ કરી દેવામાં આવી છે. આમ થાય તો તેને શી રીતે વસૂલી શકાશે? તેમની પાસે સંપત્તિ છે, તો પછી લોનને માંડવાળ કરવાની જરૂર શી છે?
હવે સરકાર નાણાંનો પ્રવાહ વહેતો રહે એ માટે નવાં નાણાં ઠાલવવાનું વિચારી રહી છે. અહીં દર્શાવેલી વિગતો સમજવા માટે કંઈ અર્થશાસ્ત્રના નિષ્ણાત હોવું જરૂરી નથી. એક સામાન્ય માણસ તરીકે પણ આટલું તો સમજી જ શકાય છે. કેટલીક હદે આવી માંડવાળી આંકડાબાજીનો ભાગ હોય એ શક્ય છે. આમ છતાં, આ આંકડા ચિંતાજનક છે એમાં કોઈ બેમત નથી.
‘આઈ.સી.આર.એ.’ ના જૂથવડા કાર્તિક શ્રીનિવાસનના જણાવ્યા મુજબ ચાલુ નાણાંકીય વર્ષના છ મહિના સુધી માંડવાળ કરવામાં આવેલી રકમનો આંકડો અત્યાર સુધીનો ઉચ્ચતમ છે. એક તરફ સામાન્ય માણસને બૅન્ક સાથેના રોજિંદા વ્યવહારમાં અનેકવિધ મુશ્કેલીઓ પડી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વિમુદ્રીકરણ પછી આ તકલીફોમાંથી સામાન્ય ખાતાધારકો પણ બાકાત નથી. બીજી તરફ બૅન્ક સાથે નાણાકીય ગેરરીતિઓ આચરનારા પ્રત્યે બૅન્કો આવી અધિકૃત રીતે માંડવાળી કરતી હોય ત્યારે આ બાબતે બીજું કશું થઈ શકે એમ હોય કે ન હોય, પણ આવી બાબતો નાગરિકોના ધ્યાનમાં આવવી જ જોઈએ. આ વાત સરકારી બૅન્કોની છે, તેથી સરકારની આમાં પૂરેપૂરી જવાબદારી છે, એટલું જ નહીં, ઉત્તરદાયિત્ત્વ પણ છે.
આવા ગંભીર મુદ્દાઓ અલબત્ત, ચૂંટણીલક્ષી ન હોઈ શકે, કેમ કે, તે કોઈ એક પક્ષની સરકારના શાસન દરમિયાન બનેલી બાબત નથી. છતાં જોવાનું એ હોય કે તેના ઉકેલની દિશામાં કશાં પગલાં લેવાની વૃત્તિ જોવા મળી છે કે કેમ. આવી બાબતોને નજરઅંદાજ કરતા રહીને હજી આપણે નાતજાતનાં સમીકરણો રચનારા રાજકારણીઓના દાવપેચમાં આવી જઈએ છીએ અને આમાંથી કોઈ પણ પક્ષ બાકાત નથી. આનો અર્થ શું એમ કરવો કે આ રાજકારણીઓ એ જ વાનગી પીરસે છે જે આપણને વધુ ભાવે છે? ચૂંટાયા પછી ગાદીએ બેસીને શાસકો પોતે આપેલા વાયદા ભૂલી જાય એ તેમના માટે સામાન્ય હશે, પણ નાગરિક તરીકે આપણે પણ તેમણે આપણી પાસેથી જે વાયદાઓ પર મત માગેલો એ ભૂલી જઈએ એના જેવી વક્રતા બીજી કઈ?
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૧૨-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)