ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૭

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

આપણી કેટલી બધી પરંપરાઓનાં મૂળ ઘણાં ઊંડાં છે. એમાં ઘણી ઉમદા ભાવનાઓ ધરબાયેલી પડી છે. બુઝુર્ગ માણસનો, ઉંમરવાન વ્યક્તિનો આદર, લિહાઝ કરવો આવી એક પરંપરા છે. સમયના વહેણ સાથે આ પરંપરાનો અમલ યુવા પેઢી ભલે એક યંત્રવત્ વિધિ તરીકે કરતી હોય, આ પ્રથા પાછળનો આશય સ્પષ્ટ છે. કોઈ વ્યક્તિએ સાઠ કે સિત્તેર કે વધુ વર્ષો કાઢ્યા છે એનો અર્થ એ કે એણે એટલી દિવાળી (કે હોળી!) જોઈ છે, એણે એટલું અનુભવ્યું, સહ્યું, ભોગવ્યું અને ઝેલ્યું છે. એ બધું નહીં તો ઘણું બધું જાણે છે. એના વાળ ધૂપમાં સફેદ નથી થયા. એની પાસે અનુભવો અને સ્મરણોનો ખજાનો છે. એ માણસ તરીકે ગમે તેવો હોય, માત્ર ઉંમરના કારણે ઇજ્જતને પાત્ર છે.

હમ  બહુત  દિન  જિયે  હૈં  દુનિયા  મેં

હમ સે   પૂછો   કે   ખુદકશી  ક્યા  હૈ ..

આ શેરમાં કવિએ જે વાત કહી છે એ અહીં પ્રસ્તુત એટલા માટે છે કે જે ઘણું જીવ્યો હોય એને જ ખબર હોય કે આપઘાત શું ચીજ છે. ખરેખરો આપઘાત કરનારો તો થોડીક વાર તરફડીને છૂટી જાય પણ સંજોગોનો માર ડગલે ને પગલે ઝીલનારાએ તો અનેક તબક્કે જુદા જુદા પ્રકારના આપઘાત કર્યા હોય!

ભગવતની એક વધુ કવિતા  ‘ સત્તાવન બરસકા આદમી ‘ જોઈએ :

 

==  सत्तावन  बरस  का  आदमी  ==

 

सत्तावन बरस के आदमी से कोई नहीं पूछता

उसके प्रेम के बारे में

कोई नहीं पूछता

रगों में दौड़ती फिरती उसकी इच्छाओं के बारे में

 

यहाँ तक कि सत्तावन बरस के दो आदमी जब मिलते हैं

एक दूसरे से तरह तरह से बस

यही पूछते रहते हैं, अब कितने दिन और हैं

 

पर सच पूछो तो सत्तावन बरस का हर आदमी

किसी जवान कंधे पर हाथ रख

उसके कान में कुछ फुसफुसाना चाहता है

अक्सर बिना कुछ कहे चुपचाप

उसे समझना

और कुछ समझाना चाहता है

कम से कम उसके पास कहने को

एक सच्ची कहानी होती ही है

 

सुनाने के लिए एक सुंदर कविता

और गाने के लिए एक गीत तो होता ही है

 

जीवन में पीछे छूट गई चीज़ों को वह

अपनी उम्र की पवित्रता में

नए सिरे से पाना चाहता है

 

एक बार फिर वह उन उन जगहों पर जाना चाहता है

जो उसकी उम्र के पड़ावों में ख़ामोशी से दर्ज हैं

लेकिन वह जहां भी जाता है उसे

साठ के पार की फेंसिंग दिखा दी जाती है

 

और कोई नहीं जानता

कि सत्तावन बरस का आदमी उस समय

कौन सा समंदर लाँघ रहा होता है

                                                                   – भगवत रावत

 

ગુજરાતી ભાવાનુવાદ :

 

                          ==  સત્તાવન  વરસનો  માણસ  ==

 

સત્તાવન વરસના માણસને કોઈ નથી પૂછતું

એના પ્રેમ વિષે

કોઈ નથી પૂછતું

નસોમાં ઉછાળા મારતી એની ઇચ્છાઓ વિષે

 

એટલે સુધી કે સત્તાવન વરસના બે માણસો જ્યારે મળે ત્યારે

એકબીજાને અલગ અલગ રીતે

એ જ પૂછતા રહે છે, હવે કેટલું બાકી

 

પણ ખરું પૂછો તો સત્તાવન વરસનો પ્રત્યેક જણ

કોઈક યુવાનના ખભે હાથ મૂકી

એના કાનમાં કંઈક ગુસપુસ કરવા માંગે છે

મોટા ભાગે તો કશુંય બોલ્યા વિના

એને સમજવા

અને કશુંક સમજાવવા ઇચ્છે છે

કમ-સે-કમ એની પાસે કહેવા માટે

એક સાચી વાર્તા હોય છે

સંભળાવવા માટે એક સરસ કવિતા

અને ગાવા માટે એક ગીત તો હોય જ છે

 

જીવનમાં પાછળ રહી ગયેલી ચીજોને એ

પોતાની ઉંમરની પવિત્રતામાં

નવેસરથી પામવા ઇચ્છે છે

 

ફરી એક વાર એ એવી એવી જગ્યાઓએ જવા ઇચ્છે છે

જે એની મુસાફરીના મુકામોમાં ચુપચાપ નોંધાયેલી છે

પરંતુ એ જ્યાં પણ જાય છે એને

સાઠની પેલે પારની વાડ દેખાડી દેવામાં આવે છે

 

અને કોઈ જાણતું પણ નથી

કે સત્તાવન વરસનો માણસ એ સમયે

કેવો વિકટ દરિયો ઓળંગી રહ્યો હોય છે ….

                                                                             – ભગવત રાવત

વય:સંધિકાળે પહોંચેલા માણસની વાત છે આ. આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો કવિએ જે સત્તાવનની વયનો ઉલ્લેખ કર્યો છે એ ગાળો હવે પાંસઠ – સિત્તેરનો ગણાય. આ ઉંમરની આળેગાળે પહોંચેલા માણસની સ્થિતિ સમાજ અને કુટુંબમાં બહુ અજીબ હોય છે. એના માટે બધા એમ જ વિચારે કે હવે તો આ દયાધરમ, પૂજાપાઠ, વૈદ્ય-હકીમ, ગામગપાટા અને ફાકી-ઓસડની ઉંમર. આ ઘરડા-મંડળો અને લાફિંગ ક્લબોમાં જઈને યેનકેનપ્રકારેણ સમય પસાર કરવાની ઉંમર. આ ગમે તેવા હવાતિયા મારી શરીરને ટકાવી રાખવાની ઉંમર. આ મુકામે પહોંચેલા માણસ માટે વળી ભવિષ્ય કેવું ? આવો માણસ પોતાના ઓરતા, ઉમંગ, ઇચ્છાઓની વાતો કરે તો અટ્ટહાસ્યપૂર્વક એને ઉડાવી દેવામાં આવે, ઉતારી પાડવામાં આવે. માત્ર પરલોક વિષે વિચારવાની ઉંમરે વાસનાઓની વાત વિચારો છો! નરકમાં જશો નરકમાં!

જ્યારે હકીકત એ છે કે આ માણસ માત્ર શરીરથી વૃદ્ધ થયો છે. એના મનમાં હજી પણ એક બાળક, એક કિશોર, એક યુવાન અને ઇચ્છાઓથી ફાટફાટ થતો એક મધ્યવયસ્ક પુરુષ જીવે છે. એના લોહીમાં હજી પણ એ જૂની ગરમાહટ દોડે છે.

કરુણતાની પરાકાષ્ઠા ત્યાં કે જ્યારે આ વયે પહોંચેલા બે માણસો ક્યાંક મળે ત્યારે પણ સીધી કે આડકતરી રીતે દરેક વાતનું ઈંગિત એ તરફ હોય કે ક્યાં પહોંચ્યા? અર્થાત્ હવે કેટલું બાકી? વાતચીતનો દોર હરીફરીને કથાઓ, મંદિરો અને યોગાસનો ભણી જાણ્યેઅજાણ્યે વળે. પ્રેમ, રોમાંસ, ફિલ્મો, નવા પુસ્તકો, નવા પ્રદેશો, પ્રવાસ કે શોખની વાતો તો અસ્પૃશ્ય! કોઈ નવયુવકને કોઈક વયોવૃદ્ધ સાથે હાંસીપૂર્વક વર્તતો જોઈને કવિને આ પંક્તિઓ સ્ફૂરી હશે :

એક  આખી  જિંદગીનો છે એમાં  નિચોડ  યાર

તું  કોઈ   વૃદ્ધને   ન   આ   રીતે   વખોડ  યાર

આ ઉંમર પામનાર (અહીં ‘પામનાર’ શબ્દ સપ્રયોજન છે, એ ઉંમરે પહોંચવાનું ન હોય, એને પામવાની હોય!) દરેક માણસને ઘણું વધુ માણવાની લાલસા તો હોય જ છે, એને ઘણું બધું કહેવું-સાંભળવું પણ હોય છે. એટલા માટે કે એની પાસે સહભાગવા લાયક વાતોનો એક દરિયો હોય છે. કવિ એક શબ્દ અહીં બહુ સમજીવિચારીને મૂકે છે. આ માણસ, સત્તાવનની સરહદ વટાવી આથમતા સૂરજને નિહાળતો આ માણસ, જીવનમાં સરકી ગયેલી ક્ષણોને પોતાની ઉંમરની પવિત્રતામાં નવેસરથી પામવા ઇચ્છે છે. ઉંમરની પવિત્રતા! કેવી ઉદાત્ત વાત! આટલા વર્ષોના અનુભવનું ભાથું હોય એ હકીકતમાત્ર ‘પવિત્ર’ શબ્દને સાર્થક કરવા કાફી છે.

સ્પર્શોનું આખું ગામ છે એની હથેળીમાં
સ્પર્શી જુઓ, આ હાથનું કંપન પવિત્ર છે

આ પવિત્ર ઉંમરે પહોંચેલા માણસના માનસપટલ પર ઘણું બધું અંકિત છે. એ અવારનવાર સ્મૃતિવનમાં એકલો એકલો રઝળતો હોય છે, પરંતુ એનો અર્થ એવો બિલકુલ નથી કે એની પાસે એ સિવાય બીજો વિકલ્પ જ નથી. એને ફરીવાર વીતી ગયેલાં સ્થળો અને માણસોને મળવાની એટલી જ તરસ છે જેટલી ભૂતકાળમાં ભમવાની!

અહીં વચ્ચે એક નાનકડી અંગત વાત ઉમેરી લેવાની ધૃષ્ટતા કરી લઉં. મને પોતાને એકલા એકલા દૂરસુદૂરના પ્રદેશોમાં રઝળપાટ કરવા નીકળી પડવાનું વળગણ છે. એના બે લાભ છે. સતત જાત સાથેનો સહવાસ અને અન્ય સહપ્રવાસીની મંજૂરી કે ઇચ્છાની આમન્યા વિના સ્વૈરવિહારની સ્વતંત્રતા. મારી પત્ની અને કુટુંબ, મારા એ શોખને માન્ય રાખી મને રાજીખુશીથી આવી અલગારી રખડપટ્ટીઓએ જવા દે છે. વક્રતા એ કે મુસાફરી દરમિયાન મળતા સહકુટુંબ સહપ્રવાસીઓને મારી આ એકલતા વિચિત્ર લાગે છે! એ લોકો મારા વિષે, મારા કૌટુંબિક સુમેળ વિષે તરેહ તરેહની વાતો વિચારી કાઢે છે. જાણે આ ઉંમરે એકલા એકલા આ રીતે ફરવું એ મારી મજબૂરી હોય! હું એમના ચહેરાઓ પર વંચાતા પ્રશ્નોને હસી કાઢું છું. આપણા દેશની સંસ્કૃતિના કેટલાક દકિયાનૂસી પાસાઓમાંનો એક આને ગણવો રહ્યો. મૂળ ભગવતની કવિતાની વાતમાં આ અંગત પણ સંગત વાત દરગુજર કરશો.

ઉંમરના આ પડાવે પહોંચેલો જણ જ્યારે આઈના સામે ઊભો રહી પોતાનો ચહેરો, વાળ, આંખો અને કરચલીઓ જૂએ છે ત્યારે અંદર ઊભેલા અજાણ્યા ઈસમને અચરજપૂર્વક નિહાળી રહે છે – આ ખરેખર હું જ છું ? એટલા માટે કે એની અંદરનો ‘હું’ તો હજુ પણ પુરબહાર પુષ્પ કે તરુવર સરીખો લીલોછમ્મ હોય છે.

સિલવટેં  હૈં  મેરે  ચેહરે  પે  તો  યહ  હૈરત  ક્યું

ઝિંદગી ને  મુઝે  કુછ  તુમ  સે  ઝિયાદા  પહના

                                     (કરચલી મોં પર છે પુષ્કળ એનું તે આશ્ચર્ય શું?

                                       જિંદગીએ આપથી પહેર્યો મને થોડો વધુ)

આવા માણસની ઈચ્છાઓની વિરુદ્ધમાં જ્યારે એને આથમતા સૂર્ય સામે આંગળી ચીંધીને ‘વાસ્તવિકતા’ નું ભાન કરાવવામાં આવે છે ત્યારે ચીંધનારને ખબર પણ હોતી નથી કે બિલકુલ એ જ વખતે આ માણસ સ્વયંની ભીતર એક અફાટ સમુદ્રને ઓળંગી રહ્યો હોય છે…. સાવ એકલો !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

7 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો – ૭

 1. કમલેશ શુક્લ
  January 4, 2018 at 10:24 am

  ઘણા વર્ષો પહેલાં સરિતા જોશી અને દેવેન ભોજાણી અભિનીત એક નાટક જોયલું આવી જ વાત એમાં ખૂબ સરસ રીતે રજુ થયેલી હતી.
  મનના ઓરતા ને ઉંમરનો ભાર વર્તાતો નથી .ઉંમર ગમેતે હોય વ્યક્તિને મર્યાદા માં રહી પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે.
  યોગ્ય પંક્તિ ઓ યોગ્ય જગ્યાએ મૂકી ખૂબ જ સરસ રીતે કાવ્ય ને સમજાવ્યું છે.
  આભાર.

 2. mahesh joshi
  January 6, 2018 at 11:45 am

  One thing is sure thar sri Bhagvat touches the Heart thru his poem as also theme/subject matter represents the real issues of Life.
  કમ-સે-કમ એની પાસે કહેવા માટે

  એક સાચી વાર્તા હોય છે

  સંભળાવવા માટે એક સરસ કવિતા

  અને ગાવા માટે એક ગીત તો હોય જ છે.
  Hardly anybody is ready to listen him. I am not aware when he has written this poem as he has preferred the age 57 which now a days not a age of retirement also., more applicable to age beyond 60/65. Irrespective it is quite relevent to all seniors in age.
  Sir, all the compliments for nice presentation.

 3. Vimla Hirpara
  January 6, 2018 at 10:09 pm

  મારો પ્રતિભાવ ત્રણ ભાગમાં મૂક્યો છે
  [૧}
  આદરણિય ભગવતભાઇનો નિવૃતિ વિષયક લેખ વાંચ્યો. મારા સમજવા પ્રમાણે આપણે બહુ આતુરતાથી નિવૃતિની રાહ જોઇએ છીએ. માબાપ ઇચ્છે કે દિકરા જલ્દી કમાતા થાય ને દિકરી જલ્દી સાસરે જાય ને ઘરમા વહુ આવે ને ધર સંભાળી લે. આપણૂ પૃથ્વી પરનુ કામ પુરુ. બીજી તરફ આપણા સામાજિક ઢાંચા પ્રમાણે કે ઘર્મનુ કે ઘર્મગ્રંથોનુ ખોટુ અર્થઘટન જે કહો તે પણ આપણને વૈરાગ્ય જલ્દી આવી જાય છે. થોડામાં ઘણુ માનવાનો, જરુરિયાત સંતોષવા માટે નવા રસ્તા કે નવી શોધખોળ કરવાને બદલે જરુરુયાત જ ઓછી કરવાની. એટલે આજીવીકાના સાધનો મર્યાદિત. શારિરીક મહેનત તરફ સુગ. આ સંજોગોમાં આગલી પેઢી જગ્યા ખાલી કરે તો જ યુવાન નવી પેઢીનો વારો આવે. રાજા સિંહાસન ખાલી કરે તો જ કુંવરને ગાદી મળે. એ માટે બાપાએ વનવાસ લેવો પડે. એવી જ રીતે ખેતીથી માંડીને પેઢી સુધી બાપા
  પદ છોડે ને દિકરા સુકાન સંભાળે.

 4. Vimla Hirpara
  January 6, 2018 at 10:09 pm

  (૨)
  હવે જો નિવૃત માબાપ એના અનુભવનો સામેથી લાભ આપવા જાય તો નવા જમાનામાં સુત્રધારોને ટકટક લાગે ને વડીલોને ‘તમારા કરતા દસ દિવાળી વધારે જોઇ છે’ એ સિવાય કહેવાનુ બચતુ નથી. તો સામે એવુ સાંભળવા મળે કે તમે ભલે દસ દિવાળી કે દસ ચોમાસા વધારે જોયા હોય પણ એ બધા દુકાળિયા હોય કે ફટાકડાને બદલે સુરસુરીયા થઇ ગયા હોય. ટુંકમાં ઉંમર ને અનુભવ સાથે કોઇ સબંધ નથી. એક સમયમાં એવુ કહેવાતુ કે ‘ધરડા ગાડા પાછા વાળે’ પણ આજની ગાડી મોટર ને સ્‌કુટરના ભરચક ત્રાફિકાના વાહન વ્યવહારમાં જેમ બેલગાડા ફસાઇ જાય એવી જ હાલત આ કહેવતની થઇ છૈ. કારણ કે આજના પુરઝડપે દોડતી ટેકનોલોજીમાં ઘરડા લોકો પાછળ રહી જાય છે. એમના અનુભવનુ ભાથું આજની પેઢી માટે ઓછું પડે છે. બીજી બાજુ સમાજનો અભીગમ એવો કે નિવૃત થાવ એટલે બધી જ શારિરિક મહેનતની સાથે માનસીક પ્રવૃતિ પણ અટકાવી દેવાની.

 5. Vimla Hirpara
  January 6, 2018 at 10:10 pm

  (૩)
  હવે કોઇ શોખ, પ્રવાસ, મનોરંજન ન જોઇએ. સંગીતનો શોખ તો મંજીરા વગાડો ને ભજન કરો. પ્રવાસનો શોખ છે તો મંદિર કે તીર્થધામમાં જાવ. સામાજિક પ્રવૃતિ કરવી હોય તો કોઇ બાબાના આશ્રમમાં જાવ ને એના શુષ્ક વ્યાખાન સાંભળો. ગામને ચોરે બેસી કે મંદિરને ઓટલે બેસી રામાયણ સાંભળૌ પણ ઘેર આવી મહાભારત કરો. એમા પણ કોઇ ઉત્સાહી વડીલ થોડોક પણ શારીરિક શ્રમ કરશે કે કાઇ નવુ શીખવાની ચેષ્ટા કરશે તો વણમાગી કેટલીય સલાહ ને ટીકા ટિપ્પણ થશે.’ આ હાયવોય કોનામાટે છે? તમારે કેટલા ભવ જીવવુ છે? હવે આ મોહમાયા ને ઢસરડા છોડો ને પરભવનુ ભાથુ બાંધો. ભજન કરો. એ જ સાથે આવશે. ગમે એમ કરીને સામા માણસને નિરુત્સાહી કરી દેવો.આ આપણૂ સામાજિક વલણ છે. મને એવુ લાગે છે કે આ નિવૃતિ વય આપણા નેતાઓને સમજાવવાની કોઇએ ચેષ્ટા કરી નથી. ખબર નહિ પણ રાજકરણમાં કેમ કોઇ વયમર્યાદા નથી. કે પછી જેમ જુનો દારુ વધારે મુલ્યવાન એવુ બનતુ હશે?

 6. vijay joshi
  January 7, 2018 at 1:04 am

  Dear Bhagwanji,

  My New Year’s wishes to you, yours, and WB readers!

  You had commented in the past that Mr Ravat doesn’t classify her narrative as poetry, but my previous comments were not made for a specific genre, so in that context I continue to fail to appreciate his writing style (this is in sharp contrast to your views and views of WB readers) and since I do not see the point in being a lone naysayer and someone who continually under appreciates Mr Ravat. Hence I have elected to refrain from commenting on this series of your narratives. I hope you will understand, Thanks

 7. Kishorchandra Vyas
  January 15, 2018 at 7:22 am

  અદભુત લેખ, અન્ય વ્યસ્તતા ને કારણે થોડો મોડો પણ વાંચી અને મનન કરી શક્યો તે મારી સદનસીબી છે, અન્યથા જે આપણી ઉમર ના એટલે 60 પછી ની વય વાળા લોકોની મન ની વ્યથા, લાગણીઓ કે અન્ય જે વિચારો સમાજ માં ઉપેક્ષિત હોય છે તેની સુંદર મન ની જ વાતોથી વંચિત રહી જાત… શ્રી થાવરાની જી એ સરસ વિશ્લેષણ ભાગવત જી કવિતા નું કર્યું છે, અને તેમાં સરસ પોતીકા અનુભવો ની વાત મૂકી ને આ લેખ સુંદર સંદેશ આપી જાય છે. ખૂબ ખૂબ અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *