





પૂર્વી મોદી મલકાણ
ધનની વ્યાખ્યાં કરવી હોય તો એમ કહી શકાય કે કોઈપણ પ્રકારનાં મૂલ્ય દ્વારા વસ્તુ મેળવવી. એક સમયે વસ્તુઓ મેળવવા માટેનું મૂલ્ય મુદ્રા, કાષાર્પણ, મહોર, અધેલા, આના, દામ ટકા, દોઢીયું, કોડી, કોરી, પાઇ, સિક્કો વગેરે ચૂકવીને મેળવવામાં આવતું હતું, પણ આ તમામ શબ્દોનો આજની ભાષામાં એક સામાન્ય અર્થ કરવો હોય તો એ સમય પ્રમાણેનો પૈસો એમ કરી શકાય. સમય સમય પ્રમાણે જોઈએ તો આ શબ્દો અંગે વિવિધ માન્યતાઓ અને તેમનો ઇતિહાસ પણ રહેલો છે. જેમકે “મુદ્રા” શબ્દનો પ્રયોગ મહાભારતનાં સમયથી કરવામાં આવ્યો જેને પાછળથી કર્ણાટક સંગીત અને નાટ્યશાસ્ત્રમાં સમાવવામાં આવ્યો. જો’કે બીજી માન્યતા એ પણ છે કે મુદ્રા અને કાષાર્પણ બંને શબ્દો મૌર્ય સામ્રાજ્યથી બહાર આવ્યાં છે. મહોર શબ્દનો પ્રયોગ મોગલ સામ્રાજ્યથી શરૂ થયો. જ્યારે સિક્કાનો ઉલ્લેખ ઈસાની ૬ ઠ્ઠી સદી પૂર્વે કરવામાં આવેલો અને રૂપિયાને રૂપા એટ્લે કે ચાંદી સાથે જોડવામાં આવેલો છે. સંસ્કૃતમાં “રુપ્યકમ્” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેનો અર્થ ચાંદીનો સિક્કો થાય છે. “પૈસો” શબ્દ એ ઘણો જ આધુનિક છે જેનો જન્મસમય છેલ્લા ૭૦ -૮૦ વર્ષ માની શકાય. વર્ષો અગાઉ ભારતમાં ૪૦ પૈસા બરાબર એક રૂપિયો થતો હતો, ત્યાર પછી ૬૪ પૈસા થયો. દાશમીક પ્રણાલી લાગુ થયાં બાદ ૧૦૦ પૈસા બરાબર એક રૂપિયો થવાં લાગ્યો. આ આખા રૂપિયાની જેમ મુદ્રા કે મોહર પણ આખી રહેતી, “ઢબુ” એટ્લે એક પૈસો, “દોઢિયું” એટ્લે બે પૈસા, “અધેલો” એટ્લે કે અડધો ભાગ, “દામ” એટ્લે પાવલાનો ચોથો હિસ્સો થતો હતો, આ ચોથા હિસ્સા નો ય ચોથો હિસ્સો એ “પાઇ” તરીકે ઓળખાતો હતો, જે સૌથી નાનો સિક્કો હતો. રૂપિયાનો ચોથો ભાગ પચ્ચીસ પૈસા જે “ચાર આના” તરીકે ઓળખાતો. પણ જો આજે આપણે ધાતુ અને કાગળની કદર કરીએ છીએ પણ એક સમયે પશુઓએ અને કોડીએ પણ ચલણ -પૈસાનાં રૂપમાં પોતાની સેવા આપી હતી અને આજે એ ચલણ ઇલેક્ટ્રોનિક અને બિટકોઈનનાં રૂપમાં ફેરવાયેલ છે.
જે પાઇ અને પૈસાની આપણે વાત કરી રહ્યાં છીએ તે શબ્દનો જન્મ સંસ્કૃતનાં “પદ્” ધાતુથી થયો છે. જેમાં ચતુર્થાશ, અધ્યાય, હિસ્સો અને નાની મુદ્રાનો ભાવ સમાયેલો છે. પૈસા એક એવી મુદ્રા છે કે જેનો પ્રસાર પાકિસ્તાન, નેપાલ, અફઘાનિસ્તાન એમ અલગ અલગ દેશોમાં થયો છે. બાંગ્લાદેશમાં પૈસાને “પોડ્શા” કહેવામાં આવે છે. કેટલાક અરબ દેશોમાં પૈસા “બૈસા” તરીકે ઓળખાય છે તો મેક્સીકોમાં “પેસા કે પેસો” તરીકે ઓળખાય છે. વિવિધ નામે ઓળખાતાં આ પૈસા છેલ્લા ૧૦,૦૦૦ વર્ષથી કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગ થઇ રહ્યાં છે, તેમ છતાં યે તેનો ઇતિહાસ દરેક સમયે જુદો જુદો રહ્યો છે. જેના જોર ઉપર આ વિશ્વ ચાલે છે તે પૈસાનાં ઐતિહાસિક અતીત પર એક અછડતી નજર કરી લઈએ.
૯૦૦૦ થી ૬૦૦૦ B.C :-
એક સમય હતો જ્યારે ધન ની કિંમત જ્ઞાન, ગૌ અને નીરથી થતી હતી. અહીં જ્ઞાન એટ્લે બ્રાહ્મણો, નીર એટ્લે વનવન્યની ફળદ્રુપ સંપતિ અને ગૌ એટ્લે ગૃહસ્થ જીવન તેમજ પશુઓ રૂપી ધન. પરંતુ અહીં મુખ્ય વાત એ છે કે આ ધન ભૂમિવાસીઓ માટે છે, પણ જે સાગર કિનારે લોકો રહેતાં હતાં તેમને માટે મચ્છી, કોડી (કોરી) અને માછીમાર ધનરૂપે હતાં. ડો.એસ.આર.રાવનું કહેવું છે કે આપણાં ઇતિહાસમાં પણ કોરી એ સૌથી વધુ વપરાતું ચલણ હતું. તાજેતરમાં એક નાનકડી મુલાકાત આફ્રિકન મ્યુઝિયમની લેવાઈ ત્યારે ખબર પડી કે ૧૨૦૦ B.C માં આફ્રિકન દેશોમાં પણ કોરીનો ઘણો જ ઉપયોગ થતો હતો. ફર્ક એટલો હતો કે આ કોરી તે સામુદ્રીક નહીં બલ્કે નદીમાર્ગેથી મળતી હતી.
૧૦૦૦ B.C:-
૧૦૦૦ B.C નો સમય એ સ્ટોન યુગનો અંત અને કાંસ્ય યુગનો પ્રારંભ ગણાય છે. આ સમયનાં પ્રારંભિક સમયમાં ધાતુનાં નાણાં અને પથ્થરના નાણાંનો ઉપયોગ શરૂ થયેલો, પણ કાંસ્ય નાણાંનો ઉદ્ભવ હર્પ્પીયન સંસ્કૃતિએ કરેલો. ધાતુ નાણાં માટે ચીનને પણ યાદ કરવું પડે કારણ કે આ સમયમાં ચીનમાંથી જે નાણાં બન્યા તેમાં કાણાં હતાં જેને કારણે આ નાણાંને સાંકળ રૂપે ભેગાં કરી શકાતાં. આજે આ નાણાંને ફેંગસૂઈ શાસ્ત્ર સાથે બાંધી દેવામાં આવ્યાં છે.
૫૦૦ B.C:-
આ સમયને આધુનિક કોઈનએજ તરીકે ઓળખી શકાય છે, કારણ કે આ સમયમાં ચાંદીનાં સિક્કાઓ ઉપર જે-તે પ્રાંતની છાપ, દેવી -દેવતાઓની છાપ અને લિપી સંજ્ઞાઓ અસ્તિત્ત્વમાં આવી હતી. આ યુગનાં પ્રારંભિક સિક્કાઓનું અસ્તિત્ત્વ લિડીયામાં દેખાયા હતા, જે હાલના તુર્કીનો ભાગ છે, પરંતુ પાછળથી રોમન, મેક્સીકન અને ઈજીપ્શિયન સામ્રાજ્યો દ્વારા તેની નકલ કરવામાં આવી હતી તે દરમ્યાન તેમણે સોનાનો વધુ ઉપયોગ વધુ કર્યો.
૧૧૮ -૧૨૦ B.C:-
આ સમય દરમ્યાન લેધર મનીની શોધ કરવામાં આવી હતી, જે ચોરસ ટુકડાના રૂપમાં બનાવવા આવેલાં હતાં. આ ચોરસ ટુકડાઓ એક પ્રકારે પ્રથમ બેન્કનોટનો દસ્તાવેજ ગણાય છે.
૮૦૦ થી ૯૦૦ AD:-
આ સમય દરમ્યાન ચલણમાં થોડો વધુ સુધારો થયો તેથી ધાતુનાં નાણાં જોવા મળ્યાં. આ સમયમાં મજાની વાત એ પણ થઈ હતી કે આયર્લેંન્ડની એક ટ્રાઇબ્સે નાક ઉપર ચીરો પાડી રકમની ચુકવણી કરવાનું શરૂ કર્યું પણ આગળથી આ પ્રથાને તોડી પાડવામાં આવી પણ આફ્રિકાની કેટલીક ટ્રાઇબ્સમાં આ પ્રથા કંઈક અલગ રીતે વિકાસ પામી.
મધ્યકાલીન યુગ – બાર્ટર પધ્ધતિ:-
મધ્યકાલીન યુગ એટ્લે કે આજથી ૫૦૦ થી ૬૦૦ વર્ષ પહેલાની વાત આ સમય દરમ્યાન ધાતુની મહોરો તો ઉપયોગમાં આવતી જ હતી, સાથે લેવડદેવડની બાર્ટર પ્રથા પણ હતી. જે વસ્તુ જેમની પાસે વધુ હોય તે આપીને બીજી વસ્તુ ખરીદી શકાતી. આ જ લેવડદેવડની પ્રથા પર આખું ગામ નભતું. ગ્વાલો પોતાની ગાયોનું દૂધ ખેડૂતોને આપે ને તેની પાસેથી અનાજ-શાકભાજી વગેરે ખરીદે, ભઠીયારણ (બેકર) પોતાની રોટી કોઈ બીજાને આપે અને તેની પાસેથી અન્ય વસ્તુ લે. આજે બાર્ટરની પ્રથા ઓછી છે પણ શૂન્યવત તો નથી જ થઈ. ૧૭૦૦ થી ૧૮૦૦ ની સાલમાં આ પ્રથા ખાસ કરીને યુ.એસમાં વધુ જોવા મળી, કારણ કે આ સમયે યુ.એસ હજુ બની રહ્યું હતું અને લોકો પાસે ધનની માત્રા ઓછી હતી. હાલમાં પણ યુ.એસ નાં અલાસ્કા રાજ્યનાં કેટલાક ભાગોમાં ( જ્યાં અતિ સ્નોને કારણે વસ્તી તદ્દન ઓછી હોય તેવી જગ્યાઓમાં ) અને આફ્રિકાનાં આંતરિક વિસ્તારમાં આ પ્રથા જોવાં મળે છે. ગ્રીસમાં તો એક આખું ગામ આ પ્રથા પર જ નિર્ભર છે જેમાં હેંન્ડીક્રાફ્ટથી ફૂડ સુધીની બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. ( તેઓ જ્યારે ટાઉનની બહાર નીકળે ત્યારે જ યુરોનો ઉપયોગ કરે છે.)
પોટલાચ પ્રથા:-
ઇ.સ ૧૫૦૦ ની આસપાસ પોટલાચ પ્રથા અસ્તિત્ત્વમાં આવી. આ પ્રથામાં સામૂહિક ઉજવણી દરમ્યાન ભેંટ પ્રથા આવી. આ પ્રથામાં જે તે સમયની જરૂરી વસ્તુઓ ભેટ તરીકે આપવામાં આવતી. પાછળથી આ પ્રથામાં ઊંચા દરજ્જો ધરાવનાર વ્યક્તિ દાખલ થઈ ગયો અને ઉચ્ચ સ્થાન ધરાવતી વ્યક્તિ ગમે ત્યારે કામમાં આવી શકે છે તે ન્યાયે પોટલાચ પ્રથા નિયંત્રણની બહાર જતી રહી. અંગ્રેજોનાં સમયમાં આ પ્રથાને નિભાવવામાં કેવળ મોટા હોદ્દાની વ્યક્તિઓને જ જાહેર સમારંભોમાં આવવાં માટે અનુમતિ આપવામાં આવી.
પેપર, કોપર અને સ્ટીલ ચલણ:-
ફ્રેંચ શબ્દ પેપીઅર પરથી આવેલ પેપરનું ચલણ ૧૪૦૦ મી સદીમાં ચાઈનામાં શોધાયેલ. આ સમય બાદ પેપરનું પ્રોડકશન વધુ પ્રમાણમાં થવાં લાગ્યું હતું, ખાસ કરીને યુરોપ અને ચાઈનામાં તેથી પેપરી ચલણની કિમતમાં ઘટાડો થયો. પણ ભારત, યમન, ઈજિપ્ત, અરેબિયા, મેક્સિકો વગેરે દેશોમાં હજુ પેપર ખાસ કરીને પહોંચેલ નહીં તેથી મોહરો કે ધાતુ ચલણનો વધુ ઉપયોગ થતો હતો. એક સમયે ચાઈનામાં પેપર ઉપર ચાંદીનું વરખ પણ લગાવવામાં આવતું હતું અને ચાંદીને પેપરની જેમ પાતળી કરીને તેનું ચલણ બનાવવામાં આવતું હતું પણ ધીરે ધીરે ચાંદી અને સોનાનાં ચલણનાં વધતાં મૂલ્યને કારણે તેનો ઉપયોગ ઓછો કે નહિવત થઈ ગયો. ૧૬૯૦ માં થોડા સમય માટે અમેરિકનોએ અંગ્રેજી, સ્પેનિશ અને ફ્રેન્ચ ચલણનો ઉપયોગ કર્યો હતો પણ અમેરિકન ક્રાંતિ પછી મેસેચ્યુસેટ્સમાં પેપર નાણું જારી કરવામાં આવ્યું. જ્યારે ફિલાડેલ્ફિયામાં યુ.એસ. મિન્ટની રચના સાથે ફેડરલ મોનેટરી સિસ્ટમની સ્થાપના કરવામાં આવી હતી તે દરમ્યાન કોપરનાં અમેરિકન સિક્કાઓ બનાવવામાં આવ્યાં. ૧૮૬૩ માં યુ.એસનાં ચલણની ડિઝાઇનમાં ટ્રેઝરી સીલ સાથે ઈન્ટાગ્લિઓ પ્રિન્ટીંગ એમ્બેડેડ લાલ અને વાદળી તંતુઓની વિશિષ્ટ લાઇન જોડવામાં આવી. જ્યારે ૧૮૬૫ માં ટ્રેઝરીના વિભાગ દ્વારા ગોલ્ડ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યા હતા જે ૧૯૩૩ સુધી અસ્તિત્ત્વમાં હતાં. ૧૮૦૦ થી ૧૯૦૦ સદીનાં મધ્યભાગમાં જ્યારે સ્ટીલની શોધ થઈ ત્યારપછી સ્ટીલનું ચલણ પણ અસ્તિત્ત્વમાં આવ્યું.
ગોલ્ડ અને ચાંદી:- પૈસા, ચલણ કે ધન તરીકે ઉપયોગ કરવા માટે ૧૮૧૬ માં સોનાનું મૂલ્ય કઢાયું અને પ્રમાણભૂત બેન્કનોટ તરીકે તેનો ઉપયોગ કરવા માટેની શરૂઆત થઈ. જ્યારે ૧૫૪૦ થી ૧૫૪૫ માં શેરશાહ સૂરીએ ચાંદીનાં સિક્કાઓ બનાવવાનું શરૂ કરેલું જેનું વજન ૧૧.૩૨ ગ્રામ હતું. ૧૮૫૭ પછી અંગ્રેજોએ આ પ્રથા ચાલું રાખી, જે ૧૯૪૭ સુધી રહી. બીજા વિશ્વયુદ્ધ પછી ૧ રૂપિયાની નોટનો જન્મ થયો, તે અગાઉ રૂપિયાનો ચાંદીનો સિક્કો જ ચલણમાં હતો જેનાં પર બ્રિટનનાં રાજઘરાનાની છાપ હોઇ તે રાણીછાપ રૂપિયો કહેવાતો.
૧૯૪૭ સુધી દેશ વિવિધ રાજ્યોમાં વહેંચાયેલો રહેલો, આથી આ સમયમાં ગોંડલમાં અઢી રુપિયાનું અને કચ્છમાં કોરીનું ચલણ ચાલતું હતું. આઝાદી મળ્યાં બાદ આ રાણીછાપનાં ચાંદીનાં સિક્કાનો વિનિમય બંધ કરવામાં આવ્યો અને તેનાં બદલે એલ્યુમિનિયમ, કોપર તેમજ સ્ટીલનાં પૈસાનો ઉપયોગ વધુ અસ્તિત્ત્વમાં આવ્યો.
પૈસાનાં નામ કોઈપણ હોય, તેનું સ્વરૂપ પણ ગમે તે હોય પણ પૈસા હોવા જરૂરી છે. કારણ કે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં પૈસા વગરની વ્યક્તિનું કોઈ માનપાન રહેતું નથી. આ પૈસા જ છે જે સારા દિવસો અને ખરાબ દિવસો વચ્ચેનો ભેદ બતાવે છે. આથી જ આપણે ત્યાં પૈસાને લગતી ઘણીબધી કહેવત કથાઓનો જન્મ થયો. દા.ખ
૧) દામે દમડી મળે પણ દમડીએ દામ ન મળે,
૨) ચમડી તૂટે પણ દમડી ન છૂટે,
૩) ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ,
૪) ન કોડીએ કોડીયો, કોડીએ ધૂણે કોડાલાલ,
૫) ન કોડીએ કોડીયો ને, કોડીએ કોડ હજાર,
૬) રૂપિયાનું વ્યાજ વ્હાલું,
૭) આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા,
૮) સિક્કો સિક્કે ચાલી જશે,
૯) પૈસો બોલે છે,
૧૦) આમદની અઠ્ઠની ખર્ચા રુપૈયા,
૧૧) સબ સે બડા રૂપૈયા,
૧૨) બનિયા એસા ભોલા કે લવિંગ મેં પૈસા તોલા.
વ્યક્તિનાં વ્યક્તિત્ત્વને, સમયને અને સમય અનુસાર બદલાતા સમાજને પ્રગટ કરતી આ બધી જ વિવિધ ભાષામાં રહેલી કહેવત કથાઓને કારણે આજે રૂ -પૈસાને હિન્દી ગીતોમાં પણ વણી લેવામાં આવ્યાં છે. જેમાં છે;
૧) પાંચ રૂપૈયા બારા આના ( ફિલ્મ – ચલતી કા નામ ગાડી ),
૨) પૈસા યે કૈસા ( ફિલ્મ -કર્ઝ ),
૩) યે જો હૈ થોડે પૈસે ( ફિલ્મ -પાપા કહેતે હૈ ),
૪) જૂતે દે દો પૈસે લે લો ( ફિલ્મ -હમ આપકે હૈ કૌન ),
૫) પૈસા પૈસા કરતી હૈ ….( ફિલ્મ- દે ધના ધન ),
૬) પૈસા બોલતા હૈ …( ફિલ્મ- કાલા બાજાર ),
૭) સબસે બડા રૂપૈયા – ( ફિલ્મ- સબ સે બડા રૂપૈયા અને બલ્ફમાસ્ટર ),
૮) મુજે ક્યા બેચેગા રૂપૈયા – ( સત્યમેવ જયતે ),
૯) જેબ મેં હમરી દુહી રૂપૈયા – ( ફિલ્મ- લાગા ચુનરી મેં દાગ )
આ લિસ્ટ તો ઘણું લાંબુ છે, પણ આજે આટલાં જ ગીતોથી આના, પૈસા અને રૂપિયાનો આનંદ મેળવીએ.
©૨૦૧૭ || પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ || purvimalkan@yahoo.com
બહુ જ સંશોધાનવાળું લખાણ. અભિનંદન.
bahu saras mahiti thi sarbhar lekh .