Science સમાચાર (૨૮)

Facebooktwitterredditpinterestlinkedinmail

૨૦૧૮ના વર્ષના આગમન નિમિત્તે સૌ વાચકોને શુભેચ્છાઓ

દીપક દોળકિયા

) સ્થૂળતા અસ્થિમજ્જાના કોશોને નુકસાન કરે છે.

Obesity and Bone Marrow

clip_image001‘જર્નલ ઑફ એક્સ્પેરીમેન્ટલ મૅડીસિન’માં પ્રકાશિત થયેલા એક લેખમાં સ્થૂળતાની બોન મૅરો પર શી અસર પડે છે તે દેખાડ્યું છે. જો કે આ અભ્યાસ હજી અંતિમ નથી પરંતુ એનાં પ્રાથમિક અવલોકનો દેખાડે છે કે હાડકાની અંદરના લોહીના ઘટકો બનાવતા માવાના કોશો પર શરીરે ચડેલા મેદની ખરાબ અસર થાય છે. આ સાથે આપેલી તસવીર એક પાતળા (ઉપર) અને બીજા જાડા(નીચે) ઉંદરના બોન મૅરોની છે. (સૌજન્ય: Cincinnati Children’s Cancer and Blood Diseases Institute).

લોહીના ઘટકો જુદા જુદા વિભાગોમાં બને છે અને આ વિભાગોને તંદુરસ્ત રાખવાની જરૂર રહે છે. ઉંમર અને પર્યાવરણની પણ એમના પર અસર થાય છે. જાડા માણસોના બોન મૅરો તપાસતાં જોવા મળ્યું કે એમના કોશની આંતરિક રચનામાં ફેરફાર થઈ જાય છે. સંશોધક ડૅમિયન રેનોડ અને એમના સાથીઓએ તો આ સ્થિતિનું યથાતથ વર્ણન કરી દીધું છે પણ એવું જણાય છે કે આ ફેરફાર કાયમી બની જાય છે. જાડા ઉંદર પરના પ્રયોગમાં જોવા મળ્યું કે એના આહાર પર નિયંત્રણ મૂકીને સંશોધકોએ વજન તો ઘટાડ્યું પણ અસરો મટી નહીં.

સંદર્ભઃ સિનસિનૅટી_સ્થૂળતા

૦-૦-૦

૨) માત્ર છોકરાઓ બેપરવા અને લાગણીહીન હોય છે!

છોકરીઓ અને છોકરાઓના મગજમાં જ એક જગ્યાએ એવો ફરક છે કે જેને કારણે છોકરાઓ બેપરવા અને લાગણી વિનાના હોય છે. બેસલ યુનિવર્સિટી અને બેસલ સાયકાટ્રિક હૉસ્પિટલના સંશોધકોએ ૧૮૯ કિશોર-કિશોરીઓનાં મગજનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે. એમનો રિપોર્ટ ‘ન્યૂરો-ઇમેજ’ જર્નલમાં છપાયો છે. કોઈ બેપરવા કે લાગણીહીન હોય તેના માટે આપણે એમ માનીએ છીએ કે એનામાં આંતરિક સમજ જેવું કંઈ નથી. બાળકો અને કિશોરો નકારાત્મક સ્થિતિઓનો પણ બહુ વિચાર નથી કરતાં એટલે જોખમી કામોમાં પણ વગર વિચાર્યે કૂદી પડે છે.

આ લક્ષણો ભવિષ્યમાં અસામાજિક વર્તન માટે જવાબદાર બને એમ ડૉક્ટરો માને છે. પરંતુ આજ સુધીમાં જેટલાં પરીક્ષણો થયાં તે બધા મનોવૈજ્ઞાનિક દરદીઓ જ હતા. હવે પહેલી વાર એકીસાથે આટલાં બધાં કિશોર-કિશોરીઓનું MRI દ્વારા પરીક્ષણ કરતાં જોવા મળ્યું કે જે બાળકો બેપરવા કે અવિચારી જણાતાં હતાં તેમના મગજનો લાગણીને ઓળખવા માટે જવાબદાર ભાગ બીજા કરતાં વધારે મોટો હોય છે. પરંતુ આવું અંતર માત્ર છોકરાઓમાં જણાયું, છોકરીઓના મગજમાં એ ભાગનો વિકાસ એકસરખો જ હતો.

હવે વૈજ્ઞાનિકો એ અભ્યાસ કરવા માગે છે કે આ ખાસિયત માનસિક સમસ્યાઓ માટે કેટલી હદે જવાબદાર છે.

સંદર્ભઃ બૅસલ_બેપરવા બાળકો

૦-૦-૦

() હૅકર તમારા ફોનનો પિન સહેલાઈથી જાણી શકે છે!

clip_image003

સિંગાપુરની નાન્યાંગ ટૅકનોલૉજિકલ યુનિવર્સિટીના ડૉ. શિવમ ભસીન (ફોટામાં) અને એમની ટીમે સ્માર્ટફોનમાં આવતાં છ સેન્સરો દ્વારા તમારા ફોનનો પિન હૅકર કે જાણી શકે છે તે દેખાડ્યું છે. એમનો આ અભ્યાસ આ ‘ક્રિપ્ટોલૉજી ઈ-પ્રિંટ આર્કાઇવ’માં છઠ્ઠી ડિસેમ્બરે પ્રકાશિત થયો છે. એમણે એક સ્માર્ટફોન લઈને એનો પિન જાણી લીધો અને ખોલી દીધો. એમનું કહેવું છે કે એમણે સેન્સરો દ્વારા મળેલી માહિતીનું સંકલન કર્યું અને માત્ર ત્રણ વારમાં સાચો પિન મેળવી લીધો. મોટા ભાગે ૫૦ પિન સામાન્ય રીતે વપરાતા હોય છે. એમની રીતથી ૯૯.૫ ટકા સફળતા મળે છે, પહેલાં સફળતાનો દર ૭૪ ટકા હતો. આ રીતથી ચાર ડિજિટના ૧૦,૦૦૦ સંયોજનોનું અનુમાન કરી શકાય છે.

સેન્સર જૂએ છે કે તમે કયો ડિજિટ દબાવો છો. દાખલા તરીકે ૧ દબાવો અથવા ૯ દબાવો. ૧ દબાવો ત્યારે તમારા હાથમાં ફોન સ્થિર નથી રહેતો. એની હિલચાલ સેન્સર નોંધે છે. દરેક હિલચાલ દેખાડી આપે છે કે તમે કયો નંબર દબાવ્યો હશે. સેન્સર ફોનની અંદર જ હોય છે એટલે એની માહિતીનો ઉપાયોગ કરવા માટે અનુમતિની જરૂર નથી રહેતી અને બધાં જ ઍપ્સ એનું કાર્ય જોઈ શકે છે, એટલે માત્ર પિન નહીં, તમે ફોનમાં શું શું કરો છો તે પણ છાનું નથી રહેતું.

આમ સ્માર્ટફોન સુરક્ષિત હોય છે અને તમારી માહિતી ગુપ્ત રહે છે એ માત્ર વાતો છે. તમારું અંગત જીવન હવે ખુલ્લી કિતાબ છે.
આ અભ્યાસપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરોઃ https://eprint.iacr.org/2017/1169.pdf

સંદર્ભઃ સ્માર્ટફોન_શિવમ ભસીન

૦-૦-૦

() પરપોટામાં બન્યું સૌર મંડળ?

બ્રહ્માંડ વિશે ઘણી નવી વાતો જાણી શકાઈ છે, તેમ છતાં હજી વૈજ્ઞાનિકો ખાતરીપૂર્વક કહી શકતા નથી કે આપણું સૌર મંડળ કેમ બન્યું. પરંતુ હવે શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કહે છે કે કોઈ મહાકાય મૃત તારામાંથી નીકળેલા પવનની સાથે ફંગોળાયેલા પદાર્થોમાંથી સૌર મંડળ બન્યું હશે. ઍસ્ટ્રોફિઝિકલ જર્નલના ૨૨ ડિસેમ્બરના અંકમાં આ મહત્ત્વનો અભ્યાસપત્ર પ્રકાશિત થયો છે.

ખગોળ વિજ્ઞાનીઓ માટે એ રહસ્યનો વિષય રહ્યો છે કે એવું કેમ બન્યું કે આખી આકાશગંગા કરતાં માત્ર સૌર મંડળમાં બે મૂળભૂત તત્ત્વો બહુ મોટા પ્રમાણમાં છે.

સામાન્ય રીતે એવું મનાય છે કે અબજો વર્ષ પહેલાં આપણું સૌર મંડળ એક સુપરનોવાની પાસે બન્યું. હવે વૈજ્ઞાનિકો નવી ધારણા આપે છે કે આપણા સૂર્ય કરતાં ૪૦-૫૦ ગણા મોટા ‘વૂલ્ફ રૅયેટ’ તારા પાસે સૌર મંડળ બન્યું હશે. એ બધા પદાર્થોને ભસ્મીભૂત કરી નાખે છે અને તે પછી એની સપાટી પરથી ઊઠતા વંટોળની સાથે રાખ ચારે બાજુ ફંગોળાય છે જે એક પરપોટો બનાવી દે છે. અહીં આપેલી લિંક પર ક્લિક કરવાથી શું થાય છે તેનો ખ્યાલ આવશેઃ https://goo.gl/Y1gccR

(અહીં કૉમ્પ્યુટર પર દેખાડ્યું છે કે અબજો વર્ષ દરમિયાન પવનોને કારણે મહાકાય તારા પરથી પદાર્થો બહાર ફેંકાયા અને તારાની આસપાસ પરપોટા બનાવ્યા. આવા એક પરપોટામાં સૌર મંડળ રચાયું હોવું જોઈએ. – પ્રતિકૃતિઃ વિક્રમ દ્વારકાદાસ અને ડી. રોઝેનબર્ગ) વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

આવા પરપોટાનો કોશ કંઈ નહીં તો ૧થી ૧૬ ટકા સૂર્ય જેવા તારા બનાવી શકે છે. આ ધારણા સુપરનોવાની ધારણા કરતાં જુદી પડે છે. સૌર મંડળની બાલ્યાવસ્થામાં બે આઇસોટૉપનું વિચિત્ર મિશ્રણ જોવા મળે છે (આઇસોટોપ એટલે રાઅસાયણિક તત્ત્ત્વ જેમાં પ્રોટોનની સંખ્યા એ જ રહે પણ ન્યૂટ્રોનની સંખ્યા એકસરખી ન હોય). શરૂઆતમાં ઍલ્યૂમિનિયમ-૨૬ વધારે હોવાનું જણાય છે. બીજી બાજુ, લોહ-૬૦ આઇસોટોપ અનું પ્રમાણ બહુ ઓછું છે. સંશોધન લેખના સહ-લેખક વિક્રમ દ્વારકાદાસ કહે છે કે એક આઇસોટૉપ જ આવ્યો તેનું કારણ શું? વૂલ્ફ-રૅયેટ તારામાં એલ્યૂમિનિયમ-૨૬ છે પણ લોહ-૬૦ નથી. વુલ્ફ રૅયેટ તો તે પહેલાં જ મરી પરવાર્યો હતો. એ અંદર ધસીને બ્લૅક હોલ બની ગયો જે લોહ-૬૦ને બહાર જવા ન દઈ શકે. અથવા મહા વિસ્ફોટ સાથે સુપરનોવા બન્યો હોય તો લોહ-૬૦ પરપોટાની અંદર પ્રવેશી ન શક્યું હોય. એટલે રાખના કણ બહાર ઊડ્યા તે પરપોટાની સીમા સાથે અથડાઈને નાશ પામ્યા અને ઍલ્યૂમિનિયમ-૨૬ અંદર જ રહી ગયું. આમ માની શકાય છે કે પરપોટાની અંદર સૌર મંડળનો જન્મ થયો.

clip_image004

અબજો વર્ષ પહેલાં મહાકાય તારાની આસપાસ પરપોટા કે બન્યા તેની સંભવિત તસવીર. સૌજન્યઃ વિક્રમ દ્વારકાદાસ અને ડી. રોઝેનબર્ગ)

સંદર્ભઃ સૌર મંડળની રચના

૦-૦-૦-૦-૦-૦

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *