લ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (ભાગ-૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

1935ની છઠ્ઠી નવેમ્બરે નૃસિંહપ્રસાદ રામનારાયણ આચાર્યે એક ભારે હૃદયદ્રાવક દૃશ્ય જોયું હતું. બોમ્બે ટોકિઝના વિશાળ કેમ્પસમાં ભજવાયેલું એ દૃશ્ય કોઈ ફિલ્મના શૂટિંગ માટેનું નહોતું. વાસ્તવજીવનનું હતું.

શું બન્યું હતું ?

પોલીસ એકાએક ધસી આવી હતી અને બોમ્બે ટોકિઝના જે કોઈ જર્મન ટેકનિશિયન્સ કે બીજા કર્મચારીઓ હતા એમને ટપોટપ કાંડાં પકડી પકડીને એક તરફ કરવા મંડી હતી. એમાં હિમાંશુ રાયના જૂનામાં જૂના સાથીદાર ફ્રાંન્ઝ ઑસ્ટિન પણ આવી ગયા. પછી બીજાની તો વાત ક્યાં રહી ?

ઘટના અણધારી હતી, પણ કારણ દેખીતું હતું. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું અને જર્મની ઈંગ્લેન્ડથી સામી છાવણીમાં પડ્યું હતું. હિટલરે કાળો કેર વર્તાવ્યો હતો. એટલે એની સજા પોતાના દેશની બહાર વસતા જર્મન લોકોને પણ પહોંચી. ભારતમાં જેટલા જર્મન હતા તે બધાને પોલીસ-કસ્ટડીમાં ધકેલી દેવાનો સરકારી હુકમ રાતોરાત એટલા માટે થયો હતો કે કોઈ જર્મન પણ અગમચેતી વાપરીને રાતરાત ઉચાળા ન ભરી જાય.

‘પણ અમે કોઈ રાજકીય પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી.’ ફ્રાંઝ ઑસ્ટિને પોતાના વૃદ્ધ ચહેરા પર કાકલૂદીના ભાવ ફેલાવીને કહ્યું : ‘હું તો બોમ્બે ટોકિઝમાં માત્ર ફિલ્મ ડાયરેક્ટર છું. – એમ જ કોઈ જર્મન કેમેરામેન છે. કોઈ ફિલ્મ આર્કિટેક્ટ છે, કોઈ સેટ ડિઝાઈનર છે. અમે બધા આર્ટિસ્ટો છીએ. વિશ્વયુદ્ધના પ્રપંચ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. અમે તો હિંદુસ્તાનને વફાદાર છીએ. એટલે કે બ્રિટિશ સરકારને…’

‘એમની વાત સાચી છે.’ ઊંચા પડછંદ હિમાંશુ રાયે પણ દલીલો કરી : ‘આ લોકોને લાવનાર પણ હું છું. અમે જર્મનીમાં પણ સાથે હતા.આજે તો 1939ની સાલ થઈ, સાહેબ. પણ અમે 1925ની સાલથી ભેગા છીએ. મ્યુનિચ જર્મનીની એ માલ્કા ફિલ્મ કંપનીને હું જર્મનીમાં જ મળેલો અને એમને સમજાવીને અમે ત્યાં જ ‘લાઈટ ઓફ એશિયા’ ફિલ્મ બનાવી, જે 1925ની જગતની 10 શ્રેષ્ઠ ફિલ્મોમાં આવી. એના ડાયરેક્ટર આ ફ્રાંઝ ઑસ્ટિન હતા અને હું એમાં ભગવાન બુદ્ધ બન્યો હતો, પછી…’

‘પછી…’ પછી તો હિમાંશુ રાય એ લોકો 1935માં અહીં આવ્યા ત્યાં સુધીનો આખો ઈતિહાસ કહી દેવા માંગતા હતા. એમની વાણી અસ્ખલિત વહેતી. ઉચ્ચારો પૂરા બંગાળી હતા, કારણ કે તેઓ બંગાળમાં જન્મ્યા હતા. શાંતિનિકેતનમાં ભણ્યા હતા અને એમના પરિવારનું પોતાનું ખાનગી થિયેટર હતું.

પણ પોલીસ અધિકારીઓને એ કથા સાંભળવામાં કંઈ રસ નહોતો. એમણે એક ખૂણામાં એકઠા કરેલા સૌને મોટી પોલીસવાનમાં બેસાડી દીધા અને ગાડી સ્ટાર્ટ કરી.

ત્યાં દેવિકારાણી આ શોરબકોર સાંભળીને એમના આ વિશાળ ચોગાનમાં જ આવેલા આવાસમાંથી બહાર આવ્યાં. એમણે આ જોરતલબીનું દૃશ્ય જોયું અને એમના કોમળ મોં પર અકળામણ ધસી આવી. એમણે પ્રોડકશન મેનેજર નૃસિંહપ્રસાદ આચાર્યને પૂછ્યું : ’સર, શું છે આ બધું ?’

image

દેવિકા રાણી

‘મેડમ,’ આચાર્ય બોલ્યા : ‘ આ ઑસ્ટિનસાહેબ અને જર્મનમિત્રો આપણાથી હવે કાયમ માટે જુદા પડે છે.’

એ એમ બોલતા હતા, કારણ કે પતિ-પત્ની હિમાંશુ રાય અને દેવિકારાણીની જેમ એ કલાકારની સ્વપ્નિલ દુનિયામાં ન રહેતા….. એ તો જાણી જ ગયા હતા કે આ દલીલો નિરથક હતી. આ જર્મન લોકો ભલે બોમ્બે ટોકિઝ જેવી વિશાળ સંસ્થાની ઈંટોની જેમ એના ગઢની દીવાલોમાં ચણાઈને રહ્યા હોય, પણ બ્રિટિશ ગવર્ન્મેન્ટને મન એ કિલ્લાનાં બાકોરાં હતાં, જેમાંથી હિટલરની સ્ટેનગન નિશાન લઈને અનેક ઢીમ ઢાળી શકે એવી શક્યતા હતી.

એમની વાત સાચી પડી. તમામ જર્મનોને એ જ વખતે પોલીસવાનમાં બેસાડીને મલાડથી બાંદરાના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને ત્યાં બે દિવસ રાખીને એમને જર્મની તરફ ધકેલી દેવામાં આવ્યા.

છૂટા પડતી વખતે હિમાંશુ રાય અને ફ્રાંઝ ઑસ્ટિન એમની ચૌદ વરસની પ્રગાઢ મૈત્રી અને સહકર્મોને યાદ કરીને છેલ્લી વારનું ભેટ્યા હતા અને પછી માંડ માંડ છૂટા પડ્યા હતા. બંનેના વિછોહનું આ હૃદયવિદારક દૃશ્ય જોઈને સૌની આંખમાં પાણી આવી ગયાં હતાં.

**** *** ***

વહાલાથી વિખૂટા પડવાના આ અનુભવમાંથી નૃસિંહપ્રસાદ પણ અનેક વાર પસાર થયા હતા.

હળવદના વતની એવા એન.આર. આચાર્ય 1907ના ઓગસ્ટની 19મીએ હળવદમાં જ જન્મ્યા હતા. પણ મોટા થયા કોલકતા અને કરાંચીમાં. હિમાશું રાયની જેમ એ પણ શાંતિનિકેતનમાં ભણવા બેઠા હતા અને ટાગોરનું સાંનિધ્ય પામ્યા હતા. એમના ચિત્રકામથી ટાગોર પણ પ્રભાવિત થયા હતા અને વારંવાર એમને ‘માય કિન ફ્રોમ કાઠિયાવાર’ (મારો વહાલો કાઠિયાવાડી) કહ્યા કરતા. પણ એ કાઠિયાવાડીને 12-13 વર્ષની ઉંમરે શાંતિનિકેતનમાં મેલેરિયા થયો અને ફરી કોલકતા ભણવા આવવું પડ્યું હતું. અને ત્યાં બોયઝ ઓ’ન હોમસ્કૂલમાં ભણવા બેસવું પડ્યું હતું. એક પણ નોકર વગરની એ નિશાળમાં વાળવું,ચોળવું કપડાં-વાસણ વગેરે વિદ્યાર્થીએ જાતે જ કરવું પડતું હતું. અરે શિક્ષકો પણ વિદ્યાર્થીઓમાંથી જ ! આગલા ધોરણના પાછલા ધોરણનાને ભણાવે. આગળનાને માટે કોઈ બહારના જ શિક્ષક, એટલું જ માફ.

પણ ભણતર પૂરું થયું નહોતું. બા ગુજરી ગયાં અને પિતાનું મન પણ કોલકતામાંથી હટી ગયું. કોલકતામાંથી જાઉં જાઉં કરતા હતા ત્યાં જ એન.આર. આચાર્યને દેવકી બોઝની ઓળખાણ થઈ. બહુ જબરજસ્ત ફિલ્મ પર્સનાલિટી હતા એ મશહૂર ડાયરેક્ટર ! ગયા હતા તો એન.આર. આચાર્ય એમનું પોટ્રેઈટ બનાવવા, પણ એમની પીંછી અને પ્રતિભા જોઈને દેવકીબાબુ એમના પ્રેમમાં પડી ગયા. 1933ની સાલ હતી. એ ’સીતા’ બનાવતા હતા. એમાં એક સાવ નાનકડો રોલ આપ્યો અને આસિસ્ટન્ટ તરીકે સાથે રાખી લીધા. ‘સીતા’ના નિર્માણ દરમિયાન આચાર્ય પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટેના નિકટના પરિચયમાં આવ્યા. બંગાળી સડસડાટ – કડકડાટ બોલી શકતા એટલે આખા બંગાળી યુનિટના એ પ્રિય પાત્ર, જુવાન દેખાવડા દોસ્ત બની રહ્યા.

પણ કોલકતાથી મન જ્યારે સાવ ઉચાટ થઈ ગયું ત્યારે એમણે મુંબઈની વાટ પકડી. એનું એક કારણ પણ હતું. રણછોડલાલ નરસીદાસ કરીને એક મિત્ર હતા. એમણે તેડું મોકલ્યું હતું. કહેવડાવ્યું હતું કે મેં અહીં પ્રકાશ સ્ટુડિયોમાં ભાડાની જગ્યા લીધી છે. ફિલ્મ બનાવવા માગું છું. તમારે દેવકી બોઝ સાથે ઓળખાણ છે તો પછી આપણે કે.સી.ડે, ઉમા શશી, સાયગલ વગેરેને લઈને ફિલ્મ બનાવીએ. દેવકી બોઝને ડાયરેક્શન સોંપીશું. આચાર્ય બીજા કોઈને તો નહિ પણ દેવકી બોઝને સમજાવીને મુંબઈ લઈ આવ્યા.પણ ગમે તે હોય, રણછોડલાલનો મનોરથ સફળ ના થયો અને રૂપિયા ખૂટી પડ્યા. દેવકી બોઝે મુંબઈ આવીને બીજી કંપની માટે ફિલ્મ બનાવી કાઢી. પણ આચાર્ય? એ કામ વગરના બેકાર મુંબઈમાં ફરવા માંડ્યા.

**** *** ****

‘એન.આર. આચાર્ય ફ્રોમ કોલકતા વિશીઝ ટુ મીટ મિસ્ટર હિમાંશુ રાય.’ આ મતલબની એક બે ઈંચની બટર પેપર પર લખાયેલી ચબરખીએ આચાર્યના તકદીરના દરવાજા ખોલી નાંખ્યા. સીધા કોઈની ભલામણ વગર જ એ મલાડમાં આવેલી બોમ્બે ટોકિઝમાં જઈ ચડ્યા. 1934માં 26મી ફેબ્રુઆરીએ પચ્ચીસ લાખની શેર-મૂડીથી શરૂ થયેલા આ વિશાળ સ્ટુડિયોમાં બંગાળી અને જર્મન એ બે પ્રકારના લોકોનું જ સામ્રાજ્ય હતું. હળવદના વતની એવા આચાર્યને એમાં પ્રવેશ ક્યાંથી મળે ? પણ એમનો બંગાળી લિબાસ અને બોલી જાદુ કરી ગયા. ગુરખો સમજ્યો કે કોઈ બંગાળી મોશાય છે એટલે લીરા જેવડી ચબરખી લઈને અંદર ગયો. તે બે કલાક સુધી ગુરખો જ ગુમ. સાડા બારે પાછો કળાયો અને આચાર્યને લઈને અંદર ગયો. ત્યાં ચેમ્બરમાં હિમાંશુ રાય અને નિરંજન પાલ બેઠા હતા. આ એ જ નિરંજન પાલ કે જેમણે ઈંગ્લેન્ડમાં પ્રથમ ભારતીય ચિત્રપટ બનાવેલું. અને તેમણે હિમાંશુ રાયને મિત્રભાવે જર્મનીના યુએફએ સ્ટુડિયોના સહકારથી ‘લાઈટ ઓફ એશિયા’ ફિલ્મ વિદેશી ધરતી પર બનાવવા સૂચવેલું અને બુદ્ધના જીવન પર આધારિત એ ફિલ્મમાં હિમાંશુ રાયને ખુદને બુદ્ધની ભૂમિકા ભજવવા રામજાવેલા.

image

આચાર્ય અંદર ગયા ત્યારે મૂળ વાર્તાકાર એવા નિરંજન પાલ હિમાંશુ રાય સાથે બિયરનો બાટલો ખોલીને બેઠેલા અને મોંમાં સિગારેટ રાખીને ટાઈપરાઈટર ઉપર સીધી જ કોઈ ફિલ્મી સ્ટોરી લખતા હતા. હિમાંશુ રાય તો કોઈ વિચારમગ્ન અવસ્થામાં બેઠા હતા.

image

નિરંજન પાલ

આચાર્યે જઈને બંગાળી ઢબમાં નમસ્કાર કર્યા. હિમાંશુ રાયે ગંભીર ચહેરે એ ઝીલ્યા પણ ખરા,પણ વાતચીત બહુ જામી નહિ. રાયે કહ્યું કે ‘યંગ મેન, તમે ભલે આવ્યા પણ અત્યારે અમારું કોઈ પિકચર ચાલુ નથી. પણ તમારું નામ-સરનામું લખી લઉં છું.તમે દેવકી બોઝ જોડે કામ કર્યું છે એ જ તમારી લાયકાત છે. જરૂર પડશે ત્યારે તમને બોલાવીશ.’

image

‘પણ….’ આચાર્યે કહ્યું : ‘જરૂર બોલાવશો ને ?’ રાયે સ્મિત કર્યું, કહ્યું : ‘વ્હેન આઈ સે સમથિંગ, આઈ મીન ઈટ.’ આચાર્ય નતમસ્તક કરીને જતા હતા ત્યાં એમણે હિમાંશુ રાયને એમના આસિસ્ટન્ટ મિસ્ટર પરેશને એમ કહેતાં સાંભળ્યા : ‘આ છોકરાનું ધ્યાન રાખજે. જરૂર પડ્યે એને બોલાવવાનો છે.’ બસ, આટલી તસલ્લી લઈને આચાર્ય ગયા અને મુંબઈની ભીડમાં ખોવાઈ ગયા.

આ પછી બે મહિને એક સાંજે આચાર્યને બોમ્બે ટોકિઝના લેટર પેડ પર ચિઠ્ઠી મળી : ‘અમે બીજી ફિલ્મનું કાસ્ટિંગ કરીએ છીએ. તમે કાલે સવારે ચર્ચગેટ પરની રેડીમની મેન્શનમાં આવેલી અમારી બોમ્બે ટોકિઝની હેડ ઓફિસમાં આવો.’

એ રાત્રિ આચાર્યની ભારે ઉત્તેજનામાં ગઈ. કેવડી મોટી પબ્લિક લિમિટેડ સંસ્થા કે જેનું નામ ફિલ્મનિર્માણ ક્ષેત્રે ઝગમગતું હતું, એણે યાદ કરીને નોતર્યા હતા. વાહ તકદીરનું તાળું ખૂલી ગયું.

પણ બીજે દહાડે ચર્ચગેટ પરની ઓફિસમાં જઈને જોયું તો એમના જેવા બીજા બસો જણા ત્યાં ટિપાતા હતા. એમાંના ઘણા વળી એમ બોલતા હતા કે બોમ્બે ટોકિઝમાં ગ્રેજ્યુએટ સિવાય બીજા કોઈને માટે ચાન્સ નથી. આચાર્ય ક્યાં ગ્રેજ્યુએટ હતા ? એમના પેટમાં ફડકો પડ્યો. ત્યાં થોડી વારે પરેશ ખુદ તેમને શોધતા શોધતા આવ્યા અને કાંડું પકડીને લઈ ગયા. તકદીરનું તાળું ફરી એક વાર હલ્યું, પણ આ વખતે સારું એવું હલ્યું. ‘મમતા’ ફિલ્મનો કોર્ટ સીન સ્ટુડિયોમાં શૂટ થતો હતો. હકીકતમાં ‘મમતા’ એ કોઇ સ્વતંત્ર ફિલ્મ નહોતી. માત્ર થ્રી-રીલર(ત્રણ રીલની) સાઈડ ફિલ્મ હતી. જે બીજી એક જુદી જ ફિલ્મ ‘ઓલવેઝ ટેલ યોર વાઈફ’ યાને કે ’મિયાંબીબી’ નામની પૂરી લંબાઈની કોમેડી ફિલ્મ સાથે બતાવવાની હતી. એ વખતે એવો રિવાજ હતો. કોમેડી ફિલ્મમાંથી કરુણતાનું રસાંતર કરવા માટે આવી આંસુ પડાવનારી સાઈડ રીલર એની જોડે બતાવાતી. એ મૂળ ફિલ્મ ‘ઓલવેઝ ટેલ યોર વાઈફ’માં દેવિકારાણી અને જે.એસ. કશ્યપ હીરોઈન અને હીરો હતાં. (આ એ જ કશ્યપ કે જેમણે પાછળથી ‘નાઈન અવર્સ ટુ રામ’માં ગાંધીજીનો રોલ ભજવેલો, તે જોઈને પંડિત નહેરુ ગિન્નાઈને બોલી ઊઠેલા, ‘હુ ઈઝ ધિસ ઈડિયટ પ્લેઈંગ મહાત્માજી !’) ‘જ્યારે મમતામાં પણ એ જ લોકો હતા. આચાર્યને કહ્યું કે તમે સાંજે સ્ટુડિયો પર આવો. ત્યાં તમારા પર શૂટિંગ કરીશું. લેટર પણ આપ્યો અને બીજા વાંછુઓને ‘તમને પાછળથી બોલાવવામાં આવશે’ એમ કહ્યું.

આમ આચાર્યને એકટરી કરવાની કોઈ અબળખા નહોતી. છતાં ’સહજ મિલા સો દૂધ બરાબર’ કહીને સાંજે બોમ્બે ટોકિઝ (મલાડ)માં ગયા. માથે કેમેરા મંડાવાનો હતો એટલે ઠઠારો સારો કરેલો, પણ ગયા ત્યારે ખબર પડી કે કોર્ટરૂમમાં માત્ર ટોળામાં ઊભા રહેવાનું હતું. આમાં અલગ ઓળખની તો કોઈ વાત જ નહોતી આવતી. જરા નિરાશ થઈને દુઃખી સ્વરે આ ફરિયાદ એમણે હિમાંશું રાયને કરી. કહ્યું કે, “આ સીન ચાર દિવસ ચાલ્યો. મને રોજના પાંચ રૂપિયા લેખે રોજમદારી પગાર મળ્યો. મારી અલગ કોઈ ઓળખ નહિ. આના કરતાં મને બીજું કોઈ પ્રોડકશન સાઈડનું સારું કામ આપોને ? મારે ક્યાં એક્ટર થવું છે ?’ તો હિમાંશું રાયે વિચારમગ્ન અવસ્થામાં હા પાડીને બીજે દિવસે બોલાવ્યા. આ વખતે આચાર્ય કર્મચારી થવાની ઉમેદથી ગયા, પણ આઘુંપાછું કશુંય સાંભળ્યા વગર ડાયરેક્ટર ફ્રાંઝ ઓસ્ટિને એમને’ ઓલવેઝ ટેલ યોર વાઈફ’માં ‘નહીં બીવી સે ભેદ છુપાયા કરો, હર બાત ઉન્હેં બતલાયા કરો’ શબ્દોવાળા સમૂહગીતમાં એક બોટસીનના નૃત્યમાં કોઈ લલનાની કમરે હાથ નંખાવી ઊભા રાખી દીધા અને નચાવ્યા.

image

આમ આચાર્ય વારંવાર આડે પાટે ચડતા રહ્યા. પણ આમ એકંદરે સુખી હતા. કારણ કે બોમ્બે ટોકિઝ એ કોઈ સાધારણ સંસ્થા જ નહિ, મોટા પરિવાર જેવી હતી. સંખ્યાબંધ કર્મચારીઓ એક પરિવારની જેમ રહેતા હતા. બધાને ગ્રાન્ટ રોડ પર આવેલી પેરી એન્ડ કંપનીએ સ્ટુડિયોના ક્મ્પાઉન્ડમાં જ ખોલેલા સ્ટોરમાંથી જીવન જરૂરતની ચીજો ખરીદ કરવા માટે કૂપનો મળતી. સહી કરીને એ કૂપનો આપી દેવાથી વસ્તુઓ મળી જતી. કર્મચારીઓનાં બાળકોને ભણવા માટે સંસ્થા જ કમ્પાઉન્ડમાં શાળા ચલાવતી. વળી સંસ્થા પાસે ત્રણ હજાર જેટલા પોશાકોનો અલગ કોસ્ચ્યુમ વિભાગ હતો. જબરી લાઈબ્રેરી પણ હતી. જ્યાં ફિલ્મોની પટકથાઓની ટાઈપ કરેલી નકલ સૌને જોઈએ ત્યારે વાંચવા મળતી. ઉપરાંત બીજાં પુસ્તકો તો ખરાં જ. આવી સગવડભરી જિંદગી બીજે ક્યાં હતી?

આચાર્ય ધીરે ધીરે એને અનુકૂળ થઈ ગયા અને જે સોંપાયું તે કામ કરવા માંડ્યા. આમાં સ્પોટબોયનું કામ પણ આવી જાય અને ક્લેપર બોયનું પણ. ‘જીવનનૈયા’ ફિલ્મના દરેક સીનમાં તે ક્લેપર બોય હતા. શાંતિનિકેતનમાં ભણેલા કલાકાર જીવને આ કામ ગમે તો નહિ, પણ કરવું શું ? વહેલી ઉંમરે લીલાવતી નામની છોકરી સાથે લગ્ન તો થઈ ગયાં હતાં એટલે સંસારનો બોજ પણ હતો. અલબત્ત સંતાનો હજી નહોતાં. ખોળો ખાલી હતો, પણ આ બધાં જ કામ કરતાં કરતાં એમનું લક્ષ્ય તો કોઈ ઊંચી કામગીરી મેળવવા તરફ જ હતું.

અને એ પ્રસંગ આવી જ ગયો. પણ કેવી રીતે ?


(ક્રમશઃ)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

5 comments for “લ્યો, આ ચીંધી આંગળી : સિતારાના શિલ્પી: એન. આર. આચાર્ય (ભાગ-૧)

 1. Piyush Pandya
  January 1, 2018 at 11:48 am

  આ નામ સાંભળેલું છે, જાણીતું નથી. આમને વિશે વિગતવાર વાંચવાનો આનંદ થતો રહેશે.

 2. navin trivedi
  January 2, 2018 at 10:41 am

  Shri Rajnikumarbhai -Every time while going through the contents of your writings, I never feel that I am reading, in fact I feel myself present in that era – Halwad may be a small town but gave germs to the Indian cinema – enjoying your every article – somehow late in giving my greetings – with best wishes – navin trivedi

  • Rajnikumar Pandya
   January 2, 2018 at 1:50 pm

   આભાર, નવિનભાઇ, આપણે મળવું છે પણ મળી શકાતું નથી. તમે નીકળી આવોને ફોન કરીને ?

 3. ઉમાકાન્ત વિ.મહેતા.
  January 2, 2018 at 5:47 pm

  કાનો માત્ર વગરનું નાનકડું “હળવદ” મુંબઈના બોલીવુડને ચમકાવી ગયુ!
  ઉમાકાન્ત વિ. નહેતા.(ન્યુ જર્સી)ઊ

 4. January 2, 2018 at 7:46 pm

  રજનીકાન્તભાઈ તમે જાણે અમારી સામેેજ બેેસીનેજ વાર્તા કેહતા હોય એટલો રસ પડે છે
  તમારી વાર્તાઓ માં !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *