વૃક્ષ અને વેલી, ભાગ – ૪

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

અને નવા વિચારો …

હવે વેલીને કેવળ વિષવેલ તરીકે જોવાની મારી દૃષ્ટિ બદલાઈ. જેને વિકાસ માટે આધારની જરૂર છે, તેવા સમાજના નબળા વર્ગોના પ્રતીક તરીકે પણ આપણે તેને નિહાળી શકીએ.  .

અરેરે મનવા! વૃક્ષ અને વેલી – પરોપજીવી,  સ્વાશ્રયી કે આધારને માટે વલખાં મારતું કોઈ જીવન. એમનું જીવન એ સૌ એમની રીતે જીવ્યે રાખે છે. સમાજમાં સત, અસત; સબળ, નિર્બળ તત્વો પરાપૂર્વથી પેદા થતા જ રહે છે. પોતાનું જીવનકાર્ય પોતાની રીતે પૂર્ણ કરે છે અને ભુતકાળમાં વિલીન થઈ જાય છે. સંસાર તો આગળ વધતો જ રહે છે. પ્રગતિ, અધોગતિ, નવસર્જન, વિનાશ, ઉત્ક્રાન્તિ … આ બધાં રોલર કોસ્ટરની જેમ ઊપર તળે થયાં જ કરે છે. કોઈ પેગંબર, વિચારક, સમાજ સુધારક, ફિલસૂફ, રાજકર્તા કે સેનાપતિ આ ક્રમને આમૂલ રીતે ઉથાપી શક્યા નથી.

આમ કેમ થાય છે? અથવા આનાથી વધારે સારી રીત કે વ્યવસ્થા કેમ ન હોય? – એ બધા તર્કના, વાણી વિલાસના, અર્થહીન પ્રલાપ નથી વારુ?

અને તરત અવળચંડુ મન બબડી ઊઠ્યું , “ તો આપણે શું હાથ જોડીને બેસી રહેવું? સ્લમ ડોગને સ્લમમાં જ સબડવા દેવા? આપણું સમાજ તરફ કોઈ ઉત્તરદાયિત્વ જ નહીં? “

મારા મનની આ વ્યથા અને દ્વિધાનું શું સમાધાન? તમે કહેશો?

ગઈકાલે, બરાબર આઠ મહિના પછી, ફરી પાછો, હું પાર્કમાં આવેલા એ વૃક્ષ પાસેથી પસાર થયો. અને ત્રણ જૂનાં અવલોકનો યાદ આવી ગયાં. વેલીનો વૃક્ષ પરનો ભરડો વધારે સઘન બન્યો હતો! હવે તો છેક ઊંચેથી તે વેલીની તગડી શાખા વડવાઈની જેમ લટકી રહી હતી. એને છેક જમીન સુધી પહોંચી નવા મૂળ નાંખવા હતા. રસ્તાથી થોડે દૂર બીજાં વૃક્ષો પર નજર ગઈ. અનેક વૃક્ષો વેલીગ્રસ્ત દેખાણાં! જૂન મહિનાના આકરા તાપમાં આ વૃક્ષો, વેલીઓ અને જમીન પર ઊગેલા લાંબા, ઊંચા ઘાસની લીલીછમ્મ વનરાજી છવાયેલી દૃષ્ટિગોચર થઈ. ધ્યાનથી નજર કરી તો વૃક્ષ અને વેલી પર અનેક કીડીઓ ચહલ પહલ કરી રહી હતી.

એક પક્ષીએ કદાચ પોતાની ઘરવાળીને સાદ પાડતો ટહૂકો કર્યો. એક ખિસકોલી બીજીની પાછળ પીછો કરતી ઝાડની ડાળીઓ પર કુદંકુદા કરતી પણ નજરે ચઢી.

વિચાર નિમગ્ન એવો હું રસ્તા પર આગળ વધ્યો. મારી બાજુમાંથી એક મકોડો તીવ્ર ગતિએ, મારી કશી પરવા કર્યા વિના, ક્યાંક પહોંચી જવા લપકી ગયો.

ત્રણ ત્રણ અવલોકનો, અલગ અલગ વિચારો, આશાના, નીરાશાના, વ્યથાના, દ્વિધાના, જ્ઞાન અને અજ્ઞાનના વિચારો. …

પણ સૃષ્ટિ તો એની મેળે, એના અકળ નિયમો થકી, મારા બધાયે ડહાપણ, દોઢ ડહાપણ, ગાંડપણની એસી તેસી કરીને, પોતાના રાસમાં રમમાણ હતી. વૃક્ષો, વેલીઓ, ઘાસ, પક્ષીઓ, ખિસકોલીઓ, કીડીઓ, મકોડાઓ અને મને નહીં દેખાતા બીજાં ઘણાં જીવોનું આ ‘બાયોમ’( Biophysical નું ટૂંક રૂપ – જીવભૌતિક) યથાવત વિલસી રહ્યું હતું.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *