કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૨૧

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

સોલિસિટરની સલાહ સાંભળી પરિમલભાઈ મૂંઝાયા. તેનાં કહેવા મુજબ સ્નેહાનાં લગ્ન પછી ફક્ત પાંચ મહિનામાં જ આ બનાવ બન્યો હોવાથી તેણે કાયદા અનુસાર પાછા ભારત જતાં રહેવું પડે પરંતુ સ્નેહાની હાજરી વગર કેઈસ ચાલી શકે નહીં ! સોલિસિટર યુ.કે.ની સરકાર પાસે ખાસ ગોઠવણ કરીને તેના રહેવાના વિઝાનો સમય વધારી શકે પરંતુ તેનો બધો આધાર સ્નેહા ઉપર છે.

સ્નેહાની મૂંઝવણનો ય પાર નથી, એક તરફ પપ્પાની નોકરીની ચિંતા- જેને લીધે તેઓ લાંબો સમય એની સાથે રહી શકે નહીં. સરલાફોઈને ત્યાં આ રીતે અચોક્કસ મુદત માટે ક્યાં સુધી રહેવું ? બાજુમાં જ રહી હતી તે જીવનની ‘ દોઝખ’ જેવી યાદ તેને ચામડીની જેમ વળગી ગઈ છે અને અધૂરામાં પૂરું….કિશનની તેના તરફ વધતી જતી લાગણી !

કદાચ કેથી મારફત રહેવાના એક્સટેન્શનની ગોઠવણ થઈ પણ જાય, પરંતુ ભાવિન અને તેની મમ્મીને સજા અપાવવા, બીજા કેટલાં બધાં ને તકલીફ આપવાની ? વળી ઈન્ડિયામાં મમ્મી અધીરી થતી જાય છે- તે ઈચ્છે છે કે ભાવિન પર વેર લેવાનું ભૂલી જઈને જીવનને ફરીથી થાળે પાડવા ભારત જતી રહે અને નવેસરથી….સમય અને ઉંમરની ચિંતા મમ્મીને થાય એ સ્વાભાવિક છે. પરંતુ મારી પ્રતિશોધ પાછળની ઘવાયેલી, છિન્નભિન્ન થઈ ગયેલી ચામડીની જેમ ઊતરડાઈ ગયેલી લાગણીને મમ્મી કેમ સમજી શકતી નથી?

‘ શું કરું ? ‘ – નું પ્રશ્નાર્થ ચિન્હ દરેક પળે મોટું ને મોટું થતું જાય છે. એણે જલદી નિર્ણય લેવાનો છે. નંદા અને સરલાબહેન સાથે પણ સ્નેહાએ વિગતે ચર્ચા કરી પરંતુ આખરી નિર્ણય તો તેણી જ લેવાનો છે. કિશનની તેના તરફ સ્નિગ્ધતાથી વહેતી લાગણીને કઈ રીતે એ પાછી વાળે ? એ જે નિર્ણય લેશે તેની ઉપર તેનાં આખા ભવિષ્યનો આધાર છે. શું કરું…..શું કરું….

આ બાજુ-

કિશનના મનમાં ઊઠેલા સ્નેહા તરફના સ્નેહની ડમરી કોઈને પણ દેખાય નહી તેનો ખ્યાલ રાખવો પડે છે ને તેમાં વળી સ્નેહા સામે સામે જ હોય ત્યારે કઈ રીતે વર્તવું તે તેને સમજાતું નથી. સ્નેહાને તેના તરફ કેવી લાગણી છે તેની તેને ખબર નથી, વળી ઘરના અન્ય સભ્યો એ વિષે કેવો પ્રતિભાવ આપશે તેની પણ જાણ નથી તેથી બને ત્યાં સુધી ઘરે રહેવાનું ઓછું જ પસંદ કરે છે. ક્યાં તો ફ્રેંડને ત્યાં કે પછી શૉપ ઉપર વધારે સમય ગાળે છે. અને તેની નોંધ નંદાએ પણ લીધી છે, પરંતુ એવું એકાંત મળતું નથી કે એના મોટાભાઈ સાથે આ વિશે વાત કરી શકે.

‘ નાથ હરિ ‘ના વડાએ ભારતના કાર્યકરો સાથે પરિમલભાઈની વાતની ખતરી કરી અને પચાસ હજાર પાઉંડમાં સોદો કર્યો. એ રકમ યુ.કે.માં સ્નેહાના ખાતામાં જમા કરાવવાની ગોઠવણ થવાથી પરિમલભાઈને તો ‘ એક કાંકરે બે પંખી મર્યા ‘ ની જેમ સ્નેહાને હવે કોઈની પણ પાસે આર્થિક સહાય લેવી પડશે નહીં અને કેટલાય વખતથી લટકી રહેલો જમીનનો પ્રશ્ન પણ સરળતાથી હલ થઈ ગયો.

પરંતુ વેપારી બુદ્ધિ ધરવતાં મનુભાઈએ તરત જ કહ્યું કે ‘ ખાતામાં એ રકમ જમા થાય પછી ખુશ થજો પરિભાઈ!’

સ્નેહાએ ‘ અહીં રહીને ભાવિનને પાઠ ભણાવ્યા પછી જ ભવિષ્યની ચિંતા કરવાનો ‘ આખરી નિર્ણય લઈ લીધો.

સોલિસિટરે સ્નેહાના કેઈસની તૈયારી કરવા માંડી. સોશ્યલ સર્વિસ પણ સ્નેહાને ખૂબ મદદ કરે છે. સરલાબહેન અને મનુભાઈ જેવા આત્મીય જનોની હૂંફની ખાતરી થયા પછી હવે પરિમલભાઈ ઇન્ડિયા જવા માટે ઉતાવળા થયા છે. સ્નેહાએ પણ તેમને ચિંતા ન કરવાની અને નિયમિત સંપર્કમાં રહેવાની ધરપત આપી.

આજે સાંજનું પરિમલભાઈનું પ્લેઈન છે, મનુભાઈએ તેમને મૂકવા જવાનું ખુશીથી સ્વીકાર્યું. જમીને તરત સ્નેહા, પરિમલભાઈ, મનુભાઈ અને નંદા નીકળી ગયાં. ધનુબાને સ્નેહાએ તેનાં સ્વભાવથી જીતી લીધાં છે એટલે હવે તો તેઓ પણ ‘ બાજુ વાળાને સજા કરાવવા’ માં સાથ આપે છે.

સઘળું સમુંસૂતરું ચાલે છે – માત્ર કિશનની અકળાતી, ગૂંગળાતી અવ્યક્ત લાગણી સિવાય . બેક્ટેરિયાની જેમ વધતાં જતાં કિશનના પ્રેમને, સ્નેહાએ અટકાવો છે, પણ ,’ કઈ રીતે ? ‘ તે તેને સમજાતું નથી.

રોજ બાજુના ઘરનું ધ્યાન રાખતાં ધનુબાએ જોયુંકે બાજુનાં ઘર ઉપર ‘ ફોર સેલ ‘નું બોર્ડ લાગ્યું છે. સરલાબહેને તે દિવસે કંસાર રાધ્યો. કોઈકની પાસેથી જાણવા મળ્યું કે લાક્ષ્મીબહેનને કાઉન્સિલ તરફથી મકાન મળ્યું છે એટલે હોસ્પિટલથી સીધા તેઓ ત્યાં જ રહેવા જશે. ઘર ભાવિનનાં નામ પર હતું અને હવે એ વેચવા મૂકેલું જોઈને આજુબાજુવાળા સૌ પડોશીઓને હાશકારો થયો.

સરલાબહેન દર અઠવાડિયે જોબ છોડી દેવાનું વિચારે અને ‘ આવતે અઠવાડિયે જોઈશું ‘ એમ વિચારી લંબાવ્યે રાખે છે.

કોર્ટનું કામ ધીમી ગતિએ ચાલે છે. ક્યારેક સોલિસિટર હૉલીડે પર જાય તો ક્યારેક સોશ્યલ વર્કર રજા પર હોય તો વળી ક્યારેક કોર્ટમાં બેન્ક હૉલીડે હોય ! મંથર ગતિએ સ્નેહાની નાવ જાય છે. તોફાન સમી ગયું છે એટલે એ પણ નાવ ભગવાન ભરોસે સોંપીને નિશ્ચિંત થતી જાય છે.

ખૂબ જ કરકસરથી રહેતી સ્નેહાને સરલાબહેનનું કુટુંબ આર્થિક સહાય કરવા ઘણા પ્રયાસ કરે છે પરંતુ અત્યાર સુધી એ લોકોએ કરેલા અને હજુ પણ કરતાં રહેલા ઉપકારનો ગેરલાભ લેવા જેવું સ્નેહાને લાગે છે એટલે સરલાબહેન અને નંદાના અત્યાગ્રહ પછી પણ એ નમ્રતાથી અસ્વીકારે છે.

એક દિવસ સરલાબહેન બપોરના સમયે ઘરનું કામકાજથી પરવારી, લાયબ્રેરીમાં જવા વિચારતાં હતાં. ત્યાં તો ડોર બેલ વાગ્યો.

ખોલીને જોયું તો તે દિવસે શકભાજીની શૉપમાં મળેલાં અને તેમને ઘરે પણ પહેલા આવી ગયેલાં તે શારદાબહેન સાથે કોઈ બીજા બહેન પણ હતાં.

‘ જે શ્રી કૃષ્ણ ‘ કહી બન્ને જણ ઘરમાં આવ્યા. સરલાબહેનને પણ થોડો ઈન્ટ્રેસ્ટ પડ્યો હતો એટલે તેમને આવકાર્યા.

‘ બોલો, શું લેશો ?’

શારદાબહેને વાતનો દોર હાથમાં લીધો, ‘ કંઈ જ નહી, બેન. અમે તો આ બાજુ નીકળ્યા હતાં એટલે થયું તમને અમારા ગૃપે રાખેલાં બહેનોના કાર્યક્રમનું આમંત્રણ આપતાં જઈએ.’ પછી સાથે આવેલા બહેનની ઓળખાણ આપતાં કહ્યું, ‘ આ કુમુદબહેન છે.’

સરલાબહેને કુમુદબહેનને ‘ જેશ્રી કૃષ્ન ‘ કહી અત્યાર સુધી એમને મુંઝવતો પ્રશ્ન પૂછ્યો, ‘ તમે કહો છો તેમ તમારો કોઈ સંપ્રદાય નથી , તો પણ તમારા ગૃપનું કોઈ નામ તો હશે ને ?’

હવે કુમુદબહેન ઝંપલાવ્યું, ‘ હા, એનું નામ છે ‘ અધ્યયન કેંન્દ્ર ‘ અને એનાં પ્રણેતા ભારતમાં રહે છે. ‘

સરલાબહેનનાં મોટાં બહેન અને જીજાજી ભારતથી કોઈ સંપ્રદાયનાં કાર્યક્રમમાં આવવાના છે તેનું નામ પણ કંઈક આવું જ હતું તે એમને યાદ આવ્યું. ‘ હમણા જ તમારી સંસ્થા કોઈ મોટો કાર્યક્રમ કરવાની છે ?’

‘હા, પણ તમને ક્યાંથી ખબર પડી ?’

‘ મારી મોટીબહેન અને જીજાજી ખાસ એને માટે જ ભારતથી આવવાના છે, તેવું થોડા દિવસ પહેલા જ એ લોકોએ કહ્યું હતું.’

‘ ખરી વાત છે તમારી બહેન, આ વર્ષે અમે ખૂબ મોટા પાયે કાર્યક્રમ કરવાનાં છીએ. અને એટલે અમે સૌ બહેનોએ ધાર્યું છે કે એ કાર્યક્રમ થાય તે પહેલાં, જેટલા વર્ષથી જે બહેન આ સંસ્થા સાથે જોડાયા હોય તેટલી બહેનોને આ કાર્યથી પરિચિત કરી, કાર્યક્ર્મમાં આવવા માટે તૈયાર કરવી.’

કુમુદબહેનની વાત કરવાની રીત સરલાબહેનને થોડી બુદ્ધિજન્ય અને ઈન્ટ્રેસ્ટિંગ લાગી.

‘ ખૂબ સરસ, પણ તોય તમારો મુખ્ય હેતુ શું છે એ સ્પષ્ટ ન થયું.’ સરલાબહેને ખૂબ જ અગત્યનો સવાલ પૂછ્યો.

કુમુદબહેને જ વાતનો દોર સંભાળતાં કહ્યું, ‘ જુઓ બહેન, સ્ત્રીઓ જ સમાજની કરોડરજ્જુ છે, તે ધારે તો સમાજને બગડતો અટકાવી શકે. ‘

‘ તમારી વાત અમુક અંશે સાચી છે છતાં ય, સોરી બહેનો, તમારો હેતુ સ્પષ્ટ ન થયો ‘ સરલાબહેનને તેમના જવાબથી સંતોષ ન થતાં તેમનો સવાલ દોહરાવ્યો.

‘ છેલા ૨૨-૨૩ વર્ષથી અમે આ દેશમાં આ પ્રવૃત્તિ કરીએ છીએ અને ભારતમાં તો છેલ્લા ૪૦ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલે છે. તેમનાં જે પ્રણેતા છે તેઓ માને છે કે આપણે આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરી એને સમજી લેવાં જોઈએ અને પછી સૌએ ભેગા મળી આપણા સમાજમાં એ વિષે જાગૃતિ લાવવી જોઈએ.’

‘ ક્યા શાસ્ત્રોનો અભ્યાસ કરો છો ?’

‘કુમુદબહેને કહ્યું, ‘ વેદ, ઉપનિષદ, ગીતા વિગેરેનો.’

સરલાબહેને જોયું કે શારદાબહેન ગોખેલું બોલતાં હોય તેમ બોલે છે, ‘ આપણે આપણા શાસ્ત્રો સમજીશું તો આગલી પેઢીને સમજાવી શકીશું ને ?’

ત્યાં તો વામકૂક્ષી કરીને ધનુબા સીટિંગરૂમમાં આવ્યા.

કુમુદબહેન અને ધનુબાની નજર મળી એટલે બન્ને જણ બોલી ઊઠ્યા, ‘ અરે, તમે?’

‘ બા ‘ અને કુમુદબહેનની ઉંમરમાં તફાવત જોઈને સરલાબહેનને નવાઈ લાગી, ‘ ઓળખો છો તમે એકબીજાને ?’

કુમુદબહેને માથું હકારમાં હલાવ્યું, પણ બોલ્યા કશું જ નહીં.

ધનુબાને ઘણે દિવસે જાણે શિકાર મળ્યો હોય તેમ ઉત્સાહ અને કટાક્ષસભર સ્વરે બોલ્યા, ‘ લ્યો, આ તો મારી સાથે લોન્ડ્રીમાં કામ કરતાં હતાં તે રમાબહેનની વહુને ? સાંભળ્યું છે કે તમે લોકો રમાબહેનને ઘરડાંઘરમાં નાંખી આવ્યા છો !’

કુમુદબહેનને અચાનક જાણે કોઈએ કોર્ટના કઠેરામાં ઊભા રાખી દીધા હોય તેમ, શું બોલવું તે ન સૂઝતાં બોલ્યાં, ‘ અં, હા, એમને ૨૪ કલાક સારવારની જરૂર હતી….’

ધનુબા એક વકીલની અદાથી ઊલટ તપાસ કરતાં હોય તેમ પ્રશ્ન પૂછ્યો, ‘ નસીબ એનાં, બીજું શું, પણ આજે તમે લોકો કેમ અમારે ઘરે આવ્યાં છો ?’

સરલાબહેનને ધનુબાની વાત કરવાની રીત ખૂબ તોછડી લાગી એટલે તેમને અટકાવવા ગયા પરંતુ ધનુબાને રોકવા મુશ્કેલ હતાં.

શારદાબહેનને પણ ગડ બેઠી નહીં પરંતુ કુમુદબહેનને સપડાયેલા જોઈને વચ્ચે ઝંપલાવ્યું, ‘ બા, અમે અધ્યયન કેન્દ્રમાંથી આવીયે છીએ.’

ધનુબાએ સાચે જ તીક્ષ્ણ બાણ વરસાવવાનું શરૂ કર્યું, ‘ હા, મને ખબર છે બધીય, – ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો’ જેવી વાત છે આ લોકોની !’

સરલાબહેનને હવે એમને અટકાવ્યા વગર છૂટકો નહોતો, ‘ બા, કોઈ આપણે ઘરે આવ્યું હોય….’

વચ્ચેથી જ સરલાબહેનને અટકાવી બીજું બાણ છોડ્યું, ‘ તને ખબર નથી, આ લોકો પોતાનાને પારકા બનાવી , દુનિયાને પોતાની બનાવવા નીકળે છે !’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *