ફિર દેખો યારોં : ચૂંટણીઓ આવે ને જાય, મતદાર હંમેશા હારતો હોય છે?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે, અને બન્ને પક્ષોએ જનાદેશને માથે ચડાવ્યો છે. આ કોઈ એક પક્ષની નહીં, પણ મતદારોની જીત છે એમ કહેવાય છે. વાત સાચી તો છે, પણ મતદારોને એમ લાગે છે ખરું? આ વખતની ચૂંટણીના પ્રચારમાં પણ વિકાસથી લઈને જાતિવાદ તેમજ ચારિત્ર્યહનનના અંગત આક્ષેપ સુધીનાં તમામ ગતકડાં અજમાવાઈ ગયાં અને મતદારોની પરિપક્વતાની કસોટી કરવામાં આવી. આમાંથી કયું ગતકડું કારગર નીવડ્યું એ કહી શકાય એમ નથી, પણ દરેક ચૂંટણીમાં મતદારોને મૂંઝવણ થઈ આવે એ સ્વાભાવિક છે. ચૂંટણી લડતા બન્ને મુખ્ય પક્ષોમાં કોણ કોના જેવું છે એ કહેવાને બદલે બન્નેની નીતિરીતિઓ એકબીજાના જેવી જ છે એમ કહેવું વધુ યોગ્ય લેખાય.

આ ચૂંટણીમાં બન્ને પક્ષોએ એકબીજા પર આચારસંહિતાના ભંગનો આક્ષેપ મૂક્યો અને તેનાં પ્રમાણ રજૂ કર્યાં. ચૂંટણીના 48 કલાક અગાઉ રાહુલ ગાંધીએ ટી.વી.ચેનલોને ઈન્‍ટરવ્યૂ આપીને આચારસંહિતા ભંગ કરી હોવાનો આક્ષેપ મૂકાયો, તો વડાપ્રધાને મત આપ્યા પછી અમદાવાદમાં રોડ શો કરીને તેનો ભંગ કર્યો હોવાનો આરોપ મૂકાયો.

ચૂંટણીપ્રચાર કરવાનો અધિકાર દરેક રાજકીય પક્ષને છે, પણ નિર્ધારીત ધારાધોરણને અનુસરીને. લોકપ્રતિનિધિ અધિનિયમની કલમ 126 અન્‍વયે ચૂંટણીના 48 કલાક પહેલાંના ગાળામાં સભાસરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. 1996માં આ કલમનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો અને તેમાં ચૂંટણીસાહિત્યને સિનેમેટોગ્રાફ, ટી.વી. કે અન્ય એવાં ઉપકરણો પર દર્શાવવાના તેમજ મતદારોને પ્રભાવિત કરી શકે એવી મનોરંજન કાર્યક્રમ યોજવાના પ્રતિબંધને પણ આવરી લેવામાં આવ્યો. આ જોગવાઈનો ભંગ કરનારને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બન્ને સજા થઈ શકે.

48 કલાકનો આ સમયગાળો ‘ઈલેક્શન સાઈલન્‍સ’ (ચૂંટણીલક્ષી શાંતિ) તરીકે ઓળખાય છે. મતદાર મત આપતાં અગાઉ કોઈ પણ પ્રકારના પ્રચારથી પ્રભાવિત થયા વિના મત આપી શકે એ મૂળભૂત ખ્યાલ આમાં રહેલો છે. આ જોગવાઈ ઘણા દેશોમાં હોય છે, પણ તેનો સમયગાળો અલગ અલગ હોઈ શકે છે. જો કે, સૌ કોઈ જાણે છે એમ જાહેરમાં નહીં, પણ ખાનગી રાહે પ્રચાર ચાલતો જ હોય છે અને મોટા ભાગના પક્ષો માટે ચૂંટણીની આગલી રાત ‘કતલની રાત’ જેવી હોય છે. આગલી રાતે મતદારોને અપાતાં વિવિધ પ્રલોભનો કેટલાક વિસ્તારોના મતોની રુખ બદલી શકે છે અને આ ઉઘાડું રહસ્ય છે. તેને જાણવા માટે કોઈ સર્વેક્ષણ કે સંશોધનની જરૂર નથી.

અલબત્ત, મતવિસ્તારની બહાર ઉમેદવારોને સભાસરઘસ કે ઈન્ટરવ્યૂ આપતાં રોકી શકાતા નથી, કેમ કે, ત્યાં કાયદાની મર્યાદા આવી જાય છે. એક જ રાજ્યમાં તબક્કાવાર થનારી ચૂંટણીમાં ઉમેદવારો આ છીંડાનો લાભ બરાબર લે છે. પહેલાંની વાત બરાબર હતી, પણ હવે ઈલેકટ્રોનિક માધ્યમોના, અને ખાસ કરીને સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં આ જોગવાઈ ઘણે અંશે અપ્રસ્તુત જણાય છે. અન્યત્ર યોજાતાં સભાસરઘસોનું પ્રસારણ ચૂંટણી યોજાવાની હોય એ વિસ્તારમાં કરવામાં આવે છે, જેમાં ચૂંટણી પંચ કંઈ કરી શકે એમ નથી. વાસ્તવમાં ચૂંટણી પંચ દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલયને જે તે પ્રદેશમાં કે રાજ્યમાં ચૂંટણી હોય એવાં સ્થળોએ પ્રસારણ અવરોધવા માટેની શક્યતા ચકાસવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. જો કે, સરકારે જણાવ્યું હતું કે એ શક્ય નથી.

ચૂંટણી પંચ દ્વારા 2014 ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન ભૂતપૂર્વ એટર્ની જનરલ અશોક દેસાઈ પાસેથી એ મુદ્દે મત લેવામાં આવ્યો હતો કે ચૂંટણી યોજાવાની હોય એવા મતવિસ્તારમાં અધિનિયમ 126 ની કાનૂની જોગવાઈ લાગુ પાડી શકાય કે કેમ. એ મુજબ મળેલી સલાહને આધારે ચૂંટણી પંચે ઠરાવ્યું હતું કે ચૂંટણીલક્ષી ઉમેદવાર કે મતવિસ્તાર સંબંધિત પ્રસારણ થવાનું હોય તો જ આ અધિનિયમ લાગુ પાડવો. ચૂંટણી અંગેની સામાન્ય ચર્ચાઓ બાબતે તે લાગુ પાડવામાં આવશે નહીં.

નવાઈ લાગે એવી વાત એ છે કે જે તે પક્ષ દ્વારા ઘોષિત કરાતો ચૂંટણીઢંઢેરો ક્યારે બહાર પાડવો એ અંગે કશી જોગવાઈ નથી. એ જ રીતે મુદ્રિત માધ્યમોમાં પ્રકાશિત જાહેરખબરો તેમજ રાજકીય પક્ષોનાં ચોપાનિયાંઓનો પણ આમાં સમાવેશ થતો નથી. બીજી રીતે કહીએ તો મતદાનના 48 કલાક અગાઉ અખબારોમાં ચૂંટણીલક્ષી જાહેરખબરો પ્રકાશિત કરી શકાય છે. આ દરેક જોગવાઈઓનો ભંગ થઈ શકે એવી શક્યતાઓ હંમેશાં હોય છે. આનું કારણ એ છે કે આપણા સૌ નાગરિકોનું માનસ મહદંશે કાનૂનભંગ કરનારું, અથવા વધુ સ્પષ્ટપણે કહીએ તો કાનૂનને માન નહીં આપવાનું છે. આ બાબતની કોઈ વૈજ્ઞાનિક કસોટી નથી. રોજબરોજના આપણા જીવનમાં, આપણી પોતાની સામાન્ય ગતિવિધિઓ નિહાળીશું તો પણ આનો ખ્યાલ આવી જશે. એને ગુનાહિત માનસિકતા પણ સાવ ન કહી શકાય.સવાલ ગુનાના કદનો નથી, પણ કાનૂનને માન ન આપવાની માનસિકતાનો છે. નાગરિકોની આવી માનસિકતા ઘડાયેલી હોય ત્યારે આપણા ઉમેદવારો પાસેથી અન્ય કશી અપેક્ષા રાખવી એટલે વાઘની પાસે તૃણાહારની અપેક્ષા રાખવા જેવું છે.

ચૂંટણીઓ આવતી રહી છે અને જતી રહેશે. ઉમેદવારો કે રાજકીય પક્ષો તેમાંથી જે બોધપાઠ લેતા હોય એ, આપણે તેમાંથી કશો બોધપાઠ લઈએ છીએ કે કેમ એ અગત્યનું છે.

જ્ઞાતિના આધારે માગવામાં આવતા મત, અંગત આક્ષેપો, મતદારોને આંજવાના પ્રયત્ન લેખે બાળબોધી છતાં ખર્ચાળ ગતકડાંઓ, વિવિધ શિક્ષિત વિસ્તારોમાં યોજાતાં સ્નેહમિલન અને ભોજનના કાર્યક્રમો, મત મેળવવા માટે ધર્મ કે ધર્મગુરુઓનો લેવાતો આશરો- આ બધું ઉમેદવારોની માનસિકતા દર્શાવે છે કે જનતાની, એ વિચારવા જેવું છે. શું ઉમેદવારો લોકોને અબુધ સમજે છે? અથવા લોકો જે ઈચ્છે છે એ તેઓ પીરસી રહ્યા છે? રાજકીય પક્ષો અને તેના ઉમેદવારોનું એક માત્ર લક્ષ હવે ચૂંટણીલક્ષી જ બની રહ્યું હોય એમ લાગે છે. આપણા આટલા વિશાળ દેશમાં ચૂંટણીઓ દર વરસે એક યા બીજા સ્થળે યોજાતી રહેવાની. તો શું ભ્રામક પ્રચારના આંજી નાખતા પ્રકાશમાં નજરબંધીના ખેલને વાસ્તવિકતા માની લેવાની આદત પાડી દેવી પડશે? કે પછી માનસિક પુખ્તતા કેળવીને આંજી નાખતા પ્રકાશની આરપાર પણ સાચું જોઈ શકવાની શક્તિ કેળવવી પડશે? આપણે શું ઈચ્છીએ છીએ એ આપણા અભિગમનો સવાલ છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૧૨-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *