વ્યંગ્ય કવન : (૧૯) :ઠહેરો, એક ઓર દલીલ સોચતા હું!

– વલીભાઈ મુસા

સામાન્યત: દસ્તુર છે એવો
અને માનવજાત માને પણ છે એમ જ કે,
Man proposes, God disposes; અર્થાત્
માણસ ગમે તે કરવા ચહે, પણ ઈશ્વર ચહે તે થાય! (૧)

પણ, કોણ જાણે કેમ કોઈ વાંકાલાલની જેમ,
મને પણ દીસતું વક્ર કે God proposes, man disposes!
તમે કહેશો, ‘દલીલ આપો, ઈશ્વરને પડકારો છો તે!’
’પામર હું, પડકારું તો શેં, મમ બુદ્ધિદાતા જ જો એ હોયે!’ (૨)

આમ છતાંય ‘ઠહેરો એક ઓર દલીલ સોચતા હું!’વાળાની જેમ,
મથામણ કરી જોંઉં, જો કોઈ તુક્કો દમદાર સાબિત થાયે!
પ્રથમે કહું કે ઈશ્વરે તો ઈચ્છ્યું, પશુ પશુ જ રહે અને માનવી માનવ,
પણ, પશુ પશુ ના રહ્યું અને માનવી બની ગયો પશુથી બદતર! (૩)

મહાનગરોના મધ્યસ્થ વાતાનુકૂલિત તબેલાઓમાં,
મહિષીધણ બેઠાડુ અને ઊભેઊભે જીવન કરે વ્યતીત,
ન ભટકવું પડે ઘાસચારા કાજ વગડે, ચોવીસે કલાક ઢોરડોક્ટર સુવિધા,
અને આ આદમપુત્ર કે મનુપુત્ર જે કહો તે હાડમારીપૂર્ણ જીવન કેવું જીવે! (૪)

અશ્વશક્તિને ઘટ્ટ(Condensed) કરી દઈ યંત્રોમાં ભરી દીધી મનુજે,
અને અશ્વો ફાજલ પડ્યા, રહ્યા માત્ર રેસ દોડાવવા કાજ ખપના!
કોમ્પ્યુટર ચીપ્સધારી મસ્તિષ્કવાળા મનુજે, કર્યાં સર્જનો મહાવિહંગતણાં ગગને ઊડતાં, કો’દિ
બળી ભસ્મ થાતાં બર્ડ-હીટે, અને અપવાદે હાથ રહેતો કુદરતનો મનુષ્યહાથ ઉપરે! (૫)

શ્વાસની આવનજાવન અને લીંટવહન કાજે તો પ્રભુએ નાક સરજિયું,
કિંતુ માનવે વિશેષ કામ લીધું નાક પાસેથી ચશ્માં ટેકવવા નાકદાંડી ઉપરે!
ઘણાં દૂધાળાં જાનવર ન ખાતાં સૂકું ઘાસ અને ચહે લીલું જ સાલભર,
મનુષ્ય ચહે અજમાવવા હરિતરંગી પારદર્શી ગોગલ્સ અબોલ પશુને ઠગવા! (૬)

જીવનદાતા કદીક ચહે જીવનદીપ બુઝવવા કો’ક માનવતણો હૃદયરોગ થકી,
અને તબીબ દે નવજીવન બાયપાસ સર્જરી, પેસમેકર કે અન્ય કો’ ઉપકરણે!
એ જ જીવનદાતા કદીક ચહે કો જીવનદીપ પેટાવવા ગર્ભાધાન થકી કો’ માતઉદરે,
અને માનવ કરે નાકામ કામ એ ઈશનું, ગર્ભનિરોધક વિવિધ મારગડે! (૭)

‘ઠહેરો એક ઓર દલીલ સોચતા હું!’વાળાની જેમ
કેટલીક દલીલો અહીં રજૂ કરી, ના પડકારવા ઈશને કે માનવીને શ્રેષ્ઠ ઠેરવવા,
હજુ પણ ઘણુંબધું કહી શકાય, ઠહેરો તો, એ વિષયે કે God proposes, man disposes;
પણ મને યકિન છે તમે નહિ ઠહેરો, કેમ કે તમને યકિન થઈ ગયો છે મુજ વાત ઉપરે! (૮)

 

* * *

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.