વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૩ : પૂતળાંઓમાં ગાંધી (૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

અગાઉની કડીમાં ગાંધીજીનાં પૂતળાંને દર્શાવતાં કાર્ટૂનો જોયા પછી આ વખતે એ જ શ્રેણીમાં થોડાં વધુ કાર્ટૂન.

 

દર વર્ષે બીજી ઑક્ટોબરે ગાંધીજીની પ્રતિમાને હારતોરા કે સૂતરની આંટીઓ પહેરાવવાની રસમ નિયમિતપણે થાય છે. ગાંધીજીના વ્યક્તિત્વની મઝા એ છે કે તેમાંથી દરેક જણ પોતાની મનગમતી બાબતને ઉપાડી શકે છે અને પોતાના ખપમાં લઈ શકે છે. જેમ કે, વર્તમાન ભા.જ.પ. સરકારે ગાંધીજીને સ્વચ્છતા સાથે જોડી દીધા અને ‘ગાંધીજી એટલે સ્વચ્છતા’ એવી છબિ ઉપસાવવામાં આવી. એ હદે કે ગાંધીજીના જન્મદિનને ‘સ્વચ્છતા દિન’ તરીકે ઉજવવાની હાકલ કરવામાં આવી.

આપણા ગુજરાતી કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલનું આ કાર્ટૂન એ બાબત પર કટાક્ષ કરે છે. એક છોકરો બીજાને કહી રહ્યો છે, ‘શું તને ખબર છે કે ગાંધીજીનો જન્મ સ્વચ્છતા દિવસે થયેલો?’ રાજનેતાઓ ગાંધીજીનું ખંડદર્શન કરતા હોય તો બાળકો એ કેમ ન કરે?

****

 

સતીશ આચાર્યનું આ કાર્ટુન બહુ સૂચક છે. ત્રણ રસ્તાની વચ્ચોવચ ગાંધી જંક્શન છે. અહીંથી એક માર્ગ સત્યાગ્રહ માર્ગ તરીકે ઓળખાય છે, એક રાજકીય માર્ગ છે અને ત્રીજો ગાંધી માર્ગ છે. સત્યાગ્રહના માર્ગે ઈરોમ શર્મિલા ચાલી રહેલાં બતાવાયાં છે. રાજકીય માર્ગે અરવિંદ કેજરીવાલ ચાલી રહ્યા છે, જેમના હાથમાં પોતાના પક્ષનું નિશાન એવું ઝાડુ છે. ત્રીજો ગાંધી માર્ગ છે, જેની તરફ ગાંધી આંગળી ચીંધી રહ્યા છે. વચ્ચોવચ્ચ બેઠેલા અણ્ણા હજારે ગાંધીજીની આ હરકત જોઈને કહે છે, ‘બાપુ, બસ હવે! ગાંધીમાર્ગ વિશે પૂછવું એ તો રિવાજ માત્ર છે.’ ગાંધીમાર્ગે ચાલી રહેલાં અન્યોને જોઈને ગાંધીજીના ચહેરા પરના મૂંઝવણના ભાવ કહી રહ્યા છે કે અસલી ગાંધી માર્ગ કયો એ બાબતે તેઓ ખુદ મૂંઝવણમાં છે.

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 70

****

 

નેતાઓ જે રીતે ગાંધીજીના નામના ઉપયોગમાં મૌલિકતા લઈ આવે છે એ જોઈને ખુદ બાપુને આશ્ચર્ય થાત. સામાન્ય સંજોગોમાં ગરજી ગરજીને જનમેદનીનું મનોરંજન કરનાર વર્તમાન વડાપ્રધાન કેટલાય મહત્ત્વના મુદ્દે ‘કભી ચુપ્પી, કભી મૌન’ ધારણ કરે ત્યારે શરૂઆતમાં નવાઈ લાગતી. હવે એ તેમની શૈલી બની ગઈ છે. ગૌરક્ષાના મુદ્દે અનેક હત્યાઓ થઈ, ત્યારે જાણે મૂક સમર્થન હોય એ રીતે મૌન ધારણ કર્યા પછી આખરે તેમણે કહ્યું, ‘ગૌ-ભક્તિના નામે લોકોની હત્યા સ્વિકૃત નથી……’ આટલું કહીને ગાંધીજીના પૂતળા તરફ આંગળી ચીંધીને તેઓ ઉમેરે છે, ‘….આ માણસને!’ આ કાર્ટૂન તેની વાક્યરચનાને કારણે અંગ્રેજીમાં વધુ માણી શકાય એવું છે. ઉલ્લેખનીય છે કે આ વાક્ય કહેવાતા ગૌરક્ષકોને ઉદ્દેશીને કહેવાયું છે, જેનો ભાવ છે, ‘આમને સ્વિકૃત નથી. (બાકી મને કોઈ વાંધો નથી.)

કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે ગાંધીજીના હાવભાવ એવા ચીતર્યા છે જાણે કે અચાનક તેમને કોઈ આ મામલામાં ઢસડી લાવ્યું હોય.

*****

 

ગાંધીજીનો ગૌપ્રેમ જાણીતો છે. તેને અનુલક્ષીને કાર્ટૂનિસ્ટ અક્ષય ચંદરે આ કાર્ટૂન બનાવ્યું છે, જેમાં રાષ્ટ્રમાતા તરીકે ગાંધીજીનું પૂતળું મૂકાયેલું છે. તેઓ ગાયને ઉદ્દેશીને કહે છે, ‘તારી સેવા અને સ્વાર્પણનો કોઈ જોટો નથી. બીજા ચિત્રમાં ગાંધીજી પોતે ઉતરીને ગાયને પોતાના સ્થાને મૂકે છે અને કહે છે, ‘આ તારા માટે યોગ્ય સ્થાન છે.’ નીચે તકતીમાં ‘ફાધર’ને બદલે ‘મધર’નો ફેરફાર થયેલો જોઈ શકાય છે. આ કાર્ટૂનમાં ગાંધીમુખેથી ગૌમહિમા કરાવવાનો ઉપક્રમ જણાય છે. અથવા કદાચ ગાંધીને બદલે ગાયને અપાતા વધુ પડતા મહત્ત્વ પર કટાક્ષ હોય એમ જણાય છે. (જો કે, અહીં વાત ગાંધીના મુખે મૂકાઈ હોવાથી એ શક્યતા ઓછી લાગે છે.)

અક્ષય ચંદરનાં વધુ કાર્ટૂનો તેમના બ્લૉગ http://akshaychander.blogspot.in/ પર જોઈ શકાશે.

****

 

મંજુલના આ કાર્ટૂનમાં ગાંધીની બદલાયેલી ઓળખની વાત છે. અગાઉ જણાવ્યું એમ સૌ પોતપોતાની રીતે ગાંધીજીની મૂલવણી કરતા રહે છે. પોતાના રાજકીય વિરોધી પક્ષ એવા કોંગ્રેસના અવમૂલ્યન માટે આ વખતે ભા.જ.પ.ના પ્રમુખ ગાંધીજીનું અર્થઘટન કરે છે. તેમણે છત્તીસગઢમાં યોજાયેલા એક સમારંભમાં વક્તવ્ય આપતાં કહેલું, ‘બહુત ચતુર બનિયા થા વો, ઉસકો માલૂમ થા આગે ક્યા હોનેવાલા હૈ..’ પ્રમુખશ્રીનો ઈશારો ગાંધીજીએ સૂચવેલા કોંગ્રેસના વિસર્જન તરફનો છે. એ રીતે પોતાનો પક્ષ ‘ગાંધીચીધ્યું’ કામ કરી રહ્યો હોવાનો સંતોષ પણ લઈ શકાય છે. ગાંધીજી પોતાની આવી ઓળખથી પથ્થર હોવા છતાં મૂઢ બની ગયા જણાય છે.

*****


 

દિલ્હીમાં ‘આમ આદમી પાર્ટી’નો આરંભ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યો. તેમણે પ્રચલિત પરંપરા મુજબ ગાંધીજી (ની પ્રતિમા) પાસેથી આશિર્વાદ પ્રાપ્ત કર્યા હશે. પણ એ જોઈને વ્યથિત થઈ ઉઠેલા કોંગ્રેસના નેતા મનમોહનસીંઘ બોલી ઉઠે છે, ‘એ તો આપણો આમ આદમી અને ખાસ આદમી- બન્ને લઈ ગયા.’ અવિનાશે આ કાર્ટૂનમાં શબ્દરમત કરીને બાપુના સ્પેલિંગમાં ‘આપ’ (આમ આદમી પાર્ટી)ના અક્ષરોને સમાવી લીધા છે. ખરી મઝા ગાંધીજીના પૂતળાના હાવભાવની છે.

****


‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી’ શબ્દપ્રયોગ લગભગ રુઢિપ્રયોગની કક્ષાએ પહોંચી ગયો છે, જેમાં પરાણે ખાદી અને ગાંધીનું નામ વાપરવું પડતું હોવાનો ભાવ છે. દિલ્હીના જંતરમંતર ખાતે અણ્ણા હજારેએ આરંભેલા આંદોલનમાં અરવિંદ કેજરીવાલ જોડાયા.અરવિંદ માટે આ આંદોલન રાજકારણનું પ્રવેશદ્વાર બની રહ્યું. તેમણે ગાંધીપ્રતિમાને હાર ચડાવીને રાજકારણમાં પ્રવેશ કર્યો. કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે બતાવ્યું છે કે કેજરીવાલ અણ્ણાના ખભે ચડીને ગાંધી સુધી (એટલે કે તેમના આશિર્વાદ લેવા સુધી એટલે કે રાજકારણમાં પ્રવેશ સુધી) પહોંચી ગયા. આથી તેમણે કાર્ટૂનનું શિર્ષક આપ્યું છે: ‘મજબૂરી કા નામ મહાત્મા ગાંધી.’ ખુદ ગાંધીજી આમાં ડઘાઈ ગયેલા જણાય છે.

*****

 

ગાંધીજીનું વ્યક્તિત્ત્વ બહુ પ્રેરક મનાય છે. તેમનામાંથી પ્રેરણા મેળવી એમ કહેવાથી કમ સે કમ જાહેર જીવનમાં પ્રતિષ્ઠા વધે છે, પણ કહેવું અને કરવું બન્ને વચ્ચે મોટો ભેદ રહી જાય છે. ખ્યાતનામ અમેરિકન સામયિક ‘ટાઈમ’ દ્વારા ‘સર્વકાલીન સો પ્રભાવશાળી વ્યક્તિત્વો’ની યાદીમાં ગાંધીજીનું નામ ટોચ પર હતું. તેમની પ્રતિમા આગળ હાથ જોડીને ઉભેલા નેતા ગાંધીજીને કહે છે, ‘હું પણ ‘ફોર્બ્સ’ની યાદીમાં સ્થાન પામવા સારું કઠિન પ્રયત્ન કરી રહ્યો છું.’ ઉલ્લેખનીય છે કે ‘ફોર્બ્સ’ દર વરસે વિશ્વના ધનકુબેરોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે.

મંજુલના આ કાર્ટૂનમાં નેતાજીની ‘મહેચ્છા’ સાંભળીને તેમની બાજુમાં ઉભેલા અમલદાર ડઘાઈ ગયેલા જણાય છે, પણ ગાંધીજી રમૂજથી તેમને જોઈ રહ્યા હોય એમ લાગે છે.

****

 

ગાંધીજીના સાચા વારસદાર કોણ? અને તેમના માલિક કોણ? તેમના વિચારોના વારસદાર કોઈ પણ હોઈ શકે, પણ તેમના જૈવિક વારસદારોની ગાંધીજી પરની માલિકી કેટલી વાજબી? મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ 2002 માં મહાત્મા ગાંધી ફાઉન્‍ડેશન વતી તેમનું નામ અને છબિ વ્યાપારી ધોરણે ઉપયોગ કરવા દેવા માટેના હક્કો અમેરિકાની ‘સી.એમ.જી. વર્લ્ડવાઈડ ઈન્‍કોર્પોરેશન’ને આપ્યા (એટલે કે વેચ્યા). આ સમાચાર જાણીને અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા ભા.જ.પ.ના નેતાઓ તુષાર ગાંધીને પૂછી રહ્યા છે, ‘રામના નામના કેટલા આવે?’

સુધીર નાથના આ કાર્ટૂનમાં અંકલ સેમ (અમેરિકા)ના હાથમાં રહેલી ગાંધીપ્રતિમાના હાવભાવ જોવા જેવા છે. અસલ મલયાલી શૈલીના આ કાર્ટૂનમાં સાવ ઓછી રેખાઓ હોવા છતાં, ધારદાર અભિવ્યક્તિ જોઈ શકાય છે.

****

 

‘ભક્તિ’ અને ‘ભક્ત’ શબ્દને વર્તમાન વડાપ્રધાનના શાસનમાં એક નવી જ અર્થચ્છાયા પ્રાપ્ત થઈ છે. ભા.જ.પ.ના એક નેતા વિજય ગોયલે ‘ભક્તિમાર્ગી પરંપરા’ મુજબ નરેન્‍દ્ર મોદીની સરખામણી ગાંધીજી સાથે કરી અને બન્નેને ‘સાબરમતી કે સંત’ તરીકે ઓળખાવ્યા.

આ હકીકત પર કટાક્ષ કરતું તેલુગુ કાર્ટૂનિસ્ટ મૃત્યુંજયનું કાર્ટૂન બન્નેની સરખામણીમાં આગળ વધે છે. અસલ મહાત્માને તે ‘સ્વદેશી ગાંધી’ તરીકે ઓળખાવે છે, જેમની પાસે અંગ ઢાંકવાના વસ્ત્રોથી વિશેષ કશું નથી. બીજી બાજુ વિદેશી ગાંધી એ જ મુદ્રામાં સામાજિક નેટવર્કિંગનાં અનેક માધ્યમોને ખોળામાં લઈને બેઠેલા જણાય છે. એક હકીકત સ્વીકારવી રહી કે ચાહે પહોંચાય કે ન પહોંચાય, પણ જાહેર જીવનમાં પડેલાઓની મંઝિલ ગાંધી હોય છે એ નક્કી.

મૃત્યુંજયનાં અન્ય કાર્ટૂનો તેમના બ્લૉગ http://mrithyunjaya.blogspot.in/ પર જોઈ શકાશે.

*****

 

ગાંધીજી વિશેનાં વધુ એક વિષય સાથેનાં કાર્ટૂનો આગામી કડીમાં.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “વ્યંગ્યચિત્રોમાં ગાંધી : ૧૩ : પૂતળાંઓમાં ગાંધી (૨)

  1. Neetin Vyas
    December 27, 2017 at 5:49 am

    Very interesting compilation indeed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *