ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 3

Facebooktwitterredditpinterestlinkedinmail

– ચિરાગ પટેલ

 

પૂ. ૨.૧.૩ (૧૧૭) ગાવ ઉપ વદાવટે મહી યજ્ઞસ્ય રપ્સુદા । ઉભા કર્ણા હિરણ્યયા ॥

સૂર્યકિરણો યજ્ઞ માટે આવે, એ પૃથ્વીને યજ્ઞિયરૂપ પ્રદાન કરનારા છે જેના બંને છેડા ચમકીલા છે.

આ શ્લોકમાં પૃથ્વીના બંને છેડા ચમકીલા હોવાનો ઉલ્લેખ છે. પૃથ્વીના બંને ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર સાથે સૂર્યના વિદ્યુત-ચુંબકીય તરંગોની પ્રતિક્રિયા રૂપે વિવિધ રંગોની ધ્રુવજ્યોતિ દેખાતી હોય છે. સામવેદના આ મંત્રના દ્રષ્ટા ઋષિને આ ઘટના વિષે ચોક્કસપણે જાણકારી હોવી જોઈએ. જાણે સૂર્યકિરણો પૃથ્વી સાથે મળી યજ્ઞ કરતા હોય અને એની જ્વાળા સમાન ધ્રુવજ્યોતિ ઉત્પન્ન થતી હોય! ઋષિ કદાચિત બંને ધ્રુવોના ભૌગોલિક પ્રદેશની મુલાકાતે ગયા હોય એ પણ માની શકાય.

 

પૂ. ૨.૧.૭ (૧૨૧) યજ્ઞ ઇન્દ્રવર્ધયદ્યભ્દૂર્મિ વ્યવર્તયત । ચક્રાણ ઓપશં દિવિ ॥

જે યજ્ઞે પૃથ્વીને આકાશમાં લટકાવીને ફરતી રાખી છે એ યજ્ઞે ઇન્દ્રના યશને પણ વધાર્યો.

આ શ્લોકમાં જે તથ્ય કહેવાયું છે એ આપણે કોપરનિકસ અને ન્યૂટન દ્વારા જાણી શક્યા છીએ! પૃથ્વીનું આકાશમાં લટકવું અને ફરતાં રહેવું – એ બંને અવલોકનો માત્ર આકાશને જોઈને કરનાર ઋષિ ધન્યવાદને પાત્ર છે.

 

પૂ. ૨.૩.૯ (૧૪૩) ઉપહ્વરે ગિરીણાંસંગમે ચ નદીનામ । ધિયા વિપ્રો અજાયત ॥

પર્વતો અને નદીઓના સંગમ સ્થળોએ, ધ્યાન દ્વારા, સત્પુરુષો એમને મેળવે છે.

વેદોના રચનાકાળમાં ઋષિઓ યજ્ઞો અને ધ્યાન દ્વારા પરમ તત્વની ઉપાસના કરતા હતા. મોટાભાગના શ્લોક યજ્ઞનો સંદર્ભ સૂચવે છે. પણ, આ પહેલો શ્લોક છે જેમાં ઋષિ ધ્યાનનું સૂચન કરે છે.

 

પૂ. ૨.૪.૩ (૧૪૭) અત્રાહ ગોરમન્વત નામ ત્વષ્ટુરપીચ્યમ । ઇત્થા ચન્દ્રમસો ગ્રુહે ॥

મનીષિઓની માન્યતાનુસાર, રાત્રિમાં સૂર્યના સંતાઈ જવા છતાંય સંસારને તુષ્ટ કરનાર સૂર્યનું તેજ ગતિમાન ચંદ્રમા દેખાય છે.

આ શ્લોકના દ્રષ્ટા ઋષિ બીજા વિદ્વાનોના મતનો સંદર્ભ આપી જણાવે છે કે, ચંદ્રને પોતાનો પ્રકાશ નથી હોતો પરંતુ સૂર્યનો પ્રકાશ ચંદ્ર દ્વારા પરાવર્તિત થાય છે!

 

પૂ. ૨.૫.૯ (૧૬૩) યોગેયોગે તવસ્તરં વાજેવાજે હવામહે । સખાય ઇન્દ્રમૂતયે ॥

સત્કાર્યોની શરૂઆતમાં અને દરેક સંગ્રામમાં બળવાન ઈન્દ્રનું પોતાના સરંક્ષણ માટે મિત્રની જેમ આવાહન કરીએ છીએ.

આપણે હાલના સમયમાં દરેક કાર્યની શરૂઆત વિઘ્નહર્તા વિનાયક ગણપતિની પૂજાથી કરીએ છીએ. વેદકાળમાં મિત્ર સમાન ઈન્દ્રની દરેક કાર્યોની શરૂઆતમાં પૂજા કરાતી હશે એવો નિર્દેશ આ શ્લોકમાં મળે છે.

 

પૂ. ૨.૬.૧ (૧૬૫) ઇદં હ્યન્વોજસા સુતં રાધાનાં પતે । પિબા ત્વાઃસ્ય ગિર્વણઃ ॥

ઐશ્વર્યોના સ્વામી, સ્તુતિ યોગ્ય ઈન્દ્ર, પ્રયત્નપૂર્વક નિચોવેલા આ સોમરસનું રૂચિપૂર્વક પાન કરો.

આ શ્લોકમાં ઈન્દ્રને “રાધા” અર્થાત ઐશ્વર્યના પતિ કહ્યાં છે. શું આ સંબોધન મહાભારત કાળમાં કૃષ્ણ માટે વપરાતું થયું હશે? હવે પછીનો શ્લોક પણ જે વિશેષણો ઈન્દ્ર માટે પ્રયોજે છે એ સર્વે કૃષ્ણ માટે પણ પ્રયોજાય છે.

 

પૂ. ૨.૬.૪ (૧૬૮) અભિ પ્ર ગોપતિં ગિરેન્દ્રમર્ચ યથા વિદે । સૂનું સત્યસ્ય સત્પતિમ ॥

હે યાજક! ગોપાલક, સત્યનિષ્ઠ, સજ્જનોના રક્ષક, ઈન્દ્રની મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરો જેથી તેમની શક્તિનો આભાસ થાય.

અહીં “ગોપાલક” વિશેષણ ઈન્દ્ર માટે છે, જે આપણે આજે પ્રચલિત રૂઢિ મુજબ કૃષ્ણ માટે ગણીએ છીએ.


શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ઋતમંડળ

· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com

4 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – 3

 1. Dipak Dholakia
  December 30, 2017 at 8:07 pm

  પ્રિય ભાઈ ચિરાગ,

  પૂ. ૨.૧.૩ (૧૧૭). પૃથ્વીના બન્ને છેડા ચમકીલા છે એનો અર્થ તો લોકમાન્ય ટિળક કહે છે તેમ આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા ેવો પણ થઈ શકે છે. અહીંથી ઋષિઓ ત્યાં ગયા (અને પાછા આવ્યા) એવું સિદ્ધ કરતો કોઈ આધાર હોવો જરૂરી છે. તે સિવાય ટિળકે તો સાબીતી આપી છે તેને માન્ય રાખીને એમ જ માનવું રહ્યું કે ઋષિઓ પોતાના દાદા-પરદાદાઓ પાસેથી સાંભળીને આ વાત કહે છે.

  . પૂ. ૨.૧.૭ (૧૨૧) અને પૂ. ૨.૪.૩ (૧૪૭)માં તમે ખગોળીય ઘટનાઓનો તમારો ઉલ્લેખ પસંદ આવ્યો.એ જ રીતે ૨.૩.૯ (૧૪૩)માં પણ ધ્યાનની વાત કદાચ પહેલી વાર આવી હશે એ વાત પર તમે ધ્યાન ખેંચ્યું છે તે પ્રશંસનીય છે.

  પૂ. ૨.૬.૧ (૧૬૫) અને પૂ. ૨.૬.૪ (૧૬૮)માં તમે ઇન્દ્રને કૃષ્ણ સાથે જોડો છો. કદાચ એવું પણ હોય કે યજુર્વેદમાં આ ભાગ પાછળથી કૃષ્ણ જનપ્રિય બન્યા તે પછી પ્રવેશ્યો હોય.

  • January 12, 2018 at 9:49 pm

   દીપકભાઈ, આર્યો ઉત્તર ધ્રુવથી આવ્યા હોય એમ સ્વીકારીએ તો દક્ષિણ ધ્રુવ વિશે એમનુ અનુમાન કેવી રીતે માની શકીએ? બન્ને છેડા ચમકીલા હોવાનુ અવલોકન માત્ર અનુમાન નથી લાગતુ. ઋષિ માત્ર ઉત્તર છેડા વિશે પણ કહી શક્યા હોત! એટલે, હુ માનુ છુ કે, આર્યો ઉત્તર ધ્રુવ પ્રદેશથી આવ્યા હોય એ જરુરી નથી લાગતુ. હા, આર્યોએ બન્ને છેડાની મુલાકાત લીધી હોય એ વધુ યોગ્ય લાગે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *