





– રજનીકુમાર પંડ્યા
‘કોણ આવ્યું છે ?’
‘કોઈ ઈઝરાયેલી છોકરો છે.’ ડૉ. લોએલ એન્સન બેસ્ટના પ્રશ્નના જવાબમાં એમનાં પત્નીએ આટલું કહ્યું –પછી વળી યાદ આવ્યું એટલે એમાં ઉમેરો કર્યો : ‘નામ બેન સિમ્હન છે એમ બોલ્યો.’
પત્ની એ પછી ઘરના કામકાજમાં પરોવાઈ પણ ડોક્ટર લોએલે તરત કહ્યું : ‘અરે,તું ભૂલી ગઈ ? મેં તને કહ્યું હતું આ એ જ છોકરો કે તારે જેને જોવો હતો ને !’
પત્નીએ એની સ્ત્રૈણ છટામાં છાતીએ હાથ દીધો : ‘એ જ ? પેલી હાથના અંગુઠાની વાતવાળો?’
‘યેસ, યેસ, યેસ’ ડોક્ટર બોલ્યા અને નાઈટ ગાઉનને જરા ઠીકઠાક કર્યો. મેડિકલ જર્નલ વાંચતા હતા તેને એક તરફ મુક્યું. ને પછી સીડી ઉતરીને દીવાનખાનામાં આવ્યા. પાછળ પાછળ એમનાં પત્ની. ડોક્ટરને જોયા એટલે છોકરો એકદમ આદરના ભાવમાં ઉભો થઈ ગયો ને મોડી રાતે જગાડવા માટે દિલગીરીના બે શબ્દો બોલવા ગયો ત્યાં તો ડોક્ટરે જ આવકાર-આનંદથી છલકાતા સ્વરે કહ્યું :’હલ્લો યંગ મેન, હાઉ આર યુ ?”
છોકરાએ ‘પરફેક્ટલી, પરફેક્ટલી ઓલરાઈટ’ ભાવનાને વ્યક્ત કરતી હથેળી અને આંગળીની મુઠ્ઠીઓ કરી અને ફરી કશુંક બોલવા ગયો ત્યાં એની આંખમાં ઝળઝળીયાં આવી ગયા. ડોક્ટરે નજીક જઈને એના ખભે હાથ મૂકીને કહ્યું : ‘હમણાંહમણાં બહુ ઈમોશનલ થઈશ નહીં, હાર્ટ ઉપર અવળી અસર પડશે.’
છોકરાએ બગલથેલામાંથી ઈઝરાયેલી મીઠાઈનું એક પેકેટ કાઢ્યું, પૂછ્યું : ‘સ્વીકારશો? સ્વીકારશો ને ડોક્ટર? પ્લીઝ.’
ડોક્ટર લોએલ આ રીતે ભેટો સ્વીકારતા હોત તો ઘર અભરે ભરાઈ ગયું હોત. પણ ‘દર્દી પાસેથી કદી કશું જ ના સ્વીકારવું’ ના દૃઢ નિર્ધારમાં આજે એક કોમળ તિરાડ પડી. એમણે પડવા દીધી. પેકેટ સ્વીકારીને કહ્યું : ‘જરૂર, જરૂર. કેમ નહીં ? લાવ આપણે અત્યારે જ એને ખોલીએ’ પછી સામેના સોફા તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘પણ તું બેસ તો ખરો.’
‘ડૉક્ટર’ છોકરાએ કહ્યું :‘તમે મારી જિંદગી બચાવી છે. હું કયા શબ્દોમાં આભાર માનું ?’
‘શબ્દોથી નહીં.’ ડોક્ટર બોલ્યા: ‘ આભાર મનવો હોય તો બીજાની જિંદગી બચાવીને માનજે. એવી રીતે માનજે, માનજે કે તને ડિસ્કોથેકમાંથી આ પાઠ શીખવા મળ્યો છે. મોતના મોંમાંથી તું તારી એકલાની નહીં બીજાઓની પણ જિંદગી લઈને પાછો ફર્યો છે.’
1951ના ઓગસ્ટની અગિયારમીએ મુંબઈમાં જન્મેલા યહુદી ડોક્ટર લોએલ એન્સન બેસ્ટ 1979માં ભારતથી ઈઝરાયલ ગયા ત્યાં સુધીની એમની કારકિર્દી પણ તેજના એક લાંબા લિસોટા જેવી. પિતા ડૉ. ઈ.એમ.બેસ્ટ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં શરીરશાસ્ત્રના અધ્યાપકપદેથી આગળ વધીને ડીન બન્યા અને પછી ગુજરાત રાજ્યના તબીબી શિક્ષણના નાયબ નિયામક તરીકે નિવૃત થયા. પુત્રે જ્યારે તબીબી શાખામાં જવાની રૂચિ બતાવી ત્યારે ડોક્ટર ઈ.એમ.બેસ્ટ એને ત્રણ દિવસ એકલો હવા ખાવાના સ્થળે લઈ ગયા. કહ્યું : ‘આજ સુધી તું સ્કુલ-કોલેજમાં ભણતર અને રમતગમતમાં અવ્વલ નંબરે રહેતો આવ્યો છે. તારી ત્રેવડને દાદ દઉં છું અને હવે તું એ ત્રેવડને તબીબી માર્ગે વાળવાનું મન કરે છે ત્યારે પ્રશ્ન પૂછું છું કે શા માટે તું એ લાઈન લેવા માંગે છે ? પૈસો કમાવા ? કે બીજા કોઈ કારણે ?’
ડોક્ટરે આ પ્રશ્નના પેટાળમાં પ્રગટાવેલો મર્મ પુત્ર લોએલને સ્પર્શી ગયો. કારણ કે એમણે ખુદ તબીબી જ્ઞાન પામીને એનો ઉપયોગ ટંકશાળ નાખવામાં કર્યો ન હતો.બલ્કે જીવનભર એનું અધ્યાપન કરાવ્યું હતું. પણ આ હકીકતની પણછ પરથી તકાયેલો પ્રશ્ન હતો, એટલે લોએલે તરત જ નિર્ણય લઈને કહ્યું: ‘જુઓ, હું પણ સંત મહાત્મા થવા નથી જન્મ્યો. મારે પણ મહત્વાકાંક્ષાઓ છે. પૈસા પણ એમાં છે, પણ એ બહુ દૂરના નંબરે આવે છે. હું બૂટપોલીશ કરું કે ડોક્ટર થાઉં, જે કાંઈ થાય તે પૈસા માટે તો નહીં જ. બોલો, રજા આપો છો ?’
જુવાન દીકરાને બાપ રજા તો શી રીતે આપે ? એની ઈચ્છા પર સંમતિનું એક સ્મિત દીધું. એનું પરિણામ એ આવ્યું કે 1973માં લોએલ એમ.બી. બી.એસ. પસાર કરીને ‘મેડિકલ ટાઈમ્સ’ના આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થી સંવાદદાતા બન્યા. 1977માં શસ્ત્રક્રિયાની અનુસ્નાતક ઉપાધિ મેળવી અને ‘ગુજરાત કેન્સર સોસાયટી’માં સિનિયર રજિસ્ટ્રાર બન્યા અને 1979માં એમના આદિ વતન ઈઝરાયેલમાં હાઈફામાં રેમ્બમ મેડિકલ સેન્ટરમાં કાર્ડિયાર્ક થોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં નોકરી મેળવીને નોકરી કરતાં કરતાં જ જનરલ સર્જરી અને કાર્ડિયાક થોરાસિક સર્જરીમાં ઉત્તીર્ણ થઈને ચેસ્ટ સર્જયન તરીકેની પૂરી લાયકાત મેળવી લીધી.
એમાં વળી આરબ-ઈઝરાયેલ સંઘર્ષના ગાળામાં લશ્કરી સેવાઓ માટેનું તેડું આવ્યું ને નોંધપાત્ર તબીબીસેવક તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું અને ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સમાં લેફટનન્ટની પદવી મેળવી. પણ પછી થોડો યુદ્ધવિરામનો સમય આવતાં અમેરિકાની જગવિખ્યાત હોસ્પિટલની સ્કુલ ઓફ મેડિસીનમાં ફેલોશિપ મેળવી અને થોરાસિક સર્જરીમાં જગવિખ્યાત હસ્તીઓ નીચે તાલીમ લીધી.
પણ મા-બાપ ભારતથી ઈઝરાયેલ આવી ગયા હતા. પુત્રની રાહ જોતા હતા. પત્ની અને બાળકો પણ. એટલે 1988ના જૂનમાં એ પાછા ઈઝરાયેલ આવીને લેડી ડેવિસ હાર્મેલ હોસ્પિટલમાં જોડાઈ ગયા.
અને એમાં જ અનોખો બનાવ બન્યો હતો.
હોસ્પિટલમાં વોર્ડમાં જ સવારના નાસ્તાની બ્રેડનો પહેલો કોળિયો મોંમાં મૂકે તે પહેલાં જ હોસ્પિટલની પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથીસાદપડ્યોહતો. : ‘ડૉ. લોએલ જ્યાં હોય ત્યાંથી ઈમરજન્સી વોર્ડમાં સત્વરે આવે.’
આવું તેડું આવે ત્યારે હોઠ પર મુકાયેલો અમૃતનો કૂંપો પણ પાછો ઠેલીને તરત જ બોલાવ્યા હોય ત્યાં દોડવું. આ તબીબીગીતાના પહેલા શ્લોકનું પહેલું ચરણ છે. ડોક્ટર લોએલ દોડ્યા અને ઈમરજન્સી વોર્ડમાં જઈને જોયું તો પારિચારકોના ઘેરા વચ્ચે એક જુવાન દર્દી લોહી નિંગળતી હાલતમાં પડ્યો હતો.
એની નાડી પકડાતી નહોતી ને બ્લડ પ્રેશરતો હતું જ નહીં ! પ્રેશર આવી શકે એટલું રક્ત તો હતું જ નહીં ! વહી ગયું હતું.ગઈ રાતે હાઈકના એક ડિસ્કોથેકમાં એક આરબ છોકરા જોડે એક છોકરીને લઈને ડિસ્કો કરવાના સબબે મારામારી થઈ હતી.એ વખતે લોકોએ બન્ને શાંત પાડ્યા હતા. પણ સવારે દૂરની ગલીમાં એગ્રિકલ્ચર સ્કુલ નજીક પેલા આરબ છોકરાએ આને ઝડપ્યો હતો અને છરી હુલાવી દીધી હતી. પોલીસે એને ઝબ્બે કર્યો પણ આને તો ભલે મરવાનો હોય, પણ હોસ્પિટલે જ ખસેડવો પડે. નજીકમાં નજીક હોસ્પિટલ આ હતી. ડૉ. લોએલને તેડું થયું હતું કારણ કે અહીંના ચેસ્ટ સર્જયન હતા, પણ એય કરે શું ? અવાક થઈ ગયા. છોકરાના શરીરના કોષો મરતા જતા હતા. એ ખરા અર્થમાં મરણાસન્ન હતો. સેકંડ કાંટાની ઝડપથી માત્ર પંદર થડકારે જ એ શબ થઈ જવાનો હતો. કારણમાં એક જ. સતત વહ્યે જતું લોહી. એને અટકાવી શકાય ? કઈ રીતે? ટાંકા લેવા પડે. ઘાવનો કેટલો સમય જોઈએ ? કમસે કમ તૈયારીમાં જ બે મિનિટ. અહીં તો કાલગણનામાં મિનિટો નહીં, સેકંડો હતી. ડૉ. લોએલના મનમાં વીજળીના ચમકારાની જેમ વિચાર તણખ્યો. એમણે પોતાનો ડાબો હાથ ઉપાડ્યો અને એક ક્ષણમાં પ્રાચીન-કદાચ પ્રાગૈતિહાસિક કાળના વનમાનવો કરતા હશે તેમ ઘા પર અંગુઠો દાબી દીધો. પછી જમણા હાથે બ્રેડ કાપવાનું ચપ્પુ પડ્યું હતું. તેનાથી પેરીકાર્ડિયામને પહોળું કર્યું ને પછી મદદનીશ સર્જનોને પર્સ-સૂચર્સ (પર્સમાં ટાંકા હોય છે તેવા ટાંકા) લઈ લેવા કહ્યું. ચાંપેલા અંગુઠે ઘા બંધ થઈ ગયો હતો. એટલે એટલો સમય મળી ગયો હતો. બીજા તબીબોએ ટાંકા લીધા.’
ક્યાં ?’
ઓપરેશન થિયેટરમાં નહીં – વોર્ડમાં, જે પછી દોરી ખેંચી પર્સ બંધ થાય તેમ ઘા સીવાઈ ગયો. આ પ્રત્યુત્પન્ન મતિની સર્જરી હતી – નિષ્ણાતની નહીં અને એ પછી ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, જેની છતમાંથી પછી એ ઈઝરાયેલી છોકરા બેન સિમ્હન માટે પુર્નજીવનની ઝરમર થઈ.
બેન સિમ્હને આપેલો મીઠાઈનો સ્વાદ મોંમાં હજુ હતો ત્યાં જ ફરી બેલ રણક્યો. ડોક્ટરે જાતે જ આ વખતે જઈને બારણું ખોલ્યું. એક જુવાનીયો હતો. દેખીતું હતું. પહેરવેશ પરથી તે આરબ હતો.
લબરમૂછિયો હતો. અને આવતાં આવતાં ડરતો હતો.પણ બારણું ખોલ્યું કે તરત જ પગે પડી ગયો. ડોક્ટરનું વિસ્મય શમે એ પહેલાં એ જ બોલ્યો : ‘મારા દાદા ભારત ગયા હતા. કહેતા હતા કે ત્યાં ભગવાનને પગે પડવાનો રિવાજ છે, એટલે તમારે પગે પડ્યો. આપને પગે કંઈ વાગ્યું તો નથી ને ?’
ડોક્ટરે નવાઈ પામીને પૂછ્યું : ‘કેમ ?’
‘ગુનેગાર છું’ એ બોલ્યો :‘એટલે સામાને કંઈ ઈજા થઈ કે નહીં તે બાબતમાં બહુ ચોક્કસ છું.’
ગાંડુ ગાંડુ બોલતો હતો. થોડો ઈસેન્ટ્રીક (ચસ્કેલ) લાગ્યો. પણ એનું કહેવું દીવા જેવું સ્પષ્ટ હતું. તે એ કે બેન સિમ્હન ઉપર હુમલો એણે જ કર્યો હતો.એક છોકરી બાબતમાં માથાકૂટ થઈ હતી ડિસ્કોથેકમાં, બીજું કંઈ નહીં.આરબ-ઈઝરાયેલીઓ વચ્ચેના વંશીય વેરઝેરને અને આ વાતને કોઈ જ સંબંધ નહોતો. ‘અરે, અમે બન્ને તો ગાઢ મિત્રો છીએ…’ એ બોલ્યો, ને ઉમેર્યું :‘બસ, જરા આવેશમાં આવી ગયો હતો.’
પછી લાંબા-પહોળા વસ્ત્રમાંથી છુપાયેલું એક પેકેટ કાઢ્યું. ‘આ અમારી અરેબિયન મીઠાઈ છે. સ્વીકારશો ?’
‘કેમ ?’ ડોક્ટરને નવાઈ લાગી : ‘તારા માટે મેં શું કર્યું ?’
‘તમે હત્યાના ગુનામાંથી મને બચાવ્યો. ખાસ કરીને મિત્રહત્યાના ગુનામાંથી.’ એ બોલ્યો ને પછી બારણા તરફ વળ્યો. સફેદ દાંત ચમકાવીને ફરી હસ્યો. ને કહ્યું : ‘તમે ગાંધીજીના મુલકના છો ને ?તમારે ત્યાં કોઈ આવેશમાં આવી જતું નથી?.’
‘હા’ ડોક્ટર લોએલ બોલ્યા અને મરક્યા. એ પછી ક્યારનુંય આ બધું સાંભળી રહેલી પત્નીને ખભે હાથ મૂકીને ડોક્ટર એને બારી પાસે લઈ ગયા. બોલ્યા : ‘તને આ બારી પાસે લઈ આવતાં પહેલાં જ આ દૃશ્ય મેં કલ્પી લીધું છે. જો તને બતાવું.’
એમણે આંગળી ચીંધી એ તરફ એમના પત્નીએ જોયું. બેન સિમ્હન અને પેલો આરબ છોકરો બન્ને એકબીજાના ખભે હાથ મૂકીને સામેની ઘાસિયા પગદંડી પર જઈ રહ્યા હતા.
સ્ટ્રીટ લાઈટના ઝાંખા પીળા પ્રકાશમાં એ વરતાતું નહોતું કે કોણ આરબ હતો અને કોણ ઈઝરાયેલી !
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
‘પ્રત્યૂત્પન્ન મતિની સર્જરી’! એકદમ હૃદયસ્પર્શી ઘટનાનું વર્ણન વાંચવાના આનંદ સાથે નવો આ પ્રયોગ જાણવાનો લાભ મળ્યો.
વાહ! બહુ સરસ ! ખબર નથી કે જગતમાંથી ક્યારે જશે આ જાત પાતની લડાઈ? કોણ આરબ ? કોણ યહૂદી ? કોણ હિંદુ કોણ મુસલમાન ? છતાં જાત પાતના આ ઝગડા ચાલ્યા જ કરે છે. આપણે બધા માનવ છીએ એટલું સમજી શકીએ તો ઘણી સમસ્યાઓ દૂર થઇ જાય! પણ ત્યાં સુધી કેટલા લોકોનું ખૂન વહી જશે તેતો અલ્લાહ,ખુદા, કે ગોડ જ જાણે !
Very nice heart touching story.I really liked it.Heartly congratulations to Rajnikumar Pandya Sir.
રજનીભાઈ, બહુ જ ઉમદા મેટર લઈ આવ્યા છો તમે. દુઃખ એ વાતનું છે કે આવા બનાવો પાશેરામાં પુણી જેટલા પણ નહિ હોય. ખૈર, આ હકીકત પીરસવા બદલ ખુબ ખુબ અભિનંદન.
સર, ખુબ જ સરસ વિચાર છે.
અને આવા ડોકટરો ની પણ જરૂરીયાત છે.
Very touching & true story, Relief to every reader heart who disturb by currently senerio.