મંજૂષા :૭: સંબંધોમાં આવી જતાં જાળાં

Facebooktwitterredditpinterestlinkedinmail

-વીનેશ અંતાણી

ઘણાં વર્ષો પહેલાં બનેલી એક સત્યઘટના અચાનક યાદ આવી ગઈ. બે પ્રેમીઓ સિત્તેર વર્ષ અલગ રહ્યાં પછી પરણ્યાં. ચાર્લ્સ જોન્સ અને હોલ્મા કોલવીન એમનાં નામ. ૧૯૨૦માં જ્યારે તેઓ કિશોરાવસ્થામાં હતાં ત્યારે એકબીજાને મળ્યાં હતાં. પ્રણયસંબંધની શરૂઆત થઈ પછી થોડા સમયે એક પાર્ટીમાં બંને વચ્ચે બોલાચાલી થઈ. બન્યું એવું હતું કે ચાર્લ્સે એક સાંજે એની પ્રેમિકા હોલ્માને બીજા છોકરા સાથે જોઈ હતી. ચાર્લ્સને લાગ્યું કે આ તો બેવફાઈ છે. એ કારણે બંને અલગ થઈ ગયાં. હોલ્માએ પોતે નિર્દોષ છે એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ચાર્લ્સે એની વાત સ્વીકારી નહોતી.

ત્યાર બાદ બંને પોતાપોતાની રીતે જીવ્યાં. એમના જીવનમાં બીજાં પાત્રો આવ્યાં. કિશોરવયના પ્રિયજન માટેની કડવાશની સ્મૃતિની સાથે ભીતર કોઈ જગ્યાએ છુપાઈ બેઠેલો પ્રેમ પણ ક્યારેક ક્યારેક સળવળી ઊઠ્યો હશે. એકબીજાને ભૂલી જવાના પ્રયત્નોમાં જ એકબીજાને યાદ પણ કરી લીધાં હશે.

ચાર્લ્સ જોન્સ ૮૪વર્ષનો થયો અને હોલ્મા ૮૫વર્ષની થઈ ત્યારે બંને અચાનક મળી ગયાં. તે વખતે બંને વૈધવ્ય જીવન જીવતાં હતાં. વર્ષો પહેલાં એમની વચ્ચે થયેલો ઝઘડો અર્થહીન થઈ ગયો હતો. ટીન-એજનાં પ્રણયનો એક છેડો વૃદ્ધાવસ્થામાં પણ લટકતો હતો. બંનેએ તે છેડો પકડી લેવાનું નક્કી કર્યું અને સિત્તેર વર્ષની જુદાઈ પછી, વર્ષો પહેલાં જે બની શક્યું નહીં તે કર્યું – એમણે લગ્ન કર્યાં.

કોઈએ એમના ભૂતકાળના ઝઘડા વિશે પૂછ્યું તો ચાર્લ્સે કહ્યું કે એ તો હજી પણ માને છે કે હોલ્મા તે વખતે બીજા કોઈ કિશોર સાથે સંબંધ ધરાવતી હતી. હોલ્માએ ઘસીને ના પાડી કે ના, એવું કશું જ નહોતું. એ સાંજે એ ફરવા જતી હતી ત્યારે એની શાળાનો એક દોસ્ત અકસ્માતે ભેગો થઈ ગયો હતો અને ચાર્લ્સે ગેરસમજ કરી હતી. જો કે હવે આ ઉંમરે એવી કોઈ વાતનું મહત્ત્વ રહ્યું નહોતું. લાંબી અને અલગ જિંદગી જીવ્યા પછી બંને પતિપત્ની તરીકે રહેવા લાગ્યાં હતાં. તેમ છતાં એમના સંબંધમાં ગેરસમજનું એક જાળું તો સતત લટકતું જ રહ્યું.

ઉપર જણાવેલું દ્રષ્ટાંત કિશોરવયે સંબંધોમાં ઊભી થયેલી ગેરસમજનું છે. પુખ્ત વયે પણ વ્યક્તિઓ વચ્ચે ગેરસમજની અને એને કારણે સંબંધોમાં જાળાં બંધાઈ જવાની પૂરી શક્યતા રહે છે. તંદુરસ્ત સંબંધ જાળવી રાખવા માટે ગેરસમજને દૂર કરવી અનિવાર્ય છે. એ માટે વ્યક્તિઓ વચ્ચે સંવાદ બહુ મોટી ભૂમિકા ભજવે છે. ઘણી વાર સાવ નાની બાબત વિશેની ગેરસમજ સંબંધમાં ઊંડી ખાઈ ઊભી કરે છે. વ્યક્તિનો અહમ્ પણ ગેરસમજમાં ભાગ ભજવે છે.

સંબંધમાં સાતત્ય જાળવવા માટે બે વ્યક્તિ વચ્ચે બિનજરૂરી ગેરસમજ ઊભી ન થાય તે જોવાની બંને પક્ષે તાતી જરૂર રહે છે. સંબંધના કોઈ પણ સ્વરૂપમાં નાની-મોટી ગેરસમજની શક્યતા ઊભી જ રહે છે. તે માટે અનેક કારણ હોઈ શકે. એવી ગેરસમજ પ્રેમીઓ, પતિ-પત્ની, વડીલો-સંતાનો, મિત્રો, સહકર્મચારીઓની વચ્ચે ઊભી થતી જ રહે છે. તેવા સંજોગોમાં જરૂરી છે કે બંને પક્ષે વાતચીત કરીને સંવાદ ઊભો કરવો અને સામેની વ્યક્તિની વાતને સાચી રીતે સમજવાની કોશિશ કરવી. તંદુરસ્ત સંવાદ વડે ગમે તેવા મતભેદ, ગેરસમજને ટાળી શકાય છે. ઘણી વાર લોકો એવું કરી શકતા નથી અને એમના સંબંધોમાં પડી જતી તિરાડ જિંદગીભર સાંધી શકાતી નથી.

એક ડિવોર્સી મહિલા એની દીકરી સાથે રહેતી હતી. એ મહિલા સાથે કામ કરતો એક પુરુષ મિત્ર તરીકે એની જિદગીમાં આવ્યો. મહિલાની પુત્રીએ એમના સંબંધો વિશે ગેરસમજ કરી. એ માતા સાથે અણછાજતું વર્તન કરવા લાગી. માતાએ દીકરીની ગેરસમજ દૂર કરવા બહુ પ્રયત્નો કર્યા, પણ દીકરી એની વાત સાંભળવા માટે તૈયાર જ ન થઈ અને બંને વચ્ચે જિંદગીભર તિરાડ રહી.

સાચા સંબંધમાં ઊભી થતી તિરાડ સંવેદનશીલ વ્યક્તિને જિંદગીભર પીડે છે. કોઈ સંબંધ જ્યારે કારણ વિના તૂટે છે ત્યારે કલ્પી શકાય નહીં તેવી પીડા અને શૂન્યાવકાશનો અનુભવ જિંદગીભર થતો રહે છે. તંદુરસ્ત સંબંધ બહુ મહત્ત્વની વાત છે. તેમાં પણ મિત્રતાનો સંબંધ. એક વિચારકે મિત્રની ભૂમિકા સમજાવતાં કહ્યું છે કે જ્યારે બીજા લોકો તમને છોડીને ચાલ્યા જાય છે અને જ્યારે તમને હૂંફાળા સંબંધની આવશ્યકતા હોય છે ત્યારે મિત્ર જ તે ખાલી જગ્યા પૂરી શકે છે. સંબંધ જાળવવા માટે વ્યક્તિઓ વચ્ચે સંપૂર્ણ નિખાલસ સમજ હોવી જોઈએ. સાચો સંબંધ ધરાવતી વ્યક્તિઓ એકબીજાની મર્યાદાઓ જાણતી હોવા છતાં પણ એકબીજાને પસંદ કરે છે.

સંબંધમાં દરેક વ્યક્તિનું સ્થાન ક્યાં હોવું જોઈએ તે વિશે એક લેખકે કહેલી વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એ કહે છે: “તું મારાથી આગળ ચાલજે નહીં, હું કદાચ તને બરાબર અનુસરું નહીં. તું મારાથી પાછળ પણ ચાલજે નહીં, હું કદાચ તને સાચે માર્ગે દોરી શકું નહીં. તું મારી સાથે, મારી પડખે, જ ચાલજે.”

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *