વૃક્ષ અને વેલી, ભાગ – ૩

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

ફરી પાછો પાર્કમાં. એના એ પાર્કમાં નિત નવા રસ્તા થોડા જ મળે? એના એ જ જૂના રસ્તેથી ચાલતો, એ જ વૃક્ષ પાસેથી પસાર થયો. આગળ જઈને એક બાંકડા પર શ્વાસ ખાવા બેઠો. પણ એકની એક વાત નવું શું અવલોકન આપે? માત્ર એટલો સંતોષ હતો કે, એ વૃક્ષ અને એ વેલીનો મારી ઉપર અનુગ્રહ કે, મને બે અવલોકનો લખવાની પ્રેરણા આપી.

ત્યાં એક ગોરા વૃધ્ધ આવીને મારી બાજુમાં બેઠા. એ પણ મારી જેમ ચાલીને થાકેલા હતા અને પોરો ખાવા આવ્યા હતા. સ્વાભાવિક રીતે આટલા નજીક બેઠેલા હોવાના કારણે અને નવરા ધૂપ ડોસલા હોવાના નાતે અમે વાતે વળગ્યા. મારા મનમાં તો એ વૃક્ષ અને વેલી તરોતાજાં છવાયેલાં જ હતાં; એટલે અકકર ચક્કરમાંથી મારી વાતમાં એ આવી ગયાં.

મેં મારાં અવલોકનોની વાત કરી. એમને પણ એ વાતમાં બહુ રસ પડ્યો, વિષવેલની મારી ઉપમા તો એમને બહુ જ ગમી ગઈ.

તેઓ બોલ્યા,” ચાલ, મને એ વૃક્ષ બતાવ.”

બાંકડાથી ઘણી નજીક જ એ ઝાડ હતું. મેં તેમને એ બતાવ્યું. એ તો ખડખડાટ હસી પડ્યા, અને બોલ્યા, “તારી કલ્પના બહુ જોરદાર છે; પણ આ વેલ પરોપજીવી વેલ નથી. એણે તો માત્ર ઉપર ચઢવા આ ઝાડ પર આધાર જ લીધો છે. જો એનાં પાંદડાં લીલાં કચ છે. એ પોતાનું ક્લોરોફિલ પોતે જ બનાવે છે. જો વેલ પરોપજીવી હોય તો તેની ડાળી અને પાંદડાં સાવ પીળાં હોય, એને બધો રસ કસ ઝાડમાંથી જ મળી રહે.”

એમણે તો આ બાબતનું એમનું વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન મને પીરસવા માંડ્યું. એ જ્ઞાન આત્મસાત કરવા જેટલી મારી ક્ષમતા કે વૃત્તિ નથી. પણ મારા અજ્ઞાનનું તો મને ઠીક ઠીક ભાન થઈ જ ગયું.

કોઈ પણ ઘટના બને એને આપણે આપણી રીતે જ મૂલવવા ટેવાયેલા હોઈએ છીએ. આપણી મનઃસ્થિતિ જે પ્રમાણે હોય, તે પ્રમાણે જ આપણે વિચારતા હોઈએ છીએ. એને અતિક્રમીને સત્ય શું છે, તે જાણવું હોય તો પહેલાં તો અભણ થવું પડે! બધા વિચારવાયુઓને વિસારી દેવા પડે. પછી કોઈ તત્વજ્ઞ કે સંદર્ભગ્રંથનો આશરો લઈ, અથવા ગૂગલ મહારાજને સહારે જઈ; નિરપેક્ષ અન્વેષણ કરવું પડે.

પણ આપણે તો? તરત આપણા સીમિત જ્ઞાનના આધારે ન્યાયાધીશ બની જવા ટેવાયેલા હોઈએ છીએ. આપણે જે માનીએ તે જ સાચું. બીજું બધું જ અસત્ય – નરદમ જુઠાણું. આ જ તો આપણા હોવાપણાની બાંધેલી, ન બદલાઈ શકે તેવી, પથ્થરની દીવાલ પર કોતરેલી રીત છે. ( Fixed way of being)

અભણ થવાનો ( Unlearning) એક અનુભવ આ રહ્યો….

ચાલો અભણ થવાનું શીખીએ

”Hello friends,

       You have come here, spending 2500/- Rs. of your precious money, just for listening to me for three days. You naturally have lots of expectations to get something from this discourse, and it is quite reasonable too.

     So, ladies and gentleman! It is my earnest and most sincere promise to you, and I will fulfill it with my best possible might – that.

‘ YOU WILL GET NOTHING FROM THIS SEMINAR.’

     Shocked? Disillusioned? You think that this seemingly decent looking man is a cheat?

     I request you all earnestly to listen to me carefully for one hour. After that, if you still feel the same way, my friends at the back will return your precious 25000/- Rs. BUT, you will lose nothing! 

       Because if you get NOTHING here, you will have access to EVERYTHING ……”

                                                                                                                                                                                         ‘Debu

ઉપરોક્ત શબ્દો ૧૯૯૬ની સાલમાં અમદાવાદમાં, હું જેમાં ભણવા ગયો હતો તેવા, એક સ્વ-સુધારણાના સેમિનારના શિક્ષકના હતા. પહેલા દિવસના અંતે રાત્રે દસ વાગે પહેલું સત્ર સમાપ્ત થયું ત્યારે ‘ડેબુ’એ અમને એક ઘરકામ આપ્યું!

‘સેમિનારના સ્થળ પરથી નીકળી બીજા દિવસે સવારે નવ વાગે પાછા આવો, તે દરમ્યાન જે કાંઇ બને તેની વાત બધાંને કરવાની. એ પતે પછી બીજા દિવસનું શિક્ષણ શરુ થશે.’

હવે રાતના અગિયાર અને બીજા દિવસના નવ વાગ્યાની વચ્ચેના સમયની આ વાત મને તો સાવ ઊટપટાંગ લાગી. ખેર! આપણે તો બાપુ! ઘેર જઈને થાકના કારણે ઊંઘી ગયા!

બીજા દિવસે સવારે ‘ડેબુ’ એ એક અઢારેક વર્ષના છોકરાને ઊભો કર્યો અને તેનો અનુભવ બધાને કહેવાનું કહ્યું. આપણે તેને ‘અ’ કહીશું.

બોલ્યો

હું ઘેર ગયો. ૧૧-૩૦ વાગ્યા હતા. ઘંટડી વગાડી. મારાં વૃધ્ધ દાદીમાએ દરવાજો ખોલ્યો. હું જોડા કાઢીને સૂવાના ઓરડામાં જતો હતો, ત્યાં દાદી બોલ્યા – ” ‘અ’ બેટા,   દૂધ પીશ? ”

મને આ ઘરડી દાદી બહુ વળગતી આવે તે સહેજ પણ ન ગમે. હું સાંભળ્યા વિના મારી રોજની ટેવ પ્રમાણે, મારા ઓરડા ભણી જતો હતો. આખો દિવસ જાતજાતની વાતો સાંભળી હતી; તેના પરથી મને અચાનક વિચાર આવ્યો – ‘ભલે ને, દૂધ પી લઉં. ‘

દાદી દુધ ગરમ કરીને લાવ્યાં. ટેબલ પાસે બેસી મેં દૂધ પીધું. દાદી પણ સામે બેઠાં.

ડેબુએ ‘અ’ ને અટકાવ્યો અને કહ્યું –

” દાદીએ તને શું આપ્યું? ”

‘અ’ – ” દૂધ જ તો વળી.”

ડેબુ – “અને તેં દાદીને શું આપ્યું?”

‘અ’ – ‘લો વળી, કાઇ જ નહીં.”

ડેબુ – ” દાદીના મોં પર કેવા ભાવ હતા?”

‘અ’ – તે ખુશ થયેલાં દેખાતાં હતાં. ”

ડેબુએ અમને બધાને પૂછ્યું – ” બોલો ‘અ’ એ દાદીને શું આપ્યું? ”

કોઇ જવાબ શી રીતે આપે?

ડેબુ – “મિત્રો ! ‘અ’ એ તો એક મહાન ભેટ દાદીને આપી. જે દીકરો દાદીની દુનિયામાંથી ખોવાઇ ગયો હતો; તે તેણે દાદીને પાછો આપ્યો. તેનો આનંદ દાદીને હતો. ”

પછી ઊમેર્યું – ” આપણે આપણી દુનિયામાં જ રહેતાં હોઇએ છીએ. જ્યારે બીજાની દુનિયામાં આપણે પ્રવેશ કરીએ, ત્યારે જ આપણને આ ભાવ સમજાય. જેમ જેમ આપણે આ સમજતા થઇએ તેમ તેમ આપણી દુનિયા ખૂલતી જશે, ખૂલતી જ જશે. આવી નાની નાની ઘટનાઓને જોવાની આપણી નજરમાં આમૂલ પરિવર્તન આવતું જશે.”

અઠવાડિયા પછી બધાનું એક મિલન રાખ્યું હતું. ઘણા બધાને મંચ પર બોલાવી, તેમના જીવનમાં શું ફેરફારો થયા તે બધાને જણાવવા ઈજન અપાયું હતું .

‘અ’ નો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું – ” તમે જે દાદી અને દૂધવાળા પ્રસંગની વાત સમજાવી હતી, તે મારા મગજમાં એવી તો ઊતરી ગઇ કે, હવે હું સાવ અતડો હતો તે મિલનસાર બની ગયો છું. આ સાત દિવસમાં મને અગિયાર નવા મિત્રો મળ્યા છે. ”

આ છે અભણ થવાના ફાયદા…  જૂનાં ચશ્મા ઊતારી નવા પહેરવાના ફાયદા.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *