





નયના પટેલ
આવા કોઈ અણધારેલા સવાલ વિષે વિચારવાની કોઈની તૈયારી નહોતી એટલે રૂમમાં છવાયેલી ઉદાસી આ પડકારથી ધ્રૂજી ઊઠી. સરલાબહેન એમની લાડકી દીકરીના આ પ્રશ્નથી અવાક્ થઈ ગયા. સારું થયું ધનુબા ક્યારના સુવા માટે જતાં રહ્યાં હતાં, નહી તો નંદાનો આ સવાલ સાંભળીને બેભાન થઈ ગયા હોત ! અરે મનુભાઈના મગજમાં તો હજુ સવાલ પૂરો ઊતર્યો જ નહોતો. અને પરિમલભાઈ આ સવાલથી ખુશ થવું કે નહી એ નક્કી કરી શક્યા નહીં.
રૂમના અવાચકતાના પડને હડસેલી સ્નેહા પણ નંદાની પાછળ રસોડામાં ગઈ. સાચે જ જાણે સૌના દિલમાં અણુબૉમ્બ પડ્યો હોય તેવી દશા થઈ હતી.
ચુપચાપ ચા બનાવવામાં મદદ કરતી સ્નેહાની ચિબુક ઊંચી કરી નંદાએ પૂછ્યું, ‘ આર યુ ઓ.કે ?’
સ્નેહાએ માત્ર માથું હલાવી ‘ હા’ કહી!
કિશન અને નમન અંતરના ઊંડાણમાં ડૂબી ગયા. નંદા અને સ્નેહા ચા લઈને પાછા આવ્યાં. કેટલાય દિવસથી અનુભવાતી કિશનની સંવેદનાને નંદાના પ્રશ્ને ઢંઢોળી હતી.
ચાની હૂંફે સૌનામાં થોડો સંચાર વર્તાયો.
બીજું કોઈ કાંઈ બોલે તે પહેલા જ, સૌની ધારણા બહારનો, ધરતીકંપની ક્ષમતા ધરાવતો કિશનનો જવાબ સૌએ સાંભળ્યો, ‘ સીસ, આન્સર ટુ યોર ક્વેશ્ચન ઈઝ ‘બિ…….ગ યસ, હું સ્નેહા સાથે લગ્ન કરવા તૈયાર છું.’
નંદાના પ્રશ્ને જેટલો શૉક આપ્યો એનાથી કાંઈ કેટલોય ગણો શૉક કિશનના જવાબે સૌને આપ્યો ! કોઈએ આ જવાબની આશા રાખી જ નહોતી. અરે, કિશનને પણ પોતાની અસ્પષ્ટ લાગણી આમ અચાનક ખુલ્લી થઈ જશે તેનો ક્યાં ખ્યાલ હતો ?
પરંતુ નંદાએ હસતાં હસતાં કહ્યું, ‘ માય ડાર્લિંગ બ્રધર, મેં એમ નહોતું પૂછ્યું કે ‘સ્નેહા સાથે લગ્ન કરો કે નહીં- મેં એમ પૂછ્યું હતું કે ‘ કહી સ્નેહા અને કિશન તરફ મરમાળું સ્મિત આપતાં દરેક શબ્દ ઉપર ભાર આપતાં બોલી, ‘ મેં એમ પૂછ્યું હતું કે – આ રીતે ડીવોર્સ થયાં હોય તેવી ‘ કોઈ છોકરી સાથે ‘ લગ્ન કરો ?’
નંદાની ચોખવટે, ધાબળાને મોઢે સુધ્ધાં ઓઢીને સૂતેલી કોઈ વ્યક્તિ અચાનક ગૂંગળાઈ ઊઠી ધાબળાને ઉલાળી નાંખે તેમ ઉદાસીને રૂમમાંથી ઉલાળી નાંખી. સૌ (કિશન અને સ્નેહા સિવાય) ખડખડાટ હસી પડ્યા.
સરલાબહેન તેમનો નિર્ભેળ આનંદ વ્યક્ત કરતાં બોલ્યાં, ‘ હવે મને ખાતરી છે કે મારી દીકરીની વકિલાતને પ્રેક્ટિસ ફસ્ટક્લાસ ચાલશે.’
નંદાને અચાનક યાદ આવ્યું, ‘ ડેડ, મારી પેલી ફ્રેંડ બીના છે ને, તેની મોટી બહેનને પણ ડોમેસ્ટિક વાયોલન્સને લીધે ડીવોર્સ લેવા પડ્યાં છે, તેમને એક ફિમેલ સોલિસિટર મળી છે. બીના કહેતી હતી કે તે ખૂબ હોંશીયાર સોલિસિટરોમાંની એક ગણાય છે.’
આખરે કાલે કેથીને વાત કરી બીના પાસેથી પેલી સોલિસિટરની સંપર્ક વિગતો લેવાનું નક્કી થયું.
સૌ ઉઠે તે પહેલા સ્નેહાએ અચકાતાં અચકાતાં કહ્યું કે એને ઈંગ્લીશ બોલવામાં અને સમજવામાં તકલીફ પડે છે એ સંજોગોમાં એ કઈ રીતે પોતાનો અવાજ ઉઠાવી શકશે ?
નંદા પાસે સ્નેહાની બધી મુશ્કેલીઓનો રસ્તો હતો, ‘ ડોન્ટ વરી સ્નેહા, એ માટે અહીંની સરકાર ‘ઈસોલ’ નામનો અંગ્રેજી શીખવા માટે વર્ગ ચલાવે છે. અને ત્યાં રોજબરોજ વપરાતું ઈંગ્લીશ શીખવાડે છે.’
‘ આમ તો મેં કોલેજમાં અંગ્રેજી વિષય સાથે જ ડીગ્રી કરી છે એટલે બીજી કોઈ તકલીફ નથી પડતી, માત્ર પ્રોનાઉન્શીયેશન્સ સમજાતા નથી.’
હવે મનુભાઈને ઊંઘ આવતી હતી એટલે સ્નેહાને કાલે ‘ ઈસોલ ‘ ક્લાસની તપાસ કરવાનું કહી સૌને ગુડનાઈટ કહી સૂવા ગયા.
સ્નેહાની મુશ્કેલી હવે ઘરના સૌની બની ગયેલી જોઈને સરલાબહેનનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો, ‘ જોને, હું ક્યાં અંગ્રેજી ભણવા ગઈ હતી ? પણ જેમ જેમ બોલવાની પ્રેક્ટિસ વધુ કરીએ ને તેમ તેમ આવડી જાય એ તો.
નમને એક વાસ્તવિક સૂચન કર્યું, ‘ અમે તમારી સાથે હવેથી ઈંગ્લીશમાં જ વાત કરીશું એટલે તમને પ્રેક્ટિસ પણ રહેશે અને અમને વાતો કરવાનું પણ સરળ રહેશે. ‘ પછી સરલાબહેન તરફ ફરી પૂછ્યું, ‘ મમ, થૉડો વખત માટે ‘ ઘરમાં ગુજરાતી જ બોલવાના’ નિયમને શેલ્ફ પર મૂકી દઈએને?’
‘ હા, અભરાઈ ઉપર ભલે મૂકે , ડસ્ટબિનમાં નથી ફેંકવાનો, સમજ્યો ?’ કહી વહાલથી માથે ટપલી મારી સૂવા માટે ઊઠ્યા.
ચૂપચાપ વાતો સાંભળતા કિશનને લાગ્યું કે તેણે નંદાના ‘ ડિવોર્સી છોકરી સાથેના લગ્ન’ નો જવાબ આપવામાં ઉતાવળ કરી નાંખી, હવે તેને સૌ સામે જોવામાંય સંકોચ થતો હતો. નમન અને કિશનમાંથી કોણ નીચે સૂશે તેની ચર્ચા કરવાની રહી જ નહીં. પરિમલભાઈ સાથે એક જ રૂમમાં સૂવાથી મૂંઝવણમાં વધારો જ થશે એ વિચારે કિશન જ એના રૂમમાંથી ઓશિકું અને ક્વિલ્ટ લઈને નીચે આવી ગયો.
એ જ્યારે નીચે આવતો હતો ત્યારે જ દાદર ઉપર તેને સ્નેહા સામે મળી. કિશન એક તરફ ઊભો રહ્યો જેથી તે ઉપર જઈ શકે. બાજુમાંથી પસાર થતી સ્નેહાને એણે ખૂબ ઝડપથી ‘ સૉરી ‘ કહી દીધું. એક પગથિયું ઉપર જઈને સ્નેહા તેની સામે પણ જોયા વગર ‘ ઈટ્સ ઓ.કે.’ કહી ઝડપથી ઉપર જતી રહી. શાને માટે ‘ સૉરી ‘ હતું તે અને શાને માટે ‘ ઈટ્સ ઓ.કે ‘ હતું તે બન્નેએ સમજી લીધું .
બીજે દિવસે સવારે સરલાબહેને ઊઠીને ચૂપચાપ તેમનું કામ આટોપવા માંડ્યું. સ્નેહાની ઊંઘ ઊડી એટલે નંદા જાગી ન જાય તેની તકેદારી રાખી, બ્રશ કર્યા વગર જ ગાઉન પહેરી નીચે આવી. સરલાબહેન ચા પીતાં પીતાં પોસ્ટ જોતાં હતાં. પૂજા-પાઠથી પરવારી ધનુબા પણ નીચે આવી બાકી રહેલી માળા કરતાં હતાં.
સ્નેહાએ સરલાબહેન અને ધનુબાને ‘ જેશ્રીકૃષ્ન’ કહ્યાં. સરલાબહેન તેની ચા બનાવવા ઊઠતાં હતાં તેમને અટકાવતાં કહ્યું, ‘ફોઈ, હજુ મેં બ્રશ નથી કર્યું અને હવે જો તમે મને ઘરની વ્યક્તિ જ ગણતા હોવ….’
‘બેટા, ત્યાં હોસ્ટેલમાં તો તારે જાતે જ બનાવવી પડે છે ને, અને પાછી ઈંગ્લીશ ટી જ હશે ને?’
‘ ફોઈ, આ પાંચ-છ મહિનાની નર્કની યાતના ભોગવ્યા પછી મને હૉસ્ટેલની સ્વતંત્રતાની કિંમત સમજાઈ છે. અને તેને લીધે જીવન તરફ જોવાની દ્રષ્ટિ પણ સ્પષ્ટ થતી જાય છે તેમાં હવે ચા કેવી હોવી જોઈએ એ વાત ખૂબ જ ગૌણ લાગે છે. એની વે, હું મારી ચા જાતે જ બનાવી લઈશ, તમે તમારું કામ ચાલુ રાખો. સરલાબહેનનો હાથ પ્રેમથી થપથપાવી ,’થેન્ક્સ, ફોઈ ‘ કહી રસોડામાં ગઈ.
ધનુબાની માળા પૂરી થઈ ગઈ હતી એટલે ચાનું નામ સાંભળી તેમને ફરી ચા પીવાનું મન થયું, ‘ ચાલ, મારી માળાય પૂરી થઈ ગઈ, સ્નેહા, મારા માટેય એક કપ ચા મુકજેને, ચાખું તો ખરી તારા હાથની ચા !’
સ્નેહા ચા બનાવવા રસોડામાં ગઈ. અવાજ સાંભળીને સીટિંગરૂમમાં સૂતેલો કિશન પણ જાગી ગયો. ઓશિકું અને ક્વિલ્ટ લઈને સરલાબહેન અને મનુભાઈના રૂમમાં શાંતિથી સૂવા માટે જતો રહ્યો.
સ્નેહાને ચા ઉકાળતા ઉકાળતા ફરી ગઈકાલે નંદાના પ્રશ્નના ઉત્તરમાં સૌની આગળ કહેલી વાત યાદ આવતાં જ ગ્લાનિથી મન ભરાઈ આવ્યું. એકવાર તો થયું એ કિશનની આગળ સ્પષ્ટતા કરી લે, પણ ખાસ પરિચય નહી અને આ ઘરના ઉપકાર વિષે વિચારી, નક્કી કર્યું કે તે નંદાને જ તેના મનની વાત કરશે જેથી આ ગેરસમજ આગળ જ ન વધે.
પરિમલભાઈ નાસ્તો કરીને પરવારીને ન્યુઝપેપર ઉથલાવતા હતા. સવારનાં સૌ પોતપોતાના કામમાં હોય ત્યારે પેલી તેમની દેશની જમીન વિષેની વાત કાઢવાનું યોગ્ય ન લાગ્યું, પરંતુ બીજી તરફ ‘ગુજરાત મિત્ર’માં ‘નાથ હરિ’નાં પ્રમુખ કાર્યકર્તા આ આ સપ્તાહને અંતે અમેરિકા જાય છે, વાંચી મૂંઝાયા. વાત કાઢવી કે નહી તેની અવઢવમાં જ હતાં ત્યાં સરલાબહેન રૂમમાં આવ્યા અને કો-ઈન્સિડેન્ટલી એ જ વાત કાઢી.
‘ વાહ સુરુ, તારી ટેલીપથી કહેવી પડે હં !’
‘ સાચ્ચે, તમે એ જ વાત વિચરતા હતાં ?’
‘હા’ કહી, શા માટે તેઓ એ વાત વિચારતા હતાં તેનું કારણ આપતાં કહ્યું, ‘ એ સંપ્રદાયના લીડર છે તેઓ ઈન્ડિયા કરતાં કદાચ અહીં સહેલાઈથી મળી શકે. અને હમણા જ મેં પેપરમાં વાચ્યું કે તેઓ આ વિકની આખરે અમેરિકા જાય છે. એટલે વિચારતો હતો કે તેમનો સંપર્ક તે પહેલા કઈ રીતે કરીશ ?’
‘ તમે તેની ચિંતા જરાય ન કરો, લ્યો, હમણા જ હું મારા નણંદને ફોન કરીને કંઈ ગોઠવું.‘ કહી લતાબહેનને ફોન જોડ્યો.
‘ હલો લતાબેન, કેમ છો? જેશ્રીકૃષ્ણ’….
‘ હા, આતો થોડું કામ પડ્યું એટલે સવાર સવારમાં હેરાન કરું છું…’
સરલાબહેને તેમને પરિમલભાઈની વાત ટૂંકમાં જણાવી, પૂછ્યું કે નીલેશજીજાજી તેમના લીડર સાથે મિટિંગ ગોઠવી આપી શકે કે નહી ?
સામે છેડે લતાબહેને નીલેશભાઈને ફોન આપ્યો.
સરલાબહેને ફરી તેમને પણ ટૂંકમાં બધી વાત કરી મદદ માંગી.
પહેલા તો એમણે આવી વાતમાં પડવાની ચોખ્ખી ના જ પાડી દીધી. થોડી સમજાવટ અને આનાકાની પછી – ‘ લીડરને કાને વાત નાંખી જોશે’- ની તૈયારી બતાવી.
પરિમલભાઈને થયું કે નસીબમાં આજનો દિવસ ‘ રાહ જોવાનો’ જ હશે- પહેલા સ્નેહાના સોશ્યલ વર્કરની, સોલિસિટરની અને
હવે આ જમીનને મામલે પણ !
હજુ કાલે જ તેમની પત્ની વીણાબહેનનો ફોન હતો ‘ કે જલ્દી નહીં આવશો તો…
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com