ઘીનો ડબ્બો

મરિયમ ધુપલી

હું એક ઘી નો ડબ્બો. કરિયાણાની આ દુકાનમાં આવવાને મને એક મહિનો થયો હશે. આમ તો મારો જન્મ આ શહેરથી દૂરના કોઈ વિસ્તારમાં આવેલ ફેક્ટરીમાં થયો હતો. ત્યાં મારા જન્મની સાથે જ મને એક ખૂબ જ મોટા ડબ્બામાં ભરી દેવામાં આવ્યો હતો. ત્યાં હાજર અન્ય નાના નાના ડબ્બાઓ મારું કદ જોઈ ડઘાઈ જ ગયા હતા. મારા જેવા બધા જ મોટા ડબ્બાઓ એક તરફ ને નાના ડબ્બાઓનું જૂથ બીજી તરફ. છતાં કદી અમે એ નાના ડબ્બાઓને નીચી નજરે ન જોતા. જન્મથી એ પણ તો ધી જ ને! જુદા જુદા ડબ્બામાં સમાવાનું એ તો ભાગ્યની વાત. એમાં કોઈ લગુતાગ્રંથિ કે અભિમાનનાં પાસાંઓ ક્યાંથી યોગ્ય અંકાય? પણ ઘી થઈ અમે જે સહજતાથી સમજી લીધું એ આ માનવીઓ માટે સમજવું એટલું કપરું કેમ? તેથી જ તો ફેક્ટરીના ઊંચા પદ ઉપર કાર્ય કરનારાઓ જયારે પણ ફેક્ટરીની મુલાકાત લેતા, ત્યારે ત્યાં કામ કરનારી મજૂર સ્ત્રીઓ સાથે કેવા ક્રોધ સાથે ને તુમાખી સાથે વર્તતા. જાણે એ સ્ત્રીઓએ નીચા પદ પર કામ કરીને કોઈ પાપ ન આચર્યું હોય!

આમ તો તે ફેક્ટરીમાં ઘણી સ્ત્રીઓ કામ કરતી. દરેક સ્ત્રી એકબીજાથી જુદી. ના, હું ફક્ત દેખાવની કે ચહેરાની વાત નથી કરતો. એમનાં વસ્ત્રો, વાત કરવાની શૈલી ને ભાષા, એમનું વર્તન ને વ્યવહાર એકબીજાથી કેટલાં ભિન્ન હતાં. શરૂઆતમાં આ ભિન્નતાનું કારણ હું કળી શક્યો નહીં, પણ પછી જેમ જેમ એમની વચ્ચે વધુ સમય વિતાવવા મળ્યો તેમ તેમ ધીરે ધીરે એ ભિન્નતાનું કારણ સમજાતું ગયું.

એમની વાતો ધ્યાનથી સાંભળતાં હું એ તારણ પર પહોંચ્યો કે માનવીઓ અમારી જેમ ફેક્ટરીમાં ન જન્મે. એમનો જન્મ તો જુદાં જુદાં ઘરોમાં થાય. જે માનવીનો જન્મ જે ઘરમાં થાય, ત્યાંના લોકો એક નિયમબદ્ધ જીવન જીવતા હોય. આ જીવનના કેટલાક નિયમો, માન્યતાઓ અને શ્રદ્ધા હોય. આ નિયમોના સમૂહને ‘ધર્મ’ કહેવાય. માનવી જે ઘરમાં જન્મે એ ઘરમાં પહેલાંથી જે ધર્મ અનુસરાતો હોય, તે જ ધર્મ અનુસરવાનો હોય. તેને અનુરૂપ વસ્ત્રો પહેરવાનાં હોય, જમવાની વાનગીઓ પસંદ કરવાની હોય, એ જ ધર્મના ધર્મસ્થળને માન આપવાનું હોય, એજ ધર્મના ઇતિહાસ ને માન્યતાઓનો અભ્યાસ કરવાનો હોય, એમાં આવનારી વાર્તાઓને અનુરૂપ તહેવારો મનાવવાના હોય. એ જ ધર્મના લોકો સાથે લગ્ન મનાવવાનાં હોય, ને એટલું જ નહીં, મૃત્યુ પછી પણ એમનાં શરીરોને જે તે ધર્મની પદ્ધતિઓ અનુસરવાથી જ મોક્ષ મળતાં હોય!

ફેક્ટરીમાં કામ કરતી કેટલીક સ્ત્રીઓ ગળામાં ચોકડી જેવું કંઈક પહેરતી ને એમનાં ફરાક એકદમ લાંબાં હોય. વાતે વાતે હાથ વડે પોતાના શરીર પર પણ ચોકડી બનાવતી. જાણવા મળ્યું કે એ ખ્રિસ્તી ધર્મના માનવીઓમાં ગણાતી. કેટલીક સ્ત્રીઓ કપાળ ઉપર ગોળ ગોળ ટીકડીઓ મૂકતી ને સાડી નામનું વસ્ત્ર શરીર પર ગોળ ગોળ વીંટાળી ને આવતી. પોતાના ધર્મનું નામ હિંદુ કહેતી. તો વળી કેટલીક સ્ત્રીઓ કાળા રંગનું કંઈક ઝભ્ભા જેવું પહેરતી જેને બુરખો કહેતી. તે સ્ત્રીઓ કપાળે ગોળ ગોળ ટીકડીઓ ન મૂકતી. એમના ધર્મને ઈસ્લામ કહેવાય ને એમને મુસ્લિમ. ફેક્ટરીમાં આ ત્રણ ધર્મની સ્ત્રીઓ આવતી, પણ એમની વાતો પરથી લાગતું કે એ ફેક્ટરીની બહાર હજી તો એવા ઘણા ધર્મ અસ્તિત્વ ધરાવતા હતા!

ફેક્ટરીમાંથી મને અને મારા કેટલાક મિત્રોને એક મોટા વાહનમાં ગોઠવીને શહેરમાં લાવવામાં આવ્યા. શહેરની જુદી જુદી દુકાનોમાં અમારી વહેંચણી કરી દેવામાં આવી. ત્યારથી હું આ કરિયાણાની દુકાનના અંદરના ભાગમાં સ્થિત એક અંધારા ઓરડામાં રખાયો છું. દુકાનમાં મોટા ભાગે પુરુષો કામ કરે છે. તેઓ આ ઓરડાને ‘ સ્ટોરરૂમ ‘ કહે છે. ક્યારેક ક્યારેક બારણું ઉઘાડવામાં આવે છે ને અહીંથી કેટલાક ડબ્બાઓને લઈ જવામાં આવે છે. અહીં કામ કરતા પુરુષો પણ આમ તો એક જેવા જ. વાતોના વિષય પણ એકસમાન …. પત્ની, બાળકો, કુટુંબ, આવક, ખર્ચાઓ, પ્રેમ, કાળજી, સુરક્ષા, ફરજ, કર્તવ્ય, દાન, સેવા, માંદગી, ઈલાજ, દવાઓ, બજાર, ભાવ, સંબંધો……બધું જ તો એમની વચ્ચે સમાન છે……છતાં ભિન્ન પહેરવેશ, ભાષા, નિયમો, રિવાજો; ને કારણ વળી પેલું જ ‘ ધર્મ ‘વાળું!

મને હવે ખૂબ જ મુંઝવણ અનુભવાઈ રહી છે. માનવીની જેમ હું પણ ઈશ્વરનું જ તો સર્જન! મારો પણ જન્મ ને મારી પણ સમાપ્તિ! મારું જીવન કર્તવ્ય એટલે અન્યની ખુશી માટે મારા જીવનનું સમર્પણ; પણ આ સમર્પણ કયા ધર્મને અનુસરીને કરવું? મારો ધર્મ કયો? જો મારો કોઈ ધર્મ જ ન હોય તો મને મુક્તિ, મોક્ષ માનવીઓની જેમ ન મળે? નહીં, નહીં, એ તો અન્યાય ….. મારો પણ કોઈ ધર્મ નિર્ધારિત હશે ને? પણ મને કઈ રીતે જાણ થશે કે મારે કયા ધર્મનું અનુસરણ કરવું? આ તો સર્જકનો કેવો અન્યાય? માનવીના સર્જનને ધર્મ ઓળખવામાં કેવી સરળતા!! એમને ભેટમાં કેટલા ભિન્ન ધર્મો ને અમારે માટે કોઈ નિશ્ચિંતતા જ નહીં? એટલે જે અમને આવીને ખરીદી જાય ને પોતાના ઘરમાં લઈ જાય, જે ધર્મના તહેવાર માટે વાનગીઓમાં અમારા જીવનનું સમર્પણ થાય તે જ અમારો ધર્મ? આ તે કેવી અનિશ્ચિતતા?

આજે ફરી સ્ટોરરૂમનું બારણું ઊઘડ્યું. કેટલાક પુરુષો ડબ્બાઓ આગળ તરફ લઈ જઈ રહ્યા છે. લાગે છે આ માનવીઓનો ફરી કોઈ તહેવાર આવી રહ્યો છે. તહેવારોમાં અમારી માંગ વધી જાય, ત્યારે ખૂબ ગર્વ અનુભવાય. અરે આ શું? એમણે તો આજે મને પણ ઊંચકી લીધો. હું પણ બહાર જઈ રહ્યો છું. લાગે છે મને ખરીદી લેવામાં આવ્યો છે. કિંમત પણ અપાઈ ગઈ છે એટલે જ તો હું એક મોટી થેલીમાં સજ્જ કરી દેવાયો છું. પણ મને ખરીદનાર માનવી કોણ? કયા ધર્મનો? હું કોના ઘરે જઈ રહ્યો છું? મારા ભાગ્યમાં કયો ધર્મ આવ્યો? એક રીક્ષાની અંદર ગોઠવેલી ઘણી બધી થેલીઓ સાથે મારી થેલી પણ ગોઠવાય છે. રીક્ષા ઝડપથી આગળ વધી રહી છે. મારી થેલીના સાંકડા મોઢામાંથી બે સ્ત્રીઓના ચહેરા દેખાઈ રહ્યા છે. અરે આ શું? એમના પહેરવેશ તો વળી ફરી ભિન્ન. એક સ્ત્રીએ સાડી વીંટાળી કપાળે ટીકડી મૂકી છે ને બીજી સ્ત્રી એ ‘બુરખા’ નામવાળો કાળો ઝભ્ભો ચઢાવ્યો છે. બન્ને ભાવ ને કિંમતોની ચર્ચા વિચારણા કરી રહી છે. બંને એકબીજાની મિત્ર લાગે છે. પણ આ આટલી બધી થેલીઓમાંથી કઈ થેલી કોની? હું કોના ભાગ્યમાં આવ્યો છું? હું સાડી વીંટાળેલી સ્ત્રીના ‘હિંદુ’ ઘરમાં જઈ રહ્યો છું કે બુરખો ચઢાવેલી સ્ત્રીના મુસ્લિમ ઘરમાં? હવે વિહ્વળતા અસહ્ય બની રહી છે. કયો ધર્મ મને મુક્તિ અપાવશે? મારું મોક્ષ કયા ધર્મથી થશે?

રીક્ષા થંભી ગઈ છે. બન્ને સ્ત્રીઓ પોતપોતાની થેલીઓ વર્ગીકૃત કરી રહી છે. બુરખાવાળી સ્ત્રીએ મને પોતાની આંગળીઓમાં પરોવી લીધો છે. હવે એકબીજીના ખભા અડકાડી એકબીજીથી છૂટી પડીને બંને પોતપોતાનાં ઘરે જઈ રહી છે. બુરખાવાળી સ્ત્રી બારણે ઘંટડી વગાડી રહી છે. એક નાનકડી છોકરી બારણું ખોલી ઉભી છે :

“અમ્મી, મારા માટે શું લાવી?”

મારી પડખેની થેલીમાંથી કંઈક બહાર કાઢી સ્ત્રી બાળકીને આપી રહી છે.

“ચોકલેટ ….ચોકલેટ……..”

ટેબલની એક પડખે ગોઠવાઈ એ બાળકી પોતાને મળેલ ભેટ સાથે વ્યસ્ત છે. એક મુસ્લિમ ઘરના ટેબલ પર ગોઠવાઈ આખરે મને મારો ધર્મ મળી ગયો ખરો. પણ પેલી સ્ત્રી કશે દેખાતી નથી. મને આમ ટેબલની વચ્ચોવચ્ચ પડતો મૂકીને એ ક્યાં જતી રહી? અરે, આ લો આવી ગઈ. આ હાથમાં શું લઈ આવી? આવડો મોટો ડબ્બો ને એ પણ ખાલી જ! અરે મારો ડબ્બો હમણાંજ ખોલાઇ રહ્યો છે, શું કરવા આવી ઉતાવળ? અરે, મને આ ડબ્બામાંથી કાઢી બીજા ડબ્બામાં શું કરવા ભરી રહી છે?

“અમ્મી, તું શું કરી રહી છે?” નાની છોકરીને પણ મારી જેમ જ વિસ્મય થઈ રહ્યું છે!

“બેટા, હું આ ઘીને બે સરખા ભાગમાં વહેંચી રહી છું. એક ડબ્બો મારો ને એક જયશ્રી આંટીનો!”

“તમે બંનેએ એક એક જુદો ડબ્બો કેમ ન ખરીદ્યો?”

“આ ડબ્બા પર મોટું ડીસકાઉન્ટ હતું. પણ આટલા બધા ઘીનું શું કરવું? એટલે મેં અને જયશ્રી આંટીએ મળીને ખરીદી લીધું. થોડા દિવસોમાં ઈદ છે. સેવૈયાં ને હલવો કરવા ઘી તો જોઈશે જ …ને થોડા મહિના પછી જ જયશ્રી આંટીને દિવાળીની મીઠાઈઓ કરવા ઘીની જરૂર પડશે…..”

“અરે વાહ, એક જ ડબ્બા થી બબ્બે તહેવાર…!”

“ચાલ, જરા જયશ્રી આંટીના ભાગનું ઘી એમને આપી ને આવીએ …..”

મારા અસ્તિત્વનો અર્ધો હિસ્સો એક મુસ્લિમ ઘરના ટેબલ પર ઈદના તહેવારની રાહ જોઈ રહ્યો છે ને બીજો હિસ્સો એક હિંદુના ઘર ભણી જઈ રહ્યો છે, દિવાળીની મીઠાઈઓમાં ભળવા માટે! તો મારો ધર્મ કયો? બન્ને તહેવારોની મીઠાઈઓમાં ભળી જનાર મારા શરીરને કયા ધર્મમાં સ્થાન મળશે? ને મારા અન્ય મિત્રો જે મીઠાઈઓની દુકાનો પર પહોંચી ગયા હશે એ કયા ધર્મના, કયા તહેવારની, કઈ વાનગીઓમાં ભળશે ને અંતે કયાં ઘરો સુધી પહોંચી રહેશે? કોણ કહી શકે? પણ હા, અમારી ફરજ તો એટલી જ કે તહેવારોની વાનગીમાં ભળી જઈ માનવીઓનાં મનને ખુશીઓથી છલકાવી દેવાં. પછી એ મન કોઈ પણ ધર્મનાનું કેમ ન હોય! અમારાં શરીર પિગાળી માનવીઓના ખુશીના અવસરોને સ્વાદનો મીઠો સ્પર્શ આપી દિપાવવા. પછી એ અવસરો ગમે તે ધર્મના માનવીના જીવન સાથે સંકળાયેલા હોય! રંગ, નાત, જાત, જ્ઞાતિ, ધર્મના મર્યાદિત કુંડાળાંઓમાં ખુશીની અભિવ્યક્તિ ને આનંદની વહેંચણીને મર્યાદિત ન રાખતાં દરેક માનવીને એક સમાન સ્તરે પોતાનું અસ્તિત્વ અર્પણ કરી દેવાના આ ધર્મનું કોઈ નામ ખરું? સંકુચિતતાઓથી ખૂબ ઉપર ઉઠેલો આ ધર્મ કેવો? કોઈ કુંડાળાંઓની મર્યાદિત સરહદોમાં ન સમાતો, પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સરહદોના સ્પર્શથી વંચિત, દરેક માનવજીવનને સહજતાથી માન, સન્માન, પ્રેમ ને આદરથી સાંકળતા આ ધર્મનું નામ તો ‘ માનવધર્મ ‘ જ હોઈ શકે!

માનવતા ધરાવતા માનવીઓ ધર્મોના કોયડાઓ ઉકેલતાં જેનાથી વંચિત રહી ગયા એ ‘ માનવધર્મ ‘ એક મારા જેવા ઘીના ડબ્બાને અર્પીને ઈશ્વરે તો મારા અસ્તિત્વને ધન્ય કરી નાખ્યું.

હે ઈશ્વર, આ માનવધર્મ ની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી મળનારા મોક્ષ ને સમજવાની ક્ષમતા આ માનવીઓમાં ક્યાંથી? હું તારો હૃદયથી આભાર માનું છું; મને એક માનવ નહીં, ઘીના સ્વરૂપે જન્મ આપવા માટે …..!

 

* * *

સંપર્ક સૂત્રો :-

ઈ મેઈલ : Mariyam Dhupli <mariyamdhupli@gmail.com

મોબાઈલ : +91 98796 88867

* * *

(મોહતરમા મરિયમ હાસમ ધુપલીનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. તેમણે એમ. ટી. બી. આર્ટ્સ કોલેજ, સુરત ખાતેથી બી.એ. બી.એડ.ની ઉપાધિ મેળવી છે. હાલમાં તેઓ પોર્ટલૂઇસ, મોરેશિયસ મુકામે વસવાટ કરે છે. તેમને સાહિત્યમાં વિશેષે કરીને વાર્તાસર્જનમાં વધુ રસ છે. તેમણે અત્યાર સુધીમાં ૧૫૦ જેટલી વાર્તાઓ લખી છે, જે વિવિધ માધ્યમે પ્રકાશિત થઈ છે. ‘વેબગુર્જરી’ ઉપર તેમની આ માનવેતરપાત્રીય પ્રયોગશીલ દૃષ્ટાંત-વાર્તાને પ્રસિદ્ધ કરવા માટે તેમણે આપેલી ઉદાર સંમતિ બદલ ‘વેગુ’ પરિવાર તેમને ધન્યવાદ પાઠવે છે. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “ઘીનો ડબ્બો

  1. December 25, 2017 at 8:54 pm

    ‘સર્વધર્મ સમભાવ’ના સંદેશને ઉજાગર કરતી આત્મકથાનક રૂપે લખાયેલી Fable (મનુષ્યેતર કે જડ પદાર્થના પાત્રાભિધાને લખાતી બોધકથા) પ્રકારની મનનીય વાર્તા.

Leave a Reply

You have to agree to the comment policy.