ફિલ્મીગીતોમાં ‘વરસાદ’

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

હાલમાં ઓખી વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ મુંબઈ અને ગુજરાતમાં અનુભવાયો ત્યારે યાદ આવ્યા વરસાદને અનુલક્ષીને ફિલ્મીગીતો. ક્યાંક કુદરતી, ક્યાંક ફુવારા થકી વરસાદના માહોલમાં કેટલાય ગીતો રચાયા છે પણ અહીં ચુનંદા ગીતોનો ઉલ્લેખ કરૂં છું.

છેક ૮૦ વર્ષ પહેલાની ૧૯૩૭ની ફિલ્મ ‘અધિકાર’માં આપણને વરસાદને લગતું ગીત જોવા મળે છે.

बरखा की रात आई मनवा
कर ले मन की बात

વરસાદને કારણે મનનાં વિષાદને વાચા આપતાં આ ગીતના ગાયક છે પંકજ માલિક અને સંગીતકાર તિમિર બરન. કલાકાર પંકજદા. ફિલ્મમાં ત્રણ ગીતકારના નામ અપાયા છે પણ આ ગીત કયા ગીતકારનું છે તે નામ ઉપલબ્ધ નથી.

પણ વરસાદ આવતાં જ જે ગીત તરત યાદ આવે અને ઝૂમી ઉઠાય તે છે ૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’નું.

बरसात में हम से मिले तुम सजन
तुम से मिले हम

પ્રેમનાથ અને રાજકપૂરની સામે એક સમૂહ નૃત્યમાં નિમ્મી આ ગીત ગાય છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે પણ અડધેથી બંને ચાલી જતાં જે દુ:ખની લાગણી અનુભવાય છે તે ગીતના મધ્યમાં દર્શાવાઈ છે.

ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિસન અને ગાનાર લતાજી.

વરસાદને લાગતું એક અત્યંત રમૂજી ગીત છે ૧૯૫૪ની ફિલ્મ ‘બૂટપોલીશ’નું જે ન કેવળ બાળકો પણ મોટાઓ પણ માણતાં આવ્યા છે.

लपक जपक तू आ रे बदरवा
सर की खेती सुख रही है

ડેવિડ કે જેને માથે ટાલ છે તેને અનુલક્ષીને આ ગીત ફિલ્મના બાળકો માટે ગવાયું છે. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત શંકર જયકિસનનું. સ્વર છે મન્નાડેનો.

૧૯૫૭ની એક પ્રયોગાત્મક ફિલ્મ હતી ‘દો આંખે બારહ હાથ’ જેમાં વરસાદના આગમનને વધાવતું ગીત છે

हो उमड़ घुमड़ कर आई रे घटा
कारे कारे बदरा की छाई रे घटा

છ કેદીઓને લઈને કરતા પ્રયોગમાં આ ગીત છવાયેલા વાદળો અને ત્યારબાદ થતી વર્ષાને અનુલક્ષીને છે જે વી. શાંતારામ અને સંધ્યા પર ફિલ્માવાયું છે. ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર વસંત દેસાઈ.

रिम झिम के तराने लेके आयी बरसात
याद आये किसीसे वो पहेली मुलाकात

૧૯૬૦ની ‘કાલા બાજાર’ ફિલ્મનાં એસ ડી બર્મને સંગીતબધ્ધ કરેલાં શૈલેન્દ્રના આ વરસાદ ગીતમાં નાયિકાને તેની પહેલી મુલાકાત યાદ આવે છે.

‘બરસાત કી રાત’ નામ હોય એટલે વરસાદ ઉપર ગીત તો હોવાનું. ૧૯૬૦ની આ ફિલ્મનું ગીત છે:

गरजत बरसत सावन आयो रे
सखी का करूं हाय

શાસ્ત્રીય રાગ પર આધારિત આ ગીત ફિલ્મના શીર્ષક સાથે પાર્શ્વભૂમિમાં મુકાયું છે. જો કે ગીતને અંતે મુખ્ય નાયિકાઓ નહીં પણ અન્ય કલાકારો દેખાય છે.

ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીનાં અને સુમધુર સંગીત છે રોશનનું. ગાનાર બે કલાકાર – કમલ બારોટ અને સુમન કલ્યાણપુર. શાસ્ત્રીય ગીતોના રસિકો આ જરૂર માણશે.

આવું જ સુમધુર ગીત છે ૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘પરખ’નું.

ओ सजना, बरखा बहार आई
रस के फुहार लाइ, अखियो में प्यार लाइ

વરસતા વરસાદમાં બદલાયેલ વાતાવરણને જોઇને સાધના મનની વાત આ ગીત દ્વારા કરે છે. આ ગીત લતાજીના અત્યંત મધુર સ્વરમાં છે જેનું સંગીત સલીલ ચૌધરીનું છે. ગીતકાર શૈલેન્દ્ર.

વરસાદને યાદ કરીને મનના ભાવો દર્શાવતું ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘મિલન’નું. ગીતની શરૂઆતમાં નૂતન સાવન શબ્દનો યોગ્ય ઉચ્ચાર નથી કરતી એટલે તે માટે સુનીલ દત્ત ફરી ફરીને તે બોલીને નૂતન પાસે યોગ્ય રીતે બોલાવે છે તે આ ગીતની મજા છે.

सावन का महीना पवन करे शोर
जियरा रे झूमे ऐसा जैसे बनमां नाचे मोर

ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે મુકેશ અને લતાજીનો.

વરસાદની ઋતુ એવી છે કે પ્રિયજનની ગેરહાજરી સાલે અને તેને યાદ કરતાં કોઈ ગીત ગવાઈ જાય. આવું છે ૧૯૬૯ની ફિલ્મ ‘ચિરાગ’નું આ ગીત:

छायी बरखा बहार पड़े अंगना फुहार
सैयां आ के गले लग जा

ગામની સ્ત્રીઓ સમૂહનૃત્યમાં આશા પારેખને ખેંચીને લઇ જાય છે અને આ ગીત પ્રસ્તુત થાય છે.

ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર મદન મોહન. કંઠ છે લતાજીનો.

આનાથી વિરુદ્ધ પોતાની પ્રિયતમા જઈ ન શકે એ માટે વરસાદને વિનવણી થાય છે કે જરા જોરથી વરસો.

बरखा रानी ज़रा जमके बरसों
मेरा दीलबर जा न पाये

૧૯૭૩ની ફિલ્મ ‘સબક’નું આ ગીત ગાયું છે મુકેશે જેનાં શબ્દો છે સાવનકુમારના અને સંગીત ઉષા ખન્નાનું. ગીત પૂનમ ધિલ્લોને અનુલક્ષીને ગવાયું છે જે શત્રુઘ્ન સિન્હા ગાય છે.

આ જ ફિલ્મમાં આ ગીત વિપરીત ભાવ સાથે સુમન કલ્યાણપુરે ગાયું છે જેમાં તે વરસાદને પોતાનો વેરી કહે છે અને કહે છે કે તું અત્યારે બંધ થા અને જ્યારે મારો પીયુ આવે ત્યારે જોરથી વરસજે.

વરસાદ પડવાથી ઠંડક થવાને બદલે મનમાં આગ સળગી ઊઠે એવા ભાવનું ગીત છે ૧૯૭૯ની ફિલ્મ ‘મંઝિલ’નું. મિત્રની પાર્ટીમાં અમિતાભ બચ્ચન પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે:

रिम जिम गिरे सावन सुलग सुलग जाए मन
भीगे आज इस मौसम में लगी कैसी ये लगन

ગીતકાર યોગેશ અને સંગીતકાર આર. ડી. બર્મન. ગાનાર કલાકાર કિશોરકુમાર.

https://youtu.be/Sv7KJK_mGYA

આ જ ગીત વરસતા વરસાદના માહોલમાં પાર્શ્વગીત તરીકે અમિતાભ બચ્ચન અને મૌસમી ચેટરજી પર ફિલ્માવાયું છે જેનાં મુખડાના શબ્દો એ જ છે પણ ત્યાર બાદનાં શબ્દો જુદા છે. આ પાર્શ્વગીતને કંઠ મળ્યો છે લતાજીનો.

૧૯૮૧મા આવેલી ફિલ્મ ‘પ્યાસા સાવન’નું આ ગીત વરસાદને ન જવાનું કહે છે

मेघा रे मेघा रे, मत परदेश जा रे
आज तूं प्रेम का सन्देश बरसा रे

જીતેન્દ્ર અને મૌસમી ચેટરજી પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સંતોષ આનંદના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને સુરેશ વાડકરનાં.

તો વરસાદમાં નાયક અને નાયિકા ભીંજાઈને જે આનંદ મેળવે છે તેને લાગતું ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘નમકહલાલ’નું

आज रपट जाए तो हमें न उठइयो
आज फिसल जाए तो हमें न उठइयो

અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ આ ગીતના કલાકાર છે જેના શબ્દો અનજાનના છે અને સંગીત બપ્પી લાહિરીનું. ગાનાર કલાકાર આશા ભોસલે અને કિશોરકુમાર.

જગજીત સિંગ અને ચિત્રા સિંગના સ્વરમાં ગવાયેલ ये दौलत लेलो ये शोहरत भी ले लो…..वो कागज़की कश्ती वो बारिशका पानीને યાદ કર્યા સિવાય વરસાદ પરનાં ગીતોની યાદી અધૂરી રહેતી જણાય.

બચપનની યાદોને મૂર્ત કરતા એ વરસાદના દિવસો માટે કવિ બધું કુરબાન કરવા તૈયાર છે.

વરસાદના માહોલમાં આવા અન્ય ગીતો પણ રચાયા હશે પણ તે બધાનો અહીં સમાવેશ અપ્રસ્તુત છે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *