સુક્ષ્મ જીવોની સૃષ્ટિ : (૯): રસીઓનો ઇતિહાસ વિજ્ઞાન

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

આપણે ગયા હપ્તામાં જાણ્યું કે નોંધાયેલા ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એડ્વર્ડ જેનર નામના ચિકિત્સકે રોગ થાય તે પહેલાં જ એની સામે શરીરને રક્ષિત બનાવી દેવા માટેનો કિમિયો સને ૧૭૯૬માં શોધ્યો હતો. શીતળાનો રોગ એ જમાનામાં દુનીયાભરમાં સમયસમયે વ્યાપક પ્રમાણમાં ફેલાતો રહેતો અને પરિણામે માનવજાત મોટા પ્રમાણમાં જાનહાનિ તેમ જ અન્ય પ્રકારની પાયમાલી વહોરતી રહેતી હતી. આવા ઘાતક રોગનો ચેપ લાગ્યા અગાઉ જ શરીરમાં એની સામે પ્રતિકારકશક્તિ કેળવાઈ જાય એ માટે વાપરવામાં આવેલા ચોક્કસ દ્રવ્યને જેનરે વેક્સીન નામ આપ્યું. આગળની ચર્ચામાં આપણે એનો ઉલ્લેખ રસી તરીકે કરીશું.

શીતળાની રસીનો સફળતાપૂર્વક ઉપયોગ થવા લાગ્યા પછી પણ અન્ય કોઈ રોગો સામે લડવા માટે રસીઓ ત્વરીત ધોરણે ઉપલબ્ધ બની નહીં. આખરે પ્રસિધ્ધ ફ્રેંચ વૈજ્ઞાનિક લુઈ પાશ્ચરે

image

એમીલ રૂક્સ નામના સાથીદારના

image

સહયોગથી હડકવા સામેની રસીનો ૬ જુલાઈ ૧૮૮૫ના રોજ સફળ પ્રયોગ કર્યો. તે સમય સુધી જેને પણ હડકવા લાગુ પડે એનું અત્યંત કરુણ રિબામણી પછી મૃત્યુ નિશ્ચીત બની રહેતું. પણ, જોસેફ મીસ્ટર નામના નવ વર્ષના બાળકને હડકાયું કૂતરું કરડી ગયા પછી એ રોગ જોર પકડી લે એ પહેલાં જ એના શરીરમાં પાશ્ચરે બનાવેલી રસી દાખલ કરી દેવામાં આવી. સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે એ છોકરા ને હડકવાનું કોઈ જ લક્ષણ જણાયું નહીં અને એની સ્વસ્થતા જળવાઈ રહી. આ બાબતે આપણે વિગતવાર વાત કરીએ.

હડકવાનો રોગ ‘રેબીઝ’ પ્રકારનાં વાઈરસ વડે થાય છે. આવાં વાઈરસ કૂતરાં ઉપરાંત વરૂ, શિયાળ અને અન્ય કેટલાંક પ્રાણીઓના કરડવાથી માનવશરીરમાં દાખલ થાય છે અને પછી જીવલેણ નીવડે છે. સ્વાભાવિક રીતે જ, માનવ શરીર આવા ચેપ સામે લડવા માટે એન્ટીબોડી અથવા તો પ્રતિદ્રવ્ય નામે ઓળખાતા વિશિષ્ટ પ્રોટીનના અણુઓ બનાવે છે. પણ, આ દ્રવ્ય તે સમયે પર્યાપ્ત માત્રામાં નથી બનતું એથી હૂમલાખોર વાઈરસ જંગ જીતી જાય છે. હવે આ રસીનો પ્રથમ પ્રયોગ કરતી વખતે પાશ્ચરને તો હડકવાના રોગ માટે કઈ હસ્તી જવાબદાર છે એની જરાય ખબર નહતી. હકીકતે કોઈ પણ પ્રકારના વાઈરસના અસ્તિત્વની જાણ હજી બે દાયકા પછી થવાની હતી. પણ પાશ્ચર અને રૂક્સ શીતળા સામેની રસીના ઉપયોગની કાર્યપધ્ધતિ જાણી ચુક્યા હતા. એ સિધ્ધાંતની અજમાયીશ માટે એમણે પ્રયોગશાળાના સસલાને હડકવાનો ચેપ લગાડ્યો અને એ સસલાનું મૃત્યુ થતાં એના શરીરમાંથી ચોક્કસ પ્રવાહી દ્રવ્ય મેળવી, એની સુકવણી કરી. આવું દ્રવ્ય એની વિષાક્તતા ગુમાવી બેઠું હોય એમ માની લઈ, આ વૈજ્ઞાનિકોએ એને કૂતરાના કરડનો ભોગ બનેલા પેલા જોસેફ મીસ્ટર નામના બાળકના શરીરમાં દાખલ કર્યું. આ પ્રયોગને અપેક્ષિત સફળતા મળી અને એ બાળક હડકવાના હૂમલાથી બચી રહ્યો.

હવે પછીની સમજૂતી વૈજ્ઞાનિક હોવા ઉપરાંત ખુબ જ રસપ્રદ છે. ગઈ કડીમાં જણાવ્યા મુજબ માનવ શરીરમાં દાખલ થતા રોગના કારકના બંધારણમાં રહેલા બે પ્રકારના અણુસમુહો તેની રોગકારકતા ઉપર મહત્વનો ભાગ ભજવે છે. એક તો એ રોગકારકની વિષાક્તતા નક્કી કરનારા રાસાયણિક પદાર્થો અને બીજા એ કારકની બાહ્ય સપાટી ઉપર રહેલા વિશિષ્ટ આણ્વિક ઘટકો, જે એન્ટીજન તરીકે ઓળખાય છે. ચોક્કસ પ્રકારના એન્ટીજન ધરાવતો રોગકારક જ્યારે શરીરમાં દાખલ થાય, ત્યારે આપણા શરીરની સંરક્ષણ પ્રણાલી એ એન્ટીજનના બંધારણને બિલકુલ અનુરૂપ એવાં એન્ટીબોડી બનાવે છે. આવાં એન્ટીબોડીની ખાસીયત એ છે કે તેના અણુઓ એન્ટીજનનો પ્રતિકાર કરવા ચેપની જગ્યાએ ધસી જઈ, એના કારકના બંધારણની સપાટી ઉપર રહેલા એન્ટીજન સાથે ખાસ પ્રકારનું જોડાણ કરી, એ રોગકારકને નિષ્ક્રીય બનાવવાની કોશીષ કરે છે. હકીકતમાં આ એક ખુલ્લો જંગ છે. જો પર્યાપ્ત પ્રમાણમાં એન્ટીબોડીના અણુઓ ઉપલબ્ધ બને, તો જે તે એન્ટીજન ધરાવતા રોગકારકની ક્ષમતાનો નાશ થવાથી તેની વિષાક્તતા આપણને નૂકસાન પહોંચાડી શકતી નથી. પણ મોટા ભાગે બને છે એવું કે શરીર પર્યાપ્ત માત્રામાં એન્ટીબોડીનો જથ્થો બનાવે એના પહેલાં રોગકારકની વિષાક્તતા તેની અસર શરીર ઉપર જમાવી દે છે. પરિણામે રોગ થાય છે. એક અતિશય મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે માનવશરીર એની ઉપર એક વાર હૂમલો કરી ચુકેલા રોગકારકના એન્ટીજન બંધારણને જીવનભર યાદ રાખે છે. આમ હોવાથી એકનો એક રોગકારક જો શરીરમાં ફરીવાર દાખલ થાય તો આપણું શરીર તેની સામે લડવા માટેનાં એન્ટીબોડી ખુબ જ ત્વરાથી અને મોટા જથ્થામાં બનાવી અને તેનો અસરકારક રીતે સામનો કરે છે. આથી એક અને એક પ્રકારનું એન્ટીજનીક બંધારણ ધરાવતા રોગકારકનો ફરીથી ચેપ લાગે ત્યારે શરીર એનો ખુબ જ અસરકારક રીતે સામનો કરે છે.

આપણે શીતળા અને હડકવાની રસીનાં ઉદાહરણો જાણ્યાં, એ બન્ને કિસ્સામાં આ જ સિધ્ધાંત અમલી બન્યો. ગઈ કડીમાં ઉલ્લેખ થયો તે મુજબ ગાય દ્વારા ફેલાતા અને મનુષ્ય દ્વારા ફેલાતા શીતળાનાં રોગકારક વાઈરસની વિષાક્તતામાં પારાવાર તફાવત હોવા છતાં એ બન્નેના એન્ટીજનીક બંધારણમાં સામ્ય હોવાથી જે લોકોને અગાઉ ગાય દ્વારા ફેલાતો શીતળા લાગુ પડ્યો હોય, એમને જો ક્યારેય મનુષ્ય દ્વારા ફેલાતા શીતળાનો ચેપ લાગે તો એમનું શરીર એ ચેપના કારકોને ઓળખી જઈ, તાત્કાલિક ધોરણે એમની સામે પ્રતિકાર કેળવી લેતું હતું. લગભગ એક શતક પછી પાશ્ચર અને રૂક્સે હડકવાની રસી વિકસાવવા માટે જે પ્રયોગ કર્યો એમાં એમણે પણ આ સિધ્ધાંતનો વૈજ્ઞાનિક પાયો જાણ્યા વિના જ એનો વ્યવહારૂ ઉપયોગ કર્યો હતો. પહેલાં એમણે પ્રયોગશાળાના સસલાને આ ચેપ લગાડ્યો અને એનો ભોગ બની મૃત્યુ પામેલા સસલાના શરીરમાંથી વિશિષ્ટ પ્રવાહી દ્રવ્ય મેળવ્યું. એની સુકવણી કરવાથી એમાં રહેલા રોગના કારકોની વિષાક્તતા નષ્ટ થઈ જાય એ બાબતે આ વૈજ્ઞાનિકો વિશ્વસ્ત હતા. પણ, ઉપર ચર્ચા કરી એ વૈજ્ઞાનિક સમજણ એ સમયે હજી ઉગી ન હતી. આમ, એમાં રહેલા જોખમની પૂરેપૂરી સમજણ સહીત એ બન્નેએ આ સાહસ ખેડવા માટે જોસેફ મીસ્ટરનાં કુટુંબીજનોને તૈયાર કર્યાં હશે. એ સમયની સામાજિક પરિસ્થિતીનો વિચાર કરીએ તો બન્ને વૈજ્ઞાનિકો, મીસ્ટરનાં કુટુંબીજનો અને ખાસ તો એ નાનકડા બાળકને આપીએ એટલી દાદ ઓછી પડે!

આવા સફળ પ્રયોગો વડે પ્રોત્સાહિત થયેલા સંશોધકોએ આ દિશામાં સંશોધનપ્રવૃત્તિ ચાલુ રાખી. અને ધીમી પણ મક્કમ ગતિથી પ્રગતિ થતી રહી. ‘રોગનો અટકાવ એ એના થયા પછી એને મટાડવાની સારવાર કરતાં બહેતર છે’/’Prevention is better than cure’ એ સનાતન સત્ય હવે સુપેરે સમજાઈ ગયું હતું.

image

હવે પછીની કડીમાં આપણે આ દિશામાં થયેલી પ્રગતી વિશે ચર્ચા કરીશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com


નોંધ અહીં મૂકેલ તસ્વીરો અને વ્યંગ્ય ચિત્ર નૅટ પરથી સાભાર લીધેલ છે.

1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ : (૯): રસીઓનો ઇતિહાસ વિજ્ઞાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *