સાયન્સ ફેર :: પૃથ્વીના પટ પર વસતા જીવો પૈકી સૌથી હોશિયાર કોણ?!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

જીવસૃષ્ટિમાં ઘણા બધા પ્રાણીઓ એવા છે જે વિવિધ ક્રિયાઓ કરવા માટે માનવીની જેમ જ પોતાનું મગજ વાપરે છે. જેમ કે રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓને પહોંચી વળવા માટે નવા રસ્તાઓ શોધવા, આસપાસની પરિસ્થિતિ વિષે જાગરુક રહેવું, બીજા સજીવો પ્રત્યે સંવેદના દર્શાવવી અને જરૂર પડ્યે ઓજારોનો ઉપયોગ કરવો વગેરે. (દા.ત. પક્ષીઓ દ્વારા તણખલા અને બીજા કેટલાક પદાર્થો વડે માળો બનાવવાની ક્રિયા) જો આ બધી બાબતને ગણતરીમાં લઈએ, તો ઘણા બધા પ્રાણીઓ એવા મળી આવે, જેઓ પોતાના મગજનો ઉપયોગ કરવામાં, મનુષ્યની સમકક્ષ હોય! ઉલટાનું અમુક બાબતોમાં તો મનુષ્યેતર પ્રાણીઓ મગજ પાસે ખાસ્સું અટપટું કહી શકાય એવું કામેય કરાવતા હોય છે, જે મનુષ્યો નથી કરાવી શકતા! જેમકે, કેટલાક યાયાવર પક્ષીઓ કોઈ પણ બહારી ‘ગાઇડન્સ’ વિના, સમગ્ર વર્ષ દરમિયાન હજારો માઈલોનો પ્રવાસ ખેડી નાખે છે! આ માટે પક્ષીઓના મગજનો ‘હિપોકેમ્પસ’ તરીકે ઓળખાતો હિસ્સો જવાબદાર છે, જે મનુષ્ય મગજ કરતાં અનેક ગણો વધુ કાર્યક્ષમ છે. વિવિધ પશુ-પક્ષીઓમાં બીજી એવી ઘણી શક્તિઓ છે, જે માણસમાં નથી, અથવા અલ્પ માત્રામાં છે. કહેવાય છે ક હાથીની યાદશક્તિ અફલાતૂન હોય છે. શ્વાનની ઘ્રાણેન્દ્રિય આપણા કરતા ક્યાંય વધુ સાબૂત છે. એ જ પ્રમાણે સુગરી જે માળો ગુંથે છે, એ ભલભલા આર્કિટેક્ટ્સને ભૂ પીવડાવી દે એવો હોય છે.

જો કે આ બધી માહિતી સાચી હોવા છતાં આ પ્રાણીઓ માનવ કરતાં આમુક જ બાબતોમાં ચડિયાતા છે. બીજી તરફ, તમામ જીવો પૈકી એકમાત્ર મનુષ્ય જ એવું પ્રાણી છે, જેણે કુદરતી સ્રોતોનો ઉપયોગ કરીને તેમજ બીજી અનેક યુક્તિ-પ્રયુક્તિઓ વડે આદિમાનવથી આધુનિક માનવ બનવા સુધીની સફર ખેડી છે. આથી વૈજ્ઞાનિકો નિર્વિવાદપણે માને છે કે મનુષ્ય એ પૃથ્વી પરનો સૌથી સ્માર્ટ, ચતુર જીવ છે. જો કે મનુષ્યની સ્માર્ટનેસ કયા પરિબળને આભારી છે એ વિષે અનેક થિયરીઓ પ્રચલિત છે. એમાં સૌથી પ્રચલિત થિયરી મસ્તિષ્કના કદ વિષે છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે મનુષ્યનું મગજ બીજા બધા પ્રાણીઓ કરતા મોટું છે, આથી આપણે બીજા પ્રાણીઓ કરતા વધુ હોશિયાર છીએ! આપણે માનવો આમ પણ વ્યવહારિક જીવનમાં “bigger is better”માં માનનારી પ્રજાતિ છીએ, પરંતુ મગજની બાબતમાં આ વાત સદંતર ખોટી સાબિત થઇ છે.

પુખ્ત વયના સામાન્ય મનુષ્યના મગજનું સરેરાશ વજન હોય છે ૧,૩૬૧ ગ્રામ! મનુષ્યેતર સજીવોમાં જેનો આઈક્યુ ઘણો ઉંચો ગણાય છે એ ડોલ્ફિનના મગજના વજનની સરેરાશ પણ મનુષ્ય જેટલી જ, એટલેકે ૧,૩૬૧ ગ્રામ (૩ પાઉન્ડ) છે. એની સામે સ્પર્મ વ્હેલ નામની માછલીનું મગજ સરેરાશ ૭,૮૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે! આ હિસાબે પ્રચલિત થિયરી મુજબ સ્પર્મ વ્હેલ મનુષ્ય કે ડોલ્ફીનની સરખામણીએ લગભગ ૫.૭૩ ગણી વધુ હોશિયાર હોવી જોઈએ, પણ એવું છે નહિ! સિક્કાની બીજી બાજુ જોઈએ, તો હાઉન્ડ જાતિની ‘બીગલ’ પ્રજાતિના કૂતરાના મગજનું સરેરાશ વજન હોય છે માત્ર ૭૩ ગ્રામ (૨.૫ઔંસ), અને હોંશિયાર ગણાતી ઉરાંગઉટાંગ જાતિના વાંદરાનું મગજ સરેરાશ ૩૭૦ ગ્રામ (૧૩ ઔંસ) જેટલું જ હોય છે! પરંતુ બીગલ અને ઉરાંગઉટાંગ બંને પ્રાણીઓ, અવ્વલ દરજ્જાની સ્માર્ટનેસ ધરાવે છે, મગજનું ક્દ નાનું હોવા છતાં!

image

આ બધી બાબતો આમ તો બહુ જટિલ હોય છે, પણ કુદરતે દરેક પ્રાણીને મગજ આપતી વખતે ‘કીડીને કણ અને હાથીને મણ’ વાળી ઉક્તિ પાળી બતાવી છે, એટલે કે દરેક પ્રાણીને શરીરના કદ, શારીરિક વિશિષ્ટતાઓ અને પ્રાણીગત જરૂરીયાતોને અનુલક્ષીને મગજ આપ્યું છે. જેમકે ડોલ્ફીનનું સરેરાશ વજન મનુષ્ય કરતા ઘણું વધારે, લગભગ ૧૫૮.૮ કિલોગ્રામ જેટલું હોય છે, પણ મનુષ્ય અને ડોલ્ફિનના મગજનું વજન સરખું છે. સ્પર્મ વ્હેલનું મગજ ભલે ૭,૮૦૦ ગ્રામનું હોય, પણ એનું શરીર અધધધ ૧૩ ટન જેટલું વજનદાર હોય છે! જ્યારે બીગલને ભલે માત્ર ૭૩ ગ્રામનું મગજ હોય, પણ એનું કુલ વજન પણ ઘણું ઓછું, માત્ર ૧૧.૩ કિલોગ્રામ જેટલું જ હોય છે.

આમ, માનવીમાં શરીર અને મગજના વજનનો અનુપાત ૧:૫૦ ગણી શકાય. (એટલે કે મગજ કરતા શરીરનું વજન ૫૦ ગણું વધારે) બીજા સસ્તન પ્રાણીઓમાં આ અનુપાત ૧:૧૮૦ જેટલો છે અને પક્ષીઓમાં તે ૧:૨૨૦ જેટલો છે! આથી જો મગજના કદ અને વજનની દ્રષ્ટિએ મનુષ્યની હોશિયારીની તુલના કરવી હોય તો કહી શકાય કે મનુષ્યનું મગજ, શરીરના કદના અનુપાતની દ્રષ્ટિએ, બીજા બધા પ્રાણીઓ કરતા મોટું છે, આથી આપણે બીજા પ્રાણીઓ કરતા વધુ હોશિયાર છીએ! (ભારેખમ વજન ધરાવનાર નર-નારીઓએ આ માહિતી વાંચીને માઠુ લગાડવું નહિ!)

મસ્તિષ્કના વિવિધ ભાગોની સંરચના પણ તમારી બુદ્ધિપ્રતિભા નક્કી કરતી હોય છે. પક્ષીઓ, જળચરો કે સરિસૃપોની સરખામણીમાં સસ્તન પ્રાણીઓનું મસ્તિષ્ક વિશાળ સેરીબ્રલ કોર્ટેક્સ ધરાવે છે, જે મેમરી, કમ્યુનિકેશન અને વૈચારિક પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. સસ્તન પ્રાણીઓમાં પણ, મગજના કદના અનુપાતની દ્રષ્ટિએ, મનુષ્યનું મસ્તિષ્ક સૌથી વધુ સેરીબ્રલ કોર્ટેક્સ ધરાવે છે, જે આપણને સૌથી ‘હોશિયાર’ જીવ તરીકે સ્થાપિત કરે છે!શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


નોંધઃ અહીં મૂકેલ ઇમેજ નેટ પરથી લેખના સંદર્ભને વધારે સારી રીતે સમજવા પૂરતી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *