-બીરેન કોઠારી
કોઈ પણ વિસ્તારનો વિકાસ થાય એ આવશ્યક બાબત છે, પણ વિકાસ કોને ગણવો? આ મુદ્દો હંમેશાં ચર્ચાતો રહેવાનો. છેલ્લા થોડા મહિનાઓમાં ગોવામાં ચાલી રહેલી કેટલીક ગતિવિધિઓ જાણવા જેવી છે. ગોવા રાજ્યનાં 183 ગામોમાંથી 54 ગામોની ગ્રામ પંચાયતોએ એક ઠરાવ પસાર કર્યો છે. પોતાના વિસ્તારોમાં થઈ રહેલી કોલસાની હેરાફેરી સામે તેમણે સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો છે.
હકીકત એવી છે કે ગોવામાં આવેલા માર્માગોઆ બંદરથી ઉત્તર કર્ણાટકમાં આવેલાં લોખંડનાં કારખાનાં વચ્ચે માર્ગ-રેલ-જળ વ્યવહાર સ્થાપવાનું સરકારનું આયોજન છે. એટલે કે આ રુટને કોલસાના પરિવહન માટેના ‘કોલ કોરીડોર’ તરીકે વિકસાવવામાં આવશે. હાલ પ્રતિ વર્ષ એક કરોડ વીસ લાખ ટન કોલસાની આયાત ઓસ્ટ્રેલિયા તેમજ દક્ષિણ આફ્રિકાથી કરવામાં આવે છે. આ કોલસાને ફક્ત તાડપત્રીથી ઢાંકીને બાર્જ (મોટી નૌકા), ટ્રક તેમજ રેલગાડી દ્વારા પડોશમાં આવેલા કર્ણાટકમાં વહન કરવામાં આવે છે. માર્માગોઆમાં આવતાં કોલસાને મોકલવાનું કામ જે.એસ.ડબલ્યુ તેમજ અદાણી પોર્ટ્સ દ્વારા કરવામાં આવે છે, અને વેદાંત રીસોર્સીસ દ્વારા તાજેતરમાં કોલ ટર્મિનલ ઉભું કરવાની દરખાસ્ત તાજેતરમાં મૂકવામાં આવી છે.
સરકારી આયોજન એવું છે કે ઈ.સ.2030 સુધીમાં કોલસાની આયાત વધારીને પાંચ કરોડ ટન સુધી લઈ જવી. આયાતની આ સૂચિત વૃદ્ધિને પહોંચી વળવા માટે પશ્ચિમ ઘાટની રેલ્વેલાઈનને ડબલ ટ્રેક બનાવવાની, ચાર લેનના બે રાષ્ટ્રીય ધોરી માર્ગ બાંધવાની, માલ પરિવહન માટે છ નદીઓને રાષ્ટ્રીય જળમાર્ગમાં તબદીલ કરવાની, નદીઓ પર જેટ્ટી બાંધવાની, નદીકાંઠાઓને કોન્ક્રીટથી ‘બાંધવાની’, વાસ્કો દ ગામામાં કાંપનિકાલ કરીને ઉપસાગર બનાવવાની તેમજ હાર્બર ચેનલમાંથી કાંપનિકાલ કર્યા પછી તેને વિસ્તારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.
અલબત્ત, ગોવાના રહીશો સમક્ષ આ સમગ્ર આયોજન અને તેની ગતિવિધિઓ ધીમે ધીમે ઉઘડી. [i]તેમને લાગે છે કે આવી ગતિવિધિઓથી ગોવાના પર્યાવરણ, સંસ્કૃતિ તેમજ આજીવિકાને માઠી અસર પહોંચશે. આ પ્રકલ્પની વિરાટતાનો અને તેનાથી થતા નુકસાનનો અંદાજ આવતાં ગોવાના રહીશોએ તેની સામે ઝુંબેશ આદરી, જેને ‘ગોવા અગેન્સ્ટ કોલ’નું નામ અપાયું. આ ઝુંબેશના એક કર્મશીલ અભિજિત પ્રભુદેસાઈએ જણાવ્યા મુજબ એક વખત માળખાકીય સવલતો તૈયાર થઈ જાય એટલે સત્તાવાળાઓ આ સવલતો માટે થયેલા જંગી રોકાણને આગળ ધરીને કહેશે કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને આ મામલે કંઈ થઈ શકે એમ નથી.
કોલસાના પરિવહન દરમિયાન થઈ રહેલા પ્રદૂષણ અને તેની તાત્કાલિક અસરોને અગ્રણી અખબાર ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ દ્વારા શ્રેણીબદ્ધ અહેવાલ દ્વારા આલેખવામાં આવી. ‘કોલ બરી ગોવા’ (ગોવાને દફન કરતો કોલસો) શિર્ષક અંતર્ગત આ અહેવાલોમાં વહન થઈ રહેલા કોલસા દ્વારા ફેલાતા પ્રદૂષણ અને તેની વિપરીત અસરોને વિગતવાર તેમજ સતસવીર દર્શાવવામાં આવી. ગોવાના નાગરિકો તેમજ કર્મશીલો એક થયા અને તેમણે આ પ્રકલ્પને અટકાવવા માટે બે ચળવળ આરંભી. એકનું નામ ‘ગોવા અગેન્સ્ટ કોલ’(કોલસાની વિરુદ્ધમાં ગોવા) અને બીજી ‘અવર રીવર, અવર રાઈટ્સ’ (આપણી નદી, આપણા હકો). મુઠ્ઠીભર કંપનીઓના ટૂંકા ગાળાના ફાયદા માટે નદી, ભૂમિ તેમજ પર્યાવરણનો કાયમી વિનાશ ન કરી શકાય એ મુખ્ય મુદ્દાને આગળ ધરીને તેઓ પોતાના પ્રયાસોને વેગવંતા બનાવી રહ્યા છે.
આ જૂથે ગોવાના મુખ્યપ્રધાન મનોહર પર્રીકરને મળીને માર્માગોઆ બંદરેથી થતા કોલસાના પરિવહનને સંપૂર્ણપણે બંધ કરવાની માગણી કરતું આવેદનપત્ર આપ્યું છે. સરકારે 2016માં સાગરમાલા અહેવાલ દ્વારા ભારતભરનાં બંદરોને વિકસાવવાનું આયોજન અને માર્માગોઆ બંદર માટેના માસ્ટર પ્લાનની રૂપરેખા બનાવી હતી. ‘ધ ફેડરેશન ઑફ રેઈનબો વૉરીયર્સ’ અને ‘ધ નેશનલ ફીશવર્કર્સ ફોરમ’ નામનાં બે જૂથોને આની પહેલવહેલી ખબર પડી હતી. આ અહેવાલ સાથે બન્ને જૂથોએ કોલસાના પરિવહનની વાસ્તવિક ગતિવિધિ સાથે સરખાવી હતી. બંદર પર થઈ રહેલી કાંપનિકાલની કામગીરી સામે તેમણે ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’માં ફરિયાદ નોંધાવી હતી, કેમ કે, આ પ્રવૃત્તિથી બંદરની આસપાસ નીચાણવાળા વિસ્તારમાં વસતા માછીમાર સમુદાય પર પૂરનું જોખમ વધતું હતું.
જો કે, પર્યાવરણ મંત્રાલય દ્વારા આ બંદરના વિસ્તરણ માટેના આયોજનને ક્લીયરન્સ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું, એટલું જ નહીં, આ બંદર બાબતે જાહેર સુનવણી યોજવામાંથી પણ તેને મુક્તિ આપવામાં આવી હતી. માછીમારોનાં સંગઠનોએ આ બાબતને ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ પડકારી હતી, જેનો ચૂકાદો તેમની તરફેણમાં આપવામાં આવ્યો હતો અને તમામ પ્રકલ્પો માટે લોકોને વિશ્વાસમાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
અનેક સ્તરે, વિવિધ સંગઠનો અને રહીશો દ્વારા આ બાબતનો પ્રચંડ વિરોધ થયો અને તે વધતો ગયો. રાજકીય ધોરણે વિરોધ પક્ષો પણ આમાં જોડાયા. રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર હજી આ પ્રકલ્પો દ્વારા લોકોને તેમજ તેમની આજીવિકાને નુકસાન થવાનો ઈન્કાર કરે છે, પણ આ હદે વિરોધ થતાં તેઓ વિચારતા થયા છે. માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે વિરોધ હોય તો પોતે કોલસાના પ્રકલ્પોને ગોવાની બહાર ખસેડવા માટે રાજી હતા. સપ્ટેમ્બર, 2016માં સરકારે દક્ષિણમાં બેતુલને સેટેલાઈટ પોર્ટ બનાવવાનું આયોજન સ્થાનિકોના વિરોધ પછી પડતું મૂક્યું છે. કોલસાના પરિવહન માટે ખાસ તૈયાર કરાયેલાં બંધ વેગનનો ઉપયોગ કરીને પ્રદૂષણ રોકવાનું પણ સત્તાવાળાઓ દ્વારા સૂચવવામાં આવ્યું છે. મુખ્ય મંત્રીના મત મુજબ લોકોએ પ્રદૂષણનો વિરોધ કરવો જોઈતો હતો, નહીં કે કોલસાના પરિવહનનો. તેમણે એમ પણ જણાવ્યું છે કે ગોવામાં થઈ રહેલા કોલસાના પરિવહનનો રાજ્ય સરકારે વિરોધ કર્યો છે અને આ બાબતે તેમણે કેન્દ્રમાં લખી જણાવ્યું છે.
અલબત્ત, લોકો આ માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે મુખ્ય મંત્રીએ કોલસાના પરિવહનનો વિરોધ કર્યો હોય તો તેઓ શા કારણે તેના માટેની માળખાકીય સુવિધાઓ પૂરઝડપે ઉભી કરી રહ્યા છે?
સમગ્રપણે આ આંદોલનમાં લોકો તેમજ પ્રસાર માધ્યમોની ભૂમિકા પ્રશંસનીય બની રહી અને મુદ્દાને રાજકીય રંગ આપવાને બદલે પર્યાવરણ પ્રત્યેની ખરેખરી નિસ્બત કેન્દ્રમાં રહી. અંતિમ ઉપાય જે વિચારાય એ, પણ ગોવાના લોકોએ જેટલી જાગૃતિ બતાવી એટલી અન્ય પ્રાંતના લોકો બતાવી શકશે? ચાહે કોઈ પણ પક્ષની સરકાર હોય, તેના ઈરાદા તેમજ દાવાઓ હવે શંકાની દૃષ્ટિએ જ જોવા જોઈએ, કેમ કે, કહેવાતા વિકાસના ચકાચૌંધ કરી નાખનારા આંકડાઓ પાછળનું સત્ય ખરેખર કંઈક જુદું જ હોય એ બાબત હવે અપવાદ નહીં, નિયમ જેવી બની રહી છે. ગુજરાતના વિકાસ મોડેલની વાસ્તવિકતા ગુજરાતમાં રહેનારાથી બહેતર કોણ જાણતા હોય?
વિકાસ જરૂરી છે, પણ કશાના ભોગે નહીં, ચાહે તે લોકજીવન હોય કે પર્યાવરણ.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦-૧૧-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.






રાજકારણીઓ સત્તામાં આવ્યા પછી લોકોના ભલામાં કોઈ નિર્ણય લેતા હોય એવું માનવું એ તો મંગળ ઉપર મનુષ્યવસ્તી છે એવું માનવા બરાબર છે. એ વર્ગનાં પારસ્પરિક હિતો સચવાઈ જાય એની આડપેદાશ તરીકે જે તે પ્રદેશનો કહેવાતો વિકાસ થાય છે. મહદ્દઅંશે તો એ વિકાસ પણ વિનાશ તરફ લઈ જતો લાંબો માર્ગ જ હોય એવું બનતું રહે છે.
Despite Trump govt’s support for increased coal production, it is becoming clear here in US, that becoming energy efficient and promoting alternative energy sources, it makes sense to do away or move away from coal sourcing. How about India?
વિજયભાઈ,
અહીં પણ કોઈક નીતિ કાગળ પર હશે જ. અમલની દાનત મુખ્ય પ્રશ્ન છે.
This type of article can motivate lay men to view and to oppose the harmful projects undertaken by anybody,,,Thank You Birenbhai…