ગઝલાક્ષરી ૨૬

Facebooktwitterredditpinterestlinkedinmail

 

બ્લેક ફ્રાયડે!
ગરીબ-તવંગર
બેઉ સરખા
!

                      ચીમન પટેલ ‘ચમન’/

બ્લેક, વ્હાઇટ
સાથે દેશીની પણ
ત્યાં પડાપડી!
                     મહેન્દ્ર શાહ

( બ્લેક ફ્રાઈડે નવેમ્બરમાં થેંક્સ ગીવીંગ હોલીડે પર ક્રીસમસની પૂર્વ તૈયારી રૂપે અમેરીકામાં સેલ ડે આવતો હોય છે, મોડી રાત સુધી સ્ટોર્સ ખુલલા રહેતા હોય છે, ને આકર્ષક સેલ હોય છે. )

                                 +    +   +   +

શેર મારો સાંભળીને સ્મિત મીઠું આપ્યું હતું
એ પછી દિલ મારું લઇને ખુદની પાસે રાખ્યું હતું
                                                                                                  નરેશ ડોડીઆ

વ્હેમમાં મારતો રહ્યો હું આંટા આસપાસ ઘરના એમની;
કદી ખોલ્યું ના બારણું એમણે મને જોઇ જે વાખ્યું હતું!
                                                                                               મહેન્દ્ર શાહ

                                   +    +   +   +

હમણાં નહીં આવે મરણ
નવરાશ ક્યાં પળવાર છે?
                                                   વારિજ લુહાર

હમણાં નહીં આવે મરણ.? સારા સમાચાર!
આમ પણ તૈયાર થવામાં મારે થોડી વાર છે!
                                                   મહેન્દ્ર શાહ

                      +    +   +   +

ત્યાં સુધી તલવારનો મોભો હતો,
જ્યાં સુધી રાખી’તી એને મ્યાનમાં.
                                                                       ——-વારિજ લુહાર

મ્યાનમાં જ રહેશે તો, તલવાર એનો ધરમ ક્યારે બજાવશે?
મોભા સાથે સાથે કેમ વાત આ ના આવી તમારા ધ્યાનમાં?
                                                                                                મહેન્દ્ર શાહ

                       +    +   +   +

હાથ બન્ને સાવ ખાલી,
છે એ જ જાહોજલાલી!

ઉદાસી ઊંચકીને હું ફરું,
જનમથી જ છું હમાલી.

શોધવા હતા માણસોને,
મળ્યા સૌ હાલીમવાલી.

ના ના કરતા ઇશ્ક કર્યો,
મળી એમાંય પાયમાલી.

હું કેમ છું? હું કોણ છું?
છું હું જ મારો સવાલી.

હસતી સુરત છુપાવે એ,
આંખો મારી બન્ને રૂદાલી.

વેચાઈ રહી છે લાગણી!
નટવર તુંય કર દલાલી.

                                          નટવર મહેતા

ક્યાંક કોઇક રીમોટ કામ કરે છે કે શું? પહેલી વાર જોયું મેં
આશ્ચર્ય સાથે, તમારી શાયરીમાં ના આવી ક્યાંય પ્યાલી!

                                                                                           મહેન્દ્ર શાહ

                           +    +   +   +

મારા દિલના બદલામાં બસ, તારું દિલ જ માંગ્યું છે !

મારી એક નાનકડી માગણીની તું કદી તો બહાલી કર.

                                                                                                            નટવર મહેતા

ખમા કર, હદ થઇ ગઇ છે આ અદલાબદલીના ધંધામાં હવે;

પહેરે લુગડે થઇ ગયો છું, બસ તું મને ના વધારે મવાલી કર!

                                                                                                        મહેન્દ્ર શાહ

                        +    +   +   +

જીંદગી ના વેણમાં જે તરતા શીખે છે,

મર્યાદાના બંધનમાં જે જીવતા શીખે છે,

ઈશ્ર્વર પણ સાથ નથી છોડતો તેનો,

જે હર હાલમાં હસતા શીખે છે………..

                                     કોકીલા ભરૂચાએ પોસ્ટ કર્યું

એક બીજાને ગમતા રહીએ.
ખોટ થોડી ખમતા રહીએ.

ખીચડી થોડી ખારી કે મોળી,
પાંચે આંગળીએ જમતા રહીએ.
                                                -મધુકાન્તા પંચાલ

              બે કવિતાઓ ભેગી કરી!!!

જીંદગી ના વેણમાં તરતા રહીએ
મર્યાદાના બંધનમાં જીવતા રહીએ

એક બીજાને ગમતા રહીએ.
ખોટ થોડી ખમતા રહીએ.

ખીચડી થોડી ખારી કે મોળી,
પાંચે આંગળીએ જમતા રહીએ.

ઈશ્વર પણ સાથ નથી છોડતો,
જો હર હાલમાં હસતા રહીએ…..!
                                                                    મહેન્દ્ર શાહ

                        +    +   +   +

જે કદી વરસે;
એ કદી તરસે.

રાખી લાગણી;
મેં છાતીસરસે.

જેવું હું તડપ્યો;
કોઈ ન તલસે.

આજે જે ભૂલ્યા;
કાલે યાદ કરશે.

બહુ સાચવે એ;
પ્રેમમાં જ પડશે.

થોડું થોડું ખસ્યો;
એ પણ ખસશે.

આંખ ક્યાં સુધી?
આંસુને ધરશે.

વાત વાતમાંથી;
જ વાત વણસે.

શમા સળગે તો;
પરવાનાં બળશે.

લખે છે નટવર;
જ્યારે શબ્દ કણસે.

                                         નટવર મહેતા
મુદ્દાની વાત કરો;
એ ક્યારે મળશે?
                                       મહેન્દ્ર શાહ

                         +    +   +   +

એના હોઠ સીવાઈ ગયા
મારા મોઢે તાળું છે.
                                                     – આદમ ટંકારવી

માણસની જીભનું તાળું ખૂલે, ત્યારે જ ખબર પડે કે એને
દુકાન ઝવેરાતની છે કે કોલસાની? તાળું છે એ સારું છે!
                                                                                                         મહેન્દ્ર શાહ

                       +    +   +   +

એક આ જીંદગીને છોડીને

ખાસ મેં ક્યાં કશું ગુમાવ્યું છે ?

                                                      ચંદ્રેશ નારાજ

બસ, ગુમાવેલ ભૂલી જઇને;

માણવાનું જે સાથે આવ્યું છે!

                                                       મહેન્દ્ર શાહ

                    +    +   +   +

નામમાં શું રાખ્યું છે યાર?
મારે બસ, નટવર થવું છે.

                                                      નટવર મહેતા

સાળો એકે ય કુંવારો રહ્યો નથી;

બાકી મારે તો અણવર થવું છે!

                                                       મહેન્દ્ર શાહ

                  +    +   +   +

ભલે ઇશ્કમાં આવે ઓટ કે આવે ભરતી !

ઇશ્ક તો હોવો જોઈએ સાવ બિનશરતી !!

                                                        નટવર મહેતા

જે ઇશ્ક કરે છે એમના માટે ભરતી ઓટ આવે એ તો સમજ્યા;

પણ એ બિચારાઓનુ શું જેને એમની એ ઇશ્ક જ નથી કરતી?

                                                         મહેન્દ્ર શાહ

                             +    +   +   +

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,

હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે છે.

                                                                                        – મરીઝ

તને લાગતી હશે ઐયાશી મરીઝ પણ, ઘર આખું તો;

ઉપરવાળા પાસે મોતને ઠેલવાની દુઆ માગ્યા કરે છે!

                                                                                મહેન્દ્ર શાહ

                            +    +   +   +

એબૉર્શન

માત્ર ગર્ભનું થાય છે….

એવું નથી..

કેટલાંય લોકો

પોતાની અંદર

રમતાં બાળકને

મારી નાખે છે……  

                        CP —-

                               ગીતા દોશીએ પોસ્ટ કર્યું

અંદરના બાળકને

રમતું રાખીએ તો 

“હજુ છોકરમત ગઇ નથી”

એમ કહી લોકો મહેણું મારે છે!

                                                   મહેન્દ્ર શાહ

                      +    +   +   +

કોઈ પૂછી જાય છે, કેમ હળ​વેથી મલકાય છે?

હસતો ચહેરો તો ત્યારેય હતો અને આજેય છે.

બસ​,હ​વે જરા હસ​વામાં હોઠ થોડા ખેંચાય છે.

                                                            -મધુકાન્તા

હસવામાં હોઠ થોડાક ખેંચાય છે;

શરીર પર જ્યારે ઉંમર વર્તાય છે!

                                                                 મહેન્દ્ર શાહ

                               +    +   +   +

આંખો જોઈ લથડ્યો;

શું એમાંય શરાબ છે?

                                             નટવર મહેતા

શરાબ તો આંખોમાં નહીં, મયખાનામાં છે;

લથડ્યા, કારણ આંખો તમારી ખરાબ છે!

                                          મહેન્દ્ર શાહ

                  +    +   +   +

ધરતી પલળવું ભૂલે નહીં,

વાદળ વરસવું ભૂલે નહીં.

હશે ભૂલ હસ્તરેખામાં જ,

પુષ્પો મલકવું ભૂલે નહીં.

નદી ભટકી ગઈ હશે કશે,

દરિયો તરસવું ભૂલે નહીં.

આભમાં અટવાયો ચાંદ,

ચકોર તડપવું ભૂલે નહીં.

સંભાળજે ‘અખ્તર’ તુંય,

કાળ ભરખવું ભૂલે નહીં.

                                                   અખ઼્તર ખત્રી

                                                        ઉષા કોઠારીએ પોસ્ટ કર્યું.

કવિઓ ગમે તે લખે, મારા જેવો;

ગઝલાક્ષરીમાં ઉતારવું ભૂલે નહીં!

                                                 મહેન્દ્ર શાહ

                  +    +   +   +

રાધાએ એની હદથી વધીને ચાહ્યો માધવને;

જો કા’ના, હવે ખુદ રાધા જ શ્યામ બની ગઈ.

                                                 નટવર મહેતા

શ્યામત્વ દૂર કરવા હવે તો બજારમાં જાતજાતનાં અને ભાતભાતનાં મેકઅપ મળે છે;

જો કે હદથી વધી ચાહવાની વાત બરાબર, પણ આમાં રાધા શ્યામ શું કામ બની ગઇ?

                                                                                               મહેન્દ્ર શાહ

                        +    +   +   +

વાત સનમ, હવે તમે કોઈ અંગત રાખશો નહીં;
ન ગમતો હોઉં તો મારી ય સંગત રાખશો નહીં.

                                                                            નટવર મહેતા
ના ગમે તો લાઇક કે કોમેન્ટ પોસ્ટ કરતા નહીં;
પણ દિલમાં અમારા પ્રત્યે નફરત રાખશો નહીં!
                                                                         મહેન્દ્ર શાહ

                              +    +   +   +

ના જ મળવું હોય તો એ ના મળે

હોય જો મળવું તો ક્યાં ગાળો હતો ?

                                                         ચંદ્રેશ નારાજ

નથી જરૂર એને જરૂરત કરતાં પણ વધારે મળે છે;

જરૂરતમંદ ટળવળે છે, જરૂર ક્યાંક ગોટાળો હતો!

                                                            મહેન્દ્ર શાહ

                                 +    +   +   +

 

મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

2 comments for “ગઝલાક્ષરી ૨૬

 1. Niranjan Mehta
  December 19, 2017 at 10:31 am

  બહુ મજા આવી. અભિનંદન.

 2. Dilip Shah
  December 22, 2017 at 11:12 am

  Great!

  Do chime in again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *