લ્યો, આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ ! તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

“આના વિશે લખજો હોં, સાહેબ !”

પાછળ હાથના આંકડા ભીડીને ચાલતાં ચાલતાં મેં ઉપરછલ્લી હા પાડી અને કનુભાઈ માલકાણી મને અને દિલીપ રાણપુરાને જે ઢોરવાડો બતાવતા હતા તેના ઉપર નજરની હળવી પીંછી ફેરવી.

ત્યાં વળી કનુભાઈ માલકાણી બોલ્યા : ‘અને ભાઈ, આની વાત તો કંઈક અનોખી જ છે હોં ! લખજો.’

ઢોરવાડાની બાજુમાં એક મંદિર હતું. એના પૂજારીની ઘાટ ઘાટકા પાની પીયા હમને ’વાળી વારતા આલેખવાનું કનુભાઈનું સૂચન. એ હજુ થોડું ગાળી ગાળીને મનમાં ઉતારું ત્યાં ત્રીજું પાનું એ ઊતર્યા : ‘અને આ કાથોડી કોમ વિશે તો ખાસ કલમ ચલાવવા જેવી છે, સમજ્યા ?’

દિલીપ રાણપુરાએ અને મેં પરસ્પર જોયું. પહોળી મોરીના ખાદીના લેંઘા અને પંખાની જેમ વળાંકવાળી ચાળવાળા અને ક્યાંક ક્યાંક જળી ગયેલા ખાદીના ઝભ્ભાવાળા કનુભાઈ માલકાણીને આ દુનિયાની દરેક વસ્તુ અદ્‍ભુત લાગતી હતી. પ્રૌઢવયને પણ પાર કરી ગયેલા આ ગોરે વાન, પણ બેઠી દડીના માણસમાં આ મુગ્ધતા કેવી રીતે અકબંધ ? મારો તો પરિચય સાવ તાજો, પણ દિલીપ રાણપુરા ત્રીસ-પાંત્રીસ વરસથી ઓળખે. જો કે એ લોકોય મળ્યા છેક પચીસેક વરસે. એટલે મેં દિલીપનેપૂછ્યું: ‘આ કનુભાઈ માલકાણી આમ સૌ પર ઓળઘોળ કેમ છે ?’

‘એમના વિશેય લખવા જેવું છે.’ દિલીપ રાણપુરાનો જવાબ. પછી કહે :‘હું નહિ કહું. તું કઢાવજે.’

આદિવાસી સેવા સમિતિ, શામળાજીના આ સામાન્ય કર્મચારી કનુભાઈ માલકાણીના જીવનમાં શું લખવા જેવું હોય ? ધંધુકાનો આ નોન-મેટ્રિક માણસ. મૂળ સેવાદળિયો. રાષ્ટ્રીય ચળવળમાં પડ્યો. નેતા થવાના ગુણ નહીં, પણ નેતા પછવાડે ચાલવાનો ગુણ. સર્વોદય આશ્રમ ગુંદીમાં થોડી તાલીમ લીધી. સંતબાલજીના પરિચયમાં આવ્યા પણ ક્યાંય ઝળકી જઈને છવાઈ જવાનું વિત્ત નહીં. બસ, કોઈનું ચીંધ્યું કામ કરવાની તત્પરતા. 1952માં ક્યાંક સેવાકાર્યમાં જોતરાવાનું મન થયું. સાબરકાંઠા વિસ્તારની આદિવાસી કોમમાં શિક્ષણના પ્રસાર બદલ જાલીમ રજવાડાના સિપાઈઓનો માર ખાઈ ખાઈને રીઢા થઈ ગયેલા લોકસેવક નરસિંહભાઈ ભાવસારે એ દિવસોમાં શામળાજીમાં ‘આદિવાસી સેવાસમિતિ’ શરૂ કરેલી. કનુભાઈએ એમને લખ્યું : ‘હું આવું ?’

જવાબમાં નરસિંહભાઈએ લખ્યું : ‘આ તો રાફડા તોડવાનું કામ છે. બત્રીસલક્ષણા હો તો દોડ્યા આવો.’

બત્રીસલક્ષણા એટલે શું એ જાણવા માટે કનુભાઈ 1952માં ત્યાં ગયા ને રહી પડ્યા.

1990માં એમને મળ્યો ત્યારે એ સંસ્થામાં કનુભાઈ માલકાણી આડત્રીસ વરસની નોકરીના અંતે હજાર-બારસોના પગારે પહોંચેલા હતા. મંત્રી ગણો તો મંત્રી, હેડક્લાર્ક ગણો તો હેડક્લાર્ક. આડત્રીસ વરસની એક જાહેર ટ્રસ્ટની નોકરીની આ ઉપલબ્ધિ. આંગળી સૂઝીને અંગૂઠો થઈ હતી–થાંભલો નહીં.એમની જિંદગીની આ સપાટ યાત્રામાં વળી જાણવા જેવું શું હોય ?

એટલે દિલીપને મરકીને મેં પૂછ્યું : ‘એમની જિંદગીમાં વિશેષતા શી ? પરાક્રમ શું ? કોઈ સંઘર્ષ શું? જવા દે ને. એક અદના કર્મચારીની જિંદગીમાં લખવાજોગો મસાલો શો હોય ?

દિલીપે કહ્યું : ‘એક વાર એમને ઘેર જજે.’ પછી કહ્યું : ‘જુહાપુરામાં છે “

હું ચમક્યો. પણ આવી વાતમાં જાહેરમાં ચમકવાનો લોકો અવળો અર્થ કરે. અમદાવાદમાં એવા દિવસો ચાલતા હતા.

**** *** ****

‘આજે રજા છે. ભૂલી ગયા ?’

કનુભાઈનાં પત્ની સવિતાબહેને મારા સાંભળતા પતિને આ કહ્યું. જે એમના બે જુવાન દીકરા અને એક જુવાન દીકરી પણ સાંભળે.

‘રજા ?’ કનુભાઈએ એમના ગોરા ચહેરા પરની આંખો પટપટાવતાં કહ્યું : ‘શેની રજા ?”

‘વાહ.’ સવિતા બહેન બોલ્યાં :‘તમારો તહેવાર છે ને તમને યાદ નથી ?’

‘કયો તહેવાર ?’ કનુભાઈએ પૂછ્યું : ‘શેની વાત કરે છે તું ?’

‘કેમ ? આજે ઈદ નથી ?’સવિતાબહેને નવાઈથી હડપચીએ હથેળી મૂકી : ‘તમારો તહેવાર ને તમે ભૂલી જાઓ છો ?’

તરત જ મારા મનમાં આ બીજી વારનો ચમકારો થયો. આ શું વળી ? ઈદ ?તે પણ વળી આ કનુભાઈ (કનૈયાલાલ)નો તહેવાર ?

કનુભાઈએ ચમકારો વાંચી લીધો. એમણે ક્ષોભથી મારી સામે જોયું. એમના ત્રણ સંતાનોમાંથી એકાદની આંખોમાં જરા અણગમતો અંશ દેખાયો. આમાં મારે શું પૂછવું ? હું તો કોયડામાં વીંટળાઈ ગયો.

કનુભાઈએ હળવેથી મારો હાથ દાબ્યો :’પછી કહીશ.’

**** **** ****

એ ‘પછી’માં જે જાણ્યું તે.

અબ્દુલ કરીમ કાળુભાઈ માલકાણી નામના મેમણ છોકરાને સમજણો થયો ત્યારથી કે ત્યાર પછી કદી ખબર ન પડી કે હિન્દુ શું ને મુસ્લિમ શું ? મોટા ભાઈ અબ્દુલ સતાર અને નાનો ભાઈ અબ્દુલ રજાક ને નાની બહેન હમિદા. આ સૌ મેમણ કોમમાં વરી-પરણી ગયા પણ અબ્દુલ કરીમને ઈસ્લામની કોઈ કટ્ટરતા નહીં. યુવાન વયમાં ધંધુકામાં હરિજન, ચમાર, વણકરોનું છાત્રાલય ચલાવેલું. મફત જમાડવાનું. સીધું અબ્દુલ કરીમ ગામમાંથી ભીખી આવે. ગામમાં આને કારણે એની સામે આભડછેટની હવા ફેલાઈ ગઈ. ગામ છોડ્યું એટલે નવલભાઈ શાહે ગુંદી બોલાવી લીધા. પછી દહેગામમાં સર્વોદય કેન્દ્ર શરૂ કર્યું. ત્યાં મેમણ છે એમ સૌને ખબર પડી એટલે એમની થાળી અલગ પડવા માંડી. આને કારણે મન ખાટું થઈ ગયું. એટલે આદિવાસી સમિતિમાં જોતરાઈ ગયા. એ વખતે અગમચેતી વાપરી. નામ બદલીને કનૈયાલાલ કરી નાખ્યું. મતલબ કે કનુભાઈ. ગેઝેટમાં પણ છપાવી પણ દીધું. લોકો નામ જાણીને હિન્દુ જાણે. ગાડું ચાલ્યું જાય. અમસ્તાય અખાજ તો ખાતા નહોતા. કથાવાર્તા ભાગવત પારાયણમાં જતા-આવતા, એટલે કે પાક્કા શું, સનાતની હિન્દુની છાપ જામી. અલબત્ત, 1955માં હિન્દુ કોળી પટેલની દીકરી સવિતાબહેનને એક મધ્યસ્થી મારફત પરણ્યા ત્યારે નિખાલસપણે કહી દીધું, ‘જન્મે મુસલમાન કહેવાઉં. સંસ્કૃતિએ હિન્દુ છું, પણ ધર્મે માનવધર્મી છું.’ બહેન એમની આવી ટંચન વાત સાંભળીને પરણ્યાં. સંસાર ચાલ્યો. ઘરમાં જન્માષ્ટમીય ઉજવાય અને ઈદ પણ. સંઘર્ષ ચાલ્યો પણ સમરસ ચાલ્યો. આંચકા આપે એવો નહિં.

પણ પછી સંતાનો થયાં ને છૂપો, નાનો-મોટો ઘર્ષણનો પ્રસંગ બનવા માંડ્યો. છોકરો જન્મ્યો. નામ પાડ્યું બકુલેશ. મોટો થયો ત્યાં સુધી તો બધું સમુસૂતરું ચાલ્યું પણ પછી એનું વલણ સારું એવું ઈસ્લામી રંગે રંગાઈ ગયું. એણે ગેઝેટમાં જાહેર કરીને પોતાનું નામ કરાવી નાખ્યું ઈલિયાસ. જો કે બાપ સાથે બિયાબારું (વેર) લવલેશ નહિ, પણ વલણ થોડું પલટાઈ ગયું.આજે એ 27નો. પછી બીજો છોકરો પોપટ. એનું વલણ બંને ધર્મ પરત્વે સમાધાનકારી. ઈદમાં સેવૈયા પણ ખાય ને નોરતામાં પ્રસાદ પણ. છતાં ગેઝેટમાં જાહેર કર્યું કે મારું નામ તારિક છે.

વચ્ચે છોકરી જન્મી અંજના. એ બાપ જેવી જ ચુસ્ત નીકળી. માનવધર્મી. આર્યુવેદિક ડોક્ટર થઈ ગઈ. રાજસ્થાનમાં દવાખાનું ખોલીને બેસી ગઈ.

આ શાંત-કલેશ વગરનું ઘર પણ એમાં આંતરપ્રવાહો નિરવપણે ટકરાયા કરે. અબ્દુલ કરીમના કનુભાઈ થયા, પણ બકુલેશનો ઈલિયાસ અને પોપટનો તારીક ! ઈલિયાસના ઘરમાં કનુભાઈની ભત્રીજી મુસ્લિમ રિવાજ મુજબ પત્ની બનીને આવી. એના પિતા એટલે કે કનુભાઈના સગાભાઈ. એ કટ્ટર મુસ્લિમ !

કનુભાઈ માલકાણી સ્થિર ખુરશીમાં બેઠાછે. પણ એ સ્થિર ખુરશીના તળિયે ક્યારેક તીવ્ર ધ્રુજારી અનુભવાય છે. કનુભાઈને પૂછું છું ત્યારે કહે છે : ‘આપણી લાઈફમાં તે વળી શું લખવા જેવું હોય ?’


(નોંધ-: આ લેખ સત્તાવીસ વર્ષ જૂનો છે. હવે કનુભાઈ કે દિલીપ કોઈ નથી. કનુભાઈના પરિવારના પરિચયમાં પણ હું નથી. – લેખક)


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

6 comments for “લ્યો, આ ચીંધી આંગળી : શ્રીમાન સ્વસ્થ ! તમારા પગ નીચેની ધરતી ધ્રૂજે છે…

 1. Gajanan Raval
  December 19, 2017 at 8:56 am

  Your old stories are as fresh as you have written in present and give inspiration…!! Dear Rajnibhai.

 2. Piyush Pandya
  December 19, 2017 at 6:51 pm

  આમને વિશે વધારે જાણવાનું કુતૂહલ જાગી ગયું. માંડીને વાત કરશો એવી વિનંતી.

 3. Ishwarbhai Parekh
  December 21, 2017 at 4:01 am

  માણસ એ ઈશ્વરનું એક સંતાન તેમાં હિન્દૂ -મુસલમાન કે અન્ય આપડે ગણતરી કરીયે અબ્દુલ કરીમે ના કરી તે માત્ર માનવ બન્યા સંસાર પણ અનુકૂળ થઇ ભોગવ્યો જેને જે સ્વીકારવું હૉય તે ભલે ,જો આવુજ દરેક વિચારે તો તો ભલા આવેર ઝેર ના વાળા ના હોટ અમરે તો અબ્દુલ હોય કેકનૈયાલાલ માણસાઈ છે ? તે જોવાનું .બસ માણસ હોવો જોઈએ .

 4. narendrasinh.gohil
  December 21, 2017 at 9:29 am

  Dikra …Satam na thepla sanje karvani chu khava aavje! Hava masi e kidhu che. ( HIndu balak ne notru) ( 2) Amina fui aaje Balachadi javanu che taiyar rehjo …Na ho mane navrash nathi mare mathe diwali nu kam baki che hu kyare pugish!… haju to ghar red- bhafed che. Hindu ghar ma nahi pan Sandhi ,sumra,wagher ane majothi (Mushlim) kutumb ma aa wakyo sambhlya hata ane sahaj lagta pan aaje e diwa swapna janay che evi dharma nirapekshta lopai gayi che chata haju ghana mushlim kutumbo ma aa jyot pragteli rahe che ane antar ma tadhak thai che.

 5. પાર્થ કથીરીયા
  December 21, 2017 at 11:53 am

  ખરેખર ખુબ મજા આવી હો સાહેબ…

 6. December 25, 2017 at 8:18 pm

  પછી શું થયું એ ય જાણવાનું મન થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *