





નયના પટેલ
સરલાબહેનને ધ્રાસકો પડ્યો – સ્નેહા પ્રેગનન્ટ તો નહી હોય ? એટલે સ્વરમાં ભારોભાર ચિંતા સાથે જ પૂછી લીધું, ‘ દીકરા, તું પ્રેગનન્ટ….’
‘ હું શ્યોર નથી ફોઈ, પરંતુ આ મહિને હજુ પીરિયડ્સ આવ્યા નથી.’
પોતાને પડેલો ધ્રાસકો વાસ્તવિક ન બની જાય તેની પ્રાર્થના કરતાં હોય તેમ છાતી પર હાથ દેવાઈ ગયો. પરંતુ સ્નેહાને સધિયારો આપતાં કહ્યું, ‘ જો બેટા, એ તો ક્યારેક મોડું – વહેલું થાય પણ ખરું. હું હમણા જ નંદુ પાસે પ્રગનન્ટી ટેસ્ટનું કિટ મંગાવી લઉં છું. સાંજે તું આવે ત્યારે પહેલા ટેસ્ટ કરી લેજે, સમજી બેટા ?’
‘ ફોઈ, પ્લીઝ… આજે જોબ પર ન જાઓ ને!’
સરલાબહેને ‘ જોઉં છું’ કહી ફોન મૂક્યો તો ખરો પરંતુ હવે શું કરવું તે સમજાયું નહીં.
સ્નેહાના સ્વરમાં જીદ્ કરતાં સરલાબહેન તરફનો વિશ્વાસ અને ‘મા’ની ગેરહાજરીનો ખાલીપો પ્રગટતો હતો.
જોબ ઉપર જવું કે નહીં તેનો નોર્ણય લેવા નંદાને સ્નેહા સાથે થયેલી વાત કહી, ‘ શુ કરું, નંદુ, જોબ ઉપર જાઉં કે ન જાઉં-કાંઈ ખબર પડતી નથી !’
‘ બાપ રે , હજુ તો એક પ્રોબ્લેમ સૉલ્વ નથી થયો ત્યાં તો ….મમ, આ અઠવડિયું સીક મારી દે ને.’
‘ ના, હં, મારાથી એવું ખોટું ન બોલાય.’
‘ મમ, બધાં જ એવું કરે છે, તેમાં શું ? એન્ડ ઓફ ધ ડે, યુ એન્ડ ડૅડ આર પેઈંગ ઈન્કમ ટેક્ષ .’
‘ સો વોટ ? એ ખોટું છે એટલે ખોટું છે, હું એવું ન કરું!’
નંદા મોં ચાઢાવી બોલી, ‘ મને પૂછ્યું એટલે મને યોગ્ય લાગ્યું તે કહ્યું, તારે ન માનવું હોય તો તું જાણે.’
સરલાબહેનને દીકરી પર વહાલ આવ્યું. એક મોટું ‘હગ’ આપીને તેના કપાળે ચુંબન કરતાં બોલ્યા, ‘ મારી મીઠડી, એમ ખોટું ન લગાડાય, ચાલ, આની વચ્ચેનો રસ્તો કાઢીએ. હું હમણા જ મારા કામે ફોન કરી કહી દઉં છું કે ‘ઈમર્જન્સી ’ કામ નીકળ્યું હોવાથી આજની મારી લીવ બુક કરી દે- કેમ લાગ્યું મારું સજેશન?’
ક્યારે ય સિસ્ટમનો ખોટો ઉપયોગ ન કરતાં સરલાબહેનન તરત લીવ મળી ગઈ.
સાત વાગ્યા પહેલા તો નંદા, સરલાબહેને કહ્યું તે મુજબ કેમિસ્ટમાંથી પ્રેગનન્સી ટેસ્ટનું કીટ લઈ પરિમલભાઈ અને સ્નેહાને લેવા ગઈ.
ધનુબા ભલે ભણ્યા નહોતાં પરંતુ ‘પ્રેગનન્સી’ શબ્દથી અજાણ નહોતા. નંદા ગઈ એટલે લાગલું જ પૂછી લીધું, ‘ સરલા, સ્નેહાને મહિના રહ્યા છે કે શું ?’
સરલાબહેનને આટલી ચિંતાજનક પરિસ્થિતિમાં ય હસવું આવી ગયું, ‘ બા, આમ કહો છો કે મને ઈંગ્લીશ બિલકુલ આવડતું નથી…’
‘ તે કેમ, ભણેલી નથી એટલે ગણેલી ય નથી ? આફ્રિકામાં આફ્રિકન લોકો ય એજ શબ્દ વાપરતાં અને આ તારા છોકરાંઓ વખતે તમે લોકો પણ એ જ શબ્દ વાપરતાં ને ?’
સરલાબહેને ધનુબાને ચેતવી દીધાં કે ખાલી સ્નેહાને એવી શંકા છે એટલે બધાની આગળ એ વિષય ન કાઢે..
એ લોકો આવ્યા એટલે સરલાબહેને સ્નેહા અને નંદાને ઉપર જઈને પહેલા ટેસ્ટ કરી લેવા ઈશારો કર્યો. એ લોકો નીચે આવ્યા નહીં ત્યાં સુધી ઊંચે જીવે દાદર તરફ જોયા કર્યું.
પરંતુ બન્નેને હસતાં હસતાં આવતાં જોઈને થોડી શાંતી થઈ. નીચે આવેલી સ્નેહાએ ઉપર અંગુઠો કરી ‘ એવરીથીંગ ઈઝ ઓ.કે ‘ની સંજ્ઞા કરી. ત્રણી ય જણે હાશ અનુભવી.
ધનુબાએ પણ પ્રશ્નાર્થ નજરે સરલાબહેન તરફ જોયું, સરલાબહેને તેમને પણ બધું બરાબર છે નો ઈશારો કર્યો.
જમી પરવારી સૌ મનુભાઈના આવવાની રાહ જોતાં બેઠાં ત્યારે પરિમલભાઈએ એક બીજો વિષય કાઢ્યો, ‘ સુરુ, તમારે ‘નાથ પરિવાર’ સંપ્રદાયના કોઈની સાથે ઓળખાણ છે ?’
‘ હા, મારા નણંદ અને નણદોઈ બન્ને એના સભ્ય છે, કેમ તમે પણ…’
‘ના, ના, આ તો ઈંન્ડિયાના ન્યૂઝમાં આજે જોયું કે એમના લીડર અહીં પધાર્યા છે. …મારે એમની સાથે થોડી વાત કરવી છે.’
‘ આધ્યાત્મિક વાતો કરવી છે…’
‘ ના….રે, વાત એમ છે કે અમારા ગામમાં મારા પૂર્વજોની જમીન વર્ષોથી છે જેની સંભાળ મારા પિતરાઈ ભાઈ રાખે છે. તેમણે ગયા વર્ષે મને પત્ર લખી જણાવ્યું હતું કે આ સંપ્રદાયના લોકોએ મારી જમીનની બાજુમાં જ યુવાનો અને બાળકો માટે સ્કુલ ખોલી છે જેમાં મારી ઘણી બધી જમીન મને પૂછ્યા વગર લઈ લીધી છે.’
આટલો સ-રસ વિષય ઉખડ્યો હોય તો ધનુબાથી ચૂપ કેમ રહેવાય? ‘ તમારી રજા વગર એમ થોડી જ કાંઈ લઈ લેવાય ?’
‘ લેવી તો ન જોઈએ, પરંતુ લઈ લીધી એ હકીકત છે. અને એ પણ થોડા ઈંચ આમ-તેમ હોય તો સમજ્યાં મારા ભાઈ, પણ આ તો અડધા ઉપરની જમીન લઈ લીધી છે! ત્યાં મેં એ લોકોનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો તો ગામમાં રહેતાં એક વડીલ કાર્યકર્તાએ મને જે કહ્યું ને તે જો તું સાંભળે ને તો સંપ્રદાયોમાં આપણને થોડો ઘણો વિશ્વાસ બેસતો હોય તો પણ ઊડી જાય.’
સરલાબહેન પૂછે તે પહેલાં તો ધનુબાને તે જાણવાની ઉત્સુકતા હતી, ‘ તે… તેમણે શું કહ્યું ?’
‘ મને કહે કે ‘તમે કેટલા નસીબદાર છો કે ભગવાનના કામમાં તમારી જમીનનો ઉપયોગ થયો.’
‘ લે, કર વાત..’ ધનુબાને મઝા આવવા માંડી.
સરળ સ્વભાવના સરલાબહેન સૌને પોતાના જેવાં જ સરળ સમજે, ‘ પણ, તમને પૂછીને લીધી હોત તો ?’
‘ એક્ઝેક્ટલી, મને પૂછ્યું હોત તો હું જરૂર આપવા માટે વિચારતે, પરંતુ એક તો પૂછ્યા વગર લીધી અને ઉપરથી મારી ઉપર ઉપકાર કરતાં હોય તેમ મને કહે કે ‘ હું નસીબદાર છું!’
‘ કોર્ટમાં ઘસડી જાઓને સીધા દોર થઈ જશે!’ ધનુબાનું ઝનૂન પોકારી ઊઠ્યું.
‘ ઈંન્ડિયામાં રહેતા હોવને બા, તો બની શકે તો અંદર-અંદર જ વાત પતી જતી હોય તો ઠીક , બાકી કોર્ટે ચઢ્યાં તો પછી વર્ષો થઈ જાય તો ય કોઈ નિવેડો ન આવે. વળી આવા જાણીતા સંપ્રદાયવાળાની વાતમાં જલ્દી કોઈ માથું ય ન મારે!’
‘ મનુ આવે એટલે…’
ત્યાં જ બારણામાં ચાવી ફરવાનો અવાજ સાંભળ્યો. મનુભાઈ રૂમમાં આવ્યા એટલે પરિમલભાઈએ મજાકમાં કહ્યું કે તેઓ ખૂબ જીવવાના છે કહી તેમનું સ્વાગત કર્યું. મનુભાઈ જમી કરીને ઊઠ્યાં એટલે કાલથી સ્નેહાની કેઈસમાં હવે શું કરવું તેની વાત શરૂ કરી. પહેલા તો સોશ્યલ વર્કરને પૂછીને આવા કેઈસના કોઈ નિષ્ણાત સોલિસિટરની તપાસ શરુ કરવી જોઈએ, એમ નક્કી કર્યું.
સ્વાભાવિક રીતે જ જોબ કરતાં પરિમલભાઈને અહીં લાબો સમય સુધી રહેવું પાલવે તેમ નથી તે સમજીને સરલાબહેને સ્નેહાને મુખ્ય સવાલ પૂછ્યો, ‘ સ્નેહા, તારે આ વાતને અહીં જ સમાપ્ત કરવી છે કે કેસ કરવો છે ?’
‘ ફોઈ, મારી બુધ્ધિ કહે છે કે , ઈન્ડિયાથી નિર્દોષ છોકરીઓને લઈ આવી અને મને જેમ ત્રાસ આપ્યો એમ ભવિષ્યમાં કોઈને એવું કરે નહી, તે માટે મારે ન્યાય લઈને જ જવું જોઈએ. અને મન કહે છે કે , ‘ ભાગી જા આ નર્કથી દૂર’-હું નક્કી નથી કરી શકતી.’
‘ ઈંડિયાથી આવતી બધી જ છોકરીઓ સાથે આવું કાંઈ હંમેશા બનતું નથી. અહીં ઉછરેલા બધા જ યુવાનો કાંઈ એવા હોતા નથી. અને મારો મુખ્ય સવાલ એ છે કે શું ઈંન્ડિયામાં આવા બનાવો બનતાં નથી ?’ કિશનના આ સવાલે સૌને વિચારતાં કરી દીધાં
મનુભાઈ કિશનના સવાલથી પોરસાઈને બોલ્યા, ‘ વાહ, કિશન, યુ કેન બી અ લૉયર ટુ!’
સ્નેહાનો કોઈ ઊંડી કંદરામાંથી બોલતી હોય એવો અવાજ આખા રૂમમાં ફરી વળ્યો, ‘ તમારી વાત સાચી છે, આવા અત્યાચારો બધે જ થાય છે….એ બધી વાતો ચર્ચા કરવા માટે બહુ જ સરસ છે. પરંતુ…એ પાંચ મહિનાની ક્ષણેક્ષણ…(આંસુ વગરનું પણ સ્નેહાનું આક્રંદ સૌએ અનુભવ્યું) મારા જીવનમાં એક એક યુગ જેવી ભીષણ બની મને આખી જીંદગી કચડતી રહેશે.’ એક ઊંડો નિશ્વાસ નાંખી બોલી, ‘ હવે હું ભવિષ્યમાં ક્યારે ય કોઈ પુરુષનો વિશ્વાસ કરી શકીશ નહીં. અને આજે હું મારા પપ્પાનો વાંક નથી કાઢતી, પરંતુ દરેક મા-બાપે સરખી તપાસ કર્યા વગર- અને ખાસ કરીને દીકરી પરદેશ જઈને સુખી થઈ જશે – એ મનોવૃત્તિમાંથી બહાર આવવું પડશે.’
‘ આવી પરિસ્થિતિમાં ડિવોર્સ લીધા હોય તેવી છોકરી સાથે તમે લગ્ન કરો ?’ કિશન અને નમન તરફ જોઈને, વેધક પ્રશ્ન રૂમમાં તરતો મૂકી નંદા સૌ માટે ચા બનાવવા ઊઠી.
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com