સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત – ૧૯૫૨ – ૧૯૫૩

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

૨૦૧૭નાં વર્ષમાં આપણે ૧૯૪૯થી ૧૯૫૩નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડમાં મોહમ્મદ રફીએ પહેલી વાર જે સંગીતકારો સાથે સૉલો ગીત ગાયું એ સમયખંડનાં. ૧૯૪૯નાં તેમ જ ૧૯૫૦ અને ૧૯૫૧નાં ગીતોને આપણે આ પહેલાં સાંભળી ચૂક્યાં છીએ. આજે હવે આ સમયખંડનાં છેલ્લાં બે વર્ષ – ૧૯૫૨ અને ૧૯૫૩નાં ગીતો સાંભળીશું.

[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]

૧૯૫૨

૧૯૫૨માં મોહમ્મદ રફીએ બધું મળીને લગભગ ૮૦ જેટલાં ગીતો ગાયાં હતાં જેમાં સૉલો ગીતોની સંખ્યા ૩૨ જેટલી છે. આવર્ષે સૌથી પહેલું સૉલો ગીત જેમની સાથે ગાયું હોય એવા સંગીતકારો તો બે જ છે. પરંતુ આ વર્ષે નૈશાદે આન, બૈજુ બાવરામાં જે ગીતો રફીનાં કંઠમાં રચ્યાં તે બધાં ગીતો ધૂમ લોકપ્રિય થયાં. તેમણે ‘દીવાના’માટે રચેલું તસવીર બનાતા હૂં તેરી ખુન-એ-જીગર સે તો ચિરસ્મમરણીય ગીત બની રહ્યું. ગુલામ મોહમ્મદે રફી સાથે ‘અજીબ લડકી’, ‘અંબર’ અને ‘શીશા’માં ફરીથી કામ કર્યું તો સી રામચંદ્ર એ સાક઼ી અને મદન મોહને અન્જામમાં રફી સાથે ફરી એક વાર કામ કર્યું. ચિત્રગુપ્તની ધાર્મિક વિષય પરની ફિલ્મ ભક્ત પુરાણ અને સીમ્દબાદ પરની શ્રેણીની ‘સિંદબાદ ધ સેલર’માં પણ મોહમ્મદ રફી માટે સ્થાન રહ્યું.આ સિવાય પણ બીજા ઘણા સંગીતકારો સથે રફી ફરીથી કામ કરતા આ વર્ષમાં જોવા મળે છે.

ઓ મૂરખ ઈન્સાન અપને કો પહેચાન – અન્નદાતા – સંગીતકાર: મોહમ્મદ સફી – ગીતકાર: અન્જુમ જયપુરી

મોહમ્મદ સફી બહુ ઉત્તમ કક્ષાના અરેંજર હોવાની સાથે સિતાર જેવાં વાદ્યમાં બહુ નિપુણ હતા. નૌશાદ સાથે તેમણે બહુ નોંધપાત્ર કામ કર્યું. સ્વતંત્રપણે તેમણે ૧૪ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું.ટિકિટબારી પરની સફળતા બાબતે નસીબે તેમને યારી ન આપી.

કિત જાઓગે ઘનશ્યામ મુરારી જાને ન દૂંગા – મોરધ્વજ – સંગીતકાર: નારાયણ દત્ત – ગીતકાર: ભરત વ્યાસ

ગીતની સૌથી વધારે ધ્યાન ખેંચતી બાબત હોય તો તે તેના પૂર્વાલાપ તેમ જ અંતરાનું ઓરકેસ્ટ્રેશન છે.

યુટ્યુબ પર ગીતના બીજા ભાગ તરીકે દર્શાવાયેલી એક બીજી ક્લિપ પણ છે.

૧૯૫૩

મોહમ્મદ રફીની કારકીર્દીના સમયખંડનાં બીજાં પાંચ વર્ષ – ૧૯૪૯-૧૯૫૩-નાં આ છેલ્લાં વર્ષમાં ફરી કે વાર તેમણે કોઈ સંગીતકાર સાથે ગાયેલાં પહેલવહેલાં ગાયેલ સૉલો ગીતની બાબતે જેટલું વૈવિધ્ય છે લગભગ એટલું જ વૈવિધ્ય તેમની સાથે ફરી ફરીને કામ કરી રહેલ સંગીતકારોમાં પણ જોવા મળે છે. આ વર્ષે રફી ગાયેલાં કુલ ૭૧ ગીતોમાંનાં ૩૧ સૉલો ગીતો હતાં. આ ગીતોમાં ફરીથી સાથે થયેલ ફિલ્મોમાંથી જો એક યાદગાર ગીત નક્કી કરવું હોય તો મારો મત યે દુનિયા પાગલોકા દરબાર માટે રહે

આડવાત:

હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં કદાચ આ એક માત્ર વર્ષ હશે જેમાં મોહમ્મદ રફી એ ત્રણેય કપૂર ભાઈઓવાળી ફિલ્મ માટે ગીત ગાયાં હોય. જો કે એ ત્રણમાંથી શશી કપૂરનો જેમાં અભિનય હોય એવી ‘દાના પાની’માં શશી કપૂર તો માત્ર ૧૪ વર્ષના હશે. એટલે તેમને ભાગે કોઈ ગીત ગાવાનું આવ્યું હોય એવું બનવાની શક્યતાઓ ઓછી છે.

ઘટા મેં છૂપ કર…જો દિલ કી બાત હોતી હૈ – બાઝ – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મ જગત માટે ૧૯૫૩ સુધીમાં ઓ પી નય્યર કે ગુરુ દત્ત સાવ અજાણ્યાં નામ નહોતાં રહ્યાં. પણ પોતાનાં દિગ્દર્શનવાળી ફિલ્મ જાતે મુખ્ય અભિનેતા તરીકે ભૂમિકા ભજવવી એ ગુરૂ દત્ત માટે પહેલો અનુભવ હતો. ઓ પી નય્યર સાથે પણ આ પહેલી વાર કામ થયું. કવ્વાલીની શૈલીમાં રચાયેલું,તોફાની ગીત ભલે રફીને ફાળે આપ્યું પણ ખરૂં રોમેંન્ટીક ગીત મુઝે દેખો હસરત કી તસવીર હૂં મૈં તો તલત મહમૂદના સ્વરને ફાળે જ ગયું હતું.

કોઈ અમીર હૈ કોઈ ગરીબ હૈ – દાના પાની – સંગીતકાર: મદન જૂનીયર – ગીતકાર: કૈફ ઈર્ફાની

ફિલ્મની ક્રેડીટ્સમાં શશી કપૂરનું નામ જોવા મળે છે. ફિલ્મના સંગીતકાર વિષે ખાસ કંઈ જાણવા નથી મળતું.

અજબ તેરી દુનિયા હો મોરે રામા – દો બીઘા જમીન – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

સલીલ ચૌધરીની સંગીત નજરમાં મોહમ્મદ રફી ભલે પ્રથમ પસંદગી નહોતા, પણ એ બન્નેનાં સહકાર્યમાં હિંદી ફિલ્મ જગતને કેટલાંક અદૂભૂત ગીતો મળ્યાં એ વાત તો તાંબાનાં પતરે કોતરાઈ ગઈ છે. પ્રસ્તુત ગીત એ કેડીનું પ્રથમ ચરણ છે.

જલ જલ કે શમા કી તરહ ફરીયાદ – ફરીયાદી – સંગીતકાર: બલદેવ નાથ બાલી – ગીતકાર: મુઝફ્ફર ઓરખઝાઈ

ગીતકાર કે સંગીતકાર બન્ને સાવ અપરિચિત જરૂર છે, પણ કરૂણ ભાવનાં ગીતમાં રફીની શૈલી તેમની આગવી પહેચાનની છાપ ઉજાગર કરે છે.

મોહબ્બત ઔર વફા કી….ચન્દા કા દિલ ટૂટ ગયા રોને લગે સિતારે – ખોજ – સંગીતકાર: નિસાર બાઝમી – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

નિસાર બાઝમી એટલું આદરણીય નામ ગણાતું કે કહેવાય છે કે મોહમ્મ્દ રફીએ આ ગીત ગાવા માટે માત્ર શુકનનો એક રૂપિયો જ લીધેલો.

ફિલ્મનાં ક્રેડીટ્સમાં શમ્મી કપૂર જોવા મળે છે.

સુલગ રહી હૈ હુસ્ન કી સીગડી આજા પકાયે પ્રેમકી ખીચડી – મદમસ્ત – સંગીતકાર: વી બલસારા – ગીતકાર: મધુકર રાજસ્થાની

ગીતના શબ્દો પરથી સૂક્ષ્મ કટાક્ષ હાસ્યના ભાવનું ગીત છે, પરંતુ પૂર્વાલાપ અને અંતરામાં મેંડોલીનના બહુ ઓછા સાંભળવા મળે એવા પ્રયોગ વડે વી બલસારા પોતાની ઓળખ જરૂર છોડી જાય છે.

ચુડીયાં લે લો ગોરી, પહેન લે ચુડી – પાપી – સંગીતકાર: એસ મોહીન્દર – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

આ ફિલ્મની એક ખાસ બાબત એ છે કે રાજ કપૂરે ડબલ રોલ કર્યો હોય એવી આ એક માત્ર ફિલ્મ છે. ફિલ્મનું બીજું એક સૉલો – તેરા કામ હૈ જલના ઓ પરવાને – સારૂ એવું લોકપ્રિય રહ્યું હતું.

નરમ નરમ યે ગરમ ગરમ યે ચણે ગગન કે તારે – રંગીલા – સંગીતકાર જમાલ હુસૈન – ગીતકાર એસ એચ બીહારી

આ ફિલમાં બીજાં પણ બે સૉલો ગીતો છે – નાદાન ન બન એ મતવાલે..કુછ હાથ નહીં અને સુન સુન મેરી કહાની મુશ્કીલ હૈ જાન બચાની. પરંતુ પ્રસ્તુત ગીત પસંદ કરવા માટેનૂં કારણ તેનો આ પહેલાંના ગીત સાથે એક અનોખો સંબંધ છે. હા, ખ્યાલ આવ્યોને- બન્ને ગીતો હીદી ફિલ્મોમાં એ સમયે બહુ પ્રચલિત એવા ગીત પ્રકાર ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા– નાં ગીતો છે.

મોહમ્મદ રફીની કારકીર્દીનાં ૧૯૪૯થી ૧૯૫૩નાં બીજાં પાંચ વર્ષમાં સંગીતકાર સાથે પહેલાં સૉલો ગીતના આંકડા પર નજર કરીએ – ૧૯૪૯માં ૧૦, ૧૯૫૦ અને ૧૯૫૧માં પાંચ પાંચ, ૧૯૫૨માં બે અને ૧૯૫૩માં ૮.

આ તબક્કે મોહમ્મદ રફી સાથે ફરી ફરીને કામ કરી રહેલ સંગીતકારોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળે છે તેમ કેટલાક સંગીતકારો સાથે તેમનાં ગીતો બેહદ લોકપ્રિયાતા પણ આંબવા લાગ્યાં છે. એટાલે આપણા વિષયના સંદર્ભમાં હવે પછીના પાંચ વર્ષનો રસપ્રદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *