યૂં કિ સોચનેવાલી બાત : અમે – આજનાં – અમદાવાદી – કેવાં?

Facebooktwitterredditpinterestlinkedinmail

આરતી નાયર

અમે (આજના) અમદાવાદી – એટલે વળી કેવાં? સવાલ ઘણો સીધો, પણ જવાબ આપવો અઘરો ![i] બધાં પાસાં નહી આવરી શકાયાં હોય અને મારા પોતાના પૂર્વગ્રહો પણ એમાં ભળ્યા હશે એટલી મર્યાદા સાથે, હું મારી દૃષ્ટિએ જવાબ આપવા પ્રયાસ કરીશ.

સામાન્ય પણે અમદાવાદનાં લોકો ઉષ્માવાળાં વધારે, પણ કચકચીયાં ઓછાં.અહીં બહુ ઝઘડાટંટા થતાં જોવા નહીં મળે. લોકો પાસે નથી તો એ માટે સમય કે નથી કોઈ બાબતે બહુ પરવા. હા, ક્યારેક ઊંચા અવાજે થોડી ભદ્રઅભદ્ર શાબ્દિક ચડભડ થઈ જાય, પણ મુંબઈ કે દિલ્હીની જેમ એ હાથોહાથની મારપીટમાં જલ્દી નહીં ફેરવાઈ જાય. અહીં વાતાવરણમાં તંગદીલી નહીં અનુભવાય. કદીકભાર કોઈ તમારી સાથે ગેરવર્તણૂક કરે તો બીજાં તમારી મદદે આવીને ઊભાં રહેશે.

અમારી હોટેલ્સ, રેશ્તરાં કે દુકાનોમાં પણ તમારૂં ખાસ ધ્યાન રાખવામાં આવે. ગુજરાતી ગ્રાહક સાથે અસભ્ય વર્તન કરો તો તમારો ધંધો ચાલે નહીં.અમારા રીક્ષાવાળાની ટ્રાફિક સૂઝ તેમની પોતાની બહુ અનોખી (!) પણ, જયપુર કે દિલ્હીમાં સવારીના અનુભવોની સરખામણીમાં મેં તો અમદાવાદના રીક્ષાવાળાને બહુ જ ભરોસાપાત્ર અને વિશ્વાસુ જ અનુભવ્યા છે. આપણે એ લોકો સાથે પ્રેમ અને સન્માનથી વાત કરીએ તો તેનો પડઘો જરૂર પડે. ૨૦૧૬માં મને પીઠના નીચેના ભાગમાં પીડા અનુભવાતી ત્યારે ચોમાસામાં પણ મને રીક્ષાની મુસાફરી દરમ્યાન આંચકો ન લાગી જાય એવી દરકાર પણ એ રીક્ષાવાળાભાઇએ કરેલી. એક વાર હું મારૂં પર્સ રીક્ષામાં ભૂલી ગઈ. હું એ રીક્ષા પાછળ દોડી. પર્સ મળ્યું પછી એ ભાઈએ કહું કે ‘બેન, મને મળત તો પણ હું અહીં જરૂર પાછો આવત.’

શહેર થોડું ધીમું ખરૂં – ઑફિસો અને દુકાનો સવારે ૧૦.૩૦ -૧૧.૦૦ વાગ્યા પછી જ શરૂ થાય. ઓછા ટ્રાફિકની સાથે લોકો જિંદગીની લયને માણી લે. કાલબાલની બહુ ચિંતામાં પડ્યા સિવાય, આમારી ખુશીઓ આજમાં જ પરોવાયેલી હોય. ઑફિસનો દિવસ પૂરો થાય પછી તેની તાણ લઈને ઘરે નહીં જવાનું. મોટા ભાગની ઑફિસો પણ સાંજે સમયસર બંધ થઈ જાય. લોકોને પૈસા કરતાં જીવનમાં શાંતિ વધારે વહાલી. વધારે પગાર મળવાને પરિણામે ઑફિસમાં મોડે સુધી કામ કરવું પડે તો વહેલું મોડું રાજીનામું આવ્યું સમજો. પોતાની દુકાન કે વ્યવસાય ધરાવતાં લોકો પણ બપોરે જમવા ઘરે જવાનાં અને પછી એક નાની શી ઊંઘ ખેંચીને જ કામે ચડવાનાં. આ ગતિએ ચાલતી જિંદગી એ લોકોએ જાતે પસંદ કરી છે અને લોકો માટે મહામૂલી પણ છે. નોકરી કરતાં હોય, પણ મન તો વેપાર કરવાનાં સાહસમાં જ હોય. શેર બજાર પર તો અમારૂં જ રાજ. જે કંઈ કરીએ એ પાકાં આયોજનથી જ કરીએ – રજાઓમાં ફરવા જવું હોય તો તૈયારીઓ પાંચ-છ મહિના પહેલાં શરૂ થઈ જાય. કોઈ પણ સીઝનમાં ક્યાંય પણ રજા માણવા જઈએ પણ ફાયદો તો કસી જ લેવાનો !

અમદાવાદીઓની ટ્રાફિક સેન્સ તો એક પૂરા ડીગ્રી કૉર્સની તાલીમ માગી લે એવી છે. આમ તો ટ્રાફિક સેન્સ ન બરાબર જ કહી શકાય. રોંગ સાઈડથી ઘૂસવું, સિગ્નલ ન પાળવાં, રસ્તો રોકીને વાહન પાર્ક કરવું એ તો અમને ‘સહજ’ છે. અમારે ત્યાં કુલ ૫૪ ફ્લાયઓવર્સ છે તેનું અમારૂં અભિમાન સુરતના ૯૮ ફ્લાયઓવર્સ પાસે જ ઝાંખું પડે. અમારા રસ્તા ચોમાસાં પહેલાં અને ચોમાસાં પછી વળી જૂદું જ રૂપ ધારણ કરે. આ એક બાબતે અમે મુંબઈ સાથે ખરાખરીની સ્પર્ધામાં ઊણાં ન પડીએ.

અમારી ખોરાકની ટેવો થોડી વિચિત્ર ખરી. ચીઝ કે પનીર સાથે કંઈ પણ ચાલે. ‘તળ અમદાવાદી’ કહેવાય એવી તો ખાસ કોઈ વાનગી ન કહેવાય, પણ તેમ છતાં અમારે ત્યાં મળતાં ગુજરાતી વ્યંજનો સ્વાદિષ્ટ તો ખરાં. ગુજરાતી થાળી ખાવાનું નક્કી કર્યું હોય તો તે પછી કોઈ મિટીંગ ન ગોઠવવી. બહાર મળતાં ફરસાણોમાં અમને પાણીપુરી કે ખમણ કે સેવપુરી કે ભેળ કે દાળવડાં વધારે ભાવે. ઘરે અમે બટાકા પૌંઆ, થેપલાં, ભાખરી અને ખીચડી વધારે પસંદ કરીએ. છેલ્લાં પાંચ સાત વર્ષોમાં અમારે ત્યાં ‘મેગ્ગી’ના સ્ટૉલ્સ બહુ ફૂટી નીકળ્યા છે. અહીં ‘બટર મેગ્ગી’ કે ‘ચીઝ મેગ્ગી’ કે ‘ડબ્બલ ચીઝ મેગ્ગી’ તો વળી વધારે ખવાય. મેગ્ગીમાં નથી કંઈ નવું કે નથી કંઈ ગુજરાતી કે નથી તે ખીસ્સાંને પરવડે તેવું ! જેની પડતર માંડ દસપંદર રૂપિયા થાય એવી મેગ્ગી જેવી સાવ સીધી વાનગીની એક ડિશના ૬૦-૮૦ રૂપિયા ખર્ચી કાઢીએ. અમદાવાદમાં વડાપાંઊંનું પાઊં પાછું તેલ કે માખણમાં સાંતળવામાં આવે (જે ખુદ એક મજાક જ પરવડતી હોય છે) આમ તો આ વાનગીનું કંઈ જૂદું નામકરણ કરવું જોઈએ કેમ કે તેમાં ‘વડા પાંઊ’ જેવું ભાગ્યે જ કંઈ હોય છે. અમદાવાદીઓને ‘પંજાબી’ અને ‘સાઉથ ઇન્ડીયન’ પણ બહુ ભાવે, પણ ૯૯% કિસ્સામાં તમને તે મૂળ સ્વાદમાં અહીં ન મળે. અરે, અમે તો થાઈ કે મેક્સિકન વાનગીનું પણ ગુજરાતીકરણ કરીને જ ખાઈએ. લોકોની માગણીને માન આપીને ‘ચાઈનીઝ’માં થોડું ગળપણ અને જાજા મસાલા ઉમેરાયા હોય અને ‘મેક્સિકન’ સાવ સ્પાઈસી ન બને. અમને તો અમે ભલાં અને અમારી આ દુનિયા ભલી.

છેલ્લાં થોડાં વર્ષોમાં શહેરને સુંદર બનાવવાની પરિયોજનાઓએ પહેલાં જે થોડા ઘણા ફૂડ સ્ટૉલ્સ હતા તેને પણ દૂર કર્યા છે. માર્ચ-મે મહિનામાં અમદાવાદી જ્યારે ગરમાગરમ થઈ જાય ત્યારે યુનિવર્સિટી વિસ્તારમાં CCD (કૅફૅ કૉફી ડે)માં પાંચ જણા વચ્ચે એક કોફી માણતાં વિદ્યાર્થીઓ જોવા મળશે. અહીં મોટાં ભાગનાં રેશ્તરાં વધારે પડતાં મોંઘાં કહી શકાય. ઠીકઠાક એમ્બીયન્સવાળાં સારાં રેશ્તરાંમાં એક સરેરાશ સેન્ડવીચ ૨૫૦ રૂપિયામાં મળે. એટલે પછી દિલ્હી, મુંબઈ કે કોલકત્તા જેવું વાનગી વૈવિધ્ય ક્યાંથી જોવા મળે ! અહી મોટા ભાગનાં નોન-વેજ ખાનારાંઓએ ‘પવિત્ર શાકાહારી’ બની રહેવું પડે. માંસાહારી ખોરાક વિષે કહેવાતી નફરત બાબતે વધારે તો આડંબરનો આંચળો જ હોય. બોલો, આખી દુનિયાં ‘વેજ ઓન્લી’ પીરસતું ‘ સબવે’ રેશ્તરાં અમારે ત્યાં જ હોય!

કળા અને મનોરંજનની બાબતે અમે વંચિત જાતિમાં આવી શકીએ. હકીકત તો એ છે કે અહીં મોટા ભાગનાં લોકો માટે શનિવાર પણ કામનો દિવસ હોય છે, એટલે સપ્તાહાંત છુટ્ટી એક જ દિવસની હોય. અહી અમારે નથી તો કોઈ દરિયા કિનારો કે નથી કોઈ પહાડો કે નથી કોઈ જંગલો, જ્યાં ઓછાં ખર્ચે જઈને મન મોકળું કરી શકાય. કાયદેસર તો અમને મદ્ય પણ નિષેધ એટલે પબ કલ્ચર તો અહી ક્યાંથી હોય ! મન થાય ત્યારે અહીનાં લોકો ખુશી ખુશી રતનપુર કે આબુ કે ઉદયપુર જઈને મન મૂકીને (એટલે કે – દિવસરાત) ગળું ભીનું કરી આવે. અમારૂ એક વારનું એક માત્ર ‘ફ્રી’ ફરવાનું સ્થળ, કાંકરીયા ‘તળાવ’ પણ હવે તો ચારેબાજૂથી બાંધી લીધું એટલે સવારના આઠ પછી ત્યાં જવા માટે પણ પૈસા પડે છે.હા, વિના ખર્ચે ‘રીવરફ્ર્ન્ટ’ ફરવા જવાય, પણ એ આમ પણ બહુ ‘કુદરતને ખોળે’ તો નહોતું જ લાગતું. તેમાં હવે પાછું તે ટ્રાફિકના ઘોંધાટથી પ્રદૂષિત પણ થતું ચાલ્યું છે. ‘વિકાસ’ની (ઘણી વાર તો ગેરકાયદે) કોંક્રીટી દોડમાં અમારા કુદરતના ખોળાને મળતો હરિયાળો છાંયડો પાંખો થતો ચાલ્યો છે. લોકોએ તેમનાં વૃક્ષોનું જતન કરવામાં અક્ષમ્ય બેદરકારી દાખવી છે. જો આમને આમ ચાલ્યું તો તેની બહુ ભારી કિંમત ચૂકવવી પડશે. આ દિશામાં આરજે ધ્વનિત જેવાં કેટલાંક નામી લોકોએ બહુ સ્તુત્ય કામ કર્યું છે, પણ એટલાથી અમારૂં દળદર ફીટે તેમ નથી. જ્યારે જ્યારે પ્રધાનમંત્રી કે વિદેશનાં કોઇ મોંધેરાં મહેમાન અમરી મુલાકાતે આવે ત્યારે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ જરૂર ગોઠવાય. પણ અમદાવાદની વધતી જતી કાળઝાળ ગરમી અને લોકોની ધરાર બેદરકારીની સામે આટલાંથી રાહત ક્યાં પહોંચે !

જૂનાં, કિલ્લાની અંદર વસતાં, શહેરની એક સમૃધ્ધ ધરોહર છે, જેનાથી આજની પેઢી મોટા ભાગે અજાણ છે. જો કે શહેરને ‘હેરિટેજ સિટિ’ તરીકેનો દરજ્જો મળ્યા પછી આ પરિસ્થિતિ બદલવા માટે ‘હેરિટેજ વૉક’ જેવા કંઈક કંઈક કાર્યક્રમો થતા રહે છે. લોકો મોટે ભાગે સપ્તાહાંતમાં મોંધાંદાટ થિયેટરોમાં ફિલ્મો જોવા જાય. બીજાં મેટ્રો શહેરો કરતાં થિયેટરોની ટિકિટ થોડી ઓછી મોંઘી કહી શકાય, પણ અમદાવાદમાં ટિકિટોના જે દર હતા તેના કરતાં તો આજે ઘણું મોંઘું કહી શકાય. જેના માટે અમે ગર્વ લઈએ છીએ એવો અમદાવાદનો મોટામાં મોટો મૉલ – આલ્ફા મૉલ – ૧૬ એકરમાં ફેલાયેલો છે (જેની સામે ચેન્નઈનો ફિનીક્ષ મૉલ ૫૭ એકરમાં વિસ્તરેલો છે). આખાં શહેરમાં ગણીને ૧૦ મૉલ છે જેમાં ગાર્મેન્ટ, જ્વેલરી, જૂતાં ચપ્પલ જેવી વસ્તુઓ કે પિત્ઝા કે એવા ફાસ્ટ ફૂડના ફૂડ કૉર્ટ સિવાય બહુ આકર્ષક/ મજા પડે એવું / નવોન્મેષી કશું હોતું નથી. શહેરમાં હજૂ સ્ટારબક્સ કૅફૅ નથી. એક સમયે નાટકો ભજવાય એવાં થોડાં થિયેટરો હતાં, પણ હવે એ પ્રવૃત્તિઓ પણ સુષુપ્તાવસ્થાની દશામાં ચાલે છે. હવે થોડા ઘણા કોમેડી શૉ અને કન્સર્ટ્સ થાય છે.ગ્રાઈન્ડર-ટીંડર ડેટીંગ વ્યવસ્થામાં ધીમી ગતિએ થઈ રહેલા સુધારાવધારા માં ઝડપ આવે એની જરૂર પણ તાતી છે.

અમારે ત્યાં બૌધ્ધિક ચર્ચાઓની તકો તો વળી ઘણી જ ઓછી રહેતી હોય છે. ખાટલે મોટી ખોડ એ કે અહીં પુસ્તકાલયો જ ગણ્યાં ગાઠ્યાં છે. તેમાં વળી લોકોને, ન તો ગુજરાતીમાં કે ન તો અંગ્રેજીમાં, વાંચવા લખવાની ટેવ.. પાનના કે ચાના ગલ્લા પર થતી ‘પડીકાંઓ’ પરની ચર્ચાઓ (!) સિવાય રાજકારણ, ધર્મ, સાહિત્ય જેવા વિષયો પર ચર્ચાવિચારણાઓ ક્યારેક જ થતી હોય તેવાં વાતાવરણમાં ફિલોસોફી કે વિજ્ઞાન કે ઈતિહાસ જેવા વિષયો પરની ચર્ચાઓ તો ક્યાંથી થતી હોય ! એટલે જ્યારે આવા વિષય પર ગંભીર ચર્ચા કરવાના પસંગ પડે ત્યારે લોકો કફોડી હાલતમાં મુકાઈ પડતાં જોવા મળે છે. સરેરાશ અમદાવાદી અંગ્રેજીમાં નિપુણતાની તો નજીક ન હોય એ કદાચ સમજાય, પણ વધારે ખૂંચે એવી બાબત તો એ છે કે નવી પેઢી ગુજરાતીમાં પણ પ્રાવીણ્યની બાબતે બહુ પાછળ રહી જતી દેખાય છે. સામાન્ય વાતચીતમાં તો આપણને ચીડ ચડી જાય એવું ભેળસેળીયું ગુજલીગ્સ જ કાન પર અથડાયા કરે. શહેરમાં આઈ આઈ એમ, સેપ્ટ, એન આઈ ડી જેવી રાષ્ટ્રીય કક્ષાની ત્રણ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ, ઈસરો કે પીઆરએલ જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓ છે, પણ ત્યાં ભણતાં વિદ્યાર્થીઓ કે કામ કરતાં લોકો બહારનાં – ‘પરગ્રહ’વાસી કે બહુ બહુ તો ‘રહસ્ય’મયી – જ ગણાતાં રહ્યાં છે. જો કે શહેરની નાનીમોટી સંસ્થાઓમાં વર્ષ દરમ્યાન યોજાતા પરિસંવાદો કે ફિલ્મ ફેસ્ટ્સ કે કાર્યશાળાઓ કે કોઈ સામાજિક ઉદ્દેશ્યમાટે થતી વૉકાથૉન જેવા કાર્યક્રમોમાં લેવાતા રસનું પ્રમાણ ન સમજણ પડે એવી રીતે વધતું જણાવા લાગ્યું છે. દેશમાં બીજે બધે છે તે જ રીતે શહેરમાં LGBT જેવા ટુંકા શબ્દપયોગનો અર્થ જેમ જેમ સમજાવા લાગ્યો છે, તેમ તેમ તે મોટા ભાગનાં લોકોને મન વધારે ને વધારે શરમજનક પણ મનાવા લાગ્યો છે.

ઉત્સવો ઉજવવાની વાતે અમે લોકો ગાંડાં. ઉત્તરાયણની ઉજવણી બે દિવસ તો ખરી જ અને આગળ પાછળ શનિ રવિ હોય તો એ દિવસો પણ પતંગ ચગાવવા પાછળ ઘેલાં થઈએ – સાથે લટકામાં દસ પંદર દિવસથી દોરીને કાચનો માંજો ચડાવવાની દોડાદોડ , ભાત ભાતની પતંગો અને ટુક્કલો ખરીદવાની યોજનાઓ અને વ્યૂહરચનાઓ, તહેવારના દિવસોમાં સગાંઓ અને મિત્રો સાથે ઉંધીયાં કે પાચ છ જાતની ચીક્કીની જ્યાફતો અને ખરા સમયે આડોડાઈ કરતા પવનની ફરીયાદો તો ખરાં જ. અમારે ત્યાં દીવાળીનો બીજો દિવસ એ અમારાં નવાં વરસનો પહેલો દિવસ. એ દિવસોમાં પાંચ પાંચ દિવસ સુધી શહેરમાં કામકાજો બંધ પડી જાય. હવે તો શિવરાત્રી, રામનવમી કે દશેરાને દિવસે પણ પરિસ્થિતિ એવી જ હોય છે. જો મોજણી કરવામાં આવે તો ઉત્સવોને કારણે પડાતી રજાઓમાં અમે પહેલાં આવીએ એ વાતે હવે કોઈ નવાઈ ન કહેવાય ! બેકલેસ ચોળીઓ પહેરીને મોડી રાત સુધી બિંદાસ ઘુમતી યુવતીઓને લીધે નવરાત્રી તો જાણે મહિલા ઉત્કર્ષની ઉજવણીનો જ તહેવાર લાગે. નારી જગતને અમદાવાદમાં રહેવાનો આ વિશેષ લાભ છે.

છેલ્લા કેટલાક દશકાઓમાં શહેરમાં નરી આંખે દેખાતું મુસ્લીમ વસ્તીનું ‘ઘેટ્ટોકરણ’ પણ થઇ ચૂક્યું છે. એ માટેનાં કારણો કંઈક અંશે રાજકીય છે તો કંઇક અંશે લોકોની ઘર કરી ગયેલી માન્યતાઓ છે. અમુક ચોક્કસ વિસ્તાર સિવાય મુસ્લીમ માટે ઘર ખરીદવું શક્ય જ નથી. દેશમાં લગભગ બધે જ છે એમ દલિતો સામે પણ વણકહ્યો, ઠંડો, પૂર્વગ્રહ અહીં પણ છે. કેટલી (તથાકથિત) ઉચ્ચ જાતિઓને વળી માંસાહારી લોકો માટે ભારે અસહિષ્ણુતાની ભાવના છે. વિકાસને નામે વંચિત કોમોનાં સ્થળાંતરનાં કોકડાં પણ ગંચવાયા જ કરતાં રહે છે. સહુથી વધારે ખેદજનક બાબત એ છે કે મોટા ભાગનાં લોકોને આ વિષે કંઈ જ પડી નથી. આ એક બાબત એવી કહી શકાય જેમાં અમે સમગ્ર દેશ (કે દુનિયા)થી અળગાં નથી પડતાં. ગુજરાતીઓ શાંતિપ્રિય પ્રજા તરીકે પ્રખ્યાત છે, પરંતુ અમદાવાદીઓ બહુ વધારે પડતા શાંત – ઠંડા કહી શકાય એટલી ધીરજવાળાં – છે. કોઈ બિનમહત્ત્વના તો ઠીક પણ અતિ મહત્ત્વના મુદ્દા પર તેમનામાં વિરોધનો કોઈ ભાવ જ નથી ઊઠતો. કદી ક્વચિત ક્યાંક્થી વિરોધનો સૂર ઊઠે તો તેને વ્યાપક ટેકો ન મળે.

હું પોતે જન્મે અમદાવાદી નથી. મારો જન્મ થયો હતો નડીયાદમાં અને મારાં કૌટુંબીક વારસાના મૂળીયાં છે કેરળમાં. પણ હું અહીં છેલ્લાં ૨૪ વર્ષથી રહું છું – હા, લગભગ આખી જિંદગી જ અહીં થઈ ગઈ. ભલેને ગમે એટલા વિરોધાભાસો મને અમદાવાદમાં દેખાય, પણ હું મારૂં ઘર કરીને વસવાનું તો અહીંયાં જ પસંદ કરૂં.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.


[i]

અમે અમદાવાદી – અવિનાશ વ્યાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *