





– બીરેન કોઠારી
બંધારણે ભલે સૌને સમાનતાનો અધિકાર આપ્યો, પણ બંધારણ ઘડાયાના સાડા છ દાયકા પછી ચૂંટણીઓમાં જાતિવાદનું પરિબળ જ મુખ્ય બની રહેતું આવ્યું છે. પક્ષ કોઈ પણ હોય, તેના પ્રચારનો આરંભ ભલે ગમે તે મુદ્દાથી થાય, તેનો મધ્યાહ્ન અને અંત જાતિવાદથી જ આવે છે. શું એમ કહી શકાય કે રાજકીય પક્ષો મતદારોને સમજાય એવી ભાષામાં વાત કરે છે? અથવા તો મતદારો આ એક જ ભાષા સમજે છે?
એક સમયે વિરોધીઓને ‘વિદેશી હાથ ધરાવતા’ અને ‘સી.આઈ.એ. એજન્ટ‘ની ગાળ આપવાની ફેશન હતી. ધીમે ધીમે તે સંકોચાઈને ‘પાકિસ્તાનના હાથ’ સુધી આવી ગઈ છે. તારક મહેતાની ‘દુનિયાને ઊંધા ચશ્મા’ લેખમાળામાં આવતા રસિક સટોડીયાના પાત્ર દ્વારા બોલાતા સંવાદોમાં કૌંસમાં ફક્ત ‘ગાળ’ લખેલું હોવા છતાં વાચકો પામી જાય છે કે કઈ ગાળ ત્યાં હશે. એ જ રીતે નેતાઓ દ્વારા અપાતાં વક્તવ્યોમાં મતદારો ન બોલાયેલા શબ્દો પોતાની મતિ મુજબ ગોઠવી દે છે. જો કે, વર્તમાન નેતાઓ મતદારોને એટલી માનસિક કવાયત પણ કરાવવા નથી ઈચ્છતા. તેઓ બોલવાનું, અને ખાસ તો ન બોલવાનું, બધું બોલી કાઢે છે.
સામાન્યપણે એમ કહેવામાં આવે છે કે મતદારો બહુ ચબરાક હોય છે. તેઓ ભલે કશું બોલે કે ન બોલે, પણ મત દ્વારા પોતાનો જવાબ આપી દેતા હોય છે. આ હકીકત પણ છેતરામણી જણાય એવું વારંવાર લાગતું રહે છે. આમ ન હોય તો, શા માટે વિવિધ પક્ષના નેતાઓ જે મુદ્દાથી પ્રચારનો આરંભ કરે એ જ મુદ્દાને છેક સુધી વળગી રહેતા નથી? તેઓ કોઈ પણ ભોગે મતદારને ફોસલાવવા માગે છે. ખુશ રાખીને, લાલચ આપીને, ડરાવીને, ગભરાવીને કે ધમકાવીને તેઓ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા જોવા મળે છે. અને તેમની આ યુક્તિ કારગત નીવડે છે. પહેલાં એક કાલ્પનિક દુશ્મન ઉભો કરવો, તેને મહાખતરનાક ચીતરવો, એ કેવું કેવું નુકસાન કરી શકે એમ છે એ દર્શાવી લોકોને ફફડાવવા અને આખરે તેનાથી પોતે શી રીતે લોકોને બચાવી શકશે એ લોકોના મનમાં ઠસાવવું- ચૂંટણીપ્રચારમાં આ પ્રમાણિત કાર્યપદ્ધતિ બની રહી છે. શાસનકાળનો હિસાબકિતાબ માગી શકાય એવા ઉમેદવારોને બદલે મતદારોને હજી પોતાના ઉદ્ધારક અને તારણહારની જ તલાશ હોય એમ લાગે છે. આવા ઉદ્ધારક મળી જાય એટલે તેને ખોળે માથું મૂકીને નિરાંતની નીંદર લઈ શકાય એમ મતદાર માનતા હોય એમ લાગે છે.
આપણે જોઈએ છીએ કે વિવિધ વિસ્તારના લોકો પોતાના વિસ્તારમાં ચૂંટણી ટાણે ઉમેદવારો માટે પ્રવેશબંધી ફરમાવે છે યા મતદાનના બહિષ્કારનું એલાન આપે છે. આ રીતે તેઓ પોતાનો રોષ પ્રગટ કરતા હશે. છતાં એ હકીકત છે કે ઉમેદવારો સામાન્યપણે વધુ પ્રમાણમાં મતદારો ધરાવતી સોસાયટી કે વિસ્તારનું નાનું એવું કામ કરી આપીને પોતાની તરફેણ નિશ્ચિત કરી લે છે. આવાં લોકભોગ્ય પગલાંઓ મતદારોને રીઝવવા પૂરતાં બની રહે છે. ખરેખર તો શહેરવિકાસના આયોજનનું આખું શાસ્ત્ર છે, અને તેના માટે નિષ્ણાતોનું આખું ખાતું નભાવવામાં આવે છે. આમ છતાં, કહેવાતા વિકાસ માટે જે પગલાંઓ લેવામાં આવે છે તે મોટે ભાગે આયોજનના આધારે નહીં, પણ લોકપ્રિયતા અને ખાસ તો, લોકભોગ્યતાના આધારે લેવામાં આવતાં હોય છે. કેવળ એક ઉદાહરણ જોઈએ. મોટા ભાગના નાગરિકો જેને વિકાસનાં પ્રતીક માને છે એવા ફ્લાયઓવર અને પાકા રસ્તા શહેરોમાં જે પ્રમાણમાં બની રહ્યા છે એ જોતાં ટ્રાફિકની સમસ્યા હલ થઈ જવી જોઈએ. પણ આપણે જોઈ રહ્યા છીએ કે તે દિનબદિન વધતી રહી છે. આના મૂળમાં વાહનોનો વસતીવધારો જવાબદાર નથી. તેના માટે કારણભૂત છે વાહનચાલકોની ગેરશિસ્ત. કોઈ પણ ચાર રસ્તા પર માત્ર આઠ-દસ વાહનો હોય તો પણ તેઓ એકબીજાથી આગળ નીકળી જવાની પેરવીમાં ટ્રાફિક જામ કરી દે છે. આ દૃશ્ય મોટા ભાગનાં નગર કે શહેરોમાં સામાન્ય બની રહ્યાં છે. માર્ગને ગમે એટલા પહોળા કરવામાં આવે કે ચાહે કેટલાય પુલ બનાવવામાં આવે, આ વૃત્તિ નહીં સુધરે ત્યાં સુધી કોઈ ફેર પડવાનો નથી.
વડોદરામાં ચાર રસ્તે સી.સી.ટી.વી. કેમેરા મૂકવા આવ્યા. તેના દ્વારા મોટા ભાગે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચલાવતા ચાલકોની તસવીર લઈને તેમને ઘેર દંડની નોટિસ મોકલવામાં આવતી હતી. અગાઉ અનેક વાર ટ્રાફિક પોલિસ દ્વારા ચલાવાયેલી ઝુંબેશો કરતાં વધુ અસરકારક પરિણામ આ પદ્ધતિ દ્વારા જોવા મળ્યું. પણ પછી આ પ્રથાનો વિરોધ થતાં તેને પડતી મૂકાઈ. નાગરિક તરીકે આપણા જ હિતની વાત આપણે સ્વીકારીએ નહીં, તેનો વિરોધ કરીએ અને પ્રશાસન એ વિરોધને માન્ય રાખીને કાનૂની અમલ પડતો મૂકે ત્યારે જેટલો વાંક પ્રશાસન પર શાસકોના પ્રભાવનો છે, એટલો જ વાંક નાગરિકોનો છે.
મત કિમતી છે અને મતદાન પવિત્ર ફરજ છે એ આપણે સહુ જાણીએ છીએ. મતદાન ગુપ્ત હોવું જોઈએ એ પણ આપણને ખબર છે, છતાં મત આપીને આવ્યા પછી આપણે કોને મત આપ્યો એ જાહેર કર્યા વિના આપણાથી રહી શકાતું નથી. મતદારો તો ખરા જ, ઉમેદવારો પણ આમ કરતા જોવા મળે છે. હવે સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો થકી આ લક્ષણ રોગચાળાની જેમ પ્રસર્યું છે અને લોકોને ‘જાહેર’ જીવન જીવવાની આદત પડતી જોવા મળી રહી છે.
નાગરિક તરીકેની આપણી માનસિક પુખ્તતાનાં આ કેવળ પ્રતીકાત્મક ઉદાહરણ છે. દરેક ચૂંટણી સાથે નાગરિકોએ પુખ્ત થતા રહેવાનું હોય છે. આ પ્રક્રિયા સતત ચાલનારી હોવી જોઈએ. ચૂંટણી તો એક મુકામ છે. મુદ્દાલક્ષી વિચારે અને એ મુજબ કામ કરે, ચૂંટાયા પછી પોતે કયા વિસ્તારમાંથી ચૂંટાયા છે અને કયાં કામ કરવાના છે એ ઉમેદવારોને ત્યારે જ યાદ રહેશે કે જ્યારે તેમને ચૂંટનારાઓને એ યાદ હશે. આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર ગમે તે પક્ષની રચાય, લોકોની સમસ્યાઓમાં ભાગ્યે જ કશો ફેર પડતો હોય છે. પ્રશાસનને લોકાભિમુખ બનાવવાનાં સૂચનો આપણે ઉમેદવારોને કેમ આપી ન શકીએ? અને ઉમેદવાર પોતાના પક્ષની સરકાર દ્વારા પોતાના સ્તરે એ પ્રયત્ન કેમ ન કરી શકે? મતદારો જાગ્રત નાગરિક બનીને આ મુદ્દાઓ વિચારે એ જરૂરી છે. નહીંતર વધુ એક ચૂંટણીમાં વધુ એક વાર મતદાન કર્યાની ફરજ નિભાવ્યાના સંતોષથી વધુ કશી પ્રાપ્તિ આ ચૂંટણીની નહીં હોય!
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૧૨-૨૦૧૭ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
નોંધઃ અહીં મૂકેલ ઈમેજીસ નેટ પરથી સાભાર લીધેલ છે.
નાગરિકધર્મ, ન્યાયધર્મ, રાજધર્મ વગેરે હવે લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. મારો ધર્મ, તારો ધર્મ, આપણો ધર્મ અને એમનો ધર્મ. . . . બસ, આ જ શબ્દો ચલણી સિક્કા બની રહ્યા છે. બહુ જ સમયસરનો અને પ્રવર્તમાન સંજોગોમાં પ્રસ્તુત લેખ છે.