દરેક બાળકને સારૂં શિક્ષણ મળે, દરેક સ્ત્રીને સમાન હક્ક મળે અને દુનિયાના દરેક ખૂણે શાંતિ બની રહે – મલાલા યુસફ્ઝાઈ

Facebooktwitterredditpinterestlinkedinmail

(૨૦૧૪માં શ્રી કૈલાશ સત્યાર્થીને મળેલ નોબેલ શાંતિ પુરસ્કારની પાકિસ્તાનની કુ. મલાલા યુસફ્ઝાઈને પણ સહભાગી બનાવાઈ હતી. શ્રી કૈલાશ સત્યાર્થીના પ્રવચનનો ભાવાનુવાદ વેબગુર્જરી પર ૨૮મી નવેમ્બરે મુકાયો હતો. હવે કુ. મલાલાએ પુરસ્કાર સ્વીકારતી વખતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ.)

નિરંજન મહેતા

clip_image002

બિસ્મિલ્લા હીર રહમાન ઈર રહીમ. અત્યંત દયાવાન, અત્યંત ભલું ઇચ્છનાર, ખુદાના નામે,

મહામહિમ્ન રાજવીઓ, મહાનુભાવો, નોર્વેજિયન નોબેલ સમિતિના માનનીય સભ્યો, વહાલા ભાઈઓ અને બહેનો.

આજનો દિવસ મારા માટે અત્યંત આનંદનો છે. નોબેલ સમિતિએ મને આ મુલ્યવાન પુરસ્કાર માટે પસંદ કરી તે બદલ હું અત્યંત ઋણી છું.

તમારા સર્વેના સતત પ્રેમ અને સહારા માટે આભાર. વિશ્વભરમાંથી મને હજી આવતા પત્રો અને કાર્ડ માટે હું આભારી છું. તમારા સ્નેહભર્યા અને પ્રોત્સાહિત કરતાં શબ્દો વાંચી મને પ્રેરણા અને તાકાત મળે છે.

હું મારા માતા-પિતાનો આભાર માનું છું તેમના બિનશરતી પ્રેમ માટે. આભાર પિતાજી, મારી પાંખોને ન કાપતા મને ઉડાણ કરવા દેવા બદલ. હંમેશા શાંત રહેવા અને સત્ય બોલવા માટે મને પ્રેરણા આપવા બદલ મા તારો આભાર – જે આપણે જાણીએ છીએ કે ઇસ્લામનો સાચો સંદેશ છે.

આ પુરસ્કાર એક પસ્તુન, એક પાકિસ્તાની અને એક પ્રથમ યુવા તરીકે મેળવવા બદલ હું અત્યંત ગર્વ અનુભવું છું. મને ખાત્રી છે કે આ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર હું પ્રથમ છું જે હજી પણ પોતાના નાના ભાઈઓ સાથે લડે છે. હું સર્વત્ર શાંતિની ચાહક છું પણ હજી મારા ભાઈઓ અને હું તે તરફ પ્રયત્નશીલ છીએ. કૈલાશ સત્યાર્થી કે જે લાંબા સમયથી, હકીકતમાં મારા જીવનકાળથી પણ બમણા સમયથી, બાળકોના હક્ક માટે લડે છે તેમની સાથે મને પણ આ પુરસ્કાર મળે છે તે મારા માટે ગૌરવની વાત છે. મને ખુશી છે કે અમે સાથે ઊભા રહીને જગતને દેખાડી શકીએ છીએ કે એક ભારતીય અને એક પાકિસ્તાની શાંતિમાં સહભાગી થઇ ભેગા મળીને બાળકોના હક્ક માટે કામ કરી શકીએ છીએ.

વહાલા ભાઈઓ અને બહેનો, મારૂ નામાભિધાન પસ્તુનની પ્રેરણામૂર્તિ જોન ઓફ આર્ક, મૈવંદ મલાલાઈ પરથી થયું છે. મલાલા શબ્દનો અર્થ છે ‘વિષાદયુક્ત’ ‘દુ:ખી’ પણ તેમાં થોડું સુખ સમાવવા મારા દાદીમાં મને હંમેશા મલાલા – આ જગતની અત્યંત સુખી છોકરી કહી બોલાવતા. આજે હું અત્યંત ખુશ છું કે આપણે એક મહત્વના કારણ માટે સાથે ઊભા છીએ.

આ પુરસ્કાર ફક્ત મારા માટે નથી. એ તે ભૂલાયેલા બાળકો માટે છે જે શિક્ષણને ઈચ્છે છે. તે એ ગભરાયેલ બાળકો માટે છે જે શાંતિ ઈચ્છે છે. તે એ અઘોષ બાળકો માટે છે જે બદલાવ ઈચ્છે છે.

હું અહી ઊભી છું તેમના હક્ક માટે, તેમનો અવાજ ઉઠાવવા માટે…..તેમના માટે દયા ખાવાનો આ સમય નથી. પગલાં લેવાનો સમય છે જેથી આ છેલ્લી વખત આપણે એક બાળકને ભણતરથી વંચિત જોઈશું.

મેં જોયું છે કે લોકો મને જુદી જુદી રીતે વર્ણવે છે.

કેટલાક મને તાલીબાને મારેલ છોકરી તરીકે સંબોધે છે. અને કેટલાક, પોતાના હક્ક માટે લડનાર બાળા તરીકે અને હવે કેટલાક મને ‘નોબેલ લૉરિઅટ’ કહે છે.

જ્યાં સુધી મને લાગે વળગે છે હું એક હઠીલી અને સમર્પિત વ્યક્તિ છું જે ઈચ્છે છે કે દરેક બાળકને સારૂં શિક્ષણ મળે, જે ઈચ્છે છે કે દરેક સ્ત્રીને સમાન હક્ક મળે અને જે ઈચ્છે છે દુનિયાના દરેક ખૂણે શાંતિ.

શિક્ષણ એ જીવનનો એક આશીર્વાદ છે અને જિંદગીની એક જરૂરિયાત. જિંદગીના મારા ૧૭ વર્ષનો મારો આ અનુભવ છે. સ્વાત ખીણ, પાકિસ્તાનની ઉત્તરે મારા ઘરે હું હંમેશાં શાળા ચાહતી અને નવી નવી વસ્તુઓ શીખવા ગમતું. મને યાદ છે કે જ્યારે મારી બહેનપણીઓ અને હું સારા પ્રસંગે હાથમાં મહેંદી મુકતા ત્યારે ફૂલો અને ભાત ચીતરવાને બદલે અમારા હાથો ગણિતના સૂત્રો અને સમીકરણો વડે રંગતા.

અમને જ્ઞાનની પિપાસા હતી કારણ અમારૂં ભવિષ્ય શાળાના એ વર્ગમાં હતું. અમે સાથે બેસતાં અને વાંચતાં અને સાથે શીખતાં. અમને શાળાનો ચોખ્ખો અને સુઘડ ગણવેશ પહેરવો ગમતો અને અમે ત્યાં બેસી અમારી આંખોમાં મહાન સ્વપ્ના જોતાં. અમે અમારા માતા-પિતાને ગર્વાંકિત કરવા માંગતા હતાં અને સાબિત કરવા માંગતાં હતાં કે અમે અમારા ભણતરમાં શ્રેષ્ઠ રહીએ અને તે ચીજો હાંસલ કરીએ જે કેટલાકના મતે ફક્ત છોકરાઓ જ કરી શકે.

પરિસ્થિતિ તેમ જ ન રહી. જ્યારે હું ૧૦ વર્ષની હતી ત્યારે સ્વાત, જે એક પર્યટન અને સૌન્દર્યનું સ્થાન હતું તે એકાએક આતંકનું સ્થાન બની ગયું. ૪૦૦થી વધુ શાળાઓનો નાશ કરાયો. છોકરીઓને શાળાએ જતાં અટકાવી. સ્ત્રીઓને ફટકારાતી. નિર્દોષ લોકોની હત્યા થતી. અમે સર્વેએ સહન કર્યું. અને અમારા સુંદર સ્વપ્નાં દુ:સ્વપ્ન બની રહ્યા.

ભણતર એક હક્કને બદલે એક ગુનો બની ગયું.

પણ જ્યારે મારી દુનિયા બદલાઈ ત્યારે મારી પ્રાથમિકતા પણ બદલાઈ.

મારી પાસે બે વિકલ્પ હતાં, એક ચૂપ રહેવું અને હત્યા થવાની રાહ જોવી. અને બીજો હતો અવાજ ઉઠાવવો અને હત્યા થવી. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. મેં અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું.

આતંકદીઓએ અમને અટકાવવા પ્રયત્નો કર્યા અને ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ મારા મિત્રો અને મારી ઉપર હુમલો કર્યો પણ તેમની ગોળીઓ અમને જીતી ન શકી.

અમે બચ્યા અને ત્યારથી અમારા અવાજ વધુ બુલંદ બન્યા.

હું મારી કથા કહું છું, એ માટે નહીં કે તે અનોખી છે પણ તે તેમ નથી માટે.

આ કથા અનેક છોકરીઓની છે.

આજે હું તમને તેમની પણ કથા કહું છું. મારી સાથે પાકિસ્તાન, નાઈજીરિયા અને સીરિયાના મારાં મિત્રો, મારી એ બહેનોને ઓસ્લો લાવી છું, જે આ કથાના સહભાગી છે, મારી બહાદુર બહેનો શાઝીયા અને કૈનાત રીઆઝ જેમનાં ઉપર તે દિવસે સ્વાતમાં મારી સાથે પણ હુમલો થયો હતો. તેઓ કરૂણ આઘાતમાંથી પણ પસાર થયા હતાં. સાથે છે પાકિસ્તાનથી મારી સાથી કૈનાત સોમરો, જેણે બેહદ હિંસા અને નિંદા અનુભવ્યા, તેના ભાઈની પણ હત્યા થઇ હતી પણ તેણે નમતું ન જોખ્યું.

અને મારી સાથે એવી બાળાઓ છે જેને હું મલાલા ફંડ ઝુંબેશ દરમિયાન મળી હતી, જેઓ હવે મારી બહેન સમાન છે, મારી હિંમતવાન ૧૬ વર્ષની સીરિયાથી મેઝોન, જે હવે જોર્ડનમાં એક નિર્વાસિત છાવણીમાં રહે છે અને તંબુએ તંબુ ફરીને છોકરા છોકરીઓને ભણવામાં મદદ કરે છે. અને મારી બહેન અમીના જે ઉત્તર નાઇજીરિયાથી છે, જ્યાં બોકો હરમ ધમકીઓ આપે છે અને છોકરીઓનું અપહરણ કરે છે જે શાળાએ જવા ઈચ્છે છે.

મારી ઊંચી એડીને કારણે હું જે પાંચ ફૂટ બે ઇંચ છું તે ભલે એક છોકરી, એક વ્યક્તિ જણાય, પણ મારો એકલીનો અવાજ નથી, હું અનેક છું,

હું શાઝીયા છું,

હું કૈનાત રીઆઝ છું,

હું કૈનાત સોમરો છું

હું મેઝોન છું

હું અમીના છું

હું તે ૬.૬૦ કરોડ છોકરીઓ છું જે શાળાની બહાર છે. લોકો મને પૂછે છે કે શિક્ષણ કેમ જરૂરી છે ખાસ કરીને છોકરીઓ માટે? મારો જવાબ કાયમ એ જ છે

પવિત્ર કુરાનના પહેલા બે પ્રકરણોમાથી હું એક શબ્દ શીખી છું ઇક્રા જેનો અર્થ છે ‘વાંચો’ અને બીજો શબ્દ છે નુન વલ-કલમ જેનો અર્થ છે ‘કલમ વડે’.

અને તેથી મેં ગયે વર્ષે યુંનાઈટેડ નેશન્સમાં કહ્યું હતું, ‘એક બાળક, એક શિક્ષક, એક પેન અને એક પુસ્તક દુનિયાને બદલી શકે છે.’

આજે અડધી દુનિયામાં આપણે ઝડપી વિકાસ, આધુનિકતા અને પ્રગતિ જોઈએ છીએ, પણ એવા દેશો પણ છે જ્યાં લાખો લોકો હજી પણ ભૂખ, ગરીબી, અન્યાય અને સંઘર્ષ જેવી જુની સમસ્યાઓથી પીડાય છે.

ખરેખર ૨૦૧૪ આપણને યાદ આપે છે કે આજે પહેલા વિશ્વયુદ્ધ શરૂ થયાને એક શતક પસાર થઇ ગયું છે પણ આપણે સો વર્ષ પહેલા લાખો લોકોએ ગુમાવેલ પ્રાણમાંથી નીપજેલ બધા પાઠ શીખ્યા નથી.

હજી પણ સંઘર્ષ છે જેને કારણે સેંકડો નિર્દોષ લોકોએ પ્રાણ ગુમાવ્યા છે. ઘણા કુટુંબો સીરિયા, ગાઝા અને ઈરાકમાં નિર્વાસિત બન્યા છે.

ઉત્તર નાઇજીરિયામાં હજી ઘણી છોકરીઓ છે જેઓ શાળાએ જવા સ્વતંત્ર નથી. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં નિર્દોષ લોકો આત્મઘાતી હુમલા અને બોમ્બધડાકાથી હણાય છે.

ગરીબીને કારણે આફ્રિકામાં કેટલાય બાળકોને શાળાનો લાભ નથી.

ભારતમાં અને પાકિસ્તાનમાં કેટલાય બાળકો શિક્ષણનાં હક્કથી વંચિત છે કારણ સામાજિક નિષેધ અથવા તેઓ બાળમજૂરીમાં ઘસડાયા છે અને છોકરીઓ બાળવિવાહમાં.

મારી ઉંમરની મારી એક ખાસ સહેલી જે હિંમતવાન અને આત્મવિશ્વાસી છે તેણે ડોક્ટર થવાનું સ્વપ્નું જોયું હતું.. પણ તેનું સ્વપ્નું સ્વપ્નું જ રહ્યું. ૧૨ વર્ષની ઉંમરે તેને લગ્ન કરવા ફરજ પડાઈ અને થોડા સમય બાદ તેને એક પુત્ર જન્મ્યો, એ ઉંમરે જ્યારે તે પોતે એક ૧૪ વર્ષની બાળા હતી. મને ખબર છે મારી તે મિત્ર એક સારી ડોક્ટર બની શકી હોત.

પણ તે ન થઇ શકી – કારણ તે એક છોકરી હતી.

તેની આ કથાને કારણે હું આ નોબેલ પુરસ્કાર રાશિ મલાલા ફંડને અર્પણ કરૂં છું. જેથી દરેક જગ્યાએ છોકરીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવામાં મદદ મળે અને હું આગેવાનોને હાકલ કરૂં છું કે મેઝોન, અમીના અને મારા જેવી છોકરીઓને મદદ કરે. પ્રથમ આ ધનરાશિ ત્યાં જશે જ્યાં મારૂં હૃદય છે, પાકિસ્તાનમાં શાળાઓ બાંધવાનું ખાસ કરીને મારા સ્થાન સ્વાત અને શંગાલામાં.

મારા ગામમાં હજી છોકરીઓ માટે માધ્યમિક શાળા નથી. હું એક તે બાંધવા ઈચ્છું છું, જેથી મારી બહેનપણીઓ શિક્ષણ મેળવે અને તેને કારણે મળતી તકથી પોતાના સ્વપ્નાં પૂર્ણ કરે.

હું ત્યાંથી શરૂઆત કરીશ, પણ હું ત્યાં અટકીશ નહીં. હું આ લડત ચાલુ રાખીશ હરેક બાળક શાળામાં જશે ત્યાં સુધી. મારા પર થયેલા હુમલાને સહન કર્યા બાદ હું વધુ સશક્તતા અનુભવું છું કારણ જાણું છું કે કોઈ પણ મને કે અમને અટકાવી નહીં શકે કારણ હવે અમે લાખ્ખો એકસાથે ઊભા છીએ.

.વહાલા ભાઈઓ અને બહેનો, માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા, મધર ટેરેસા અને ઔંગ સાન સુ કયી, જેવી વ્યક્તિઓ એક વાર આ મંચ ઉપર ઊભી હતી. હું આશા રાખું છું કે કૈલાશ સત્યાર્થી અને મેં આજ સુધી જે પગલાં લીધા છે અને આ યાત્રામાં લેશું તે પણ બદલાવ લાવશે – શાશ્વત બદલાવ.

મને મોટી આશા છે કે આ છેલ્લી વાર છે જ્યારે આપણે આપણા બાળકોના શિક્ષણ માટે લડશું. અમે ઈચ્છીએ છીએ કે પ્રત્યેક અમારી ઝુંબેશમાં અમને ટેકો આપવા અમારી સાથે જોડાય જેથી અમે તેનો એકવારમાં નિકાલ કરીએ – બધા માટે.

મેં કહ્યું તેમ, અમે સાચી દિશામાં ઘણા પગલાં લીધા છે. હવે સમય છે છલાંગ મારવાનો.

અમે વિશ્વના આગેવાનોને એકઠા થવાની અને શિક્ષણને તેમની ટોચની પ્રાથમિકતા આપવા કહીએ છીએ.

પંદર વર્ષ પહેલા વિશ્વના આગેવાનોએ વૈશ્વિક લક્ષ્યના એક જૂથને નક્કી કર્યું, The Millennium Development Goals. ત્યાર પછીના વર્ષોમાં અમે થોડી પ્રગતિ જોઈ. શાળા બહારના બાળકોની સંખ્યા અડધી થઇ હતી. પણ વિશ્વએ ફક્ત પ્રાથમિક શિક્ષણ વિકસાવવા પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કર્યું, અને પ્રગતિ સર્વે સુધી ન પહોંચી.

આવતા વર્ષે ૨૦૧૫માં વિશ્વભરના પ્રતિનિધિઓ યુનાઇટેડ નેશન્સમાં ભેગા થશે અને Sustainable Development Goalsના હવે પછીના લક્ષ્ય નક્કી કરશે. તે વિશ્વની આવતી પેઢીઓની આકાંક્ષાઓ નક્કી કરશે. આગેવાનો આ તકને ઝડપીને દરેક બાળક માટે સ્વતંત્ર, ગુણવત્તાવાળા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બાંયધરી આપે.

કેટલાક કહેશે આ અવહેવારુ છે, અથવા બહુ ખર્ચાળ છે, અથવા બહુ સખત છે. અને કદાચ અશક્ય છે. પણ સમય આવી ગયો છે વિશ્વ માટે મોટા પાયે વિચારવાનો.

વહાલા ભાઈઓ અને બહેનો, કહેવાતી વયસ્ક દુનિયા આ કદાચ સમજશે પણ અમે બાળકો તે નથી સમજતા. એમ કેમ છે કે જે દુનિયાને અમે ‘મજબૂત’ કહીએ છીએ તે એટલી શક્તિશાળી છે કે તે યુદ્ધ કરી શકે છે પણ શાંતિ સ્થાપવા માટે કમજોર છે? એમ કેમ કે બંદૂકો આપવું સહેલું છે પણ પુસ્તકો આપવું અઘરૂં છે? એમ કેમ કે રણગાડીઓ બનાવવું સહેલું છે પણ શાળાઓ બનાવવી અઘરી છે?

આપણે અર્વાચીન, ૨૧મી સદીમાં જીવીએ છીએ અને આપણે માનીએ છીએ કે કોઈ પણ ચીજ અશક્ય નથી. આપણે ચંદ્ર પર પહોંચ્યા છીએ અને થોડા સમયમાં મંગળ પર ઉતરાણ કરશું. તો પછી આ ૨૧મી સદીમાં આપણે નિશ્ચિત હોવા જોઈએ કે દરેક માટે ગુણવત્તાવાળું શિક્ષણ એ સ્વપ્નું સાકાર થાય.

તો ચાલો, આપણે બધા માટે સમાનતા, ન્યાય અને શાંતિ લાવીએ. ન કેવળ રાજકારણીઓ અને આગેવાનો પણ આપણે સર્વેએ પણ તેમાં સાથ આપવો જરૂરી છે. હું, તમે. આ આપણી ફરજ છે.

તો આપણે કામ કરવું જોઈએ….રાહ ન જોવી જોઈએ.

હું મારા સાથી બાળકોને આવાહન કરૂ છું કે તેઓ દુનિયા ફરતે ઊભા થાય.

clip_image003

વહાલા બહેનો અને ભાઈઓ, ચાલો આપણે પ્રથમ પેઢી થઈએ છેલ્લી થવાનું નક્કી કરવા.

ખાલી વર્ગો, ગુમાવેલ બાળપણ, ગુમાવેલ કાર્યક્ષમતા, આ બધું આપણી સાથે નાશ પામે.

આ છેલ્લીવારનું હોય જ્યાં એક બાળક કે બાલિકા કારખાનામાં પોતાનું બાળપણ વિતાવે.

આ છેલ્લીવારનું હોય જ્યાં એક બાલિકા પર બાળવિવાહ માટે જબરદસ્તી થાય.

આ છેલ્લીવારનું હોય જ્યાં એક નિર્દોષ બાળક યુદ્ધને કારણે પોતાની જિંદગી ગુમાવે.

આ છેલ્લીવારનું હોય જ્યાં શાળાનો વર્ગ ખાલી હોય.

આ છેલ્લીવારનું હોય જ્યારે એક છોકરીને કહેવામાં આવે કે શિક્ષણ એ હક્ક નહીં પણ ગુનો છે.

આ છેલ્લીવારનું હોય જ્યારે એક બાળક શાળા બહાર હોય.

ચાલો આપણે અંતની શરૂઆત કરીએ. આ આપણી સાથે પૂરૂં થાય.

અને આપણે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ, અહીં જ, હમણાં જ.

આભાર.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “દરેક બાળકને સારૂં શિક્ષણ મળે, દરેક સ્ત્રીને સમાન હક્ક મળે અને દુનિયાના દરેક ખૂણે શાંતિ બની રહે – મલાલા યુસફ્ઝાઈ

 1. Pravina
  December 12, 2017 at 6:48 pm

  સુંદર. મલાલાના પૂર્વ ઇતિહાસ વિષે ય થોડું બતાવ્યુ હોત તો વધુ આનંદ આવત ભલે મલાલા જાણીતી હોય પણ તેમ છતાં યે વારંવાર તેના વિષે જાણવું, તેના માંથી પ્રેરણા લેવી ગમે છે. તેથી એ વિષે એક વિશેષ લેખ લખવા વિનંતી. સાથે એ સ્વાત પ્રદેશ વિષે ને એના વિષે ય બતાવશો.

  • Niranjan Mehta
   December 13, 2017 at 12:11 pm

   પ્રવિણાબેન,
   મંતવ્ય બદલ આભાર. આપનું સૂચન ધ્યાનમાં રાખીશ તેમ છતાં આપને મલાલાની જીવનકથાનીમાં રસ હોય તો તમે I AM MALALA નામનું પુસ્તક ક્યાંકથી મેળવીને વાંચશો તો ઘણું જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *