લ્યો,આ ચીંધી આંગળી : એક વાર ઊપર ચડી ગયા પછી વધુ ઊપર જવું હોય તો ?

Facebooktwitterredditpinterestlinkedinmail

-રજનીકુમાર પંડ્યા

દૂર એક ચીનાઈ માટીની બરણી પડી હતી. તે તરફ આંગળી ચીંધીને એમણે પૂછ્યું, “ તું આ લઈ જઈશ ?”

બરણીમાં શું વિશેષ હતું ? બહુ જૂની હતી. કોઈ કલા-કારીગરીવાળી નહોતી. કોઈ અણઘડ હાથોએ સાવ દેશી-પોટરી વર્કસમાં બનાવી હતી. ને ગમે તેવી હોય. મારે શું કામ લઈ જવી જોઈએ ? હું તો સાહેબને મળવા આવ્યો હતો. ખબર કાઢવા.

પણ હું કશો એવો જવાબ દઉં તે પહેલાં એમને બહુ જોરથી ઉધરસ ચડી. એમનાં ગળામાં સસણી બોલી. એમની આજુબાજુ ક્યાંય નેપકિન તો પડ્યા જ હશે. જોવા માટે મેં આજુબાજુ નજર ફેરવી પણ ત્યાં તો એમણે બિછાનાની બાજુમાંથી થૂંકદાન કાઢ્યું. એમાં થુંકી દીધું ને ઉપર પૂંઠાનો ટુકડો ઢાંકી દીધો. છાપાની પસ્તીથી હાથ લૂછ્યાં, પછી બોલ્યા : ‘બસ, એક ફરિયાદ છે.’

હું ટગરટગર જોઈ રહ્યો.

‘કે આ કફનો થૂંકી શકાય છે તેમ જીવ પણ થૂંકી શકાતો હોત ?’

આવું બધું નવું નવું નવી નવી રીતે બોલવાનો સાહેબને શોખ હતો.એમની પાસે જેતપુરમાં હું ત્રીજું-ચોથું ધોરણ ભણતો હતો ત્યારનો જાણું. સાતમા-આઠમા ધોરણ સુધી ગુજરાતી ભણાવતાં. દરરોજ કંઈ નવું ને નવું બોલે, મને બહુ ગમે. એક વાર તો પોતાની રચેલી કાવ્ય પંક્તિઓ પણ સંભળાવેલી : ‘સખે સરવરે, તટે તરવરે, સમી સાંજના આ ધૂસર વલયો.’

પણ સાહેબ પૂરા કવિ ના થયા. ગુજરાતીના માસ્તર થઇને રહી ગયા આ નાનકડા શહેરમાં.

એમણે ફરી મને પૂછ્યું ;‘તું આ લઈ જઈશ ?’

‘બરણીને ?’ હું બોલ્યો : ‘બરણીને મારે શું કરવી છે ?’

પછીથી બોલવાના શબ્દો અબોલ રહ્યા અને એના ભારથી એમનો ચહેરો લાલલાલ થઈ ગયો. અથવા તો પછી માંદગીને કારણે ફેફરાઈ ગયો હોય એટલે એવું મને લાગ્યું. આંખોમાં કહેવાનું બધું જ એક ચમકારો થઈને ધસી આવ્યું, બોલ્યા: ‘તું આ લઈ જા અને મને બે રૂપિયા આપ.’

બોલીને એ નીચું જોઈ ગયાં. ફરી ઉધરસ ખાવા મંડ્યા. તરત જ દેખાઈ આવ્યું કે એ ઉધરસ ખોટી ખોટી હતી. મને આવું કહ્યા પછી શરમનો રેલો અમારી વચ્ચે પ્રસરી ગયો હતો. તેને સંવારી લેવા માટે જ. જાણે કે…

‘અરે સાહેબ, મેં કહ્યું, ‘બે નહીં વધારે આપી જાઉં. પણ બરણી શા માટે લઇ જાઉં ?”

‘મફત લેવાય કંઈ ?’ એ કષ્ટપૂર્વક સ્મિત કરીને બોલ્યા :

‘લેવાય.લેવાય ‘ મેં કહ્યું; ‘શું? આ તો ગુરૂદક્ષિણાકહેવાય…”

‘પગાર ખાધો છે.’ એ બોલ્યા: ‘કંઈ મફત ભણાવ્યું છે ? ટ્યુશનના પૈસાય લીધા છે.’

વાત સાચી હતી. પગાર લીધો હતો. ટ્યુશનનો ચીરી નાખે એવો ભાવ પણ લીધો હતો. ન બૈરી-છોકરાં, ન ભાઈ-બહેન કે ઘરડાં મા-બાપ, શી જરૂર હતી ? છતાં બે હાથે રૂપિયા ઉસરડ્યા હતા.

પછી કોણ જાણે શું થયું હતું ?હું તો મારી નોકરી પર ગામ-પરગામ ફર્યા કરતો હતો. ભગવાન જાણે પાછળથી શું થયું હતું. મારા કોઈ મિત્રોય ગામમાં એવા નહોતા કે જણાવે. ગલીની છોકરીઓના સમાચારો આપે. પણ લુખ્ખા માસ્તરના સમાચાર કોણ આપે ? શા માટે આપે ? મફત કદી કોઇને એક મિનીટ પણ ભણાવ્યું નહોતું. રૂપીયા જ પડાવ્યે રાખ્યા હતા વાલીઓ પાસેથી. કોણ જાણે ક્યાં વાપરતા હશે !

જે હોય તે. આપણે શો સંબંધ એ વાત સાથે કે એમણે ભેગા કરેલા રૂપિયા ક્યાં વાપર્યા ?એ જાણે ને એમનાં કરમ.

‘આ લો’ મેં કહ્યું :‘વીસ છે, વધારે દઉં ? બાકી બરણીની શી કિંમત છે સાહેબ !’

એમના વયોવૃદ્ધ મોં પર મુંઝવણ પ્રસરી ગઈ. મારા કહેવાનો મર્મ જ એ સમજ્યા નહીં યા મને બરાબર બોલતાં ન આવડ્યું,‘શી કિંમત છે એટલે ? એટલે એમ કે લાગણી જેવી વસ્તુ આગળ બરણી જેવી ચીજની શી વિસાત !’

પણ એમણે કહ્યું : ‘બીજું તો તને શું આપું ? આથી વધારે કિંમતવાળી કોઈ ચીજ ઘરમાં રહી નથી. ટિફિનવાળો આવે છે એય વાટકાથાળી પોતાના લઈને આવે છે, એક આ બિછાનું છે. પણ ગંદુ છે, જૂનું એલાર્મ હતું તે ગયા ગુરૂવારે જ વેચ્યું ને પતરાની પેટીના ઠીક ઠીક રૂપિયા ગયા મહિને આવી ગયા. બદરૂદ્દીન વોરો અઢાર રૂપિયા આપીને લઈ ગયો.’

ફરી બહુ બોલવાનું મને ઠીક ના લાગ્યુ. એ હાંફતાં હાંફતાં અટક્યા એટલે મેં કહ્યું : ‘બરણીની શી કિંમત છે એમ કહેવાનો મારો મતલબ એ કે…”

પણ એ તો એમના તાનમાં જ હતાં : ‘બરણી ટકાઉ છે. નાની વાળ જેટલી એકાદી તિરાડ પડી હશે. બાકી એક જમાનામાં એમાં હું ખડી સાકર ભરી રાખતો હતો ને રોજ સવારે દૂધમાં નાખીને પીતો એટલે તો આ હાડ આટલું ચાલ્યું.’

‘તમે પહેલેથી જ આ ઓરડીમાં રહો છો ? નહીં સાહેબ !’

‘પહેલેથી જ,’ એ બોલ્યા :‘આનું ભાડું રૂપિયા ત્રણ, પછી વધારીને સાડી ચાર કર્યું. રંગરોગાન મારા માથે. બાકી હતી એમની એમ છે, ફક્ત એક દાદરો મેં નખાવેલો.

યાદ આવ્યું. નીચે શેરીમાંથી ઉપર આવ્યો ત્યારે જૂના જાહલ દાદરા પર ચઢીને આવ્યો હતો. પગલે પગલે ખળભળી ગયો હતો. જો આ દાદરો સાહેબે નવો નંખાવ્યો હોય અને પછી આવો થઈ ગયો હોય તો કેટલો બધો કાળ એના પરથી પસાર થઇ ગયો કહેવાય?

‘ચાલીસ’એમણે કહ્યું :‘પૂરા ચાલીસ વરસ. મકાનધણીએ ઓરડી આપી. ચોખ્ખું બોલેલા કે હવે ચકીબાઈ ન્હાઈ રહ્યાં છે.( કાઠીયાવાડમાં પૈસે-ટકે સાવ ખતમ થઇ જનારા માટે આ શબ્દપ્રયોગ કરાય છે.-લેખક) મારી પાસે નવો દાદરો નખાવવાનો જોગ નથી. તમે નંખાવી લો. પછી ભાડામાંથી વાળી લેજો. મારે તો ભાઈ, ઓરડીની જરૂર હતી તે સાઠ રૂપિયા ખર્ચીને નખાવ્યો, પણ ભાડામાંથી વાળવા જાઉં એ પહેલાં તો મકાનધણી ગત થઈ ગયો. પછી ત્રણ રૂપિયાના ભાડામાંથી વાળે શું ને વાપરે શું? કાં ?’

‘બરાબર’ મેં કહ્યું :‘આ હિસાબે ઓરડી ભલે મકાનધણીની, પણ દાદરાની સુવાંગ માલિકી તમારી કહેવાય.’

એમની આંખોમાં ચમકાર થયો, ‘હા’ એ બોલ્યા: ‘સ્વર્ગ તમારૂં,પણ સીડી અમારી, જેવી વાત થઈ.’

મને હસવું આવ્યું. એમને એના બદલે ઉધરસ ચડી.

‘હવે ?’ એમણે કહ્યું : ‘બરણી નથી લઈ જતો ?’

‘ના’ મરકીને કહ્યું :’કહેતાં હો તો એમાં ખડી સાકરેય ભરી આપું.’

‘કફ કરે…. કફ કરે….’ એ બોલ્યા :‘હવે સાકર શરદી કરે, દૂધ કરે, દહિં કફ કરે, ઘી કોલેસ્ટરોલ વધારે, ફ્રૂટ બાદી કરે, બટાટા વાયુ કરે, કઠોળ પચે નહીં, ઈંડા ગરમ પડે, તેલ ગળું પકડે, ચાથી ઉંઘ ન આવે, કોફી બંધકોશ કરે, પેટ ભરીને ખાવાથી અપચો થાય, એટલે ટિફિનેય સવાર સાંજ અડધ અડધ ખવાય. પાણી પીધા કરું, પૃથ્વી પરનું અમૃત છે એ. ખેર, ભાઇ આવું આવું છે. એક તો આ બધી ચીજો હવે પોષાય નહીં ને પોષાય તો આવા બહાના કાઢી કાઢીને લેવાનું માંડી વાળીએ. મને પેન્શન ક્યાં મળે છે ? હું તો ખાનગી નિશાળમાં હતો ને !’

એમણે બોલતાં બોલતાં હાથથી માખી ઉડાડી.

મેં ફરી ઘરમાં ચોતરફ નજર ફેરવી, ભીંતડા સિવાય કશું જ નહોતું. સામેની ચોકડીમાંથી દુર્ગંધ આવ્યા કરે, બિછાનામાં માખીઓ બણબણ્યા કરે, ખૂણામાં બે-ચાર દવાની ખાલી શીશીઓ પડેલી. કાર્ડ-બોર્ડનું એક ખોખું અને એમાં એકાદ ચોકડીવાળી લૂંગી, પીળો પડી ગયેલો સદરો અને ખાદીનું સીવેલું અંડરવેર.

‘સાહેબ’ અંતે મારાથી પૂછાઈ જ ગયું :‘આટલા વરસ અહીં નહોતો એટલે પૂછું છું. આ પરિસ્થિતિ આવી કેવી રીતે? આમ સાવ જ ખાલી !’

ફરી એમની આંખોમાં ચમકારો આવ્યો. બોલ્યા :’ખાલી ક્યાં છું ? કેમ આ દાદરો મારો નથી ? હમણાં જ તો તેં યાદ દેવડાવ્યું.’

શું બોલું ? દાદરાની માલિકી જેવી નિરર્થક વાતોમાં સરી જવું ?

થોડી વારે દાદરો ઉતરતી વખતે એનો કિચૂડકિચૂડ અવાજ સાંભળીને મન ઉદાસીથી ભરાઈ ગયું. કેવા કેવા દિવસો આવે છે ? જે વ્યક્તિ એક જમાનામાં સાહિત્યના અદભૂત પ્રદેશની સફરે અમને લઈ જતી હતી તેની સાથે આવા દાદરાની માલિકી જેવી ક્ષુલ્લક ક્ષુદ્ર વાત કરવાની !

*********

અર્ધી રાતે ‘આગ આગ’ની બૂમ ઉઠી. બેબાકળો થઈને બહાર નીકળ્યો. શેરી આખી ધૂમાડાથી ભરાઈ ગયેલી. કોઈએ કહ્યું કે સાહેબના ઘરમાં આગ લાગી છે.

આગ લાગી કે લગાડી ?કાલે જ ખાંસીની સાથે જીવ નીકળી જવાનું કહેતા હતા. બનવાજોગ છે કે પાણી-બાણી ગરમ કરતાં ક્યાંક ઝાળ લાગી ગઇ હોય !.

હાથ વિંઝતો વિંઝતો એમના ઘર લગી પહોંચ્યો.બારીમાંથી આગનો ભડકો તો દેખાયો હતો.પણ ‘બચાવો બચાવો’ની કોઈ બૂમ નહીં. આમ કેમ ? કોઈએ ઉપર જઈને તપાસ તો કરવી જોઈએ ને ? બારણાં પાસે માણસો ટોળે વળ્યા હતા. હું ગયો ત્યારે કોઈ બોલ્યું કે થોડી વાર ખમો. એક જણ બાજુની ગલીમાંથી આટલે ઉંચે પહોંચી શકાય તેવી સીડી લેવા ગયો છે.

‘અરે, સીડીની કંઈ જરૂર ?’ મેં એકદમ ચિડાઈનેકહ્યું: ‘દાદરો ક્યાં નથી ? ભલે જેવો તેવો છે, પણ છે તો ખરો ને ?’

‘દાદરો એમણે મને કાલે જ વેચી નાખ્યો.’ અચાનક એક જણ મારી પાછળથી બોલ્યો. જોયું તો સત્તાર ભંગારવાળો હતો. મેં સામે જોયું એટલે બોલ્યો : ‘મને કાલે બોલાવ્યો. કહે કે અહીંથી ઉતરતો જા ત્યારે દાદરો કાઢતો જાજે. એના રૂપિયા પચ્ચી-છવ્વી જે થાય તે રામભરોસે લોજવાળાને આપી દેજે, સમજ્યો? એના ચોપડે મારા ઉધાર બાકી બોલે છે. જા,અને જા ત્યારે દાદરો કાઢતો જાજે, હવે મારે એની જરૂર નથી.’

‘પછી ?’ મેં પૂછ્યું : ‘તું લઈ ગયો ?

‘ એમણે જ તો કહ્યું ને કે એમને હવે ઉતરવા માટે એની જરૂર નહીં પડે, એટલે…’

‘અને તોય તું કાંઇ ના સમજ્યો ?’

એને આ સવાલ ના ગમ્યો.“આપણને આપણા ભંગારના ધંધાથી મતલબ. અલ્લાએ બીજું કાંઇ શિખાડ્યું જ નથી ને ?”

એની સાથે વધુ શી વાત કરવી ?

સાહેબ દાદરા વગર જ ઉપર ચડી ગયા હતા ! Smile

************************************************************************

લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

2 comments for “લ્યો,આ ચીંધી આંગળી : એક વાર ઊપર ચડી ગયા પછી વધુ ઊપર જવું હોય તો ?

  1. Piyush Pandya
    December 11, 2017 at 11:00 am

    આમ તો કહાણી જ દર્દનાક છે પણ લેખનું છેલ્લું વાક્ય તો વાંચનારને પૂરેપૂરા હચમચાવી નાખવા સમર્થ છે.

  2. Gajanan Raval
    December 12, 2017 at 8:46 am

    All have to start last journey without any ladder…Very striking pen picture of a village teacher…Thank You Rajnibhai…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *