કચ્છના સાંપ્રત ગુજરાતી ગદ્ય સર્જકો

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શના ધોળકિયા

ગુજરાતી ભાષામાં ગદ્યલેખન કરનારા કચ્છના સર્જકોની એક દીર્ઘ પરંપરા રહી છે જેમાં નવલિકા અને નવલકથાનાં ક્ષેત્રો સૌથી વધુ ખેડાયાં છે.

કચ્છના મહત્વના વાર્તાકાર બકુલેશે એમની વાર્તાઓ દ્વારા સૌનું ધ્યાન ખેચ્યું પણ ટૂંકી વાર્તાને વળાંક તો આપ્યો ખત્રીએ. ખત્રીની વાર્તાઓમાં આલેખાયેલો આધુનિક અભિગમ, સ્ત્રી-પુરુષ સંબંધનું સંકુલ નિરૂપણ, કચ્છના પરિવેશનું આલેખન, ગદ્યની તાજગીને લઈને ડૉ. ધીરેન્દ્ર મહેતાએ નોંધ્યું છે તેમ, આજના લેખકો તેઓને પોતાના પૂર્વજ નહીં પણ સમકાલીન માને છે.

ડૉ. મનુભાઈ પાંધીની ‘ફીણોટા’, વનુભાઈ પાંધીની ‘છીપલાં’ ને ‘આવળબાવળ’, નાનાલાલ જોષીની ‘ધીમે પ્રિય’ અને ‘અનુરાગ’, ઉમિયાશંકર અજાણીની ‘ધરતીનાં વખ’, પ્રીતમલાલ કવિની ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’ અને એમની કેટલીક નવલકથાઓ, ગૌતમ શર્માની ‘રેતનાં ફૂલ’, વગેરે કચ્છના સર્જકોની પૂર્વકાલીન મહત્વની કૃતિઓ.

આગલી પેઢીના વિદ્યમાન સાહિત્યકારોમાં ઉમિયાશંકર અજાણીને વિશેષરૂપે યાદ કરવા પડે. સાહિત્યમાં તેઓએ નવલકથાકાર તરીકે વિશેષ ખ્યાતિ મેળવી છે. મૂળ વાર્તા સ્વરૂપે લખાયેલું ‘રખોપું’ પછીથી મિત્ર અને સર્જક મૂળરાજ રૂપારેલ અને પ્રાણગિરિ ગોસ્વામી સાથેની ચર્ચાને અંતે ૧૯૬૭માં નવલકથારૂપે ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થઈ અને લોકાદર મેળવ્યો. ત્યારબાદ કચ્છના ઈતિહાસને ઉજાગર કરતી એકથી વધુ નવલકથાઓ આપીને કચ્છની આરસીને તેમણે પ્રજા સમક્ષ પ્રગટ કરી આપી.

સાંપ્રત ગદ્યસર્જકોમાં કાલાનુક્રમની દ્રષ્ટિએ તેમજ ઈયત્તા ને ગુણવત્તાની દ્રષ્ટિએ ડૉ.ધીરેન્દ્ર મહેતાનું પ્રથમ ક્રમે આવે. બાર જેટલી નવલકથાઓ; ચાર વાર્તાસંગ્રહો; ત્રણ કાવ્યસંગ્રહો; નવ જેટલ વિવેચનસંગ્રહો; છ જેટલાં સંપાદનો-આટલી તેમની સમૃદ્ધ લેખનયાત્રા. અલબત્ત, તેમની ખ્યાતિ વિશેષત: નવલકથાકાર તરીકે.

ધીરેન્દ્ર મહેતાનો જન્મ તા.૨૯-૦૮-૧૯૪૪ના રોજ અમદાવાદ મુકામે; પિતા પ્રીતમલાલ, માતા રમીલાબહેન. પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષાનું શિક્ષણ વતન ભુજમાં જ મેળવ્યું. તેમાંય ચોથા ધોરણ સુધીનું શિક્ષણ તો ઘરમાં જ, માતા પાસે. પછીથી શાળામાં સાંપડેલા વત્સલ શિક્ષકોના હાથે તેમનો વિદ્યાકીય ઉછેર થયો. ભુજની રવજી રામજી લાલન કૉલેજમાં ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ.ના અભ્યાસ દરમિયાન ડૉ.રમેશ શુક્લ અને ડૉ. રસિક મહેતા જેવા વિદ્યાવ્યાસંગી અધ્યાપકોએ તેમનું હીર પારખીને તેમના વિકાસમાં રસ લીધો.

ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, ડો.હરિવલ્લભ ભાયાણી, ડૉ.રમણલાલ જોશી જેવા સારસ્વતોની નિશ્રામાં અભ્યાસ કરીને ધીરેન્દ્રભાઈએ ૧૯૬૮માં એમ.એ. અને ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’ વિષય પર આચાર્ય યશવંત શુક્લના માર્ગદર્શનમાં શોધનિબંધ લખીને ૧૯૭૬માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

વ્યાવસાયનો આરંભ આકાશવાણી, ભુજથી; રિસર્ચ ફેલોશિપ સાથે એચ.કે. આર્ટસ્ કૉલેજ, અમદાવાદમાં. ૧૯૭૦માં ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અધ્યયન કારકિર્દી આરંભી. ત્યાંથી બદલીને ૧૯૭૬માં ભુજની રામજી રવજી લાલન કૉલેજમાં ૨૦૦૬ સુધી ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. પછીથી કચ્છ યુનિવર્સિટીમાં એમ.ફિલ.ના ગુજરાતી વિષયના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે પણ તેમણે અધ્યાપન કર્યું.

ધીરેન્દ્ર મહેતાની ટૂંકી વાર્તાઓ એ સમયનાં મહત્વનાં સામાયિકોમાં પ્રગટ થવા લાગી. આ ગાળામાં તેમણે આધુનિક હિન્દી કથાકારોનો પરિચય પણ કેળવ્યો. ‘નદી કે દ્વિપ’ના વાચનથી ધીરેન્દ્ર મહેતાને સાહિત્યકાર અજ્ઞેયજીનો પરિચય થયો અને એ તેમના પ્રિય લેખક બની રહ્યા. એ જ સમયગાળામાં ગુજરાતીના સમર્થ નવલકથાકાર રઘુવીર ચૌધરીનો ગાઢ સંપર્ક થયો. રઘુવીરભાઈએ તેમના લેખનમાં ઊંડો રસ લીધો.

ધીરેન્દ્ર મહેતાની સર્જકપ્રતિભા વિવિધ સાહિત્યસ્વરૂપોને લગતાં, સાહિત્યમાં પ્રદાનને લગતાં અને સમગ્ર સાહિત્યને લગતાં સમ્માનોથી વધાવાઈ છે, જેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાતી સાહિત્ય અકાદમીનાં પાંચ પ્રથમ પારિતોષિક, ક્રિટિક્સ ઍવોર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ક.મા. મુનશી સુવર્ણચંદ્રક, ધૂમકેતુ ચંદ્રક, જયંત ખત્રી, બકુલેશ ઍવોર્ડ, ર.વ. દેસાઈ ઍવોર્ડ, હરેન્દ્રલાલ ધોળકિયા સુવર્ણચંદ્રક, દર્શક ફાઉન્ડેશન દ્વારા અપાતો દર્શક ઍવોર્ડ આદિનો સમાવેશ થાય છે.

ધીરેન્દ્રનાં સમગ્ર નવલકથા લેખનમાંથી પસાર થનાર સહૃદય એક સાથે વેદના ને સંવેદનાનો સંયુક્ત અનુભવ કરે છે. એનું કારણ એમાં રહેલી પ્રતીતિ ને સચ્ચાઈમાં પડેલું છે. લેખકની બૌદ્ધિક ને સાંવેદનિક ઊંચાઈ ને ઊંડાઈને લીધે એમની કૃતિઓ લોકપ્રિયતાનાં ધોરણને સાચવવા પ્રેરાઈ નથી તે સંસ્કૃતના આચાર્યોએ અપેક્ષેલો સજ્જ ભાવક જ એને આત્મસાત્ કરી શકે એવું એમની મોટા ભાગની કૃતિઓમાં બનવા પામ્યું છે. પણ આ જ વિશેષતાને લઈને તેઓ વિચક્ષણ ભાવકોના હૃદયમાં આગવું સ્થાન પામ્યા છે. એમની કૃતિઓમાં રહેલી ભાષાને વિચારની પંડિતયુગીન ક્ષમતાને, મનુષ્યમાં પડેલી સામાન્યતાને પ્રતિની ગાંધીયુગીન સમદ્રષ્ટિને તે વાસ્તવના તલ પર પાત્રોને સમજવાની અનુઆધુનિક સમજને ઓળખીને એમને એમના સમકાલીન સર્જકોની વચાળે પ્રશિષ્ટ સર્જક પ્રમાણિત કરે છે.

ધીરેન્દ્રની વાર્તાઓમાં પ્રયોગશીલતા છે ને પરંપરાનું સંધાન પણ. જ્યાં વાર્તા પરંપરાનુસંધિત છે ત્યાંય એને રજૂઆતમાં વ્યક્ત થતું નાવીન્ય સર્જકનો આધુનિક દ્રષ્ટિકોણ વ્યક્ત કરે છે.

ધીરેન્દ્ર મહેતાના સમકાલીન એવા સમર્થ ગદ્યકાર શ્રી વીનેશ અંતાણીને લોહીના લયમાં સર્જનની ઝંખના સાંપડી. જેમાં એમના ઘરનો પરિવેશ, પિતાનો શિક્ષકનો વ્યવસાય, ગામમાં ભજવાતાં નાટકો, કૉલેજનું શિક્ષણ ને આકાશવાણીના વ્યવસાયે ઘડતરબળ તરીકે મહત્તમ ભાગ ભજવ્યો. વીસેક જેટલી નવલકથાઓ, છએક વાર્તાસંગ્રહો, છ જેટલા નિબંધસંગ્રહો ઉપરાંત અનુવાદો, રૅડિયોનાટકો જેવી લેખનસમૃદ્ધિથી વીનેશ અંતાણીને ગુજરાતી સાહિત્યને રળિયાત બનાવ્યું.

‘પ્રિયજન’ના પ્રકાશનથી વીનેશ ગુજરાતી સાહિત્યમાં નવલકથાકાર તરીકે પ્રસ્થાપિત થાય છે. એ પૂર્વે પ્રગટ થયેલી ‘પલાશવન’માં વિચ્છિન્ન દામ્પત્યની કથા છે. તો ‘પ્રિયજન’માં વિલક્ષણ પ્રણયસંબંધની અભિવ્યક્તિ છે. કૃતિની અદ્યાપિ જળવાઈ રહેલી લોકપ્રિયતાનો મદાર એનાં વિષવસ્તુ ને અભિવ્યક્તિના સ્તર પર રહેલો છે.

વીનેશના નવલકથાલેખનમાં વતન કચ્છનો પરિવેશ આગવી મુદ્રામાં પથરાયેલો છે. તેમની નવલકથાઓમાં વિશેષત: નગરજીવન ઉપસ્યું છે. પાત્રો સંસ્કારી, સમજદાર ને તેથી સ્વસ્થ છે. ઘણી નવલકથાઓમાં ફ્લેશબેકની ટેકનિક તેમણે કામમાં લીધી છે. કેટલીક કૃતિઓમાં પ્રથમ પુરુષની નિરૂપણરીતિ અપનાવાઈ છે. સામાન્ય રીતે ગંભીર વિષયવસ્તુને આલેખતા સર્જકે એતદ કૃતિમાં હાસ્યનું અવલંબન પણ લીધું છે. લેખકની પ્રકૃતિગત વેદનશીલતા ને રણના પરિવેશે અર્પેલા અભાવોની તીવ્રતા પાત્રોમાંય આરોપાતી દેખાય છે.

આ સર્જકનાં મોટા ભાગનાં કથાનકો શહેરીજીવનની આસપાસ રચાયાં છે. પણ જ્યાં વતન કચ્છનો પરિવેશ વાર્તામાં આલેખાયો છે ત્યાં કચ્છના લોકોની બોલચાલની શૈલીને પ્રગટ કરે એવી રીતે લેખકે બોલીનું માધ્યમ સહજતાતી સ્વીકાર્યું છે.

નિબંધકાર વીનેશ અંતાણી બધા જ નિબંધસંગ્રહોમાંથી પસાર થતાં કહી શકાય કે તેના બધા નિબંધોના વિષયવૈવિધ્ય, શૈલીનું અનેરૂં સ્થાન છે. સાથે-સાથે સર્જક ખૂબ જ ઝીણવટતાથી બાળપણ, ભૂતકાળ, પ્રકૃતિ, એકલતા આદિ વિષયોને નિરખ્યા કરે છે. તેમના નિબંધોમાંથી પસાર થનાર લેખકનાં વતન કચ્છને ક્યારેય પણ ભૂલી શકતા નથી. આ નિબંધોમાં લેખકની કલ્પનાશક્તિ, ચિત્રનિરૂપણશક્તિ, અલંકારવૈભવ અને સંવેદનશીલ જીવનદ્રષ્ટિ તાદ્શ્ય થાય છે. જે નવલકથાકાર અને વાર્તાકાર વીનેશ અંતાણીને સમર્થ નિબંધકાર તરીકે સ્થાપિત કરે છે.

ધીરેન્દ્ર મહેતા ને વીનેશ અંતાણીની લગોલગ એમના સમકાલીન તરીકે રાજેશ અંતાણીનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

સર્જકનું સર્જન વિષયવૈવિધ્યથી ભરપૂર છે. એક તરફ તેમણે ‘અલગ’ જેવી કૃતિ સંયુક્ત કુટુંબની કથા આલેખતી નવલકથા રચી તો ‘સફેદ ઓરડો’ કૃતિમાં વતનપ્રેમનું સંવેદન આલેખ્યું. ‘ખાલી છીપ’ જેવી કૃતિમાં પ્રણયત્રિકોણનો સંદર્ભ છે તો ‘સંધિરેખા’ કૃતિમાં મનોરોગનો ભોગ બનેલી નારીની વ્યથા આલેખાઈ છે.

લેખકે આધુનિક યુગનો પરિવેશ આલેખ્યો છે પરંતુ સર્જક આધુનિકતાના ઘેરા પ્રભાવમાં આવ્યા નથી. તેમની કૃતિમાં ઘટનાનો લોપ નહીં પણ ઘટનાનો આધાર લઈને સર્જન થયેલું જોવા મળે છે.

હરેશ ધોળકિયાએ કુલ એકસો પચાસ જેટલી કૃતિઓ દ્વારા નવલકથા, નિબંધ, ચિંતન, કેળવણી જેવા વિષયો ખેડ્યા છે. જેમાં તેમની ‘અંગદનો પગ’ નવલકથાની પંદર જેટલી આવૃત્તિઓ થવા પામી છે. શિક્ષણ જગતને આલેખતી આ કૃતિ શિક્ષકત્વનાં શીલને ઉજાગર કરે છે. આ કૃતિમાં રામનું શૌર્ય અને રાવણની વૃત્તિનો સમન્વય છે. વાચકને ગમે તેવી પ્રવાહી શૈલીની સાથે સાથે એમાં રમતાં રમતાં મૂલ્યનિષ્ઠા પીરસાઈ છે.

આ નવલકથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેને ગુરુ ચાવી આપે છે-સાચાં શિક્ષકત્વને પામવાની. એમની અન્ય નવલકથાઓમાં આલેખાયેલો આધુનિક અભિગમ, નારીસંવેદના, જીવનને આગવી રીતે જોવાની દ્રષ્ટિ ધ્યાન ખેંચે છે. ‘ચારસો ટકા આનંદ’ એમની શૈક્ષણિક આત્મકથા છે.

સાંપ્રતકાળમાં મહત્વના સર્જક તરીકે માવજી મહેશ્વરીએ માત્ર ટૂંકીવાર્તામાં જ નહીં, નવલકથામાં પણ પોતાનું એક સ્થાન ઊભું કર્યું છે. તેમની પહેલી નવલકથા ‘મેળો’ને મળેલાં પારિતોષિકો એનું પ્રમાણ છે. આ લેખકને કોઈ એક સ્વરૂપમાં બંધાઈ રહેવું ગમતું નથી. તેમણે લલિત ગદ્ય પર પણ હાથ અજમાવ્યો ને એમાં પણ એમને યશ પ્રાપ્ત થયો. તેમના લલિત નિબંધસંગ્રહ ‘બોર’ને ત્રણ ત્રણ પારિતોષિકો મળ્યાં. અત્યાર સુધી કચ્છમાંથી માત્ર બે જ લેખકોએ લલિત નિબંધ આપ્યા માવજી મહેશ્વરી અને વીનેશ અંતાણીએ. માવજી મહેશ્વરીની આઠેક જેટલી ટૂંકી વાર્તાઓના જુદી જુદી ભાષાઓમાં અનુવાદો થયેલા છે. ‘મેઘાડંબર’, ‘કાંધનો હક્ક’ વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.

આ લખનાર દ્વારા પાંચ વિવેચનો, બે ચરિત્રગ્રંથો, કાવ્યાસ્વાદો, અનુવાદ મળીને કુલ્લ સત્તર પુસ્તકો પ્રકાશિત થયાં છે.

સાંપ્રત સમયસંદર્ભને લક્ષમાં લઈને રમીલા મહેતા, વિરાજ મહેતા, કૃષ્ણા મિસ્ત્રી, મુક્તા ખત્રી જેવાં નારી સર્જકો દ્વારા ગદ્યલેખન સાંપડતું રહ્યું છે. મૂળે કવિ તરીકે પ્રતિષ્ઠિત ને પ્રસ્થાપિત થયેલા રમણિક સોમેશ્વર પાસેથી સુંદર લલિતનિબંધો સાંપડતા રહ્યા છે. રજનીકાન્ત સોની, નલિન ઉપાધ્યાય નવલકથાક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરતા રહ્યા છે. પ્રો. કમલ મહેતા પાસેથી ચિંતનાત્મક, આસ્થામૂલક ગદ્યલેખન સાંપડતું રહ્યું છે. રવિ પેથાણીની સ્મૃતિકથા ‘સાત ઢગલી ધૂળમા’ પણ ગુજરાતીમાં નોંધપાત્ર પ્રદાન બની રહી છે. હસમુખ અબોટીને પણ તેમની સાગરકથાઓ માટે યાદ કરવા પડે.

છેક ડૉ. જયંત ખત્રીથી માંડીને છેલ્લા પાંચ દાયકા દરમ્યાન ગુજરાતના આ ગદ્યસર્જકોએ કચ્છ પ્રેદશને રાષ્ટ્રિય સ્તરે ઉજાળીને પ્રદેશને ગૌરવ બક્ષ્યું છે.

******

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *