કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૧૮

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના  પટેલ

એક ક્ષણ માટે સરલાબહેન અને ધનુબા એ નજરથી ધ્રૂજી ગયાં. પણ પડખે ઊભલાં તેમનાં ત્રણેય છોકરાંઓની તટસ્થ નજરે તેમને આશ્વાસ્યાં.

સૌ સૌને કામે વળગ્યાં પરંતુ ભાવિનના પકડાઈ ગયાનો અજંપો અને ખુશી પોતપોતાની રીતે સૌ અનુભવતાં હતાં. હવે સ્નેહાને ન્યાય મળશે એ વિચારે નંદા ખૂબ ખુશ છે. સરલાબહેનને આનંદની સાથે થોડી ચિંતા એ છે કે જો સ્નેહાનો કોર્ટમાં કેઈસ ચાલશે તો એના પપ્પા સાથે ભારત તો હમણા જઈ શકશે જ નહીંને? અને તેમ થાય તો એ રહેશે ક્યાં ? પરિભાઈ શું કરશે ? અને એમની સહાનુભૂતિ પરિમલભાઈનાં પત્ની-સ્નેહાના મમ્મી તરફ વહેવા લાગી. ‘ દીકરીને આ પરિસ્થિતિમાં પરદેશમાં સાવ એકલી રાખવી પડશે ‘ એ જ્યારે વીણાબહેન જાણશે ત્યારે તેમના પર શું વીતશે એ વિચાર માત્રથી કંપી ઊઠ્યા.

આજે કામે જવાનું છે એનો ખ્યાલ આવતાં જ સરલાબહેનનાં કામમાં ઝડપ આવી ગઈ. શૉપ ઉપર આજે જવાનો ટર્ન નંદાનો હતો એટલે એને સરલાબહેને ટીફીન બનાવીને આપ્યું. બન્ને છોકરાંઓ પોત પોતાને કામે બહાર ગયા. ગઈકાલે રાત્રે મનુભાઈ અને સરલાબહેન વચ્ચે જે બન્યું એને લીધે સરલાબહેનને પરિમલભાઈને ફોન કરવાની ઈચ્છા ન થઈ એટલે શૉપ પર જઈને સ્નેહા અને પરિમલભાઈને ભાવિનના પકડાયાની ખબર આપવાનું નંદાને કહ્યું.

‘મમ, તું જ ફોન કરી દે ને !’

‘ તું તારા ડેડને કહેજે કે પરિમલભાઈને ફોન કરીને ખબર આપી દે અને તું સ્નેહાને કહી દેજે. એ બહાને એની સાથે તારી વાત પણ થઈ જશે. ચાલ હવે તું ઊપડ નહીં તો તારા ડેડનો મગજનો પારો ઉપર ચઢી જશે.’

ધનુબાને જમાડી અને સરલાબહેને ગઈકાલે ઈસ્ત્રી કરેલા કપડાં સૌ સૌની જગ્યાએ ગોઠવી દીધાં. પછી શાક લેવા જવા તૈયાર થયાં. ધનુબા પણ વામકૂક્ષિ કરવા તેમના રૂમમાં ગયાં.

શાક વીણતા સરલાબહેનને થયું કે બાજુમાં ઊભેલું કોઈ એમની સામે જ જોયા કરે છે એટલે સહજ એ તરફ જોયું, મોઢું પરિચિત લાગ્યું એટલે આછું સ્માઈલ આપી ફરી શાક વીણવા લાગ્યાં. પેલા બાજુમાં ઊભેલા બહેને વાત કરવી શરુ કરી,

‘ કેમ છો બહેન ? યાદ છે થોડા દિવસ પહેલા અમે તમારા ઘરે આવ્યાં હતાં તે ?’

સરલાબહેને યાદ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કાંઈ યાદ આવ્યું નહીં એટલે કહ્યું, ‘ સોરી હં, યાદ આવતું નથી.’ અને ફરી શાક વીણવાનું શરુ કરવા લાગ્યા પણ પેલા બહેનને વાત આગળ વધારવી હતી, ‘ મારૂં નામ શારદા અને હું એક ભાઈ સાથે તમારે ઘરે આવી હતી અને તે જ વખતે તમારે ત્યાં પીઝાવાળો ડિલિવરી કરવા આવ્યા હતાં….’

‘ હા, હા હવે યાદ આવ્યું, તમે કોઈ સંપ્રદાયમાંથી ધર્મનો પ્રચાર કરવા આવ્યા હતાં ને ?’

‘ ના, ના બહેન, એ કોઈ સંપ્રદાય નથી અમે તો સૌ ભેગા મળી આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ. સાથે સાથે બાળકો, યુવાનો અને બહેનો માટે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ, તમે જરુર આવજો તમને મઝા આવશે.’

‘ જોઈશું ‘ કહી સરલાબહેને શાક વીણવાનું શરુ કર્યું.

પરંતુ શારદાબહેન એમને એમ છોડે તેમ લાગ્યું નહીં. , બોલ્યાં, ‘ અહીં પેલું કોમ્યુનિ ટી સેંટર આવ્યું છે ને ત્યાં જ અમે બધા ભેગા મળી ટી.વી. પર પ્રવચન જોઈએ છીએ.’

સરલાબહેને આશ્ચર્યથી પૂછ્યું, ‘ એટલે એ ઈન્ડિયાના ટી.વી પરથી પ્રસારિત થાય છે?’

શારદાબહેન ઝાઝું ભણ્યા નહોતા લાગતાં એટલે મુંઝાઈને બોલ્યાં, ‘ એ ખબર નથી પણ અમારા મોટાભાઈ કહેતા હતાં કે ઈન્ડિયાથી વિડિયો આવે છે.

સરલાબહેનને ખ્યાલ આવ્યો કે એ લોકો વિડિયો પર કોઈના પ્રવચનો સાંભળે છે. ‘સમય મળશે તો જરુર આવીશ’ કહી ઝડપથી ટીલ પર પૈસા ચૂકવવા જતા રહ્યાં.

શાક લઈને ઘરે આવતાં સરલાબહેનને તે દિવસે આવેલો વિચાર ફરીથી આવ્યો. તેમને બાળકો માટે ભારતીય સંસ્કૃતિનો પરિચય આપવાનો સમય જ ક્યાં મળ્યો હતો ? ભારત બહાર ગયેલા ઈન્ડિયનો માટે સ્થાનિક સંસ્કૃતિની સામે ભારતીય સંસ્કૃતિને સાચવવાનો ખાસ પ્રયત્ન કરવો પડતો હતો. અને પૈસા કમાવા માટે તો ઈન્ડિયા છોડ્યું હતું બે વચ્ચે બેલેન્સ રાખવું મુશ્કેલ હતું. અરે, ભારતમાં જ પોતે મોટા થયા હતાં પરંતુ બે છેડા ભેગા કરવા ઝઝૂમતા માતા-પિતા પાસે એવો સમય જ ક્યાં હતો ? વાર્તાઓ કહેવાના સમયે રાત્રે બાપુજી ખાનગી નામું લખતાં, બા સાડીના ફોલ-સ્ટીચ કરતી અને બાળકો એ લોકોને ટેકો દેતાં ! એટલે રામાયણ-મહાભારતની વાર્તાઓ પણ ભણ્યા હશે તે જ, એ પણ એટલી આવડતી નહોતી કે બાળકો નાના હતાં ત્યારે કહી શકે. ઘર, શૉપ અને વ્યવહાર સાચવવામાં બાળકો તરફ દુર્લક્ષ્ય સેવ્યાનો અભાવ તેમને આખી જિંદગીમાં પહેલીવાર આજે નડ્યો.

વિચારમાં ને વિચારમાં ઘર ક્યારે આવી ગયું તેનોય ખ્યાલ ન રહ્યો. ઘરમાં જેવાં પ્રવેશ્યાં કે તરત જ ધનુબાને ચિંતાતુર મોઢે બેઠેલાં જોયાં. સરલાબહેન તેમને ‘ શું થયું ‘ પૂછે તે પહેલા જ તેમણે કહ્યું, ‘ સરલા, પરિમલ અને મનુ- બન્નેના ફોન આવી ગયા, બજારમાં આટલી બધી વાર લગાડવાની હોય ?’

‘ શાક વીણીને લાવવાનું એટલે વાર તો લાગે જ ને, બા ? કરું છું ફોન, પહેલા જરા ગરમા ગરમ ચા પીવી છે.’ કહી રસોડામાં ગયાં.

ધનુબાને ચા-નાસ્તો અને શાક સુધારવાનું આપી પોતે ચા અને ફોન લઈને બેઠાં.

પહેલા મનુભાઈને ફોન જોડ્યો. ‘ હલો, જેશ્રીકૃષ્ણ, બોલો શું કામ છે ?’

‘ આજે પરિમલભાઈને સાંજે ઘરે જ લઈ આવીએ અને હવે પછીનું પ્લાનીંગ તેમની સાથે કરીએ- તને શું લાગે છે ?’

જિંદગીમાં કદાચ પહેલી વખત એમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો હશે ! ઘડીક તો શું જવાબ આપવો તે તેમને સમજાયું નહીં, પછી કહ્યું, ‘ તમને જે ઠીક લાગે તે…, પણ…… ભલે ને હોટલમાં જ રહે!’

ગઈકલની રીસ બોલી કે કંકાસથી હંમેશા દૂર રહેતો એમનો સ્વભાવ બોલ્યો, ખબર નહીં ; પરંતુ તેમના અવાજની તટસ્થતા સાંભળી મનુભાઈ અકળાયા, ‘ જો સરલા, મેં તને એક વાર સૉરી તો કહ્યું, હવે શું છે ? પરિમલભાઈ આપણે ઘરે જ રહેશે, એ મારો આખરી નિર્ણય છે, ઓ.કે !’ કહી ફોન મૂકી દીધો.

સરલાબહેને એમના સ્વભાવ મુજબ દલીલ કરવાનું માંડી વાળ્યું અને પરિમલભાઈને ફોન જોડ્યો.

‘ હલો, જૈ શ્રીકૃષ્ણ, ભાઈ, કેમ છો?… ભાવિનના સમાચાર જાણ્યાને?….ભગવાન જે કરે તે સારા માટે જ કરે…..હા, હા એ વાત હવે આપણે સાંજે શાંતીથી વિચારીશું. આજે તમે તમારો સામાન પૅક કરી લેજો ભાઈ, હવેથી તમારે અહીંજ રહેવાનું છે…….તમારા જીજાજીએ એકવાર નક્કી કર્યું એટલે એ પથ્થર પર લખેલો શીલાલેખ, ભાઈ, તેમાં કોઈ પણ ફેરફારને અવકાશ જ નથી. સ્નેહાને આજે મળવાના છો?…..ઓ.કે. તો એમ કરજોને કેથીને પૂછીને સ્નેહાને આજે અહીં રહેવા માટે લઈ આવી શકાતી હોય તો….કેટલાય દિવસથી દીકરીને જોઈ નથી…..હા…ઓ.કે…હું તમારા ફોનની રાહ જોઈશ. અને હા, પરિભાઈ સાંજે મારે તો જૉબ પર જવું પડશે, એટલે બને તો થોડાં વહેલા આવી શકશો? નક્કી કરીને કહેશો તો કિશન કે નમનને વેળાસર લેવા મોકલીશ. હા…ચાલો…આવજો.’

સરલાબહેન સાંજની રસોઈ કરીને પરવારી ગયાં અને નંદા શૉપ ઉપરથી આવી ગઈ. નમન અને કિશન ક્યારે ઘરે આવશે તેની ખબર નહોતી, પરંતુ નંદા આવી ગઈ અને હવે તે જ સ્નેહા અને પરિમલભાઈને લેવા જશે, તેમ ગોઠવી અને સરલાબહેને સ્નેહાને ફોન જોડ્યો.

‘કેમ છો, ફોઈ?’

‘ એમ થાય છે કે તું ‘ફોઈ’ શબ્દ બોલતી જ રહે અને હું સાંભળતી રહું. તારે મોઢે એ એટલું મીઠ્ઠું લાગે છે ને, બેટા!’

‘ ફોઈ, આજે કેથી કહેતી હતી કે ડોમેસ્ટિક વાયોલન્સનો કેઈસ કરવો હોય તો મારી હાજરી અહીં અનીવાર્ય છે. મને તો કાંઈ જ સમજ પડતી નથી.’

‘ હં, મને આજે સવારે જ એ વિચાર આવ્યો હતો, જે હશે તે, પડશે એવા દેવાશે ! અને હા, આજથી પરિભાઈ અમારી સાથે જ રહેવા આવી જશે. નંદુ થોડીવારમાં એમને લેવા માટે જાય છે. તું પણ કેથીને પૂછી જોને, હવે ભાવિન તો જેલમાં છે, તું અહીં અમારી સાથે રહી શકે કે નહી, બેટા ?’

‘ ફોઈ, આજે જ કેથી કહેતી હતી કે ભાવિનનો આ પહેલો જ ગુન્હો હોવાથી બેઈલ મળી જવાની શક્યતા છે.’

‘કંઈ વાંધો નહી, બેટા, આપણે સારામાં સારા સોલિસીટરને રોકીશું અને યોગ્ય સલાહ લઈને ‘ ઈનજંકશન ‘ લઈ લઈશું કે જેથી એ તારી પાસે પણ ફરકી શકશે નહીં. તું જરાય ચિંતા કરીશ નહી, હં ! પરંતુ તું જો આજે રાત્રે અહીં રોકાવા માટે આવે તો તમે સૌ સાથે બેસીને હવે આગળ શું કરવું તેનું પ્લાનીંગ કરી શકોને ?’

ચિંતાભર્યા સ્વરે સ્નેહાએ પૂછ્યું, ‘ કેમ ફોઈ, તમે સાંજે નથી ?’

‘સ્નેહા, મારે જોબ ઉપર જવાનું અને તે પણ રાતની શીફ્ટમાં એટલે રાત્રે આઠ વાગ્યે તો મારે જોબ ઉપર પહોંચી જવું પડે બેટા. અને તારા ફુઆ તો રાત્રે સાડા દસે ઘરે આવે એટલે સાથે બેસવાનો મેળ જ ન પડેને ? પણ તું ચિંતા ના કર, તારા ફુઆને આ બધી વાતમાં વધારે જાણકારી છે. એટલે રાત્રે જમી કરી શાંતીથી બેસીને પ્લાનીંગ કરજો.’

સ્નેહા એકદમ ભાંગેલે સ્વરે, થોડું અચકાતાં અચકાતાં બોલી, ‘ ફોઈ, મારે તમને એક બીજી પણ નાજુક વાત કહેવાની છે !’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *