જમણા હાથની પેલ્લી આંગળી

– નીતા જોષી

ફળિયામાં ઘેઘૂર લીમડા નીચે પાટી ભરેલા ખાટલા ઉપર મુસ્તાક લાંબો થઈ, આકાશ માપવા લાગ્યો. પોચા રૂ જેવાં સરકતાં વાદળનાં ચોસલાંઓ ઉપર વિસ્તરેલો અફાટ નીલો અવકાશ પોપચામાં ઊતરી આંખોને ઘેરવા લાગ્યો. સૂર્યાસ્ત થવાને થોડી જ વાર હતી. એ પ્રયત્નપૂર્વક જાગતો રહ્યો. વાળુ કર્યા વગર ઊંઘી જાય તો નૂરી શાંતિથી જંપવા ન દે. એમાં આજે પટેલને ત્યાં રજાઈમાં દોરાની ભાત ઉપસાવતી વખતે સોય રજાઈમાં જવાના બદલે સીધી જમણા હાથની પેલ્લી આંગળીમાં પેસી ગઈ. થોડું લોહી નીકળ્યું, છતાં એ ગણકાર્યા વગર પાટો બાંધી કામ કરતો રહેલો. થોડું-થોડું દર્દ હજુ પણ થતું હતું. એણે એ આંગળીને બીજી આંગળીઓથી રમાડી. વળી, નૂરીની માથાકૂટો યાદ આવી. આ આંગળીમાં શું થયું? ક્યારે થયું? કેમ કરતાં?…. એણે બાંધેલી પટ્ટી છોડી નાખી, જાણે કાંઈ જ ન થયું હોય એમ ઉજાશને અંધારામાં સમેટાતો જોતો રહ્યો.

સૂતાં-સૂતાં રસોડામાં નજર નાંખી. આછા અંધારામાં સોનેરી તાપ ચળકતો હતો. નૂરી બન્ને હાથમાં બાજરીના રોટલાનો લૂઓ રમાડતી હતી. ટપ-ટપાક રોટલો ગોળ-ગોળ એની હથેળીમાં રમવા લાગ્યો. સોનેરી તાપના ઊડતા તણખામાં નૂરીનો ગોરો ચહેરો વધારે લાલઘૂમ દેખાતો હતો. મુસ્તાક દૂરથી જોઈ રહ્યો, એના લીસા ચળકતા ગાલને. મનોમન મલકાયો. સંતોષથી ફરી આકાશમાં જોઈ એણે અલ્લાહનો આભાર માન્યો. એટલામાં દૂરથી મેપા ભરવાડનો છોકરો આલો આવતો દેખાયો. ઘેટાના બચ્ચાને ગળામાં લટકાવી આલો નજીકથી પસાર થયો : ‘કેમ છો? મુસ્તાકભાઈ!’

‘લાવ તો તારા ગાડરાને,’ કહેતાં મુસ્તાકે ઘેટાનું બચ્ચું ખોળામાં લીધું. કૂણું, હુંફાળું ઊન અડતાં જ મુસ્તાકની ઊંઘરેટી આંખો પૂરેપૂરી ખૂલી ગઈ. રૂ ના ધંધામાં પડ્યા પછી એ હૃદયથી વધારે ઋજુ બની ગયેલો. અણીદાર સોય સાથે પનારો હોવા છતાંયે રૂ નો મખમલી સ્પર્શ એને વધારે સુંવાળો બનાવતો. રજાઈઓમાં કુશળતાપૂર્વક દોરાઓ વડે ભાત ઉપસાવતો. રંગોનાં સમીકરણ રચવામાં મુસ્તાકની માસ્ટરી હતી. એના ધંધાનો પડાવ પણ નદીકાંઠાની બજારમાં વચ્ચોવચ્ચ હતો. નદીના સૂક્કા પટના બન્ને કાંઠે નાની-મોટી દુકાનો, લારીઓ, શાકમાર્કેટ અને સંઘેડાબજાર હતી. દુકાનોની એક હાર પૂરી થયા પછી આગળના શહેર તરફ જતો પાક્કો રસ્તો અને રસ્તાની ડાબી બાજુ જૂનાં કપડાંના ઢગલાઓ લઈ બેઠેલા ફેરિયા, શેરડીના રસની લારીઓ, બરફના ગોળાવાળા, જ્યૂસ સેન્ટર, ચપ્પૂ-છરીની ધાર કાઢવાવાળા તેમજ લાકડાની પેટી લઈને બેઠેલા છૂટા-છવાયાં બે-ત્રણ મોચીઓ અને બરાબર વચ્ચે પડતા ચોકમાં બે ઘેઘૂર લીમડા નીચે મુસ્તાકનો ગાદલાં-રજાઈ બનાવવાનો નાનકડો વ્યવસાય. જૂની બાપદાદાએ શોધેલી જગ્યા એટલે ગ્રાહકો આસપાસનાં જૂનાં અને જાણીતાં જ હતા. એ પછી બીજા બે-ત્રણ જણાએ રૂ ના વ્યવસાયની બે દુકાનો નાખેલી. છતાં, મુસ્તાક એના કામથી વધારે જાણીતો બનેલો. એને ધંધાકીય હરીફાઈની પરવા નહોતી. છઠ્ઠું ધોરણ પાસ કર્યું પછી અબ્બાએ સોય-દોરો અને સૂયો પકડાવી દીધેલાં. શરૂ-શરૂમાં તકલીફ પડતી પછી આંગળી કેળવાતી ગઈ એમ સરકતા સાપની જેમ રજાઈ ઉપર ફરી વળતી. બાવીસ વર્ષનો કુશળ પિંજારો સાબિત થઈ ગયા પછી અબ્બા ત્યાં બેસીને સમય પસાર કરતા અને જૂના ગ્રાહકો સાથે સત્સંગ કરતા એટલું જ.

મુસ્તાક સ્વભાવે શરમાળ હતો. સ્ત્રીઓ સાથે ભાવ તાલની રકઝક કરવાનો એ કાયર હતો. છતાં, જરૂર હોય ત્યારે કહેવામાં સંકોચાતો નહીં – ‘મારી પાસે સમય નથી. તમે બીજી દુકાને જાઓ. ત્યાં કદાચ તમને સસ્તામાં કરી દેશે, મારો તો વર્ષો જૂનો એક જ ભાવ છે.’ એ ક્યારેય ધંધાકીય ગરજ બતાવતો નહીં. બે પૈસા વધારે રળી લેવા ધંધાકીય વાણીવિલાસ કરતો નહીં. મુસ્તાકના સ્વભાવની એ ખાસિયત હતી. કોઈ એક રજાઈ જોવા માગે તો જુદી-જુદી દસ રજાઈ બતાવતો. બધાંના રંગો, કાપડ અને ઉપસાવેલી ભાતની સુંદરતાનાં વખાણ કરતો કહેતો જાય, ‘જો આ રંગમાં આવી દોરાની ભાત તમને આખા શહેરમાં ક્યાંય જોવા મળે તો કહેજો! તમે પહેલાં બધી જગ્યાએ ફરી અને જોઈ લ્યો, પછી મન માને તો આવજો, હું તો અહીં જ છું.’ મુસ્તાકને મિત્રો નહિવત્ હતા. બે લંગોટિયા દોસ્ત ગુલુ અને વનરાજ. નવરાશની પળોમાં ભેગા થાય ત્યારે ગપસપ, મજાક મસ્તી, ગામ, નગર, શહેરની ચર્ચાઓ ચાલે. કોમવાદી હુલ્લડ વખતે કોની પાસેથી કેવાં શસ્ત્રો મળ્યાં એ વાત જ્યારે બીજા પાસેથી જાણતો ત્યારે હબક ખાઈ જતો. સોય અને સૂયાની દુનિયાથી આગળ વધી છરી-ચપ્પુને નજીકથી ઓળખતો એટલું જ.

સવારે આઠથી સાંજે સાત સુધી રજાઈઓમાં દોરાઓને સુંદર ઘાટ આપી ઘરે પહોંચે, આછી દાઢીમાં ચોંટેલું રૂ, ક્યાંક દોરાના તાર, વાળમાં ઉડેલી પિંજેલા રૂ ની છીંટો સાફ કરી સાફ-સૂથરો થઈ અરીસામાં નમણા માસૂમ ચહેરા ઉપર પોતે જ મુસ્તાક થઈ જતો. વાળુ-પાણી પતાવ્યા પછી ગુલુ અને વનરાજ સાથે ગોઠડી ચાલે. દિવસ આખાના અહેવાલોની આપ-લે થયા બાદ ઘસઘસાટ ઊંઘી જતો. વરસાદ સિવાય એ લીમડા નીચે પાટીના ખાટલા ઉપર જ સૂતો. આ જીવનક્રમ નૂરી સાથેનો ઘરસંસાર શરૂ થયા પછી પણ મોટા ભાગનો જળવાયેલો. નૂરી સાથે લડવા-ઝઘડવાનો સમય જ નહોતો. ઊલટાનો દિવસે-દિવસે હૃદયથી વધુ ઋજુ અને મુલાયમ થતો જતો હતો. નૂરી એના જીવનમાં ઊઘડતી સવાર જેવી પ્રવેશી હતી. નૂરીની યુવાની જ્યારે પૂરબહાર ખીલેલી હતી એ સમય યાદ કરતા મુસ્તાક આંખ બંધ કરી ગયો. નૂરી સાથેની પ્રથમ મુલાકાત યાદ આવતાં એના ચહેરા ઉપર આછું સ્મિત ફેલાઈ ગયું. થોડીવાર પહેલાંનું આંગળીનું દર્દ જાણે સાવ ભૂલી ગયો.

ગનીચાચાની નસીમના નિકાહની તૈયારીઓ ચાલતી હતી. ગનીચાચાએ ઘરે જ ગાદલાં-રજાઈ-તકિયા-ઓશીકાં બનાવવા એને બોલાવેલો. ત્યારે અબ્બા પણ સાથે જ હતા. અબ્બા ગનીચાચા સાથે વાતોએ વળગેલા. એ રજાઈમાં દોરાઓથી કસબ કાઢતો હતો, ‘સલામ વાલેકુમ ચાચા’ મીઠો રણકાર ડેલીમાંથી તરતો તરતો આવ્યો એ સાથે ડોક મરડીને જોવાની ઇચ્છા થઈ, પણ અબ્બા અને ચાચાની શરમથી નીચું મોં રાખી કામ કરતો રહ્યો. એ અંદરની રૂમમાં થતી ગુસપુસ તરફ કાન સતેજ કરી ક્યાંય સુધી વાતો સાંભળતો રહ્યો. નૂરી બારીમાંથી રજાઈ વણાતી જોઈ નસીમને ચીડવતી હતી, ‘જોને કેવી રેશમી મુલાયમ ભાતવાળી રજાઈ છે, આમાં તો ખરબચડો ખાવિંદ પણ લીસ્સો સાપ થઈ જાય.’ જવાબમાં નસીમે પણ ચીડવેલી, ‘આટલી બધી રજાઈ માણવાનો શોખ હોય તો ખાલી રજાઈ શું કામ? રજાઈ બનાવવાવાળો જ શોધી લે ને, જો ને કેવો છે રજાઈ જેવો જ નરમ…. કૂણો…. મુલાયમ!’ આટલું સાંભળતા કાન લાલ લાલ થઈ ગયેલા. એણે ત્રાંસી નજરે બારીમાં જોયું તો નૂરીની ફક્ત પીઠ જોવા મળી. એણે પીઠ ઉપર ફેલાયેલા કાળા ચળકતા વાળ જોયા, ત્યારે મુસ્તાકનાં જીવનની એ પહેલી રાત હતી જે સૌથી ઓછી ઊંઘવાળી હતી. એ રાતે જ એણે સપનાની રજાઈ ગૂંથી નાખેલી. પછી તો રોજ રાતે નૂરી પરીની જેમ રજાઈ ઉપર પથરાઈ જતી. વાદળ ઉપર ધીરે-ધીરે સરકતી રજાઈ, રજાઈમાં લપેટાયેલો ગોરો સુપુષ્ટ દેહ. બસ એકવાર નૂરી મળી જાય તો દિલ દઈને નકશીદાર રજાઈ બનાવું. એવું વિચારતાં પોતે પણ લપેટાઈ જતો. નૂરીને જોવા માટે જ ગનીચાચાને ત્યાં ત્રણ દિવસનાં કામને એણે પાંચ દિવસ કરેલાં. ગુલુ અને વનરાજને નૂરી વિશે કહેવું કે કેમ? નૂરીનું મન જાણ્યા પછી જ કહેવું એમ મનમાં મક્કમ થયેલો. ગુલુ પાસેથી નૂરીના ઘરનું ઠેકાણું તો જાણી લીધું. આલા ભરવાડના ઘરની પાસે જ છે. એ જાણી બીજા દિવસે સાંજે પહોંચી ગયો આલાને ત્યાં, ‘આલા, તે દિવસે તું ગાડરાં માટે ગોદડીનું પૂછતો હતો, શું થયું? લાવ આજે નવરાશ છે એટલે થયું જરા પૂછતો આવું.’

‘અરે મુસ્તાકભાઈ, તમે ધક્કો ખાધો? હું નીકળું જ છું ને ત્યાંથી રોજેય…..’

‘આ તો થયું ચાલ આજે…..’ કહેતાં મુસ્તાક આલાના ખાટલા ઉપર બેસી નાના ગાડરાને રમાડવા લાગ્યો. નૂરીની બંધ ડેલી તરફ નિસાસો નાંખ્યો. એટલામાં ડેલી ખૂલી. પરદો ખૂલ્યા પછીના દૃશ્ય જેવી નૂરીને જોઈને મુસ્તાકના શરીરમાં તાજું લોહી ધસી આવ્યું. એ ટટ્ટાર થઈ ગયો. નૂરીને પહેલીવાર આંખ માંડીને જોઈ. નૂરી આલાને ત્યાં દૂધ લેવા આવેલી. નૂરીએ મુસ્તાકને જોયો. ‘છે ને રજાઈ જેવો જ નરમ…. મુલાયમ….’ નૂરીને નસીમની મશ્કરી યાદ આવી. ધીરે-ધીરે મુસ્તાક આલાને ત્યાં વધારે આવતો જતો થઈ ગયો. બકરીનું દૂધ લેવાને બહાને, ક્યારેક માવો લેવા. એક દિવસ મુસ્તાક દૂધ લેવા આવ્યો. બરાબર એ સમયે નૂરી પણ આવી. શું બોલવું એની સમજ ન પડી. નૂરીએ સીધા રૂ ના દામ પૂછ્યા. મુસ્તાકે તક ઝડપી અને કહ્યું, ‘આવજો ને લીમડા નીચે, બતાવીશ જાતજાતનાં અને ભાતભાતનાં રૂ નાં પોલ, પછી દામ નક્કી કરીશ.’

‘એમ નહીં, આ તો અમ્મીએ પુછાવ્યું છે.’ એ દિવસે મુસ્તાક બેચેન થઈ ગયેલો.

મુસ્તાકની આંગળીમાં સણકો ઉઠ્યો. એની અંદર ચાલતી મનપસંદ ફિલ્મનું દૃશ્ય અધૂરું કાપી એણે આંગળીને ધ્યાનથી જોઈ, સહેજ સૂજીને કડક થઈ ગયેલી. ત્યાં જ ધમધમાટ કરતી નૂરી આવી. ‘વાળુ તૈયાર છે’ કહી મુસ્તાકને ઊભો કરવા આંગળાંમાં આંગળાં પરોવ્યાં. એ સાથે એક સીસકારો નીકળી ગયો.

‘શું થયું?’

‘કાંઈ નહીં. બસ જરાક આ આંગળી…..’

‘અરે! આ તો પાકવાની હોય એમ સૂજી ગઈ છે.’ નૂરીથી આંગળી છુપાવવી અઘરી હતી. નૂરી નાના બાળકને લઈને બેસે એમ આંગળી પકડીને ક્યાંય સુધી બેસી રહી. આંગળીનું દર્દ ધીરે-ધીરે જોર પકડતું હતું.

‘અરે! આટલા નાના એવાં દર્દમાં આવી ઢીલી શું થઈ જાય છે? થોડા દિવસમાં આંગળી સારી થઈ જશે. હજુ તો તારા માટે રજાઈ બનાવવાની પણ બાકી છે. કાપડ વેતરીને તૈયાર કરી નાંખ્યું છે. બસ આ…..’

‘તાવ-માથું હોય તો ચિંતા ન થાય. આ તો જમણા હાથની પેલ્લી આંગળી છે એટલે……’ કહેતાં નૂરીનું ગળું ભરાઈ આવ્યું. એ ઊભી થઈ. વધેલું બાકીનું કામ આટોપ્યું અને મુસ્તાક પાસે બેસી ગઈ.
‘જો નૂરી તું પણ ધાર્યા કરતાં કેટલી સરળ રીતે મળી ગઈ. જ્યારે આ તો આંગળી છે.’ મુસ્તાકે વાત બદલવાનો પ્રયત્ન કર્યો, ‘બાકી એ દિવસે જ્યારે તેં રૂ ના દામ પૂછેલા, મારું તો ખાવાનું જ સુકાઈ ગયેલું. શુક્રગુજાર ગુલુ જેવા દોસ્તનો કે સમયસર અબ્બાને વાત કરી. નહીંતર તું તો સરકીને અત્યારે ખબર નહીં ક્યાં હોત!’ નૂરીએ હોઠ ઉપર આંગળી મૂકી એને ઊંઘી જવા કહ્યું. નૂરી જમીન ઉપર શેતરંજી પાથરી પાસે જ સૂતી.

નૂરીની રજાઈ બનાવવામાં બહુ વાર લગાડી…. મુસ્તાક મનોમન વિચારવા લાગ્યો. બસ, હવે થોડા જ દિવસોમાં સીવવાનું શરૂ કરી દઈશ. એનું ચાલે તો એણે રજાઈ નૂરીના આવતાં પહેલા બનાવી નાખી હોત પણ…. અબ્બાજાન અને અમ્મી ક્યારેય રજાઈ પાથરી સૂતાં નહીં. અબ્બાને મક્કા હજ કરવા જવાની મન્નત ‘જ્યાં સુધી હજ ન કરું ત્યાં સુધી સાદી શેતરંજી ઉપર જમીન ઉપર જ સૂઈશ.’ અને અમ્મી બિચારી અબ્બા ન સૂએ તો એ ક્યાંથી રજાઈ ઉપર સૂએ? આમ મુસ્તાક નૂરી માટે રજાઈ બનાવવામાં થોડો સંકોચાયેલો, શરમાયેલો પણ ખરો. નૂરીને એણે કોમળ હથેળીમાં સંભાળી લીધી હતી. મુસ્તાકને એ વાતનો સંતોષ હતો કે એણે બેવડી મહેનત કરીને અબ્બાની મન્નત પૂરી કરાવેલી. કાળક્રમે અબ્બા, અમ્મી તો અલ્લાહને પ્યારાં થઈ ગયાં. રહી ગયાં એ અને નૂરી. રજાઈની જેમ નૂરી એનાં જીવનમાં સીવાઈ ગયેલી. ધીરે-ધીરે મુસ્તાકના વ્યવસાયમાં એ પણ હાથ કેળવતી.

સવાર થતાં સુધીમાં મુસ્તાકની આંગળીનું દર્દ વધી ગયું. શરીરમાં ઝીણો તાવ ભરાઈ ગયો હતો. નૂરીના કપાળ ઉપર ચિંતાના સળ ઉપસ્યા. નૂરીએ સૂજી ગયેલી આંગળી તરફ ચિંતાથી જોયું. એ સારી રીતે જાણતી હતી, મુસ્તાકની પેલ્લી આંગળીની કિંમત. એણે તરત જ ગુલુ અને વનરાજને બોલાવ્યા; જેટલું જઈ શકાય એટલું જલ્દી ડૉક્ટર પાસે જવું એવું નક્કી કર્યું. મુસ્તાકના કપાળ ઉપર પણ પહેલીવાર કરચલી પડી. એણે હજુ ગઈકાલે જ મોરપીંછ રંગનું કાપડ રૂ પાથરીને તૈયાર કરી દીધું હતું. એમાં આછા ગુલાબી રંગની કિનારીઓ અને વચ્ચે ફૂલોની ભાત. એના મનમાં રજાઈનો આખો નકશો તૈયાર હતો. ખબર નહીં વચ્ચે આ આંગળીનું દર્દ અચાનક ક્યાંથી ટપક્યું! એ જાણતો હતો આ આંગળી એની આજીવિકા હતી. આંગળીનો દુ:ખાવો લબકારામાં પલટાયો. શરીર તાવથી વધુ શેકાવા લાગ્યું. નૂરીના બધા પ્રયત્ન નિષ્ફળ જતા હતા. બીજા દિવસે બાજુના શહેરની ઓર્થોપેડીક હોસ્પિટલમાં જવું એવું નક્કી કર્યું. નૂરીએ સાથે જવા જીદ કરી. પણ, મુસ્તાકે એને સમજાવી, ‘હજુ તો કેટકેટલાંના ગાદલાં-ગોદડાં-તકિયા-ઓશીકાં-રજાઈ-ધડકલીના હિસાબ પતાવવાના છે, કેટલાકનાં કામ અધૂરાં છે. એ બધાનું શું?’ અંતે મુસ્તાકની વાત માની નૂરી ઘરે રહી. મુસ્તાક, ગુલુ અને વનરાજ શહેરમાં જવા નીકળ્યા, નૂરી એકલી પડતાં જ ઉદાસ થઈ. મુસ્તાકની આંગળીથી ખાલી રેશમી રજાઈઓ જ નહોતી બની, એનાં લોહીમાં પણ રેશમી તાર વણાયા હતાં. મુસ્તાકની પેલ્લી આંગળી એનાં જીવનનો આધાર હતી. જે પકડીને એ આ ઘરમાં પ્રવેશી હતી. બીજા દિવસે એ ચિંતા અને બેચેની સાથે લીમડા નીચેની દુકાને પહોંચી. નૂરીએ ઝીણવટપૂર્વક બધું તપાસ્યું. એની આંખો ભીની થઈ. સજળ આંખોથી જ દુકાનની અંદર પડેલો માલ-સામાન તપાસ્યો. એક ખૂણામાં મોરપીંછ રંગના રેશમી કાપડમાં રૂ પથરાયેલું જોયું એ સમજી ગઈ. આ જ હતી એના સપનાની રજાઈ.

એને થોડા દિવસ પહેલાની એ સાંજ યાદ આવી. મુસ્તાક બાજુના ગામમાં પટેલને ત્યાં ઓર્ડર લેતાં પહેલાં રૂ જોવા અને ભાવ-તાલ કરવા ગયેલો. સાંજે ઘરે આવી અને કહેતો હતો, ‘નૂરી, આજે તો મેં રૂ જોયું છે કાંઈ ચોખ્ખું, સફેદ વાદળનાં ગોટા જેવું, સસલાની રૂંવાટી જેવું સુંવાળું, દૂરથી તો જાણે બરફીનાં ચોસલાં ગોઠવેલાં હોય એવું. નૂરી આજે ખાવાનું મન નથી. બસ, એ રૂ ની રજાઈ બનાવવી છે તારા માટે.’ મોરપીંછ રંગમાં આછા ગુલાબી રંગની કિનારીઓ અને વચ્ચે ફૂલોની ભાત યાદ આવતાં જ નૂરીની આંખ ફરી ભરાઈ આવી. એને રજાઈ ઉપર સરકતી મુસ્તાકની આંગળી યાદ આવી. એને થયું આ આંગળીથી બનેલી રજાઈઓમાં કેટલાંયે હૃદય આળોટ્યાં હશે! હે પરવરદિગાર…. મારા મુસ્તાકની આંગળી બચાવી લેજે…. વિચારતાની સાથે નૂરીએ સોયમાં દોરો પરોવ્યો.

સાંજ પડતાં મુસ્તાકના સમાચારની રાહ જોતી સમય કાપતી હતી. સાંજે વનરાજ આવ્યો. ‘મુસ્તાકની આંગળીમાં ગેંગ્રીન છે. હજુ બે દિવસ એને હોસ્પિટલમાં રહેવું પડશે…’ એ સમાચાર મળતાં નૂરી ડૂસકું ગળી ગઈ. એ રાત નૂરીની જિંદગીની સૌથી લાંબી વેદનાભરી રાત હતી. સવારે ઊભી થઈ, કાંઈક મક્કમતા સાથે. મુસ્તાકના ગજવામાંથી મોટો રૂમાલ કાઢી લીમડા નીચે પહોંચી ગઈ. નાકે-મોં એ રૂમાલ વીંટાળ્યો. પીંજાતા રૂની કરચો એના લાંબા વાળમાં છંટાઈ. સોયમાં દોરો પરોવી એ મચી પડી.

આજે તો મુસ્તાક આવી જવાનો હતો.

સાંજે વહેલી ઘરે પહોંચી. નાહી-ધોઈ ચૂલો સળગાવ્યો. થોડીવારમાં ગુલુ અને મુસ્તાક આવ્યા. નૂરીએ ગુલુની હાજરીમાં જાતને સંભાળી. મુસ્તાકનો હાથ પકડ્યો પછી ચૂમ્યો. ગુલુ સમય પામીને સરકી ગયો. નૂરીની હથેળીમાં મુસ્તાકનો એક આંગળી વગરનો જમણો હાથ આવતાં જ તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. મુસ્તાકને બાઝીને એ ખૂબ રડી. મુસ્તાક નૂરી સામે જોઈ બોલ્યો : ‘નૂરી, એક આંગળી ઓછી થઈ છે, જીવન નહીં. આંગળીથી પણ વિશેષ તારા માટે રજાઈ બનાવી ન શક્યો, એનો અફસોસ રહી જશે.’
‘એવું ન બોલ મુસ્તાક’ કહેતાં નૂરી તરવરાટ સાથે અંદરથી રજાઈ લઈ આવી. ખીલેલી ચાંદનીમાં ઢાળેલા ખાટલા ઉપર રેશમી રજાઈ પાથરી. મુસ્તાકને થયું હમણાં જાણે એ રૂ નો ઢગલો થઈ જશે! એ જોઈ રહ્યો એની સપનાની વણાયેલી રજાઈ. એણે રજાઈ ઉપર હાથ ફેરવ્યો, દોરાના એકસરખા માપથી ઉપસાવેલી ફૂલોની ભાત ઝીણવટથી જોઈ. નૂરીનો ચહેરો બે હથેળીમાં લઈ ચૂમ્યો. સંતોષ સાથે ફરી એકવાર અલ્લાહનો આભાર માન્યો.

નૂરીનાં હાથમાં મુસ્તાકનો એક આંગળી વગરનો જમણો હાથ હતો.
એને મનમાં થયું એક આંગળી વગરનો મુસ્તાક તો સોય વગરના દોરા જેવો અધૂરો છે. મુસ્તાક નૂરીની આંખોને વાંચી ગયો હોય એમ હળવેથી રજાઈ ઉપર સુવરાવતાં બોલ્યો, ‘તું છે ને મારાં જમણા હાથની પેલ્લી આંગળી.’


સંપર્ક સૂત્રો :

ઈ મેઈલ – Nita Joshi <neeta.singer@gmail.com>

મોબાઈલ – +91 94272 39198

* * *

(‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધા – 2012’માં દ્વિતીય ક્રમ મેળવનાર વાર્તાનાં સર્જક શ્રીમતી નીતાબેન જોષી વડોદરા નિવાસી છે. અભ્યાસે એમ.એ., એમ. ફીલ.ની પદવી મેળવ્યા બાદ તેમણે તેર વર્ષ સુધી અધ્યાપન કાર્ય કર્યું છે. તેમની અમુક કૃતિઓ ‘શબ્દસૃષ્ટિ’ અને ‘નવનીત સમર્પણ’ જેવાં સામાયિકોમાં સ્થાન પામી છે. નાટ્યસ્પર્ધા ‘બુડ્રેટી’, અમદાવાદ દ્વારા આયોજિત થઈ હતી, જેમાં તેમના નાટક ‘અમે તો વહુનાં વહુ’ને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. હૃદયસ્પર્શી એવી આ વાર્તાને ‘વેબગુર્જરી’ પ્રસિદ્ધ કરવા માટેની તેમની ઉદાર સહમતી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

1 comment for “જમણા હાથની પેલ્લી આંગળી

  1. Dipak Dholakia
    December 10, 2017 at 10:53 pm

    ઘણા વખતે બહુ સારું વાંચવા મળ્યું. કેટલાય દાયકાઓથી સમાજના નબળા વર્ગના લોકોની સંવેદનાઓ સાહિત્યનો વિષય નથી રહી. અંત સુધી,હું મુસ્તાક સાથે રહ્યો. ચિંતા હતી કે શું થશે. નીતાબેન, આ વાર્તા માટે તમને ઇનામ ન મળ્યું હોત તો મને બહુ દુઃખ થયું હોત.વેબગુર્જરી પર તમારી હાજરી વધારે નિયમિત બને એવી લાલચ થાય છે.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.